ગલઢેરાં હવે બની રહ્યાં છે બોજ?

માતૃ દેવો ભવ: અને પિતૃ દેવો ભવ: જેવી ધરોહર ધરાવતા ભારતમાં આ દિવસ શું કામ ઊજવવો જોઈએ એની કેટલીક ચોંકાવનારી વાતો અહીં વાંચો

samrat

પલ્લવી આચાર્ય

મુંબઈમાં પતિ-પત્ની રહેતાં હતાં. સમય થતાં ઘણાં લાડકોડથી દીકરો પરણાવ્યો. એ પછી  છોકરાની માનું અવસાન થયું. પછી ઘરમાં દીકરો, તેની વહુ અને પિતા સાથે રહેતાં હતાં. લગ્નના એક વર્ષ પછી વહુની માએ તેના જમાઈ સામે શરત મૂકી કે તેમનું ઘર તેની દીકરી એટલે કે તેમની વહુના નામે કરશો તો જ તેની દીકરી તેમની સાથે રહેશે. આવું ન થયું એટલે વહુ ઘર છોડીને પિયર ચાલી ગઈ. બાપે ઘર દીકરાની વહુના નામે કર્યું અને પછી  બાપબેટો વહુને લેવા તેના પિયર ગયા ત્યારે તેની માએ જમાઈ સામે ફરી શરત મૂકી કે તારા બાપાને વૃદ્ધાશ્રમમાં મૂક, મારી દીકરી તેમની સાથે ઘરમાં નહીં રહે. દીકરાએ બાપાને કહ્યું કે તમે આશ્રમમાં જાઓ, હું દર અઠવાડિયે તમને મળવા આવતો રહીશ. દીકરાના સંસાર માટે બાપાએ વૃદ્ધાશ્રમમાં રહેવાનું નક્કી કરી લીધું. હવે વૃદ્ધાશ્રમમાં રહેતા બાપા પાસે પૈસા પણ નહોતા અને ઘર વહુના નામે થઈ ગયું હતું. વકીલની મદદથી જોકે વૃદ્ધને તેમનું ઘર પાછું મળ્યું. કોર્ટના ઑર્ડરથી દીકરાએ બાપાને મહિને ૨૫ હજાર રૂપિયા આપવા પડે છે અને વહુની માને કોર્ટે ઑર્ડર કર્યો કે વેવાઈની આસપાસના ૫૦૦ મીટરના દાયરામાં તેણે ફરકવાનું પણ નહીં!

મુંબઈમાં રહેતા એક સિનિયર સિટિઝને દીકરા પર ભરોસો કરીને પોતાની કરોડોની પ્રૉપર્ટી દીકરા અને વહુના નામે કરી દીધી. વડીલ પાસે પૈસાનો પાવર હતો એટલે ઘરમાં બધાને આખો દિવસ

ટોક-ટોક કરતા હતા એ વહુને જરાય નહોતું ગમતું. દિવસો જતાં વહુ અને સસરા વચ્ચે ખટરાગ વધવા મંડ્યો એટલે દીકરા-વહુએ તેમને કહ્યું કે તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો, ઘર છોડી દો; પણ વડીલ માન્યા નહીં. કહે, હું ઘર છોડીને નહીં જાઉં. થોડા દિવસ આવી મગજમારી ચાલી, પણ વડીલે ઘર ન છોડ્યું એટલે દીકરા-વહુએ તેમને ખાવાપીવાનું આપવાનું જ બંધ કરી દીધું. હવે પરાકાષ્ઠા તો એ છે કે દીકરો-વહુ એક તો તેમને ખાવાનું ન આપતાં અને ઉપરથી ગાળો પણ ભાંડવા લાગ્યાં એટલું જ નહીં, વડીલ પોતાની જાતે કંઈ ખાવાનું લઈને બેસે તો તેમના હાથમાંથી ઝૂંટવી લેવા લાગ્યા. આવું લગભગ બે મહિના ચાલ્યા પછી વડીલ છેવટે કંટાળીને પોતાના ભાઈના ઘરે ચાલ્યા ગયા. તેમણે પત્નીના અવસાન પછી ૧૨ વર્ષના દીકરાને એકલા હાથે ઉછેર્યો હતો.

વકીલની મદદથી તેમણે પોતાની બધી પ્રૉપર્ટી પાછી મેળવી અને હવે તેમની પૂરતી આવક હોવાથી સારી રીતે ગુજરાન ચલાવે છે. દીકરા અને વહુએ હવે ભાડે ઘર લઈને રહેવું પડે છે.

મુંબઈમાં રહેતી એક દીકરી તેની ૭૫ વર્ષની મા સાથે રહેતી હતી. દીકરીના પતિની ફાઇનૅન્શિયલ પોઝિશન બહુ સારી નહોતી. મા સાથે રહી-રહીને તેણે એક ઘર પોતાના નામે કરાવી લીધું. મા સરકારી નોકરીમાં હતી એટલે તેનું પેન્શન પંચાવન હજાર રૂપિયા જેવું આવતું હતું અને બીજાં બેત્રણ ઘર હતાં, પણ એ રેન્ટ પર આપેલાં હતાં. આ મહિલાને એક દીકરો હતો, જે માનસિક રીતે અસ્થિર હતો અને તે તેને સાચવતી હતી. ઘર પોતાના નામે કરી લીધા પછી દીકરી તેની માને આ ઘરમાં સાથે ન રહેવા માટે કહેતી હતી, પણ મા માનતી નહોતી તેથી એક દિવસ બહાર ગયેલી મા ઘરમાં આવવા ગઈ તો દીકરીએ તેને બહાર નીકળી જવા માટે કહ્યું અને પરાણે તે ઘરમાં ઘૂસવા ગઈ તો જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધી. એ પછી આ સ્ત્રીએ વકીલની મદદ લીધી અને દીકરીને ગિફ્ટ-ડીડ કરેલું ઘર પાછું મેળવ્યું અને પોતાની બધી સંપત્તિનું ટ્રસ્ટ બનાવી મેન્ટલી રિટાર્ડેડ દીકરાનું ભવિષ્ય પણ સિક્યૉર કરી લીધું. હવે ભારતમાં પણ બુઝુર્ગો પ્રત્યેના અત્યાચારોનું પ્રમાણ વધ્યું છે. કેટલીક વાર તેઓ એટલાબધા નિ:સહાય બની જાય છે કે તેમની પાસે કોઈ આરો નથી રહેતો. 

આ રિયલ કેસ વિશે જણાવતાં હાઈ કોર્ટના ઍડ્વોકેટ બેઝાદ ફિરદૌસ ઈરાની કહે છે, ‘હવે ભારતમાં પણ બુઝુર્ગો પ્રત્યેના અત્યાચારોનું પ્રમાણ વધ્યું છે. કેટલીક વાર તેઓ એટલાબધા નિ:સહાય બની જાય છે કે તેમની પાસે કોઈ આરો નથી રહેતો. કેટલાય આવા લોકોના કેસ હું એક રૂપિયો પણ લીધા વિના લડ્યો છું.’

મુંબઈનું એક કપલ તેની વૃદ્ધ મા સાથે રહેતું હતું. એક વાર તેમના ઘરે મહેમાન આવ્યા હતા ત્યારે દાદીને છીંક આવી અને એમાં આખું ઘર તેમના પર તૂટી પડ્યું. તેમને કહે, ‘તમને કેટલી વાર કહ્યું છે કે હૉલમાં તમારે નહીં બેસવાનું. અને બેસો તો છીંક કે ઉધરસ નહીં ખાવાની! ચૂપચાપ બેઠા રહેવાનું.’ 

એક મહિલાને તેમનો દીકરો કે દીકરી કોઈ રાખવા તૈયાર નહોતું એટલું જ નહીં, તેમને ખૂબ ટૉર્ચર કર્યા કરતાં હતાં. આ લોકો તેમને વૃદ્ધાશ્રમમાં પણ જવા નહોતાં દેતાં, કારણ કે જો એમ કરે તો તેમની નામોશી થાય. એટલા માટે તેઓ મમ્મીને ટૉર્ચર કરતાં અને કહેતાં અગાસીમાંથી ભૂસકો મારીને મરી જાઓ!

એક કપલે ઘરમાં કૂતરો પાYયો હતો. આ કૂતરો તેમને જાનથી પ્યારો હતો. એક વાર કૂતરો ઘરમાં વચ્ચે ફરતો હતો એટલે મમ્મીએ કહ્યું કે કૂતરાને એક બાજુ પર રાખો, વચ્ચે આવશે તો હું પડી જઈશ. બસ, મમ્મીએ કૂતરાને કૂતરો કહ્યો, એનું નામ ન લીધું ત્યાં કપલનો ગુસ્સો ભડક્યો અને મમ્મીએ બહુ ખરીખોટી સંભળાવી એટલું જ નહીં; કહે કે અમે તમને તમારા નામથી ન બોલાવીને તમને બાઈ કહીશું તો કેવું લાગશે? મમ્મીએ આ વાતનું બહુ ખરાબ લાગ્યું કે તેમની સરખામણી કૂતરા સાથે કરી અને તેમના કરતાં આ લોકોને મન કૂતરાની વૅલ્યુ વધારે છે.

બુઝુર્ગો પર અત્યાચારના આવા અનેક કિસ્સા રોજ ભારતભરમાં બનતા રહે છે. ભારતમાં પણï લોકોને હવે ઘરમાં વૃદ્ધો જોઈતા નથી એ કડવી વાસ્તવિકતા છે. તેમને ઘરના વૃદ્ધો  અડચણરૂપ લાગે છે એમ જણાવતાં પાલઘરમાં આવેલા આનંદ વૃદ્ધાશ્રમનાં સંચાલિકા મનીષા કોટક કહે છે, ‘ઘરમાં આજે બુઝુર્ગો પર કેવા-કેવા અત્યાચારો થાય છે એ કહેતાં પણ મને બહુ દુ:ખ થાય છે. અહીં આવેલા કેટલાક લોકોએ ઘરમાં એટલો ત્રાસ વેઠ્યો હોય છે કે તેઓ મરતાં સુધી ઘરનાઓનું મોં પણ જોવા નથી માગતા. કેટલાક લોકો તેમનાં દીકરા કે દીકરીને મરી ગયા પછી પણ બોલાવવાની ના કહે છે અને એટલે અત્યાર સુધી કેટલાય લોકોના અãગ્નસંસ્કાર પણ મેં કર્યા છે.’  

એલ્ડર અબ્યુઝ એટલે કે બુઝુર્ગો પર થતો અત્યાચાર આખી દુનિયાની સામાજિક સમસ્યા છે. તેથી યુનાઇટેડ નેશન્સે દુનિયાનું ધ્યાન આ સમસ્યા તરફ ખેંચવા માટે તથા બુઝુર્ગો પર થતા અત્યાચારોને અટકાવવા માટે ૧૫ જૂનને વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે ૨૦૧૨માં ઘોષિત કર્યો. આમ આ દિવસે આખી દુનિયા બુઝુર્ગો પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવે છે. દિન-પ્રતિદિન દુનિયામાં બુઝુર્ગો પર થતા અત્યાચારોની સંખ્યા વધવા લાગી છે, જેમાં હવે માતા-પિતાને દેવ માનતી ભારતીય સંસ્કૃતિવાળા ભારતીયોની સંખ્યા પણ ઓછી નથી.

વિશ્વસનીય આંકડા મુજબ ભારતમાં સિનિયર સિટિઝનોની આબાદી હાલ સાડાઅગિયાર કરોડની છે. સિંગાપોર અને કૅનેડાની તો કુલ આબાદી પણ ૧૦ કરોડની નીચે છે. યાદ રહે, સિનિયર સિટિઝન એટલે ૬૦ વર્ષ અને એની ઉપરની વયની વ્યક્તિઓ. ભારતના આ સાડાઅગિયાર કરોડ સિનિયર સિટિઝનોમાં ૯૦ ટકા લોકોને પેન્શન નથી મળતું. મતલબ કે તેમની રેગ્યુલર કોઈ ઇન્કમ નથી અને તેથી તેમની પાસે પૈસા ન હોવાથી સંતાનોના આધારે જીવવું પડે છે. હવે જે લોકો પર અત્યાચારો થઈ રહ્યા છે એમાં ૪૦ ટકા લોકો એકલા છે. એમાં કાં તો તે જીવનસાથી વિના એકલા રહી ગયા છે. કેટલાકને સંતાનો નથી તો કેટલાકને સંતાનો છેï, પણ તેમની સાથે કોઈ રહેતું નથી કે તેમની કાળજી કોઈ લેતું નથી. આ લોકો એકલતાનો શિકાર બને છે. બુઝુર્ગોની કુલ આબાદીમાં ૫૩ ટકા મહિલાઓ છે. અગાઉ ભારતમાં જે સંયુક્ત પરિવારપ્રથા હતી એ હવે રહી નથી તેથી બુઝુર્ગો એકલા પડી ગયા છે અને પરિવારમાં કોઈ તેમને જોતું પણ નથી.

હેલ્પેજ ઇન્ડિયા નામની સિનિયર સિટિઝનો માટે કામ કરતી સંસ્થા લગભગ પાંચથી છ વર્ષથી એક સર્વે કરી રહી છે એમાં ૯૦ ટકા બુઝુર્ગોનું કહેવું છે કે વર્બલ અબ્યુઝ એટલે કે ઘરના લોકો તેમને કહે ચૂપ બેસો, તમને ન ખબર પડે, બૂઢા કે બૂઢીનું ખસકી ગયું છે, અમારી વાતમાં વચ્ચે ન પડો, વચ્ચે ટાંગ ન અડાવો વગેરે અમારા માટે કૉમન બાબત  છે. ૪૫ ટકા લોકો સાથે કેટલાક આગળ જણાવેલા કિસ્સા મુજબ ફાઇનૅન્શિયલ અબ્યુઝ થાય છે અને એના કારણે તેઓ ફાઇનૅન્શિયલી નિ:સહાય થઈ જાય છે. ૩૯ ટકા લોકો સાથે ફિઝિકલ અત્યાચારો પણ થાય છે; જેમાં તેમને મારીને ઘરની બહાર કાઢી દે, ખાવા ન આપે, ધક્કા મારે, ટપલીઓ મારે વગેરે. બુઝુર્ગો સાથે ફિઝિકલ, સાઇકોલૉજિકલ, ઇમોશનલ, ફાઇનૅન્શિયલ અને સેક્સ્યુઅલ અત્યાચારો થાય છે.

આજની પેઢી ઍડ્જસ્ટ કરવા માટે જરા પણ તૈયાર નથી. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જગ્યાનો અભાવ હોવાથી, પ્રૉપર્ટીને લઈને અને જનરેશન-ગૅપના કારણે બુઝુર્ગો પર અત્યાચારોની સંખ્યા વધવા લાગી છે એમ જણાવતાં બોરીવલી જ્યેષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ડૉ. રામદાસ ગુજરાતી કહે છે, ‘આજની થર્ડ જનરેશનને પણ બુઝુર્ગો સાથે રહેવાનું જરા પણ પસંદ નથી. એક વૃદ્ધ મહિલા તેની દીકરી અને તેનાં સંતાનો સાથે રહેતી હતી. આ મહિલાનો દોહિત્ર ટેન્થમાં આવ્યો તો તે કહે, મને વાંચતાં નથી ફાવતું, નાનીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપો અને દીકરીએ તેની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી. આજની પુત્રવધૂઓને સાસુ કે સસરા સાથે રહેવું ગમતું નથી તેથી તેઓ તેમને એકલાં છોડીને અલગ રહેવા જતાં રહે છે. એ જ રીતે ઘર નાનું હોવાથી પુત્રવધૂઓ પોતાના આરામના સમયે વૃદ્ધોને ઘરની બહાર જવા ફરમાવે છે. એ કારણે જ મારી સોસાયટીના કેટલાય વૃદ્ધોએ બપોરે બહાર ફરવું પડે છે અથવા ક્યાંય પણ સમય પસાર કરવો પડે છે. આ ઉપરાંત ફિઝિકલ અબ્યુઝના કિસ્સા પણ વધતા જાય છે જેમાં દીકરા, દીકરી, વહુ તો તેમને મારે પણ પૌત્રો અને દોહિત્રો પણ તેમને મારે છે.’

એલ્ડર પર્સન સાથે થઈ રહેલી આ મિસટ્રીટમેન્ટને દુનિયા સામે મૂકી એની સામે એક થઈને કામ કરવા અને તેમની જરૂરિયાતોને હાઇલાઇટ કરી એની સામે યોગ્ય ઍક્શન લેવા માટે જ આ અવેરનેસ ડે છે. અગાઉ કહેવાતું હતું કે ઘરડાં ગાડાં વાળે. તેમની પાસે જ્ઞાન અને અનુભવોનો ખજાનો હોય છે એમ જણાવતાં હેલ્પેજ ઇન્ડિયાના પ્રેસિડન્ટ પ્રકાશ બોરેગાંવકર કહે છે, ‘સમાજ બુઝુર્ગોને સમજે અને તેમનો ખ્યાલ રાખે એ જરૂરી છે. તેમની પાસેના અનુભવો અને જ્ઞાનનો આપણે ફાયદો લેવો જોઈએ. આના બદલે લોકો તેમના પર અત્યાચાર કરે છે. તેમના પર પ્રૉપર્ટી રિલેટેડ અત્યાચાર થાય ત્યારે ઘણી વાર એવું બને છે કે તેઓ જો પોલીસ પાસે જાય તો પોલીસ કહે છે, ઘરનો મામલો છે, અમે શું કરીએ? અને બીજા કોઈને કહે તો તેમનાં સંતાનોને લાગે કે ઘરની વાતો કરે છે અને તેથી તેમને ખરાબ લાગી જવાથી બુઝુર્ગોને વધુ પરેશાન કરવા લાગે છે. આમ તેઓ જાય તો ક્યાં જાય એવી હાલત થઈ જાય છે.’

અમને કૉલ કરો

બુઝુર્ગો પર થતા અત્યાચારો સામે રક્ષણ આપવા માટે હેલ્પેજ ઇન્ડિયાએ એક હેલ્પલાઇન શરૂ કરી છે, ૧૮૦૦૧૮૦૧૨૫૩. આ ટોલ-ફ્રી નંબર પર ભારતના કોઈ પણ ખૂણેથી કૉલ થઈ શકે છે. આ લાઇન પર રોજના લગભગ વીસ કૉલ આવે છે. એમાં વધુ કૉલ એવા પણ હોય છે કે તેમને માત્ર વાતો કરવી હોય છે, બધું કહેવું હોય છે; પણ તેમને સાંભળવાવાળું કોઈ નથી કે કોઈ તેમને પૂછવાવાળું નથી હોતું. પ્રકાશ બોરેગાંવકર કહે છે,  ‘અમે આ લોકોને કહીએ છીએ કે આ લાઇનનો બિન્ધાસ્ત ઉપયોગ કરો, તમારે જે વાત કરવી હોય એ કરો, અમે હાજર છીએ. કુલ કેસમાં ૧૦ કેસ પ્રૉપર્ટી-રિલેટેડ અબ્યુઝના હોય છે. હેલ્પલાઇનનો ફાયદો એ થયો કે લોકો પોતાની તકલીફો શૅર કરતા થયા છે. અહીં આવતા વીસમાંથી ૬ કેસ કાઉન્સેલિંગના માધ્યમથી ઊકલી પણ જાય છે. પરિવાર સાથે મિસઅન્ડરસ્ટૅન્ડિંગ હોય એ ઊકલી જાય છે. બુઝુર્ગો આ લાઇનનો ઉપયોગ કરે એ જરૂરી છે.  તેઓ છેવટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરતા થાય એ જરૂરી છે.’

વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે માટે વરિષ્ઠ નાગરિકો માટે કામ કરતી સંસ્થા સિલ્વર  ઇનિંગ્સે પણ અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. છેલ્લે એમ કહી શકાય કે યુવાનોએ પરિવારના બુઝુર્ગોને સમજવા જરૂરી છે એ જ રીતે બુઝુર્ગોએ પણ બદલાતા સમય સાથે તાલ મિલાવવા માટે બદલાવું પણ જરૂરી છે.

અહીં આવેલા કેટલાક લોકોએ ઘરમાં એટલો ત્રાસ વેઠ્યો હોય છે કે તેઓ મરતાં સુધી ઘરનાઓનું મોં પણ જોવા નથી માગતા. કેટલાક લોકો તેમના દીકરા કે દીકરીને મરી ગયા પછી પણ બોલાવવાની ના કહે છે અને એટલે અત્યાર સુધી કેટલાય લોકોના અãગ્નસંસ્કાર પણ મેં કર્યા છે

- આનંદ વૃદ્ધાશ્રમ, પાલઘરનાં સંચાલિકા મનીષા કોટક

આજની થર્ડ જનરેશનને પણ બુઝુર્ગો સાથે રહેવાનું જરા પણ પસંદ નથી. એક વૃદ્ધ મહિલા તેની દીકરી અને તેનાં સંતાનો સાથે રહેતી હતી. આ મહિલાનો દોહિત્ર ટેન્થમાં આવ્યો તો તે કહે, મને વાંચતાં નથી ફાવતું, નાનીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપો અને દીકરીએ તેની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી

- બોરીવલી જ્યેષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ડૉ. રામદાસ ગુજરાતી

હવે ભારતમાં પણ બુઝુર્ગો પ્રત્યેના અત્યાચારોનું પ્રમાણ વધ્યું છે. કેટલીક વાર તેઓ એટલા બધા નિ:સહાય બની જાય છે કે તેમની પાસે કોઈ આરો નથી રહેતો

- હાઈ કોર્ટના ઍડ્વોકેટ બેઝાદ ફિરદૌસ ઈરાની

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK