શું તમે ધાર્મિક છો?

એક સમયે ચોક્કસ સ્વરૂપમાં કે ચોક્કસ સ્થળોએ જ રહેતી ધાર્મિકતા હવે ઠેર-ઠેર અને ઘેર-ઘેર પહોંચી ગઈ છે, એનાં સ્વરૂપ પણ બદલાઈ રહ્યાં છે; પરંતુ પ્રશ્ન એ છે કે આપણે જેને ધાર્મિકતા ગણીએ છીએ એ ઉપરવાળાની દૃષ્ટિએ પણ ધાર્મિકતા છે કે કેમ?

hrithik

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

અધિક મહિનો તાજેતરમાં જ પૂરો થયો. ગયો આખો મહિનો ચારે બાજુ વાતાવરણ એકદમ ધાર્મિક રહ્યું. ક્યાંકથી ર્કીતનનો અવાજ આવી રહ્યો હતો તો ક્યાંકથી સત્સંગનો. મંદિરોની બહાર ગરીબોની લાઇનો લાગી ગઈ હતી તો મંદિરોની અંદર દર્શનાર્થીઓની. દાન-પુણ્યનો મહિમા પણ આ સમયગાળા દરમ્યાન જાણે પોતાની ચરમસીમાએ પહોંચી ગયેલો. વળી આ વખતે તો જે દિવસથી અધિક મહિનો શરૂ થયો એ જ દિવસથી આપણા મુસલમાન ભાઈઓનો રમઝાનનો મહિનો પણ શરૂ થયો હતો. તેથી તેમનાં ઘરો પણ રોઝા અને નમાઝની પવિત્રતાથી છલકાઈ ઊઠ્યાં હતાં.

બલકે એક સામાન્ય નિરીક્ષણ તો એમ કહે છે કે પહેલાંની સરખામણીમાં હવેના સમયમાં લોકો વધુ ધાર્મિક બની રહ્યા છે. વૃદ્ધો તો વૃદ્ધો, યુવાનોમાં પણ ધર્મ અને અધ્યાત્મ પ્રત્યેનો લગાવ જોઈ શકાય છે. આપણી આસપાસ જ જોઈએ તો અનેક એવાં ઉદાહરણો મળી આવશે જેમાં વડીલોની જેમ જ યુવાનો પણ નિયમિત ધોરણે પૂજાપાઠ કરતા હોય, સેવા-ર્કીતન કરતા હોય, પોતાનાં નાનાં-નાનાં મંડળો બનાવી સત્સંગ કરતા હોય વગેરે. હવે લોકો ફક્ત હિન્દુ, મુસલમાન, સિખ કે ઈસાઈ જ નથી રહ્યા; પરંતુ કોઈ ને કોઈ ગુરુના ચેલા કે કોઈ ને કોઈ પંથના અનુયાયી બનવું પણ જાણે ટ્રેન્ડ જેવું બની ગયું છે. ટૂંકમાં હવે આપણે ફક્ત ભગવાનથી ડરતા માણસો નથી રહ્યા બલકે ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ ધરાવતા માનવો બની ગયા છે.

પરંતુ કોઈ વ્યક્તિ ધાર્મિક છે કે નહીં એ કેવી રીતે નક્કી કરી શકાય? શું ધાર્મિક વ્યક્તિ હોવાનો કોઈ માપદંડ ખરો. માત્ર ભગવાનના વિચારો કરવા, પૂજા-પાઠ કરવા કે પછી ધ્યાન ધરવું જેવી ક્રિયાઓને ધર્મ કહેવાય ખરો? જો હા, તો કદાચ આપણા બધામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે ધાર્મિક નહીં હોય. ક્યાંક વાંચ્યું હતું કે આપણે આધ્યાત્મિક અનુભૂતિ કરતા માણસો નથી બલકે માનવીય અનુભૂતિ લેતા આધ્યાત્મિક જીવો છીએ.

શું ખરેખર એવું છે? ખબર નહીં. પણ એક વાત તો નક્કી છે કે આજે જેને જુઓ તેને ધર્મની ચર્ચામાં ભાગ લેવો ગમે છે. ઘણાય એવા છે જેઓ જીવન, મરણ અને અસ્તિત્વના પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છે. ઘણાયની પાસે પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓની વાતો છે અને ઘણાય એવા છે જેમને એ દિશામાં વધુ આગળ વધવામાં રસ પણ છે. સાથે જ ઘણાય એવા છે જેઓ અન્યો તથા સમાજ આખા માટે કશુંક નક્કર કરવા તલપાપડ છે. 

એટલું જ નહીં, હવેના સમયમાં ધર્મ અને અધ્યાત્મનો ફેલાવો કરતાં માધ્યમો પણ પહેલાંની સરખામણીમાં અનેકગણાં વધી ગયાં છે. પહેલાં મોટા ભાગે ફક્ત ધાર્મિક પુસ્તકો વેચતી દુકાનોમાં જ આ વિષયને લગતાં પુસ્તકો મળતાં, જ્યારે હવે સામાન્યમાં સામાન્ય પુસ્તકની દુકાનમાં પણ આ વિષયનાં પુસ્તકો આસાનીથી ઉપલબ્ધ હોય છે. પહેલાં અખબારોમાં અઠવાડિયે એક વાર આવતી ધાર્મિક પૂર્તિમાં જ અધ્યાત્મની ચર્ચા થતી, જ્યારે હવે લગભગ દરરોજ આ વિષય પર એકાદ-બે લેખ તો વાંચવા મળી જ જાય છે. એટલું ઓછું હોય એમ ટ્વિટર, ફેસબુક અને વૉટ્સઍપ જેવાં સોશ્યલ મીડિયાનાં માધ્યમો પર દિવસરાત આ વિષય પર જાતભાતની પોસ્ટ ફર્યા જ કરતી હોય છે. પહેલાં રામકથા સાંભળવા સપ્તાહોમાં જવું આવશ્યક હતું. હવે તો આખો દિવસ આપણા ઘરના ટીવીમાં જ બધી જાતજાતની કથા સપ્તાહો ચાલ્યા કરે છે. હવે અધ્યાત્મ માત્ર અંગત અનુભૂતિનો વિષય નથી રહ્યું, કરીઅર ઑપ્શન બની ગયું છે. કોઈ એક પંથના અનુયાયી બનો કે કોઈ એક સંગઠનના સભ્ય બનો એટલે ધાર્મિક ઉન્નતિ થાય કે ન થાય, આર્થિક ઉન્નતિ નિશ્ચિત થઈ જાય. અરે, ત્યાં સુધી કે આપણા રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોને આધુનિક સ્વરૂપ આપતું અધ્યાત્મ અને આધુનિકતાનું ફ્યુઝન હવે દેશદુનિયાના જાણીતા લેખક કે ડિરેક્ટર બનવાનો રાજમાર્ગ બની ગયો છે.

આ બધાને ધાર્મિકતા કહેવાય કે નહીં કોને ખબર. વર્ષો પહેલાં ક્યાંક એક વાક્ય વાંચ્યું હતું હૂ નૉઝ વૉટ ઇઝ સિન. અર્થાત્ પાપ કોને કહેવાય કોને ખબર છે? બીજા શબ્દોમાં આપણે જેને પાપ ગણીએ છીએ એ ઉપરવાળાની દૃષ્ટિએ ખરેખર પાપ છે કે નહીં, એવી જ રીતે આપણે જેને પુણ્ય ગણીએ છીએ એ ઉપરવાળાની દૃષ્ટિએ પુણ્ય છે કે નહીં એ આપણે જાણતા નથી. આ સંદર્ભમાં એક અત્યંત નિકટના મિત્રએ કહેલી એક વાર્તા યાદ આવે છે. એક ભાઈ હતા. ખાધે-પીધે અત્યંત સુખી. સ્વભાવે ભલે નાસ્તિક નહીં, પરંતુ બિલકુલ ધાર્મિક પણ નહીં. તેથી તેમને ઘણી વાર એવો વિચાર આવતો કે દુનિયા આખી પૂજા, પાઠ, જપ, તપ કરી ઊંધી વળી જાય છે તેમ છતાં ઈશ્વરની તેમના પર કૃપા થતી નથી. બીજી બાજુ હું તો વર્ષે એકાદ વાર પણ માંડ મંદિરે જતો હોઈશ છતાં ઉપરવાળો મારા પર આટલો મહેરબાન કેમ છે? એક વાર સંજોગવશાત્ તેમની મુલાકાત એક જ્ઞાની સંત સાથે થઈ. તેમણે પોતાના મનની મૂંઝવણ તેમને કહી સંભળાવી. તેમની વાત સાંભળી સંતે જવાબ આપ્યો, ‘તમને યાદ છે? તમે નાના હતા ત્યારે તમારા બાપુજી રોજ તમને પોતાની સાથે એક મંદિરે લઈ જતા હતા. તમે તો પિતાજીના કહેવા પર માત્ર માથું નમાવી મંદિરની બહાર પોતાના મિત્રોની સાથે રમવા ભાગી જતા હતા, પરંતુ એ રમતમાં ને રમતમાં તમે જેટલી વાર એ મંદિરના ફેરા લીધા હતા એને ઉપરવાળાએ પરિક્રમા તરીકે ગણ્યા છે. આજે તમે જે ભોગવી રહ્યા છો એ બધું એનું જ પરિણામ છે.’

ટૂંકમાં ઉપરવાળો ખરેખર ખૂબ કૃપાળુ છે. એટલો કૃપાળુ કે આપણી નાદાનીઓને પણ તે આપણા સત્કર્મ તરીકે જોઈ શકે છે. તેથી જપ, તપ, ર્તીથ થાય કે ન થાય; પરંતુ સજાગ રહીને કોઈને નુકસાન ન પહોંચાડવા પર પણ ધ્યાન આપી શકાય તો એને પણ તે પોતાના હિસાબના ચોપડામાં પુણ્યના ખાતામાં મૂકી શકે છે. આ પૃથ્વી પરનો પ્રત્યેક મનુષ્ય જો પોતાના જીવનમાં આટલી ધાર્મિકતા પણ કેળવી શકે તો આપણે મૃત્યુ બાદના જીવનની ચિંતા કરવાની જરૂર જ નહીં રહે. સ્વર્ગ તો અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK