માતૃત્વ કારર્કિદીમાં અવરોધ બની શકે?

માતા બનવાની કાબેલિયત સ્ત્રીને સમાજમાં ઇજ્જત અપાવે છે એવી વિચારધારાના કારણે સ્ત્રીની પ્રગતિ રૂંધાઈ જાય છે એ વાત સાચી છે? મુંબઈની મહિલાઓ સાથે વાત કરીને જોઈએ વાસ્તવિકતા શું છે

kareena

વર્ષા ચિતલિયા

માતૃત્વ સ્ત્રીના જીવનનો શ્રેષ્ઠ તબક્કો છે. વાર્તાઓમાં, સાહિત્યમાં, ફિલ્મોમાં કે પછી જાહેરાતોમાં બધે જ માતૃત્વનો મહિમા ગવાયો છે. મા તરીકેની જવાબદારી નિભાવવી એ દુનિયાનું સૌથી મુશ્કેલ કાર્ય છે એ વાત સાથે સૌકોઈ સહમત છે, પરંતુ શું સ્ત્રી માટે મા બનવું અનિવાર્ય અને ફરજિયાત છે? જો કોઈ સ્ત્રી મા ન બનવાનો નિર્ણય લે તો એ ખોટું છે? આજે કરીઅરને પ્રાધાન્ય આપવા માટે અનેક સ્ત્રીઓ મમ્મી બનવાનું ટાળે છે અને એના કારણે તેમની સામાજિક ઇમેજને અસર થાય છે. કેટલીક વાર સમાજ એમ માની લે છે કે કદાચ તેમનામાં માતા બનવાની ક્ષમતા નહીં હોય. કહે છે કે મા બનવાની કાબેલિયત જ સ્ત્રીને પુરુષ અને સમાજ સામે ઇજ્જત અપાવે છે. આપણી આવી સામાજિક વિચારધારાના બોજ તïળે સ્ત્રીનાં અનેક સપનાંઓ, ઇચ્છાઓ અને કરીઅર છિનવાઈ જાય છે. કેટલાક બુદ્ધિજીવીઓનું માનવું છે કે આજના સમયમાં સ્ત્રીઓ વધુ સમજદાર બની છે. જો થોડી સમજદારી અને કુનેહથી કામ લે તો માતૃત્વ અવરોધ નથી બનતું. આ સંદર્ભે મુંબઈની કરીઅર-ઓરિએન્ટેડ તેમ જ મધરહુડનો આનંદ લેવા કરીઅરને થોડા સમય માટે બાજુએ મૂકી દેનારી અને ઇચ્છા ન હોવા છતાં પોતાનાં સપનાંઓને ભૂલી મા તરીકેની જવાબદારી નિભાવતી મમ્મીઓ પાસેથી જાણીએ તેમના અનુભવો અને અભિપ્રાયો.

માતા બનવું સ્ત્રી માટે ફરજિયાત છે એવું નથી, પણ સ્ત્રી જ્યારે મા બની શકે છે તો કરીઅર માટે એને સાઇડ-ટ્રૅક પર મૂકવું મને યોગ્ય નથી લાગતું. એવો મત વ્યક્ત કરતાં ગોરેગામમાં રહેતાં અને ૧૭ વર્ષથી મલાડની દાલમિયા કૉલેજમાં લાઇબ્રેરિયન તરીકે કાર્યરત શીતલ શાહ કહે છે, ‘દરેક સ્ત્રીએ જીવનના એક તબક્કે માતાની જવાબદારી અદા કરવી જ જોઈએ. સમાજ શું કહેશે એ વિચારથી નહીં પણ પોતાની જાતને સંપૂર્ણ સ્ત્રી તરીકે પ્રસ્થાપિત કરવા અને માતૃત્વનો ભરપૂર આનંદ ઉઠાવવા મા બનવું જ જોઈએ. એવું નથી કે તમે મમ્મી બની જાઓ તો કામ ન કરી શકો. મારા કેસમાં તો એવું થયું હતું કે લગ્નના બીજા વર્ષે જ મમ્મી બની ગઈ હતી. એ વખતે અમારી કૉલેજમાં ત્રણ મહિનાની મૅટરનિટી લીવ મળતી હતી અને બે-ત્રણ મહિના બીજી વધારાની રજા લઈ પુત્રના ઉછેરમાં ધ્યાન આપ્યું. મારા માટે ફરીથી કામ શરૂ કરવું સરળ હતું એનું કારણ એ કે મારું ઘર અને કૉલેજ ખૂબ નજીક છે. ટ્રાવેલિંગનો સમય બચતો હતો એટલે માતૃત્વ અને કરીઅર બન્ને વચ્ચે એકસરખું ધ્યાન આપી શકી હતી. આ ઉપરાંત ઘરમાં મેઇડ પણ રાખી લીધી જેથી પરિવારને વધારે તકલીફ ન થાય. આજે આપણે જોઈએ છીએ કે કરીઅરને બચાવવા અને આગળ વધવા સ્ત્રીઓ મધરહુડનો આનંદ લેવાથી વંચિત રહેવાનું પસંદ કરી રહી છે, જે ખોટો નિર્ણય કહેવાય. કુદરતે તમારામાં જો એ ક્ષમતા ન મૂકી હોય તો આપણે કંઈ ન કરી શકીએ, પણ વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આવીને આવો નિર્ણય લેતા હો તો પસ્તાવું પડશે. આ બાબતમાં હું આપણી ભારતીય પરંપરાઓ અને માન્યતાની હિમાયત કરું છું.’

મા બનવું જોઈએ એ વાતનો સ્વીકાર કરતાં તેમ જ મધરહુડ ક્યારેય કરીઅરમાં રુકાવટ ન બની શકે એવો અભિપ્રાય આપતાં ઘ્ખ્ ફર્મ સાથે જોડાયેલી અને હાલમાં જ મમ્મી બનેલી કાંદિવલીની શ્રદ્ધા ઉદેશી કહે છે, ‘કરીઅરના હાઈ લેવલ પર હોઈએ ત્યારે નિર્ણય લેવો મુશ્કેલ હોય છે, પણ સ્ત્રીમાં બન્ને મોરચે લડવાની કુનેહ અને સેલ્ફ-કૉન્ફિડન્સ હોય તો જીવનના આ શ્રેષ્ઠ સમયનો ભરપૂર આનંદ લઈ ફરીથી કામ શરૂ કરી શકે છે. બૅલૅન્સ કરવાની તમારામાં એબિલિટી હોવી જોઈએ. અમને જ્યારે એમ લાગ્યું કે હવે ઘરમાં બાળકનું આગમન થવું જોઈએ ત્યારે મારા હસબન્ડ અને સાસુનો બહુ જ સપોર્ટ મળ્યો. તેમણે મને પહેલાં જ કહી રાખ્યું હતું કે મૅટરનિટી લીવ પૂરી થયા બાદ આરનાની ચિંતા કરવાની જરૂર નથી. મારાં મમ્મી પણ કાંદિવલીમાં જ રહે છે અને તેમનો પણ સપોર્ટ છે જ. મેં પ્રેગ્નન્સીના છેલ્લા સમય સુધી કામ ચાલુ રાખ્યું હતું. અત્યારે છ મહિનાની લીવ લઈ મધરહુડનો આનંદ લઉં છું અને ઑગસ્ટ મહિનાથી ફરી કરીઅરને ફોકસ કરવાનો પ્લાન પણ બનાવી લીધો છે. એક વાત છે કે ફરીથી કરીઅર તમે ત્યારે જ શરૂ કરી શકો જ્યારે ફૅમિલીનો સપોર્ટ હોય અને તમારી વર્તમાન જૉબમાં સિક્યૉરિટી હોય. અન્યથા તમારે જુનિયર લેવલ પર કામ કરવાની અથવા નવેસરથી શરૂઆત કરવાની માનસિક તૈયારી રાખવી પડે. મારી કંપનીએ ટાઇમિંગની ફ્લેક્સિબિલિટી આપી છે અને ઘરેથી કામ કરવાનો ઑપ્શન પણ છે. આ તમામ પ્લસ પૉઇન્ટ છે એટલે જ પ્રૉપર પ્લાનિંગ કરી શક્યાં છીએ.’

માતા બન્યાનાં થોડાં વર્ષ બાદ ફરીથી જો જૉબ કરવા જાઓ તો ડિગ્રેડેશનની શક્યતા છે અને એ માટેની માનસિક તૈયારી હોય તો જ કામ કરી શકો એ વાતનો સ્વીકાર કરતાં ઘાટકોપરનાં ગૃહિણી અને હાલમાં ઘરમાં જ ટ્યુશન-ક્લાસ ચલાવતાં મીરા વેદ કહે છે, ‘તમે જ્યારે કારર્કિદીના મધ્યાહ્ને હો ત્યારે જો માતા બનવાનો નિર્ણય લો તો ઘણીબધી બાબતોનો ભોગ આપવો પડે છે. આ મારો સ્વાનુભવ છે. હું એક નામાંકિત કંપનીમાં ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટની હેડ તરીકે ફરજ બજાવતી હતી. સફળ કારર્કિદી અને પ્રગતિના ચાન્સિસ હોવા છતાં મા બન્યા બાદ નોકરી છોડવી પડી હતી. મધરહુડ કરીઅરમાં રુકાવટ ઊભી કરે છે તેમ છતાં માતા બનવાનો નિર્ણય સ્ત્રીઓએ લેવો જ પડે છે. એનું કારણ છે આપણી સામાજિક વિચારધારા. અગાઉના જમાનામાં માતા ન બની શકનારી સ્ત્રીને હીન ભાવનાથી જોવામાં આવતી હતી એના કારણે સ્ત્રી પોતે જ માને છે કે મારે ક્યારેક ને ક્યારેક માની ભૂમિકા સ્વીકારવાની જ છે. મને કારર્કિદી છોડવાનો કોઈક વાર અફસોસ થાય છે ખરો, પરંતુ માતા બનવાનો બિલકુલ નહીં. મારા દીકરાને સાચવવાવાળું કોઈ હતું નહીં. બેબી-સિટિંગ કે મેઇડના ભરોસે રાખવાનો મારો જીવ ચાલતો નહોતો એટલે મમ્મી બનીને રહી ગઈ. એ વખતે વિચાર્યું હતું કે દીકરો થોડો મોટો થયા બાદ ફરીથી કામ શરૂ કરીશ, પણ જ્યારે પાછા ફરવાનો વિચાર કર્યો તો જોયું કે હવે એ પોઝિશન અને સૅલેરી શક્ય નથી. એક વાર તમે કામ છોડી દો એટલે તરત તમારી જગ્યા ભરાઈ જાય અને પછી તમારાથી ઓછા અનુભવીના હાથ નીચે કામ કરવાની માનસિક તૈયારી હોય તો જ કામ કરી શકો. આખરે હસબન્ડની સલાહ અને સહાયથી મેં ટ્યુશન-ક્લાસનો જ નિર્ણય લીધો. હવે મને લાગે છે કે આ નિર્ણય પણ પુત્રના ઉછેર માટે સાચો છે. ઘર, પુત્રની સંભાળ અને ટ્યુશન વચ્ચે તાલમેલ રાખવામાં વાંધો નથી આવતો.’

નોકરીમાં સિક્યૉરિટી હોય તો કરીઅરને નેવે મૂકીને ઘરે બેસવાની ભૂલ સ્ત્રીઓએ ન કરવી જોઈએ એ વાત સાથે સહમત થતાં બોરીવલીમાં રહેતાં મીતા પરીખ કહે છે, ‘હું ૩૫ વર્ષથી સરકારી નોકરી કરું છું. જે જમાનામાં સ્ત્રીઓ માતા બન્યા બાદ નહીં પણ લગ્ન થયા બાદ જ ઘર સંભાળવા કારર્કિદીનો ત્યાગ કરતી હતી એ સમયે મેં મારાં સાસરિયાં સામે શરત મૂકી હતી કે હું લગ્ન બાદ અને માતા બન્યા બાદ નોકરી ચાલુ જ રાખીશ. એનું કારણ છે કે સરકારી નોકરી સહેલાઈથી મળતી નથી. બીજું, એમાં બીજા ઘણા બેનિફિટ છે. સરકારી નોકરીનો સમય પણ સારો હોય અને રજાઓ પણ ખૂબ મળે એટલે બાળકોના ઉછેરમાં પણ સંપૂર્ણપણે ધ્યાન આપી શકાય. કારર્કિદીમાં આગળ વધવા મેં નાઇટ-શિફ્ટમાં પણ કામ કર્યું છે. હું યંગ એજથી જ કરીઅર-ઓરિએન્ટેડ છું તેથી કદાચ જો પ્રાઇવેટ ફર્મમાં હોત તો પણ કારર્કિદીનો ત્યાગ તો કદાપિ ન કર્યો હોત. અમારું સંયુક્ત કુટુંબ છે એટલે બન્ને દીકરીઓ ક્યાં મોટી થઈ ગઈ એની ખબર નથી પડી, પરંતુ જો કોઈ સાચવવાવાળું ન હોય તો આપણી પાસે બેબી-સિટિંગ અથવા કૅરટેકર રાખવાનો ઑપ્શન ખુલ્લો જ હોય છે. મને તો માની ભૂમિકા અદા કરવામાં આપણી ઇચ્છાઓનું બલિદાન આપવું અને હાથે કરીને પોતાની પ્રગતિ રૂંધાઈ જાય એવા નિર્ણયો લેવામાં કોઈ સમજદારી નથી દેખાતી. આજના જમાનામાં સ્ત્રીઓએ આર્થિક સલામતીને પ્રાધાન્ય આપવું પણ એટલું જ જરૂરી છે.’

દરેક સ્ત્રીએ જીવનના એક તબક્કે માતાની જવાબદારી અદા કરવી જ જોઈએ. સમાજ શું કહેશે એ વિચારથી નહીં, પણ પોતાની જાતને સંપૂર્ણ સ્ત્રી તરીકે પ્રસ્થાપિત કરવા અને માતૃત્વનો ભરપૂર આનંદ ઉઠાવવા માતા બનવું જ જોઈએ

- શીતલ શાહ, ગોરેગામ

સરકારી નોકરી સહેલાઈથી મળતી નથી અને એના આર્થિક તેમ જ બીજા પણ અનેક લાભ છે. માતાની ભૂમિકા અદા કરવા સારી નોકરી છોડી ન શકાય. બાળકોને મોટાં કરવા પરિવારનો સાથ લેવો અથવા બેબી-સિટિંગ જેવા ઑપ્શન ખુલ્લા જ છે

- મીતા પરીખ, બોરીવલી

તમારામાં બૅલૅન્સ કરવાની એબિલિટી હોય અને નોકરીની સલામતી હોય તો મધરહુડનો આનંદ લઈ શકાય અને ફરીથી કરીઅર પર ફોકસ પણ કરી શકાય. મધરહુડ ક્યારેય રુકાવટ ન ઊભી કરી શકે

- શ્રદ્ધા ઉદેશી, કાંદિવલી

કરીઅરમાં ઉચ્ચ હોદ્દા પર હો ત્યારે જો કામ છોડી દો તો ડિગ્રેડેશન માટેની માનસિક તૈયારી રાખવી પડે. તમારી પાસે બે જ ચૉઇસ હોય છે, કરીઅર અથવા મધરહુડ. માતા બનવું અને બાળકના ઉછેરને  પ્રાધાન્ય આપવું જરૂરી છે એ વાતને ધ્યાનમાં રાખી, સમજીને ફરીથી કામ કરવા માટે બીજા વિકલ્પ શોધવા

- મીરા વેદ, ઘાટકોપર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK