કહો જોઈએ, તમારાં નવરત્ન કોણ?

તાનસેન અને બીરબલ આ નવરત્ન પૈકીનાં જાણીતાં નામો છે અને તેમની પુષ્કળ વાર્તાઓ, કિસ્સાઓ નાનપણમાં સાંભળીને જ મોટા થયા, પણ કહો જોઈએ તમારામાંથી કેટલાએ અકબરની જેમ નવરત્ન શોધીને પોતાની આજુબાજુમાં ગોઠવવાનું કામ કર્યું? કદાચ, કોઈએ નહીં

ratna

સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

છે તમારાં નવરત્ન? અરે, નવ છોડો, પાંચ-સાત-આઠ રત્નો પણ તમારી આજુબાજુમાં છે? છે એવા સાથીઓ જે પોતાની હોશિયારી તમારા નામે કરી દેવા તૈયાર હોય? છે એવા મિત્રો જે બધું ભૂલીને તમારો દરબાર શણગારવાનું કામ કરી રહ્યા હોય? જીવનમાં હોવાં જોઈએ નવરત્ન અને જેની પાસે પોતાનાં નવરત્ન છે એ પોતાનું એમ્પાયર ઊભું કરી શકે છે. એક એવું એમ્પાયર જેને તોડવાનો વિચાર પણ કરવો અઘરો થઈ જાય છે. આગળ વધતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરી લેવાની કે જરૂરી નથી કે નવરત્નો બિઝનેસ-એમ્પાયર ઊભું કરવામાં જ મદદરૂપ થાય, એ સામાજિક સ્તરથી માંડીને પારિવારિક સંબંધોમાં પણ એટલાં જ ઉપયોગી બને છે, બનતાં હોય છે.

શહેનશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબરને હિન્દુસ્તાન સાથે કંઈ લાગતુંવળગતું નહોતું. હિન્દુસ્તાનમાં તેનું કોઈ રહેતું પણ નહોતું. મોગલ સામ્રાજ્યના આ ત્રીજા વંશજનો પરિવાર, તેના રિલેટિવ્સ પણ સિંધમાં હતા. તે એકલો આ દેશમાં આવ્યો હતો અને આ દેશમાં તેણે શાસન જમાવ્યું. અકબરે એસ્ટૅબ્લિશ કરેલા આ શાસનને મોગલ સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ કાળ માનવામાં આવે છે. તેના શાસનકાળ દરમ્યાન અકબર નાનાં-મોટાં ૧૮૭ યુદ્ધ લડ્યો અને આ તમામેતમામ યુદ્ધ તે જીત્યો. તેના શાસનકાળમાં પ્રજા સુખી હતી, સમૃદ્ધ હતી. અકબરે આ સુખસમૃદ્ધિ માટે કોને જશ આપ્યો હતો ખબર છે તમને? પોતાનાં નવરત્નોને અને આ જ હકીકત છે.

સફળ થવા માટે તમારી પાસે તમારો રત્નકુંભ હોવો જોઈશે, જે તમને સાચું-ખોટું, સારું-ખરાબ કહી શકે અને તમને સાચા રસ્તે વાળી શકે, સાચી દિશામાં આગળ લઈ જઈ શકે. જ્યારે લાગે કે વધારે પડતો સમય શાસનમાં અપાઈ રહ્યો છે ત્યારે આ જ રત્નો ધ્યાન દોરાવે કે હવે થોડો સમય અંગત અને સ્વજનોને આપવાનો સમય આવી ગયો છે અને જ્યારે પ્રેમ આંખે પટ્ટી બાંધીને આગળ વધતાં રોકે ત્યારે આ જ રત્નોમાંથી કોઈએ આગળ આવીને કહેવું પડે કે જો આ જ આચાર રહ્યા તો તબાહી હાથવેંતમાં છે. સફળ થવા માટે, સફળતાને એકધારી અકબંધ રાખવા માટે અને સફળતાના નવા આયામ પર પહોંચવા માટે નવરત્નો જોઈશે, જે તમને કહી શકે, રોકી શકે અને જરૂર પડે ત્યારે ધક્કો પણ મારી શકે. કહેવાનો ભાવાર્થ એવો નથી કે કોઈના વિના આગળ નથી વધાતું કે કોઈના વિના આગળ વધવાનું કામ અઘરું છે. ના રે, જરા પણ નહીં. પણ વાત અહીં માત્ર આગળ વધવાની નથી. વાત એકધારા આગળ વધવાની અને સતત આગળ વધતા રહેવાની છે. જો તમે એવી અપેક્ષા રાખતા હો કે તમારે માત્ર શ્વસનપ્રક્રિયાની ફરજ અદા કરવાની છે તો ચર્ચાને સ્થાન નથી, પણ જો તમે માનતા હો કે મળેલી શ્વસનપ્રક્રિયા અટકે એ પછી પણ દુનિયા યાદ રાખતી રહે તો તમારી પાસે તમારા નવરત્નો હોવાં જોઈશે જે તમને રોકી શકે, ટોકી શકે અને ધક્કો પણ મારી શકે.

અકબરની આ નવરત્નોની ફિલોસૉફીને ખરેખર ધ્યાનથી જોવા જેવી છે. અકબરનો દરબાર દર્શાવે છે કે તમે દરેક કામમાં નિપુણ હો એ જરાપણ જરૂરી નથી અને સાથોસાથ અકબરનો દરબાર સૂચવે છે કે તમે ભલે નિપુણ ન હો, તમે ભલે માસ્ટર ન હો પણ જે-તે કામના, જે-તે ક્ષેત્રના માસ્ટર તમારી પાસે હોવા જોઈએ. દરેક તબક્કે માસ્ટર બનવું જરૂરી નથી, પણ દરેક તબક્કે માસ્ટરને હાથવગા રાખવા એ બહુ જરૂરી છે. દરેક તબક્કે બહેતર બનવું જરૂરી નથી, ન પણ બની શકાય પણ બહેતર છે એ તમારી પાસે હોવા જોઈએ. આગળ કહ્યું છે અને વધુ એક વખત કહેવાની ઇચ્છા થાય છે. જરાપણ જરૂરી નથી કે આ વાતને માત્ર અને માત્ર પ્રોફેશનલ કરીઅર સાથે જ નિસબત છે. એ જગ્યાએ પણ તમને આ નવરત્નો ઉપયોગી બનવાનાં જ છે; પણ અંગત જીવનમાં, પર્સનલ લાઇફમાં પણ એ એટલા જ મહત્વપૂર્ણ બનવાનાં છે એ નક્કી છે. તાનસેનમાં કોઈ પ્રકારની યુદ્ધનિપુણતા નહોતી. રાજા બીરબલને પણ રણમેદાન સાથે કોઈ નિસબત નહોતી. અબુલ ફઝલનું નામ જ્વલ્લે જ કોઈએ સાંભળ્યું હશે, પણ આ અબુલ પણ નવરત્ન પૈકીનો એક રત્ન હતો. અબુલને પણ રાજપાટ સાથે કોઈ પનારો નહોતો, તે તો ઇતિહાસકાર હતો અને તેણે જ અકબરના સમયકાળની અકબરનામા લખી. અબુલ હોય કે પછી બીરબલ હોય કે પછી તાનસેન હોય, તેમણે અકબરના પારિવારિક જીવનમાં તંદુરસ્તી રહે એ વાત પર ધ્યાન આપ્યું હતું.

જરૂરી છે જીવનમાં એવાં પણ રત્નો જે આખા દિવસનું ગદ્ધાવૈતરું કર્યા પછી થોડી વાર માટે મળીને હળવા કરવાનું કામ કરે. જરૂરી છે જીવનમાં એવા પણ રત્નો જે મનમાં ચાલતી ગડમથલને શાંત કરવાનું કામ કરે અને માત્ર પોતાનું મંતવ્ય આપીને પણ ખળભળાટ કરી રહેલા હૈયાને ટાઢક આપવા પ્રયાસ કરે. જરૂરી છે એવા રત્નો પણ જેની આવશ્યકતા દેખીતી રીતે ઉપયોગી ન હોય તો પણ એ ખુશ્બૂ આપવાનું કામ કર્યા કરે. યાદ રાખજો, અહીં ટોળાટપ્પા કરનારા મિત્રોની નહીં પણ રત્નોની વાત કરવામાં આવે છે, જે જીવનને એક વેંત નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ આસાનીથી અને સરળતા સાથે કરે છે અને સૌથી મહત્વનું, તમને જાણ કર્યા વિના તે આ કામ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK