જીવનમાં સફળતા જોઈતી હોય તો પાસે રાખવા જેવા શબ્દો જાણી લો

તમારા શબ્દોની તાકાત અકલ્પનીય છે. આખું વિશ્વ શબ્દોનું જ બનેલું છે. આપણે ત્યાં તો શબ્દને બ્રહ્મની ઉપમા આપી છે ત્યારે કેટલાક રિસર્ચરોએ સક્સેસ મેળવનારા લોકોના જીવનમાં કેવા શબ્દોનું આધિપત્ય હોય છે એનું લિસ્ટ આપ્યું છે એ વિશે જાણીએ

sucess

રુચિતા શાહ

કાણાને કાણો નવ કહીએ, કડવાં લાગે વેણ

હળવે રહીને પૂછીએ, શીદ ગુમાવ્યાં નેણ


શબ્દોનું મહત્વ સાબિત કરવા માટે આમ તો આ એક જ પંક્તિ કાફી છે. એક આંખ ન હોય એવી વ્યક્તિને પણ કાણો કહીને નથી જ બોલાવતા આપણે. શબ્દોનો પ્રભાવ ભારતીય શાસ્ત્રોમાં અઢળક દર્શાવવામાં આવ્યો છે. ઋગ્વેદના વાક્સુક્તમાં વાક્ એટલે કે વાણીનો મહિમા ગવાયો છે. શબ્દદ્વૈતવાદ અનુસાર શબ્દ જ બ્રહ્મ છે. ખગોળશાસ્ત્રીઓની દૃષ્ટિએ આખું બ્રહ્માંડ સતત કોલાહલ વચ્ચે છે અને શૂન્યાવકાશ લાગે એવી જગ્યાએ પણ કોઈક ને કોઈક ધ્વનિનું સર્જન થઈ રહ્યું છે. આખા જગતમાં શબ્દની જ સત્તા છે. સંપૂર્ણ જગત શબ્દમય છે. શબ્દની પ્રેરણાથી જ સંપૂર્ણ સંસાર ગતિશીલ છે. મનની ચંચળતાની પૃષ્ઠભૂમિ પણ શબ્દો છે. શબ્દો ન હોત તો વિચારો ન હોત અને વિચારો ન હોત તો મનનું પણ કોઈ અસ્તિત્વ જ ન હોત. આપણે જે કંઈ બોલીએ છીએ, વિચારીએ છીએ એ ત્યાં જ સમાપ્ત નથી થતું પણ સૂક્ષ્મરૂપે બ્રહ્માંડમાં વિહારમાન હોય છે અને તરંગિત થયા કરે છે. હજારો-લાખો વષોર્ સુધી એ કંપનો એ જ સ્વરૂપમાં અકબંધ રહે છે. વૈજ્ઞાનિકો અત્યારે એવા પ્રયોગો કરી રહ્યા છે જેમાં ભૂતકાળમાં કહેવાયેલી વાતોને પકડવામાં આવી શકાય. બ્રહ્માંડ અને શૂન્યાવકાશમાં ધ્વનિ સ્વરૂપે ફરી રહેલા શબ્દોને એકત્રિત કરીને પુન: સાંભળવાની દિશામાં વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. જો આ પ્રયોગો સફળ થયા તો કદાચ શક્ય છે કે શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલી શ્રીમદ્ ભગવદ્ગીતા કે ભગવાન મહાવીર દ્વારા સમવસરણમાં અપાયેલી દેશનાને આપણે પ્રત્યક્ષપણે તેમના જ સ્વરમાં સાંભળી શકીશું. આ જ શબ્દોનો પાવર આપણા પૂર્વજોએ ગાઈવગાડીને પ્રસ્તુત કર્યો છે. શબ્દો અમર છે અને એટલે જ તમારા મોઢામાંથી નીકળતા પ્રત્યેકે પ્રત્યેક શબ્દનું મૂલ્ય અણમોલ છે. એક વાર કમાનમાંથી નીકળેલું તીર પાછું કમાનમાં જઈ શકશે, પણ બોલાયેલા શબ્દોને પાછા નહીં વાળી શકાય. એટલા માટે જ બોલવાની બાબતમાં, તમારા મોઢામાંથી નીકળી રહેલા પ્રત્યેક શબ્દની તાકાત સમજવાની આવશ્યકતા છે.

છેલ્લા કેટલાક અરસામાં સાઉન્ડ-વિજ્ઞાન પર અનેક નવાં સંશોધનો થયાં છે. સાઉન્ડ-થેરપીને ઉપચાર-પદ્ધતિ તરીકે નામના મળી રહી છે. સાઉન્ડ-વેવ્સના આધાર પર સ્પેસ-શટલો અને રૉકેટનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. લંડનની યુનિવર્સિટી તથા યુનિવર્સિટી ઑફ ટેક્સસના સંશોધકો કહે છે, ‘કેટલાક શબ્દો વ્યક્તિના પોતાના વર્તનને પ્રભાવિત કરતા હોય છે. આજે વિશ્વમાં લોકો દ્વારા બોલાતા શબ્દોના આધારે વ્યક્તિના વર્તનનો અને વિચારોનો તાગ મેળવવાના પુષ્કળ અભ્યાસોમાં સફળતા મળી છે.’

આ જ રિસર્ચને આધારે સફળ લોકો દ્વારા બોલાતા કેટલાક ખાસ શબ્દો/શબ્દસમૂહો રિસર્ચરોના ધ્યાનમાં આવ્યા છે. જો તમે પણ સફળ થવા માગતા હો (વ્યવસાયમાં, સંબંધોમાં, અભ્યાસમાં કે સંપૂર્ણ જીવનમાં) તો આ શબ્દોનો વપરાશ વધારજો, આ શબ્દોને જીવનમાં ઉતારજો અને આત્મવિશ્વાસ સાથે સફળતાની દિશામાં આગળ વધજો.

૧) છતાં

અંગ્રેજીમાં YET તરીકે પ્રયોજાતો આ શબ્દ ખૂબ નાનો છે, પણ એની અસર જોરદાર છે. ઘણા સંશોધકોએ આ શબ્દ પર ભાર મૂક્યો છે. મોટા ભાગના લોકો જીવનમાં કંઈક કરી નથી શકતા અથવા અટકી પડે છે એની પાછળનું મૂળ કારણ ફિક્સ માઇન્ડસેટ હોય છે. હું ઍલોપથીની દવા તો લઉં જ નહીં, હું રસોઈ બનાવી જ ન શકું, હું બીમાર જ રહું છું, હું ખૂબ પઝેસિવ છું, હું ખૂબ જ પર્ફેક્શનિસ્ટ છું - આવા અઢળક ફિક્સ બંધારણ સાથેનાં વાક્યો તમે ઘણા લોકો પાસે સાંભળો છો. જ્યારે આ કન્ડિશન સાથેનાં વાક્યો બોલાતાં હોય છે ત્યારે વ્યક્તિ પોતાના દરવાજા બંધ કરે છે. પણ જો એમાં ‘છતાં’ ઉમેરી દેવામાં આવે તો? તમે સૉલ્યુશનની દિશા તરફ આગળ વધવા માંડો, તમે એક બારી ઉઘાડી રહ્યા છો, તમે ફ્લેક્સિબલી વિચારી રહ્યા છો. હું તો રસોઈ બનાવી જ ન શકું છતાં ક્યારેક જરૂર પડે તો ચા અથવા મૅગી બનાવી લઉં - જુઓ કેવું વાક્ય, ભાવ અને ભાવાર્થ બદલાયા. ઓપનનેસ આપે છે આ શબ્દ. જીવનના કોઈ પણ તબક્કે વ્યક્તિનું મગજ પર્યાયો માટે, બહેતર ઉપાયો માટે ખુલ્લું મગજ રાખીને આગળ વધે એ જરૂરી છે. ક્યારેક કોઈ કાર્યમાં મળેલી નિષ્ફળતામાં પણ ફરીથી આશાવાદ સાથેની ઓપનનેસ આપતો શબ્દ છે ‘છતાં’. નવી શરૂઆતને સૂચવતો શબ્દ છે. બની શકે પહેલી વારમાં આ વાત તમારા ગળે નહીં ઊતરે છતાં અમને ખાતરી છે કે આ વાત અનુભવે તમે સ્વીકારી લેશો.

૨) હું કરી શકીશ

જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર હો અને એ કરવાની તૈયારી તમારા શબ્દોમાં ભળે ત્યારે એનો પાવર વધી જતો હોય છે. હું કરી શકીશ, I can do it જ્યારે તમે બોલો ત્યારે તમારો અને તમારી સાથે તમારી આસપાસના લોકોનો આત્મવિશ્વાસ પણ બેવડાઈ જતો હોય છે. જો તમે લીડર હો તો તમારી ટીમ પર આ વાતનો પ્રભાવ ગજબ પડતો હોય અને જો તમે ટીમમાં કામ કરતા હો તો તમારા લીડરને તમારા પર જવાબદારી સોંપવાની ઇચ્છા જાગે.

૩) હું દસ વાગ્યે ત્યાં હાજર

વાતોમાં ગલ્લાંતલ્લાં કરીને વાતનું વતેસર કરવાની આદત સફળ લોકોમાં નથી હોતી. તેમની પાસેના સમયની રજેરજની તેમને ખબર હોય છે. તેઓ એક-એક મિનિટનું પ્લાનિંગ કરી લેતા હોય છે અને એ જ કારણે તેઓ સમયની બાબતમાં, પોતાની પંક્ચ્યુઅલિટીની બાબતમાં ખૂબ જ સભાન હોય છે. તમે જ્યારે કોઈને નિશ્ચિત સમય આપો છો ત્યારે એમાં તમારો આત્મવિશ્વાસ અને સમયની કદર પણ દેખાય છે. સ્વાભાવિક છે કે સમયની કદર કરનારી વ્યક્તિ જ જીવનમાં કંઈક હાંસલ કરી શકે છે.

૪) હું જે કામ હાથમાં લઈશ એ પૂરું કર્યા વિના નહીં મૂકું

દરેકના જીવનમાં સફળતા માટે આ મહત્વનું પાસું છે. હાથમાં લીધેલું કામ પૂરું કરવા માટે તમે કેટલા કટિબદ્ધ છો એ બાબત જ્યારે શબ્દોરૂપે બહાર આવે ત્યારે તમે બીજાને અને પોતાની જાતને પણ કમિટમેન્ટ સાથે બાંધી દેતા હો છો.

૫) જે કોઈ કરવા તૈયાર નથી એ હું કરીશ

આ વાક્યના શબ્દો લાગે છે એના કરતાં અનેકગણા ઇફેક્ટિવ છે. તમે ઘરે હો કે વર્કપ્લેસ પર, જે કામથી બધા હાથ ઝાટકતા હોય એ કામ જ્યારે કરવાની તૈયારી દેખાડો ત્યારે ઑટોમૅટિકલી લોકોનો તમારી તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાય. તમે બીજા કરતાં અલગ અને દરેક સ્થિતિ, કાર્ય અને સંજોગને પહોંચી વળવા માટે સક્ષમ છો એ વાત અન્યના મગજમાં ફિટ થાય છે. તમે લીડર હો તો તમારો આ અપ્રોચ તમારી ટીમ માટે એક શીખ બની જાય. તમારો આ અપ્રોચ પહેલાં તમને બધા કરતાં જુદા, પછી બધા કરતાં ખાસ અને સમય જતાં બધા કરતાં મહત્વના પુરવાર કરે છે; જે સફળતા માટે જરૂરી બાબત છે.

૬) આપણે

ગમેતેટલી ટૅલન્ટેડ વ્યક્તિને પણ પોતાના ટાસ્કને સમય પર પૂરા કરવા માટે એક ટીમ જોઈશે. સફળતા જો લાંબા ગાળાની અને ઝડપી જોઈતી હશે તો તમારે તમારા વિઝનને જોઈ શકે એવી ટીમ જોઈશે. જ્યારે ‘આપણે’ શબ્દ બોલાય છે ત્યારે સહિયારાપણાનો ભાવ આવે છે, બધાનો સાથ-સહકાર ભળે ત્યારે એકસાથે અનેક બ્રેઇન પાસેથી અઢળક ક્રીએટિવ આઇડિયાઝ અને વિચારો તમારા ટાસ્કને વધુ સુંદર બનાવી શકે છે. આ જ વાત પરિવાર-વ્યવસ્થાને પણ લાગુ પડે છે, જેમાં હળીમળીને રહેનારા લોકો જીવનનાં તમામ સુખ-દુ:ખને સહજતાથી દૂર કરી શકે છે.

૭) કેવી રીતે?

કોઈ પણ કાર્ય તમે શરૂ કરો ત્યારે ઘણી વાર તમારી જાણકારીની બહાર હોય એવી વિગતો પણ રહેવાની જ. ‘કેવી રીતે’ આ શબ્દ જેટલો મેકૅનિકલ લાગે છે એના કરતાં વધુ ઉપયોગી છે. કોઈ પણ કામ કેમ કરીશું એવું પુછાય ત્યારે બે કામ એકસાથે થતાં હોય છે. એક તો જેને એ પૂછવામાં આવી રહ્યું છે એ વ્યક્તિના ઓપિનિયનને તમે મહત્વ આપ્યું, જેણે તમારી ટીમનો સ્પિરિટ વધાર્યો અને બીજું, તમારી નજરમાં ન આવેલા મુદ્દાઓ તરફ પણ તમે ધ્યાન આપશો. મંઝિલ જેટલું જ મહત્વ મંઝિલ પર પહોંચવાના રસ્તાનું પણ છે. સફળ લોકો પોતાનાથી વધુ ટૅલન્ટેડ અને અમુક ક્ષેત્રે વધુ જાણકારી ધરાવતા લોકોને મહત્વ આપીને ‘કેવી રીતે’ જેવા સવાલો કરવામાં નાનપ નહીં અનુભવે. આ બાબત તમારી નવું શીખવાની, સ્વીકારવાની અને નવાને મહત્વ આપવાની માનસિકતા પણ પ્રદર્શિત કરશે.

આટલા શબ્દો બિલકુલ નહીં વાપરતા, સમજ્યા?

જો, તો, મોટા ભાગે, પરંતુ, ક્યારેય નહીં, ટ્રાય કરીશ, જોઈશ, વિચારીશ, કાશ, હું શ્યૉર નથી, બદદુઆ જેવા શબ્દો; મારા હિસાબે, લગભગ, જ્યારે થશે, ખરેખર, જસ્ટ, સાવ, ટોટલી જેવા નક્કરતા વિનાના, સંભાવનાઓથી ભરેલા, કન્ફ્યુઝન વધારનારા, અવલંબન સાથે સંકળાયેલા, કોઈ પણ જાતની ખાતરી વિનાના અને ખાસ તો પાણી વિનાના સાવ ઢીલાઢસ શબ્દો કોઈ સફળ વ્યક્તિ ન વાપરે. તેમના શબ્દોમાં કાં તો સામેવાળાને એમ્પાવર કરવાની વાત હોય કાં તો આત્મવિશ્વાસ સાથેના નક્કર પરિણામલક્ષી શબ્દો હોય.

પ્રખર સાહિત્યકાર અને કવિ મનોજ ખંડેરિયા કહેતા કે અમારે મન તો શબ્દો જ કંકુ અને ચોખા છે. હું શિક્ષક તરીકે ૩૫ વર્ષ સુધી સક્રિય રહ્યો ત્યારે હજારો વિદ્યાર્થીઓ સમક્ષ મેં આ શબ્દનો પાવર સમજ્યો છે. પરીક્ષા પહેલાં જ્યારે કોઈ વિદ્યાર્થી મળવા આવે ત્યારે હું એક જ શબ્દ વાપરતો, ‘યશસ્વી ભવ:’ અને એનો ગજબ પ્રભાવ વિદ્યાર્થીઓ પર થતો જોયો છે. નિરાશ વ્યક્તિને આશ્વાસનના બે શબ્દો જીવન જીવવાની ગજબ તાકાત આપી દેતા હોય છે. બેશક, શબ્દોની સાથે બોલનાર વ્યક્તિનો સૂર અને એનું અર્થઘટન કરનારી વ્યક્તિ પર પણ એ નિર્ભર હોય છે. ‘ઐસી બાની બોલીએ, મન કા આપા ખોય; ઔરોં કો શીતલ કરે, આપ હી શીતલ હોય - આ શબ્દોનો પાવર છે. ‘આંધળાના દીકરા આંધળા...’ બસ, આટલા શબ્દોએ મહાભારત રચી નાખ્યું એ શબ્દોનો પાવર છે. મારી દૃષ્ટિએ લખાયેલા શબ્દ કરતાં પણ બોલાયેલા શબ્દનો પ્રભાવ વધુ પ્રબળ હોય છે, જેમાં બોલનારનું વ્યક્તિત્વ તેનું વક્તૃત્વ બને છે.

- અશ્વિન મહેતા, પ્રોફેસર અને સંચાલક

શબ્દોને સર્વાધિક શ્રેષ્ઠ રીતે સંસ્કૃતમાં મૂકવામાં આવ્યા છે. શબ્દોમાં પાવર વિશે દુનિયાભરના સાયન્ટિસ્ટો વાત કરી ચૂક્યા છે, પરંતુ સંસ્કૃતના અધ્યાપક તરીકે મારો અનુભવ શૅર કરું તો એટલું કહી શકાય કે સંસ્કૃતની બારાખડીમાં રચાયેલા પ્રત્યેક અક્ષર સાથે લૉજિક સંકળાયેલું છે. તમારા ઉચ્ચાર સાથે શબ્દ આગળ વધે એવું માત્ર સંસ્કૃતમાં જ શક્ય છે. કંઠ સ્વર, તલ સ્વર, નાસિકા સ્વર જેવા પ્રત્યેક અક્ષરનો તમારા શરીર પર અને વાતાવરણ પર પણ પ્રભાવ પડે છે. સંસ્કૃતના શ્લોકો તમારા શરીરના એક-એક ઑર્ગન પર હકારાત્મક પ્રભાવ પાડી શકે છે એ શું છે? શબ્દોનો જ તો પ્રભાવ છે

- અર્જુન વ્યાસ, સંસ્કૃત ભાષાનો પ્રસાર કરતી સંસ્થા સંસ્કૃત ભારતીના પશ્ચિમ મુંબઈના સંયોજક

Comments (1)Add Comment
...
written by CHANDRAKANT SANGOI, June 14, 2018
excellent HELPFUL ARTICLE

NEW YORK USA
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK