પહલે એક શામ ભી હુઆ કરતી થી

જાત સાથે સંવાદ સાધી શકીએ. દિવસભરના બળાપાને ખંખેરી શકીએ. આવતી કાલની આશા ફરી બાંધી શકીએ અને રાતના શાંતિથી ઊંઘી શકીએ. અજવાળા અને અંધારા વચ્ચેની આ ક્ષણ આપણા બનાવટી ચહેરાને ઉતારવાની છે

tamasha

સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

અબ તો દિન રાત પર હી રુકતા હૈ

મુઝે યાદ હૈ પહલે એક શામ ભી હુઆ કરતી થી

- ગુલઝાર


ગુલઝારની આ પંક્તિ હૃદયસ્પર્શી છે. કવિ-શાયર ગુલઝાર ચોટદાર લખે છે, કારણ કે તેમની પાસે નાની-નાની વસ્તુને અલગ રીતે જોવાની અને માણવાની દૃષ્ટિ છે. રોજ દોડવાની લહાયમાં આપણે સાંજ સામે પલાંઠી વાળીને બેસવાનું જ ભૂલી ગયા છીએ. ઇન ફૅક્ટ એ જલસો છૂટી ગયો છે.

સાંજ કોઈકના માટે થાક ઉતારવાનું ટાણું છે તો કોઈકની સાંજ ભાર લઈ ફરતી હોય છે.  કોઈની સાંજ રંગીન છે તો કોઈકની સાંજ રંગહીન. સાંજ પડતાં જ આકાશ એનો રંગ બદલે છે. વાદળ એનો આકાર બદલે છે. દરિયાકિનારાની સાંજે સૂરજ પાણીમાં ડૂબકી લગાવી ઠંડો પડવા માગતો હોય એવો ભાસ થાય. પંખીઓ માળામાં પાછાં ફરતાં દેખાય. અને સવારે અનેક સપનાંઓ આંખમાં આંજી નીકળેલો માણસ સાંજ પડતાં ઘર તરફ દોટ મૂકતો હોય.

જેમ દરેક માણસનાં સપનાં અલગ હોય છે એમ દરેક માણસની સાંજ પણ ભિન્ન હોય છે. કરમાયેલા મુરઝાયેલા ચહેરાને સાંજ ગમગીન લાગે છે. ખુશનુમા ચહેરાઓને સાંજ હસીન લાગે છે. પ્રેમીઓની સાંજ સપનાંઓને રમાડતી હોય છે. નોકરિયાતોની સાંજ પસીનાથી રેબઝેબ હોય છે. ગૃહિણીઓની સાંજ કિચનમાં કચવાતી હોય છે. સાંજે રસોઈમાં શું બનાવવું એ પ્રશ્નમાં અટવાતી હોય છે. મજૂરોની સાંજ આવતી કાલની ચિંતામાં સોસવાતી હોય છે. હૉસ્પિટલની સાંજ દવાથી ગંધાતી હોય છે. વૃદ્ધાશ્રમની સાંજ ભૂતકાળમાં ભરમાતી હોય છે. બાળકોની સાંજ બેફિકરાઈથી ગુંજતી હોય છે. ઉંમરલાયક થતાં સુધીમાં દરેકની સાંજ નોખી પડી જાય છે.

સાંજ અને સંધ્યાનો અર્થ આમ તો એક જ થાય છે. છતાં આ બે શબ્દમાંય ભેદ છે. સાંજ ઉંમરમાં નાની લાગે છે અને સંધ્યા ઉંમરલાયક લાગે છે. એટલે જ વૃદ્ધત્વને જીવનસંધ્યા કહેવાય છે.

ઑફિસની સાંજ બંધ બારીઓમાં ACની ઠંડક અનુભવતી હોવા છતાં જલદી બહાર નીકળવા મથતી હોય છે. બૉસ સમયપત્રકને ફગાવી આપણો વધારે સમય લઈ લે ત્યારે આપણી સાંજ સમીસમી જાય છે.

સોશ્યલ મીડિયા પર ફોટો જોઈ સાંજને વખાણનારા રસિયાઓ હકીકતમાં સાંજને ન માણી શકવાને કારણે આંખ અને મનથી કાચા રહી જાય છે. સાંજને ઉમળકાભેર મળી આંખોમાં નજરકેદ કરવાની હોય. પછી એ ફોટોમાં કેદ થાય તો સ્મૃતિ બની જાય.

મંદિરની સાંજ આરતી અને ધૂપથી મઘમઘતી હોય. પ્રાર્થના કરતી વખતે કોઈ ઈશ્વરને ઠપકો આપતું હોય તો કોઈ આભાર માનતું હોય. ઈશ્વર તો સ્થિતપ્રજ્ઞ બની આપણી સામે મલકાતો હોય. ઈશ્વરે દિવસ-રાત વચ્ચેના ચક્રમાં સાંજ એટલે ઘડી કે આપણે આપણી જાતને મળી શકીએ. જાત સાથે સંવાદ સાધી શકીએ. દિવસભરના બળાપાને ખંખેરી શકીએ. આવતી કાલની આશા ફરી બાંધી શકીએ અને રાતના શાંતિથી ઊંઘી શકીએ. અજવાળા અને અંધારા વચ્ચેની આ ક્ષણ આપણા બનાવટી ચહેરાને ઉતારવાની છે.

દરિયાકિનારે ફુગ્ગા કે રમકડાં વેચતા બાળકની સાંજ પોતાની વસ્તુ વેચાય એ માટે આમતેમ ભટકતી હોય છે. વેચાયેલી વસ્તુના પૈસામાંથી તેને પાણીપૂરી, ભેળપૂરીથી પોતાની સાંજ ચટાકેદાર બનાવવાના અભરખા હોય છે.

ટ્રાફિક-સિગ્નલની સાંજ કંટાળાજનક હોય છે. રસ્તો ખાલી મળે એવી આશા સાથે અનેક ગાડીઓ રસ્તા પર ઊતરી આવે અને એકમેકની દુશ્મન બની જાય. આવા ટ્રાફિક જૅમ વખતે ઍમ્બ્યુલન્સને રસ્તો કરી આપવામાંય આપણે સ્વાર્થી બનીએ છીએ. આપણને ખસીને કોઈને રસ્તો આપવો નથી. આપણને આગળનો રસ્તો જ દેખાય છે. કારના ફ્રન્ટ મિરરમાંથી પાછળ દેખાતી દુનિયા આપણે નજરઅંદાજ કરીએ છીએ, પણ ક્યારેક જીવનમાં પાછળ વળીનેય જોવું જોઈએ જેથી કોઈના રૂંધાતા શ્વાસને રસ્તો મળી શકે.

દરેકના જીવનમાં એક એવી સાંજ આવે છે જ્યારે એ કાં તો ભાંગી પડે કાં તો એ ભમરાની જેમ ગુંજવા લાગે. જેમ સવાર સપનાને સજાવવા માટે છે તો સાંજ સપનું પૂરું થશે એવી જાતને બાંયધરી આપવા માટે હોય છે.

વિરહ મોટા ભાગે સાંજે વધુ બેબાકળો બનતો હોય છે. પ્રિય વ્યક્તિની જુદાઈ સાંજે વધુ સતાવે. કોઈકની સાથે જિંદગી જીવવાનાં સપનાં જોયાં હોય અને એ સપનું અધૂરું રહી જાય ત્યારે સાંજ આકરી લાગે છે. એ સમયે આકાશે પથરાયેલા સંધ્યાના રંગો જોઈ થાય કાશ! એ વ્યક્તિ મારા જીવનમાં હોત તો! પણ જીવન અપૂર્ણતાના આવાસમાં જિવાતું હોય છે. જો સાંજ સપનાં પૂરાં થવાની બાંયધરી બંધાવતી હોય તો સાંજ હિંમત પણ આપતી હોય કે જીવનમાં બધાં જ સપનાં સાર્થક થતાં નથી.

સાંજને માણવાનો અવસર મળે ત્યારે આહ કે વાહ કરવાનું ન હોય, એને મૌનથી માણવાની હોય. સાંજનો સૂર્ય નિહાળતી વખતે હોઠ ચૂપ થઈ જાય અને આંખો બોલકી બને તો સાંજને પણ સારું લાગે.

યાદ કરો છેલ્લે તમે સાંજને ક્યારે ઊજવી હતી? કદાચ વર્ષો વીતી ગયાં હશે એવી અંગત ઉજવણીને. સાંજના એકાંતને એકલા રહીને કે પછી ગમતી વ્યક્તિ સાથે માણી શકાય. રોજ આવી લક્ઝરી આપણને પરવડે નહીં. છતાં કેટલો સમય થઈ ગયો જ્યારે સાંજે આપણે ખુલ્લા આકાશ નીચે બેસી આકાશ તરફ જોતાં ભગવાનને થૅન્ક યુ કહ્યું હોય. ગમતી વ્યક્તિ સાથે બેસી જૂની યાદોને મમળાવી હોય. અપૂર્ણ રહી ગયેલા પ્રેમને યાદ કરી આંખો ભરાઈ આવી હોય.

ઈશ્વરે સર્જેલી સાંજમાં આપણે હાજરી પુરાવવી જોઈએ. આપણા દરેકના જીવનમાં એક સાંજ ખોવાયેલી છે. એ ઉધાર સાંજને રોજ ઊજવવી તો શક્ય નથી, પણ આ તક મળે ત્યારે ઝડપી લેવા જેવી છે; કારણ કે નાની-નાની ખુશી જ જીવનને જીવંત બનાવે છે.\

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK