શું વાત કરો છો, તમે ક્યારે પણ ઍક્ટિંગ નથી કરી?

જી હા. આપણે બધા જ કલાકાર છીએ. ઈશ્વરે આપણને ડિપ્લોમા ઇન ઍક્ટિંગનું સર્ટિફિકેટ નથી આપ્યું છતાં એ કલા આપણી અંદર જ છે. ઈશ્વરે આપણી આ કલાને સર્ટિફિકેટના કાગળિયા દ્વારા જાહેર નથી કરી, પણ આ કલા આપણા વર્તન દ્વારા અચૂક વર્તાઈ જાય છે

sanju

સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

ઍક્ટિંગ કરવી આમ તો જન્મજાત કળા છે. માણસ જન્મે ત્યારે સ્પેશ્યલ ઇફેક્ટ્સ તેને ગળથૂથીમાં મળે છે. એટલે એવું કહેવાય છે કે કલાકાર બનાવી શકાતા નથી, કલાકાર જન્મથી જ કલાકાર તરીકે જન્મે છે. હા, કોઈ પણ કલા તમે વિકસાવી જરૂર શકો છો, પણ એ આવડત આપણામાં જન્મજાત હોય તો જ આપણે એને વિકસાવી શકીએ.

બાળપણમાં આપણે સંગીત, પેઇન્ટિંગ, ડાન્સ જેવી એક્સ્ટ્રા ઍક્ટિવિટી કરતા હોઈએ ત્યારે આપણે જે કંઈ કરીએ એ બધાને ખૂબ વહાલું લાગતું હોય છે. જેમ-જેમ ઉંમર વધે એમ આપણને સમજાતું જાય કે અમુક આવડત આપણામાં સ્પેશ્યલ છે, આપણે એમાં માહેર છીએ. બેઝિકલી આપણા દરેકને ઈશ્વરે કંઈક સ્પેશ્યલ આપ્યું જ છે.

આ ધરતી પર એકેય એવો માણસ નહીં હોય જે સાવ શૂન્ય હોય. કંઈક ને કંઈક તો તેનામાં હોય જ છે. કોઈક પોતાની આવડતને કારણે ખૂબ આગળ વધી જાય તો કોઈકને એવો મોકો નથી મળતો. જોકે આજે ઍક્ટિંગની વાત કરવી છે.

આપણા માણસોમાં એક કૉમન આવડત છે. અને એ છે ઍક્ટિંગ. યસ, આપણે બધા જ કલાકાર છીએ. કદાચ તમને એમ થશે કે તમે તો ક્યારેય સ્ટેજ પર કે બીજે કશે ઍક્ટિંગ કરી જ નથી. જરા બારીકાઈથી વિચારો. શું તમે ક્યારે ઍક્ટિંગ કરી નથી? જવાબ ના હોય તો તમને તમારી અંદરની આવડતનો ખ્યાલ જ નથી.

ભલે તમે સ્ટેજ પર ઍક્ટિંગ ન કરી હોય, પણ ઘરમાં કે મિત્રવતુર્ળ માં ઍક્ટિંગ કરો જ છો. માણસ તરીકે ઈશ્વરે આપણામાં આ આવડત કૉમન ભરી દીધી છે. ઘર-પરિવાર, સગાંસંબંધીમાં આપણે ઘણી વાર ખોટું બોલતા હોઈએ છીએ. ભલે એ ખોટું તેમને નુકસાનકર્તા ન હોય, પણ ખોટું બોલી આપણી રિયલ ફીલિંગ્સ છુપાવવી એને ઍક્ટિંગ જ કહેવાય.

ખરાબ ઇરાદાથી ખોટું બોલવું, છેતરપિંડી કરવી, ચાપલૂસી કરવી, કોઈની ભલાઈ માટે ત્યાગ કરવો, મનમાં શું ચાલે છે એ કળાવા ન દેવું, કોઈને મળીને અત્યંત આનંદ થયો હોય એવો ડોળ કરવો, કોઈને પ્રેમ કરતા હોય તોય ન કરતા હોય એવું જતાવવું. આ બધું જ ઍક્ટિંગ કહેવાય. આપણી રિયલ પર્સનાલિટી અને ભાવનાથી તદ્દન વિપરીત વર્તવું એ એક પ્રકારની ઍક્ટિંગ જ છે.

ઈશ્વરે આપણને ડિપ્લોમા ઇન ઍક્ટિંગનું સર્ટિફિકેટ નથી આપ્યું છતાં એ કલા આપણી અંદર જ છે. ઈશ્વરે આપણી આ કલાને સર્ટિફિકેટના કાગળિયા દ્વારા જાહેર નથી કરી, પણ આ કલા આપણા વર્તન દ્વારા અચૂક વર્તાઈ જાય છે. હા, ઘણા એવા ધુરંધર કલાકાર હોય જે તેમની ઍક્ટિંગ કળાવા ન દે. તોય મોડે-મોડે પણ એ જાહેર થયા વગર રહે જ નહીં.

અમુક તો આપણા પોતીકા હોવાની એટલી સરસ ઍક્ટિંગ કરે કે ન પૂછો વાત. વ્યક્તિ સંપૂર્ણપણે પારદર્શક ક્યારેય બની શકતી નથી. તેની પારદર્શકતામાં કલાકાર તરીકે એકાદ પડદો તો તે રાખી જ મૂકે છે. આપણી સાથે રહેતા લોકો સારી ભાવનાથી આપણી સામે ઍક્ટિંગ કરતા હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી. આપણને ટેન્શન ન આવે, બળાપો ન થાય એ લાગણીથી કોઈક વાત છુપાવવામાં આવે તો એવી ઍક્ટિંગ સ્વીકાર્ય છે. પણ જ્યાં છેતરપિંડી, સ્વચ્છંદતા, લાલચની ભાવના છે ત્યાં થતી ઍક્ટિંગમાં માણસાઈ મરવા લાગે છે અને કલાકાર જીતી જાય છે.

અમુક પ્રેમીઓ પોતાનો સ્વાર્થ સધાતો હોય, પોતાને ફાયદો થતો હોય એવા ઇરાદાથી બીજાને પ્રેમ કરતા હોવાની ઍક્ટિંગ કરે છે. તો અમુક પ્રેમીઓ બીજી વ્યક્તિની ભલાઈ માટે પોતાની અંદરની ફીલિંગ્સ છુપાવે છે અને મનોમન એ વ્યક્તિને ચાહતી રહે છે.  એક તરફ ખરાબ ઇરાદાથી પ્રેમની જાહેરાત છે તો બીજી તરફ સારા ઇરાદાથી પ્રેમને છુપાવવાની લાગણી છે. આ અભિનય જ કહેવાય.

ઘરની કોઈ વ્યક્તિના કડવા વેણથી આપણને દુ:ખ થયું હોય છતાં એ જાહેર ન કરવું એ ઍક્ટિંગ છે. આપણી તકલીફથી બીજાને તકલીફ ન થાય એવો વિચાર પણ ઍક્ટિંગ જ કહેવાય. લાગણીને કારણે અંગત વ્યક્તિઓની સામે થતી ઍક્ટિંગ સૌથી શ્રેષ્ઠ છે.

પણ અંગત વ્યક્તિઓમાં રાજકારણ રમાતું હોય ત્યારે સંબંધો ગંધાવા લાગે છે.

સાસુ-વહુ કે મિત્રોના સંબંધોમાં જો બન્ને એકબીજાની સામે સારી રીતે વર્તતા હોય અને બહાર એકબીજાનું વાંકું બોલતા હોય તો આવો ઍક્ટિંગ-ડ્રામા સૌથી નિમ્ન સ્તરનો કહેવાય.

પતિ-પત્નીમાં ઍક્ટિંગની કલા વધુ વિકસતી જોવા મળે એનું સૌથી મોટું કારણ છે બન્નેને એવું લાગે કે તે મારી વાત નહીં સમજી શકે. આવો વિચાર જ એકબીજાથી વાતો છુપાવવા સુધી પહોંચી જાય છે. કોઈ પણ સંબંધમાં અંતર ત્યારે વધે જ્યારે લાગણી અને રિસ્પેક્ટ ઓછાં થવા લાગે. અને પછી આપણે એકબીજા સાથે ખુશ છીએ એવો ડોળ કરતાં થઈ જઈએ. જાહેર ફંક્શનમાં સાથે જોવા મળતા કપલને જોઈ કહેવું મુશ્કેલ થઈ જાય કે એ લોકો સાચે જ એકબીજા સાથે ખુશ છે કે ઍક્ટિંગ કરી રહ્યાં છે.

જીવનની સૌથી મોટી ચૅલેન્જ છે સાથે રહેવું અને ખુશ રહેવું. અને બીજી મોટી ચૅલેન્જ એટલે એકલા રહેવું અને ખુશ રહેવું. જ્યારે આપણે જાતને છેતરવાનું બંધ કરીએ છીએ ત્યારે આપણે સારા અને સાચા કલાકાર બનીએ છીએ.

અને એટલે જ કહેવાય છે કે જીવન એક રંગમંચ છે. જીવનના રંગમંચ પર ઍક્ટર તરીકે આપણી એન્ટ્રી-એક્ઝિટ ઈશ્વરના હાથમાં છે. એન્ટ્રી-એક્ઝિટ વચ્ચે જિવાતી જિંદગીમાં આપણે કેવા કલાકાર બની શકીએ છીએ એનો વિચાર ખુદ આપણે જ કરવાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy