ઘડપણની લાકડી બનવા હવે દીકરા તૈયાર નથી, તો કોણ બનશે?

સાજાં-નરવાં મા-બાપને પણ રાખવા કોઈ તૈયાર નથી ત્યારે ઘડપણમાં શરીર ચાલતું બંધ થઈ જાય કે બીમારી આવી જાય ત્યારે હવે સેવા કરવાવાળું ઘરનું કોઈ નથી રહ્યું એ સંજોગોમાં કૅરગિવર તેમની આ ખોટને પૂરી રહ્યા છે

couple

પલ્લવી આચાર્ય

કોઈક જ વ્યક્તિ શરીરને લઈને એટલી નસીબદાર હોય છે કે ૮૦ કે ૯૦ વર્ષે પહોંચે ત્યાં સુધી શરીર ટકાટક હોય, પોતાની રીતે પોતાનું બધું કરી શકતી હોય અને કોઈ જ તકલીફ ન હોય કે કોઈ બીમારી ન હોય. બાકી ૮૫ ટકા સિનિયર સિટિઝનોને કોઈ ને કોઈ શારીરિક કે માનસિક બીમારી આવી ચૂકી હોય છે. શરીરે માણસ સ્વસ્થ હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી હોતો, પણ કોઈ બીમારી આવી જાય ત્યારે તે બીજી વ્યક્તિ પર ડિપેન્ડન્ટ બની જાય છે એટલું જ નહીં, ઉંમર વધવાની સાથે તેની મોબિલિટી ઘટી જાય છે. કેટલીક વાર વધુ ઉંમરને કારણે પણ માણસ બીજા પર ડિપેન્ડન્ટ થઈ જાય છે.

સંયુક્ત પરિવારની પ્રથા હતી ત્યારે બુઝુર્ગો માટે ખાસ ચિંતા નહોતી, પરિવારના લોકો મરતે દમ તક પરિવારના બુઝુર્ગ સભ્યને જોતા હતા, તેની સેવાચાકરી કરતા હતા. એ સમયમાં મા-બાપ જ નહીં દાદા-દાદી અને કાકા-કાકીને પણ ઘડપણમાં પરિવાર સાચવી લેતો હતો, તેમની સેવાચાકરી કરતો હતો, પણ હવે સમય બદલાયો છે. આજના બુઝુર્ગો એવી જરાય આશા રાખી શકે એમ નથી કે તેમનાં સંતાનો તેમની સેવાચાકરી કરશે. અગાઉના સમયમાં મા-બાપને સાચવવાની જવાબદારી ખાસ કરીને દીકરાઓ જ નિભાવી લેતા હતા અને કોઈ કેસમાં દીકરા ન સાંભળે તો દીકરીઓ સંભાળી લેતી હતી, પણ હવે તો ન દીકરો કે ન દીકરી- મા-બાપને સંભાળવા કોઈ જ તૈયાર નથી. તેઓ તેમની સાથે રહેવા તો તૈયાર નથી, પણ દૂર રહીને પણ તેમની જવાબદારી લેવા તૈયાર નથી.

કેટલાંક સંતાનોને તેમના પેરન્ટ્સની જવાબદારી લેવી પણ હોય છે, પરંતુ સમયનો તકાજો એવો છે કે તેઓ નથી લઈ શકતાં. કોઈ સંતાનો પોતાના વ્યવસાય માટે દૂરસુદૂર રહે છે તો કોઈ વિદેશમાં સ્થાયી થયા હોય છે. ઘરડાં મા-બાપને પોતે જ્યાં રહ્યાં હોય એ શહેર કે સ્થળ છોડીને જવું નથી ગમતું કે વિદેશમાં રહેવાનું થાય તો પણ નથી ફાવતું. આવા સંજોગોમાં તેઓ ઘડપણમાં સાવ એકલાં થઈ જાય છે અને એમાં જો કોઈ બીમારી આવી જાય તો શારીરિક રીતે જ નહીં માનસિક રીતે પણ તૂટી જાય છે, કારણ કે નિત્યકર્મો કરવામાં પણ જ્યારે શરીર સાથ નથી આપતું ત્યારે તેઓ સૌથી વધુ ભાંગી પડે છે.

બદલાતા સમયમાં હવે આમ તો બુઝુર્ગોએ એકલા રહેવાનું શીખી લીધું છે, પણ ઘડપણના આરે તેમનું શરીર જ્યારે તેમને સાથ આપતું અટકી જાય અથવા તો કોઈ ગંભીર બીમારી આવી જાય, હૉસ્પિટલના બિછાને આવી જાય અથવા પથારીવશ થઈ જાય ત્યારે તેમની કાળજી લેવાવાળાની જરૂર પડે છે અને જો તે ન હોય તો જીવવું આકરું થઈ જાય છે. આ કાળજી લેવાવાળું પરિવારનું તો કોઈ છે નહીં તો શું થઈ ગયું, હવે બુઝુર્ગોની સંભાળ લેવાવાળા કૅરટેકર અથવા તો કૅરગિવર ઉપલબ્ધ છે. એમ્પ્લૉયમેન્ટનો આ નવો કન્સેપ્ટ હવે ભારતમાં પણ આવી ચૂક્યો છે. યોગ્ય ટ્રેઇનિંગ પામેલા આ કૅરટેકર બુઝુર્ગોની શારીરિક અને માનસિક બધી જ રીતે કાળજી લે છે.

કૅરટેકર શું છે? કૅરટેકર એટલે ટ્રેઇનિંગ પામેલા એવા લોકો જે બુઝુર્ગો બીમાર હોય કે સારા હોય તેમની યોગ્ય કાળજી લઈ શકે એટલું જ નહીં, તેમને સમજી શકે. બુઝુર્ગો સાથે પનારો પાડવા માટે ચોક્કસ લોકોની જરૂર પડે, કારણ કે તેમની સાથે ડીલ કરવું સરળ નથી હોતું. એમાં પણ આ લોકો જ્યારે બીમાર હોય ત્યારે તેમની બીમારીનો અને સાથે-સાથે તેમની માનસિકતાને સમજે એવા લોકો જરૂરી છે. આજના સમયમાં ૪૦ ટકા બુઝુર્ગો એકલા જ રહે છે. આ ઉંમરે તેમને શરીરની નાની-મોટી તકલીફો તો આવવાની જ અને ત્યારે તેમને કૅરટેકરની જરૂર પડે છે જે તેમની તકલીફોમાં કે બીમારીમાં તેમની સાથે રહે, તેમને સમજે અને તેમની કાળજી રાખે.

કૅરટેકર અલગ-અલગ પ્રકારના હોય છે જેમાં શારીરિક તકલીફવાળાં બાળકો માટે, બીમાર લોકો માટે, બીમાર બુઝુર્ગો માટે, ૨૪ કલાક સેવા આપી શકે એવા કૅરટેકેર અને નાઇટમાં કૅર કરે એવા કૅરટેકર પણ હોય છે. બાકી લોકો કરતા બુઝુર્ગો માટે કામ કરતા કૅરટેકર ખાસ પ્રકારે ટ્રેઇનિંગ પામેલા હોવા જરૂરી છે, કારણ કે બુઝુર્ગો એક તો એકલા હોય અને એમાં બીમારીને લીધે પરેશાન હોય ત્યારે તેમનાં ઇમોશન્સને પણ એ સમજી શકે એ જરૂરી હોય છે. કૅરટેકર પ્રોવાઇડ કરતી ઘણી કંપનીઓ મુંબઈમાં છે જે જરૂરિયાતમંદને માણસો પ્રોવાઇડ કરે છે.

બીમાર વ્યક્તિને યોગ્ય સારવાર મળે તો તેની રિકવરી ઝડપી બને છે એમ જણાવતાં મુંબઈમાં આજિકૅર હોમ હેલ્પ સર્વિસિસ નામે કૅરટેકર પ્રોવાઇડ કરતી કંપનીના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પ્રસાદ ભીડે કહે છે, ‘હું અમેરિકામાં હતો અને મારી મમ્મીને હૉસ્પિટલાઇઝ કરવી પડી. થોડા દિવસ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખ્યા પછી તેની ઘરે કોઈ કાળજી લે એ જરૂરી હતું, કારણ કે હું એક દીકરો જ છું. અમે ઘણી તપાસ કરી પણ યોગ્ય વ્યક્તિ ન મળી શકી જે તેમની બધી જ કાળજી લે. એ પછી મેં કૅરટેકરને યોગ્ય ટ્રેઇનિંગ આપીને ક્વૉલિફાઇડ માણસો તૈયાર કરવાનું શરૂ કર્યું. આ લોકો પેશન્ટની દેખભાળ કરે એટલું જ નહીં તેનું બ્લડ-પ્રેશર માપે, ડાયાબિટીઝ ચેક કરે, ઑક્સિજન કન્ટ્રોલ કરે વગેરે નર્સનું કામ પણ કરી શકે છે. બીમાર વ્યક્તિ માટે નર્સ રાખવાનો ખર્ચ મોંઘો પડે. ઘરમાં મેઇડ રાખો તો કૅરટેકરથી થોડું સસ્તું પડે, પણ કૅરટેકર જેવી કાળજી તે ન લઈ શકે.’

શરૂઆતમાં લોકો આ કામ કરવા તૈયાર નહોતા, પણ હવે તેઓ આ ડિગ્નિફાઇડ જૉબ કરવા તૈયાર થયા છે એમ જણાવતાં પ્રસાદ કહે છે, ‘૨૦૧૨થી શરૂ કરીને અમે લગભગ ૩૦૦૦ કૅરટેકરને ટ્રેઇનિંગ આપી છે અને વીસથી ૨૫ સમાજસેવી સંસ્થાઓ તથા વૃદ્ધાશ્રમોમાં એ પ્રોવાઇડ કરીએ છીએ.’

સિનિયર સિટિઝનો માટેના કૅરટેકર બીમાર લોકોની કાળજી તો લે છે સાથે-સાથે તેમને સધિયારો આપે, તેમની સાથે વાતચીત કરીને તેમનું મન હળવું કરે જેવી ઇમોશનલ કાળજી પણ લે છે અને એ માટે તેમને ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવે છે. હેલ્પેજ ઇન્ડિયા જેવી સિનિયર સિટિઝનો માટે કામ કરતી સંસ્થાએ એથી જ જેરિયાટ્રિક કૅરટેકર ટ્રેઇનિંગ નામનો સ્પેશ્યલ કોર્સ ડિઝાઇન કર્યો છે અને એ રીતે કૅરટેકર તૈયાર કરે છે. આ સર્વિસને કારણે એક તો લોકોને રોજગાર મળી રહે છે અને બીજું, આ પેઇડ માણસોથી સિનિયર સિટિઝનોને યોગ્ય કૅર મળી રહે છે.

આજના સમયમાં કૅરટેકરની જરૂરિયાત બહુ વધવાનું કારણ છે એક તો સંતાનો તેમનાં માતા-પિતા સાથે નથી રહેતાં અને બીજું, સાથે રહેતા હોવા છતાં પણ ઘણી વાર તેમની પાસે એટલો સમય નથી હોતો કે તેમની સતત કાળજી લઈ શકે. હવે પરિવારો નાના થઈ ગયા હોવાથી પરિવારમાં દાદા-દાદી બીમાર પડે અને તેમને મહિનોમાસ હૉસ્પિટલાઇઝ કરવાં પડે તો હૉસ્પિટલના ફેરા કરવા માટે ઘરમાં એટલા માણસો નથી એથી એકલાને માથે જવાબદારી હોય ત્યારે તે થાકી અને કંટાળી જાય છે. કેટલીક વાર પેરન્ટ્સ બીમાર હોય અને તેમને ક્યાંય મૂવ ન કરી શકાય એમ હોય અને તમારે બહાર જવાનું થાય ત્યારે પણ કૅરટેકરની જરૂર પડે છે. વિરારમાં રહેતા સંદીપ જોશીનાં મમ્મી ૮૦ વર્ષનાં અને પપ્પા ૯૦ વર્ષના હતા. ઉંમરને લીધે તેમને વારંવાર હૉસ્પિટલાઇઝ કરવા પડતા હતા એથી અને એક વાર તેમને પરિવાર સાથે બહારગામ જવાનું થયું અને મમ્મી-પપ્પાને તેમની સાથે લઈ જવાય એમ નહોતું એથી તેમને કૅરટેકરની મદદ લેવી પડી હતી. આમ આજના સમયમાં કૅરટેકરની મદદ લેવાનું જરૂરી બનતું જાય છે.

કૅરટેકર ટ્રેઇન્ડ હોય છે સાથે ક્વૉલિફાઇડ હોય છે. તેમની વયમર્યાદા પણ ચોક્કસ એટલે કે તેઓ યુવાન જ હોય છે. બુઝુર્ગોની શારીરિક અને માનસિક જરૂરિયાતોનો ખ્યાલ કેવી રીતે રાખવો એ તેમને ખાસ શીખવવામાં આવ્યું હોય છે. હેલ્પેજ ઇન્ડિયા સંસ્થાએ કૅરટેકર માટે અઢી મહિનાનો કોર્સ ખાસ ડિઝાઇન કર્યો છે જેમાં આઠમી પાસ યુવક-યુવતીઓને ઍડ્મિશન મળે છે. ઍડ્મિશનની વયમર્યાદા ૩૦ની છે. અહીં ટ્રેઇનિંગ માટે કોઈ ફી નથી લેવામાં આવતી અને ત્યાં રહીને ટ્રેઇનિંગ લઈ શકાય છે. આમ ત્યાં રહેવા ઉપરાંત ખાવા-પીવાની પણ સગવડ ટ્રેઇનિંગ લેનારાઓને આપવામાં આવે છે. મુંબઈમાં આપવામાં આવતી આ ટ્રેઇનિંગનો કોર્સ પૂરો થાય પછી કેટલીક પ્લેસમેન્ટ એજન્સીઓ તેમને કામ આપે છે. આ ઉપરાંત આ ટ્રેઇનિંગ થ્ર્ તેઓ જનજાગૃતિ લાવવાનું પણ કામ કરે છે અને બુઝુર્ગોની વધુ સારી રીતે કૅર લઈ શકે છે.

સો વાતની એક વાત કે પરિવારના સભ્યો જો તમારી કાળજી ન લઈ શકતા હોય તો બુઝુર્ગોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પેઇડ કૅરટેકરો તમારી સેવામાં હાજર છે, તમારા ઘડપણની લાકડી તેઓ બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK