પુરુષોમાં જોવા મળતી સંવેદનશીલતામાં સ્ત્રીઓની હાજરી કેટલી અનિવાર્ય?

રિસર્ચ કહે છે કે બહેનો સાથે ઊછરીને મોટા થયેલા પુરુષોમાં લાગણી વધારે જોવા મળે છે. આ સંદર્ભે એક્સપર્ટના અનુભવો અને મુંબઈના પુરુષોના અભિપ્રાયો જાણીએ

FM

વર્ષા ચિતલિયા

થોડા સમય પહેલાં પુરુષોના સ્વભાવ સંદર્ભે કરવામાં આવેલા એક અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે જે પુરુષને બહેન હોય છે તેઓ અન્ય પુરુષની સરખામણીએ વધુ લાગણીશીલ સ્વભાવ ધરાવે છે. બ્રિટિશ મનોવૈજ્ઞાનિકો અને ફૅમિલી-લાઇફ સ્કૂલના પ્રોફેસરોએ સંયુક્તપણે હાથ ધરેલા એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે બહેનની હાજરી પુરુષને આત્મનિર્ભર અને પરિપક્વ બનાવવામાં સહાય કરે છે. આ સર્વેક્ષણમાં ભાઈ-બહેનની જોડીમાં સકારાત્મક માનસિકતા વધારે જોવા મળી હતી. એક જ ઘરમાં રહેતા બે ભાઈઓ કરતાં ભાઈ-બહેનમાં ઇમોશન્સ ફૅક્ટર વધારે જોવા મળ્યું હતું. આ અભ્યાસમાં ૧૫થી ૩૫ વર્ષના આશરે એક હજાર પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના પુરુષોએ સ્વીકાર્યું હતું કે પારિવારિક સંબંધોને જોડી રાખવામાં તેમની બહેનનો રોલ મહત્વનો છે.

ઉપરોક્ત અભ્યાસની ફૅમિલી સાઇકોલૉજી વિભાગે પણ નોંધ લીધી હતી. રિસર્ચ કહે છે કે બહેન ધરાવતા પુરુષોમાં વિનમþતા અને દયાનો ભાવ વધુ હોય છે. તેમનામાં વ્યવહારિક સૂઝબૂજ પણ વધુ જોવા મળે છે. આવા પુરુષો પોતાને સુરક્ષિત માને છે. કેટલાક પુરુષોનું કહેવું હતું કે તેમના જીવનમાં બહેને માર્ગદર્શકની ભૂમિકા સારી રીતે અદા કરી છે. સ્ત્રીઓ સાથે કઈ રીતે વાત કરવી એની શિક્ષા નાનપણથી જ મળે છે, જે તેમની સોશ્યલ ઇમેજ માટે જરૂરી છે. શું બહેન સાથે ઊછરતા ભાઈઓ વધારે કૅરિંગ હોય છે? ભાઈ હોય તો વધુ ફાયદો થાય કે બહેનના કારણે લાભ થાય? બીજાં કયાં પરિબળો છે જે પુરુષોના સ્વભાવ પર અસર કરે છે તેમ જ લોહીના સંબંધોમાં આત્મીયતા માટે બહેન હોવી અનિવાર્ય છે? આ સંદર્ભે પુરુષોના અભિપ્રાયો, અનુભવો અને એક્સપર્ટના નિરીક્ષણ વિશે જાણીએ.

બહેન હોય એવા પુરુષો વધારે લાગણીશીલ હોય છે એમ કહેવા કરતાં સ્ત્રીઓની વચ્ચે ઊછરતા પુરુષમાં આત્મીયતા વધારે જોવા મળે છે એમ કહેવું વધારે યોગ્ય છે, પરંતુ ભાઈ-ભાઈ વચ્ચે લાગણી નથી હોતી એમ કહેવું ઉચિત નથી એવો અભિપ્રાય આપતાં કાંદિવલીનાં સાઇકોલૉજિસ્ટ દીપાલી પંડ્યા કહે છે, ‘પુરુષોનો સ્વભાવ આમ તો તેમના ઉછેર પર જ નિર્ભર કરે છે, પરંતુ સ્ત્રીઓ વચ્ચે ઊછરતા પુરુષોનો સ્વભાવ અન્યની તુલનામાં થોડો સૉફ્ટ હોઈ શકે. એનો અર્થ એ નથી કે બીજા પુરુષોમાં ઇમોશન્સ ફૅક્ટરનો અભાવ છે. વાસ્તવમાં આપણું કલ્ચર એવું છે કે પુરુષોમાં સંવેદનશીલતા છે એ તેઓ બતાવી શકતા નથી. બીજું, સ્ત્રીઓ દિલથી વિચારે છે; જ્યારે પુરુષો લૉજિકલ હોય છે. આ તેમની ખૂબી જ કહેવાય, કારણ કે બધી જ વાતમાં ઇમોશન નથી ચાલતાં. જે ઘરમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય એવા પુરુષોને નાનપણથી જ કેટલીક બાબતોની સમજણ આપવામાં આવી હોય છે. જેમ કે નાની બહેન છે તો તેનું ધ્યાન રાખવાનું અને મોટી બહેન હોય તો તેની સાથે ઝઘડા ન કરવા. આપણા સમાજમાં સ્ત્રીઓનું ધ્યાન રાખવાની ભૂમિકા પુરુષના ખભા પર જ મૂકી દેવામાં આવે છે. ઘણી વાર તો નાનો ભાઈ પણ મોટી બહેનનું ધ્યાન રાખવા બહેનની આસપાસ ફરતો જોવા મળશે. માતા-પિતા પણ તેને સલાહ આપે છે કે બહેન ક્યાં જાય છે એ જોવાની જવાબદારી તારી છે. નાનપણથી જ કેટલીક જવાબદારી તેના માથે નાખી દેવામાં આવે છે, જેના કારણે બહેન માટે સૉફ્ટ કૉર્નર બની જાય છે. કેટલાંક ઘરોમાં તો પુરુષો એટલા મૅચ્ર્યોડ હોય છે કે બહેનની મેન્સ્ટ્રુએશન સાઇકલને તેના મૂડ પરથી સમજી જાય છે. આવા પુરુષો બહાર જઈને તેમની ગર્લફ્રેન્ડ અથવા બીજી સ્ત્રીમિત્રના મૂડને સમજી લડતા નથી.’

હકીકતમાં સ્વભાવ અને સ્ત્રીઓ માટે રિસ્પેક્ટ કહો કે લાગણી, એ તમામ બાબતો ઘરના અને આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે એમ કહેતાં દીપાલીબહેન કહે છે, ‘મેં એક કેસ હૅન્ડલ કર્યો હતો જેમાં ઘરમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી તેમ છતાં પુરુષના વર્તનમાં ક્યાંય આત્મીયતા જોવા ન મળે. એક તો તેનો ઉછેર ધારાવી વિસ્તારમાં થયો હતો. બીજું, તેના ઘરમાં મમ્મી અને બીજી સ્ત્રીઓ પોતે જ ગાળાગાળી કરતી હતી. આવી વ્યક્તિ પાસેથી તમે લાગણીની અપેક્ષા ન રાખી શકો તેમ જ તેનામાં સુધારો આવતાં પણ લાંબો સમય લાગી જાય. આવા વાતાવરણમાં ઊછરેલા પુરુષોમાં સ્ત્રી માટે કૂણી લાગણી ન હોય એ સ્વાભાવિક છે. બીજા એવા કેસ પણ ઑબ્ઝર્વ કર્યા છે જેમાં બે ભાઈઓ વચ્ચે ખૂબ લાગણીભર્યા સંબંધો હોય છે અને ઘરમાં બહેનની ગેરહાજરી હોવા છતાં તેઓ સ્ત્રીને રિસ્પેક્ટ આપતા હોય છે. અહીં મમ્મીનો રોલ ખૂબ મહત્વનો હોય છે. જો તે દીકરાને કેટલીક બાબતો શીખવાડે તો આગળ જઈને પ્રૉબ્લેમ ન આવે. દાખલા તરીકે જો તેને શીખવાડવામાં આવ્યું હોય કે ઘર તો ચોખ્ખું જ રાખવું પડશે તો વાઇફ આવે પછી આ બાબતને લઈને ઝઘડા ન થાય. બહેન હોય કે વાઇફ, રહેવાનું તો તેને સ્ત્રી સાથે જ છે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે

ભાઈ-ભાઈ હોય તો ઘરમાં ધમાચકડી કરતા હશે અને કેટલીક સ્વતંત્રતા પણ મળતી હશે, પરંતુ અહીં પણ કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવતા હોય છે. ઘણી વાર તો બે ભાઈઓ પણ એટલા શરમાળ હોય છે કે બહુ વાતચીત પણ ન કરે. મને લાગે છે કે ગુજરાતી પુરુષો આ બાબતમાં થોડા નસીબદાર છે. તેમને નાનપણથી જ ઘરનાં કામ પણ સોંપવામાં આવે છે અને એટલે જ આજે અમેરિકા અને બ્રિટન જઈને તેઓ જાતે બધું મૅનેજ કરી શકે છે. પુરુષ હોય કે સ્ત્રી, તેમના લાગણીશીલ સ્વભાવ અને તેમનામાં જોવા મળતી આક્રમકતા  માટે તેની આસપાસના લોકો અને વાતાવરણની ભૂમિકા જ મહત્વની છે. લાગણીશીલ હોવું એને કોઈ જેન્ડર સાથે લેવાદેવા નથી.’

ભાઈ હોય તો કબાટ ગોઠવવા જેવાં કામ કરવાની જરૂર ન પડે - વૃશાંક અને જિજ્ઞેશ લહેરી, બોરીવલી

બહેન ધરાવતા પુરુષો જ વધારે લાગણીશીલ હોય એવું જરૂરી નથી એમ જણાવતાં બોરીવલીના બે ભાઈઓ વૃશાંક અને જિજ્ઞેશ લહેરી કહે છે, ‘ભાઈઓ વચ્ચે પણ પ્રેમ તો હોય જ છે પણ તેઓ અમુક સમયે દેખાડતા નથી. પુરુષોમાં ઇમોશન્સને કન્ટ્રોલમાં રાખવાનો ગુણ કુદરતી રીતે જ હોય છે. ભાઈ કે બહેન એવી કોઈ ચૉઇસ આપણા હાથમાં હોતી નથી, પરંતુ લાગણીશીલ સ્વભાવ તો ઘરના વાતાવરણમાંથી જ ઉદ્ભવે છે. અમારા પેરન્ટસને એક દીકરી જોઈતી હતી, પણ તકદીરમાં નહોતી. બહેનની ખામી અમને ક્યારેય લાગી નથી, કારણ કે અમારો ઉછેર સંયુક્ત કુટુંબમાં થયો છે અને ઘરમાં કઝિન સિસ્ટરની હાજરી હતી જ. તેની ચિંતા અમને રહેતી પણ ખરી. તેમ છતાં ભાઈ હોવાના કેટલાક ફાયદા તો છે જ. સૌથી મોટો ફાયદો એ કે તમારે કબાટ ગોઠવવો પડતો નથી. બહેન હોય તો ખાનાં શૅર કરવાં પડે. કેટલીક બાબતમાં મગજમારી થાય. બીજું એ કે તમે કંઈ પણ પહેરીને રૂમમાં આંટા મારી શકો. ટુવાલ કે શૉર્ટ્સ પહેરીને પણ ફરવાની છૂટ હોય. બહેન હોય તો કેટલીક મર્યાદા રાખવી પડે અને ન રાખીએ તો ઝઘડો થઈ જાય. ભાઈ સાથે બોલતી વખતે વધારે વિચારવું ન પડે. નિ:સંકોચપણે સાથે બેસીને ઍડલ્ટ મૂવી પણ જોઈ શકાય. દાદાગીરી કરી શકાય. તારાથી જે થાય એ કરી લે એવું પણ બોલી શકાય. બન્નેનું ફ્રેન્ડ-સર્કલ એક જ હોય એટલે બિન્ધાસ્ત મનફાવે એવી વાતો શૅર કરી શકાય. ડિસિપ્લિન વગરની લાઇફ જીવવાની અલગ જ મજા છે. રૂમમાં પથારા પડ્યા હોય તો પણ ચાલી જાય. ભાઈ-ભાઈના સંબંધમાં રોકટોક અને ખટપટ ઓછી થાય. આ સિવાય ભાઈ-ભાઈ વચ્ચે સામાજિક જવાબદારીઓ વહેંચાઈ જાય અને એકબીજાનો સપોર્ટ રહે. તમે સુખ-દુ:ખની વાતો કહીને હળવા થઈ શકો. સાસરાવાળી બહેનને કેટલું કહી શકાય? જોકે આજે તો ભાઈ હોય કે બહેન એનાથી ખાસ ફરક પડતો નથી. હવે તો બહેનો પણ કેટલીક જવાબદારી વહેંચી લેતી હોય છે અને તેમની સાથે પણ ખૂલીને વાત કરી શકાય છે.’

બહેન પેરન્ટ્સની લાડકી હોય એટલે ઘરમાં તેની દાદાગીરી ચાલે - નિકુંજ શાહ, બોરીવલી

ભાઈ કરતાં બહેન સાથે ઝઘડા વધારે થાય અને કેટલાંક રિસ્ટિÿક્શન પણ આવે એ વાત સાચી, પરંતુ બહેન હોવાના ફાયદા વધુ અને નુકસાન ઓછું છે એવો મત વ્યક્ત કરતાં બોરીવલીમાં રહેતા નિકુંજ શાહ કહે છે, ‘મારા અને ઉર્વીના ૨૪ કલાક ઝઘડા થતા. કોઈ પણ બાબતમાં અમારા હંમેશાં બે મત જ પડે. હું માનું છું કે આવું કદાચ બધાના ઘરમાં થતું હશે, કારણ કે દીકરી પેરન્ટ્સની વધારે નજીક હોય છે તેમ જ લાડકી હોય છે. એ બહુ ઓછા સમય માટે આપણા ઘરમાં રહેવાની હોય એટલે તેની વાત વધારે સાંભળવામાં આવે છે. તેની દાદાગીરી ચલાવવી પડે. હું નાનો છું એટલે તેના પર લાદવામાં આવેલા કેટલાક નિયમોનું અનાયાસે મારે પાલન કરવું પડતું. જેમ કે તેને રાતે મોડે સુધી બહાર રહેવાની પરવાનગી નહોતી તો આ નિયમનું મારે પણ ફરજિયાત પાલન કરવું પડે. જે બાબતની પરવાનગી ઉર્વીને ન મળે એની મને પણ ન જ મળે. અહીં મને નુકસાન થતું. હું માનું છું કે બહેન હોવાના કારણે નુકસાન થયું એવું નથી, કદાચ હું મોટો હોત અને મોડી રાત સુધી બહાર ફરવાની મને પરવાનગી આપવામાં આવી હોત તો કદાચ તેને પણ છૂટ મળી હોત. પેરન્ટ્સની નજરમાં બન્ને બાળકો સરખાં હોય અને બન્ને માટે નિયમો પણ સરખા જ હોય છે. નાનપણમાં બહેન સાથે જેટલા વધારે ઝઘડા થાય મોટા થઈએ એમ વધારે લાગણીશીલ બનતા જાઓ. હું હંમેશાં કહેતો કે તું લગ્ન કરીશ ત્યારે હું રડીશ જ નહીં, પણ સાસરે વળાવતી વખતે સૌથી વધારે હું જ રડ્યો હતો.’

નિકુંજભાઈની મોટી બહેન ઉર્વી કહે છે, ‘બહેન હોય એવા પુરુષોમાં ગર્લ પ્રત્યે રિસ્પેક્ટ વધારે હોય છે એટલું જ નહીં, તેના ફ્રેન્ડ્સ પણ બહેન કહીને બોલાવે અને રિસ્પેક્ટ આપે. કૅરની વાત છે તો સામાન્ય રીતે ભાઈઓ બહેનની કૅર કરતા હોય છે, પણ મારા કેસમાં તો સાવ ઊલટું જ છે. મારે તેનું બહુ ધ્યાન રાખવું પડે. નાની-નાની સરપ્રાઇઝ આપતા રહેવી પડે. અમારા સંબંધમાં મજાની વાત એ છે કે આજે પણ હું પિયર જાઉં ત્યારે અમે એક રૂમમાં જ રહીએ છીએ અને બિન્ધાસ્ત વાતો કરીએ છીએ.’

જે ઘરમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય એવા પુરુષો જ લાગણીશીલ હોય એવું ન કહી શકાય.

ભાઈ-ભાઈ રહેતા હોય એવા પુરુષો ઘરનાં તમામ કામ કરતા હોય છે અને બહેન હોય એવા પુરુષો ગાળાગાળી કરતા હોય એવું પણ શક્ય છે. તમારી આસપાસનું વાતાવરણ, ઘરના સભ્યોની વર્તણૂક અને માતાની ભૂમિકા મહત્વનો રોલ ભજવે છે. આપણા કલ્ચરમાં સ્ત્રીઓની સંવેદનશીલતા વધારે દેખાઈ આવે છે એનું કારણ છે તેઓ દિલથી વિચારે છે, જ્યારે પુરુષો લૉજિકલ હોય છે

- સાઇકોલૉજિસ્ટ દીપાલી પંડ્યા, કાંદિવલી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK