શું લાગે છે, તમે પર્ફેક્ટ પતિ છો?

જોકે મોટા ભાગની પત્નીઓ પોતાના પતિના વ્યવહારથી બહુ ખુશ નથી હોતી. આ બે વિરોધાભાસ વચ્ચે પતિના પર્ફેક્શનની વ્યાખ્યા શું અને કયા પતિદેવોએ થોડાક ફેરફાર લાવવાની જરૂર છે એ વિશે વાત કરીએ

akshay

પ્રતિમા પંડ્યા

એવું કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં જ નક્કી થઈ ગયાં હોય છે, આપણે તો અહીં ફક્ત સરનામાં ગોતવાનાં હોય છે! જોકે સરનામાં શોધાઈ ગયા પછી અને સપ્તપદીનાં સાત વચનો પછી જ વરવધૂના સહજીવનની ખરી કસોટી શરૂ થતી હોય છે. લગ્ન પહેલાં જુહુના દરિયાકિનારે બેસીને હાથમાં હાથ પરોવી સંધ્યાના રંગો આંખમાં આંજતું કપલ લગ્ન પછી એ જ સ્થળે બેસી દૂધના વધેલા ભાવની ચિંતા કરતું થઈ જાય છે. મધુર રજનીના મધુર આકાશમાંથી નવદંપતી જ્યારે વાસ્તવિકતાની ભૂમિ પર પાછાં ફરે છે ત્યારે જીવન ઘણા પ્રશ્નો લઈને સામે ઊભું હોય છે. દંપતી માટે સંયુક્ત પરિવારના પ્રશ્નો અલગ હોય છે અને એકલાં રહેતાં દંપતી માટેના પ્રશ્નો અલગ હોય છે. જોકે બન્ને પરિવારમાં રહેતા પતિઓ વચ્ચે એક સમાનતા હોય છે. દરેકેદરેક પતિ ઇચ્છતો હોય છે કે તેની પત્ની સમજદાર અને સારા સ્વભાવની હોય, પોતાના પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખે અને બધાને સાચવી લે. જોકે એમાં કંઈ ખોટું પણ નથી, પણ સામે પક્ષે દરેક પુરુષે પણ સારા પતિ બનવાની તૈયારી રાખવી પડે, કારણ કે લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચેનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગ ઘણું જ મહત્વ ધરાવે છે.

વાસ્તવિક જીવનના ઘણાબધા પ્રશ્નોમાંથી એક પ્રશ્ન મોટા ભાગના પતિને મૂંઝવતો હોય છે, ‘પત્નીને ખુશ કઈ રીતે રાખવી?’

એક વાર બૉટલમાંથી બહાર નીકળેલા જિનને એક મૂંઝાયેલા પતિએ આ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રશ્ન સાંભળીને જિન પણ પાછો બૉટલમાં ઊતરી ગયો અને પતિને કહેતો ગયો, ‘બકા! બૂચ જરા બરાબર બંધ કરજે અને બીજી વાર આવો અઘરો પ્રશ્ન પૂછતો નહીં.’

CAની પ્રૅક્ટિસ કરતા કાંદિવલીના હર્ષ છેડાને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે હર્ષે સ્મિત સાથે કહ્યું, ‘પતિનું સ્થાન પત્નીના જીવનમાં જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું સ્થાન પત્નીનું પતિના જીવનમાં હોય છે. મારા જીવનમાં મારી પત્નીનું સ્થાન અણમોલ છે. પત્નીને ખુશ રાખવા ખાસ કંઈ પ્રયત્નો કરવાની જરૂર મને નથી લાગતી. અમે અરસપરસ એકબીજાની નાની-નાની વાતોમાં રસ લઈએ છીએ. હું તેની રુચિ પ્રમાણે તે જે પ્રવૃત્તિ કરે એમાં તેને સાથ આપું છું. પત્ની સાથે તેને મનગમતા પોઝમાં બેચાર ફોટો પડાવો તો પણ તે ખુશ થઈ જાય છે.’

હર્ષની વાત સાચી છે, પત્નીને ખુશ રાખવા કે સારા પતિ બનવા ખાસ કોઈ પ્રયત્નોની જરૂર હોતી નથી; પણ હા, થોડી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પત્ની ઘરની બધી જ જવાબદારી સહર્ષ સ્વીકારે છે. ઘરનું, પરિવારનું બધું જ કામ હોંશે-હોંશે કરે છે; પણ જ્યારે તેને એનો થાક લાગે કે કંટાળો આવે ત્યારે પતિ તેના કામની કદર કરે અને પ્રેમથી તેનો આભાર માને તો પત્નીનો થાક અને કંટાળો ક્ષણભરમાં છૂ થઈ જાય છે. ક્યારેક ઘરના સામાનની ખરીદીમાં, સંતાનના અભ્યાસમાં કે ઘરનાં નાનાંમોટાં કામમાં પતિ જો થોડી મદદ કરે તો પત્નીનો ઉત્સાહ બમણો થઈ જાય. અઠવાડિયે એકાદ વાર પત્નીનું મનપસંદ કાર્ય કરીને પણ પત્નીને ખુશ કરી શકાય. આવી નાની ચેક્ટાથી પણ પતિ-પત્નીના સંબંધો વધુ તાજગીસભર બની જાય છે. પત્ની જો પતિને ભાવતું ભોજન બનાવે તો પતિએ ‘થૅન્ક યુ’ જેવા જાદુઈ શબ્દની ભેટ આપવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ અને સાથે થોડાં સાચાં વખાણ પણ કરવાં જોઈએ.

ઘાટકોપરમાં રહેતા કેતન શાહનાં લગ્નને ત્રીસ વર્ષ પૂરાં થયાં છે. આમ તો વડીલો દ્વારા તેમનાં લગ્ન ગોઠવાયેલાં, પણ કેતનભાઈ કહે છે, ‘ભલે અમારાં પ્રેમલગ્ન નથી, પણ લગ્ન પછી ભરપૂર પ્રેમ કરો તો પ્રેમલગ્ન જ કહેવાયને? એ દૃષ્ટિએ તો અમારાં પ્રેમલગ્ન જ છે.’

પોતાની પત્ની સંગીતાના સંદર્ભે વાત કરતાં કેતનભાઈ કહે છે, ‘પત્ની એટલે પતિના વિશ્વાસે શ્વાસ લેતી વ્યક્તિ. એટલે સંગીતાનું મહત્વ મારા જીવનમાં મારા શ્વાસ જેટલું જ છે. મંે હંમેશાં સંગીતાને દરેક પ્રકારની સ્વતંત્રતા આપી છે.’

કેતનભાઈ દરેક પતિને સંબોધીને કહે છે, ‘જીવનરૂપી ચિત્રમાં પત્નીને તેના મનગમતા રંગો ભરવાની આઝાદી આપવી જોઈએ એટલું જ નહીં, શબ્દોની રમતમાં પત્ની સામે હારીને જીતનો આનંદ લેતાં શીખવું જોઈએ. આવી પળો પતિ-પત્ની વચ્ચે આત્મીયતા વધારશે.’

સાંતાક્રુઝ (ઈસ્ટ)માં રહેતા યોગેશ જોશીને પ્રશ્ન પૂછ્યો કે પત્નીને ખુશ કઈ રીતે રાખો છો? તો તેમની આંખો હસી ઊઠી. તેમણે કહ્યું, ‘અમારા બેઉ વચ્ચે ઈશ્વરકૃપાથી ટ્યુનિંગ જ એટલું સરસ છે કે લગ્નજીવનનાં ૨૯ વર્ષોમાં અમે એકબીજાને ક્યારેય ઊંચા સાદે નથી બોલ્યાં. અમે હંમેશાં એકબીજાની ગરિમા જાળવી છે અને એ પણ કોઈ આયાસ વગર. હું બારમી સુધી જ ભણ્યો અને બહુ જાણીતી વ્યક્તિ તથા સંસ્થાઓ સાથે કામ કરી અમારા પરિવાર પૂરતું કમાઈ લેતો. મારાં વાઇફ ગ્રૅજ્યુએટ છે, બાળકોને તે ભણાવી લે. હું તો બહુ ભણી ન શક્યો પણ દીકરો એન્જિનિયર બન્યો છે. પત્નીને બને એટલી મદદ મારે કરાવવી જોઈએ એ સમજ છે એટલે સાંજે સાઉથ મુંબઈથી પાછો આવતો હોઉં ત્યારે ફોન કરી મારી પત્ની સુધા કહે એ શાકભાજી, ફ્રૂટ્સ સાથે લેતો આવું. અમે સાથે વૉક લેવા જઈએ, મૂવી જોવા જઈએ, હોટેલમાં જઈએ, થોડા-થોડા સમયે હાથ ટાઇટ હોય તો પણ તેને ગમતું શૉપિંગ કરીએ. હું તેને રસોઈમાં પણ મદદ કરું. તેની વાતો સાંભળું. બસ, એ રીતે જ પત્ની ખુશ રહે અને જીવન મજાથી કપાતું રહે.’

૬૪ વર્ષના પણ ૩૪નો રોમૅન્ટિક મિજાજ ધરાવતા ડૉ. દિલીપ દેસાઈનાં શોભનાબહેન સાથે લવ-મૅરેજ છે. દિલીપભાઈ કહે છે, ‘૩૬ વર્ષ અમારાં મૅરેજને થયાં ને એ અગાઉનો અમારો ૭ વર્ષનો પરિચય. હું માનું છું કે જીવનસાથીને સાચી ફ્રેન્ડ બનાવો તો નાનામોટા ઝઘડા થાય, બોલાચાલી થાય તો પણ સંબંધ તરડાય નહીં. એક સારા હસબન્ડે પત્નીને પર્સનલ સ્પેસ આપવી જોઈએ. શોભનાને હું ક્યારેય ન પૂછું કે ક્યાં જાય છે? શું ખરીદે છે? ઘર કેમ ચલાવે છે? વગેરે. પત્નીને ટૉન્ટ ન મારવા જોઈએ, સરપ્રાઇઝ-ગિફ્ટ લાવી આપવી જોઈએ.  ક્યારેક કોઈક ભૂલ પણ થઈ હોય તો ફરગિવ ઍન્ડ ફરગેટ જેવું રાખવું જોઈએ. પત્નીનાં પિયરિયાંની પણ પોતાના પરિવારના સભ્યોની જેમ જ સંભાળ રાખવી જોઈએ તો વષોર્ સુધી બન્નેની ગાડી પાટા પર ચાલે.’

જાણીતાં સાઇકોલૉજિસ્ટ રાધિકા કહે છે, ‘ફક્ત પતિ પત્નીને ખુશ રાખે એ અગત્યનું નથી, પત્નીએ પણ પતિને સમજવો પડે છે. આ એક સિમ્બાયોટિક રિલેશનશિપ છે જ્યાં બે વિભિન્ન મિજાજની વ્યક્તિઓ સાથે રહે છે અને એકબીજાને સમજવાની છે. પત્નીનાં શૂઝમાં પોતાનો પગ નાખી તેણે પત્નીના વિચારોને સમજવાના છે. સામે પક્ષે પત્નીએ પણ સમજ કેળવવાની છે અને સ્ટીરિયોટાઇપ રોલમાંથી બહાર આવી સહજીવન જીવવાનું છે.’

પુરુષોનું ભણતર કે ઉછેર તેના પત્ની તરફના વ્યવહાર પર અસર પાડે કે કેમ? એમ પૂછતાં ડૉક્ટર રાધિકા કહે છે, ‘હા, વ્યક્તિનો ઉછેર અને આસપાસનું વાતાવરણ પણ ભાગ ભજવે છે. મને લાગે છે પેરન્ટ્સે બાળકના ઉછેરમાં જેન્ડર-ડિફરન્સ હટાવી દેવો જોઈએ. પાર્ટનર્સમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ અથવા ઇમોશનલ સ્વસ્થતા કેટલી છે એ પણ લગ્નજીવન માટે અગત્યની બાબત છે.’

આ બધા અભિપ્રાય સાંભળ્યા બાદ લાગે છે કે પત્ની જે ઇચ્છે એ કરવાની આઝાદી હોય, ઇચ્છે એટલા પૈસા વાપરવાની છૂટ હોય, ઘરમાં દરેક પ્રકારની સુવિધા હોય છતાં જો પતિ  પત્નીને માટે સમય ફાળવી ન શકે તો પત્ની નારાજ રહે છે. પત્ની જ્યારે પતિ સાથે વાત કરતી હોય કે કોઈ વસ્તુ માટે અભિપ્રાય પૂછતી હોય ત્યારે પતિ ફોનમાં વ્યસ્ત રહે અને પત્નીની વાત સાંભળે નહીં ત્યારે નાની એવી વાત ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરે છે. પત્ની માટે પોતાને જે સમજે તે સારો પતિ છે. પતિ પોતાની વાતો સાંભળે એટલું જ નહીં; પોતાની બધી વાતો તેને જણાવે, પોતાનાથી કોઈ વાત છુપાવે નહીં એવી અપેક્ષા દરેક પત્નીની હોય છે - પછી ભલે એ આર્થિક બાબત હોય, સામાજિક હોય કે પછી પારિવારિક બાબત. વિશ્વાસ લગ્નજીવનનો મૂળ પાયો છે. એના પર જ જીવનની આખી ઇમારત ચણાવી જોઈએ તો જ એ ક્યારેય ડગમગી ન ઊઠે. પત્ની  પતિ માટે, પરિવાર માટે જેટલી જહેમત ઉઠાવે છે, જેટલી બાંધછોડ કરે છે એની સામે ક્યાંક પત્નીમાં કોઈ ખામી હોય તો એને અવગણીને પતિએ પત્નીની કદર કરી તેના ગુણોની સરાહના કરવી જોઈએ.

પુરુષ માટે ઑફિસના કામ, ફોન, વૉટ્સઍપ, ફેસબુક, ટીવી, મિત્રવતુર્ળા, સામાજિક વ્યવહારો બધું જ મહત્વનું ભલે હોય; પણ સૌથી વધુ મહત્વ તેણે પોતાના પત્ની સાથેના સંબંધને આપવું જોઈએ. આજના જમાનામાં પતિ-પત્ની બન્ને ઘરની બહાર કામ કરવા જતાં હોય એવા વખતે પતિની ફરજ છે કે પત્નીને ઘરના કામમાં મદદ કરે, પત્નીની શારીરિક અને માનસિક પરિસ્થિતિને સમજે. સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો માતા-પિતા કે પરિવારના બીજા સભ્યોને પણ થોડું ઍડ્જસ્ટમેન્ટ કરવા માનસિક રીતે તૈયાર કરે.

સારા પતિ બનવા માટેની થોડી ટિપ્સ 

સરળ, પ્રેમાળ અને કૅરિંગ સ્વભાવ હોવો જોઈએ.

પત્નીની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવું જોઈએ.

પત્નીની ભાવના, લાગણીનું સન્માન કરવું જોઈએ.

પત્ની પર વિશ્વાસ રાખવો જોઈએ, શંકાકુશંકાથી દૂર રહેવું જોઈએ અને પોતે પણ પત્નીને વફાદાર રહેવું જોઈએ.

ન પત્ની પર હાથ ઉપાડવો જોઈએ, ન તો ગુસ્સો કરવો જોઈએ. પોતાની ભૂલનો દોષ પત્ની પર તો બિલકુલ ન નાખવો જોઈએ.

પત્નીને ઘરનાં નાનાંમોટાં કામમાં મદદ કરવી જોઈએ, જો એ શક્ય ન હોય તો પોતાનું કામ તો જાતે કરવું જોઈએ.

પત્નીને પૂરતો સમય આપવો જોઈએ. મોબાઇલ, લૅપટૉપ, ટીવીમાં કે ઘરે પણ ઑફિસના કામમાં વ્યસ્ત ન રહેવું જોઈએ.

ક્યારેક પત્નીને કોઈ ગિફ્ટ આપીને, પાર્ટીમાં કે ખરીદી કરવા લઈ જઈને સરપ્રાઇઝ આપવી જોઈએ.

પત્નીનાં શારીરિક ફીચર્સ, આવડત કે કામની તુલના ક્યારેય બીજી સ્ત્રી સાથે ન કરવી.

થોડાં-થોડાં વખાણ કરીને પત્નીના મનોબળમાં અને ખુશીમાં વધારો કરવો જોઈએ.

બીજા લોકોની સામે પત્નીનું સન્માન જાળવવું જોઈએ.

ક્યારેક બનેલા અણબનાવને, ઝઘડાને ઝડપથી ભૂલીને જીવનમાં આગળ વધવું જોઈએ, જડતા છોડીને ક્ષમા આપવાની વૃત્તિ કેળવવી જોઈએ.

Comments (1)Add Comment
...
written by CHANDRAKANT SANGOI, June 11, 2018
EXCELLENT ARTICLE

NEW YORK USA
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK