માનવીને સૌથી વધારે દુ:ખી કોણ કરી શકે?

આવામાં કોઈ અપેક્ષા પૂરી ન થાય ત્યારે સંબંધોમાં તિરાડ પડી જવાની સંભાવના પણ હંમેશાં રહેલી હોય છે. એના કરતાં અપેક્ષાઓની બાબતમાં અત્યંત વ્યવહારુ બની જઈ બીજાને બદલવા કરતાં પોતાની જાતને બદલવા પર ધ્યાન આપવું વધુ બહેતર છે

tamasha

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

માનવીને સૌથી વધુ દુ:ખ કોણ પહોંચાડી શકે છે? જવાબ છે બે જણ : એક એ જેણે તેને સૌથી વધુ સુખ પહોંચાડ્યું હોય અને બીજો એ માનવી પોતે જ, કેમ કે તેણે કાયમ એ સુખની અપેક્ષા બાંધી દીધી હોય છે.

ખરેખર તો સુખ અને દુ:ખ મનની અવસ્થા છે, આપણને જે વસ્તુ કે વ્યક્તિમાંથી સુખ મળતું હોય એ જ વ્યક્તિ કે વસ્તુનો અભાવ આપણને દુ:ખ આપવા માંડે છે. આવું થવા પાછળનું મુખ્ય કારણ એ કે આપણે એ વસ્તુ કે વ્યક્તિ પાસેથી કાયમ સુખ મેળવવાની અપેક્ષા રાખી દીધી હોય છે. વળી આવી અપેક્ષાની કોઈ સીમા હોતી નથી. એક વાર અપેક્ષાઓ સંતોષાવા લાગે કે અપેક્ષાઓ વધતી જાય અને જેવી અપેક્ષા ન સંતોષાય કે દુ:ખની શરૂઆત થઈ જાય.

આ સંદર્ભમાં આપણા પ્રિય કવિ, સાહિત્યકાર સ્વ. હરીન્દ્ર દવેનું વિધાન કે કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષા જ વધુ હોય છે એ સમગ્ર જિંદગીના બોધ સમાન છે. આ એક વાક્યમાં જીવનમાં રચાતા પ્રત્યેક સંબંધને સમજવાનો અને જાળવવાનો સાર આવી જાય છે. આ વિધાનને સમજીને સંબંધ જાળવનારી વ્યક્તિ કોઈની પાસે વધુપડતી અપેક્ષા બાંધતી નથી અને અપેક્ષા બાંધે તો એ પૂર્ણ ન થવા પર દુ:ખી થતી નથી. કોઈ અપેક્ષા ન સંતોષાય તો પોતાની અપેક્ષા જ વધુપડતી હશે એવું સ્વીકારીને એ જતું કરવા અને મનને મનાવવા તૈયાર હોય છે.

આવી વ્યક્તિઓ ક્યારેય કોઈના સ્નેહને માપતી-તોલતી નથી કે પછી એનો અભાવ પણ માનતી નથી.

અપેક્ષાની બાબતમાં માણસે વ્યવહારુ બનવું પડે. કોઈ પણ વ્યક્તિ (પછી ભલે તે કોઈ પણ સંબંધમાં હોય) આપણી પાસે કોઈ અપેક્ષા રાખે એટલે આપણે તેની સાથે સહમત ન હોઈએ તો પણ માત્ર સંબંધ જાળવવા ખાતર તેને સંતોષતા જ રહેવાની ભૂલ કાયમ કરાય નહીં. કોઈને રાજી રાખવા કે પછી કોઈનું મન સાચવવા ક્યારેક આવું આઉટ ઑફ ધ વે જવામાં કશું ખોટું નથી, પરંતુ સતત આવું કરતા રહેવું એ ફક્ત ભૂલભરેલું જ નહીં પણ અત્યંત જોખમી પણ છે. માનવીની પ્રથમ ફરજ પોતાની જાત પ્રત્યે છે, જેને દુ:ખી કરીને તે બીજાને સુખી કરવા જશે તો એ લાંબું નહીં ચાલે. એક દિવસ આવા સંબંધો તેને બોજરૂપ લાગવા માંડશે અને ધીરે-ધીરે બધું તૂટી પડશે. એ કરતાં બીજા પાસે અપેક્ષા રાખવાની તેમ જ બીજાની અપેક્ષાઓ પૂરી કરવા બાબતે લાગણીશીલ અને સંવેદનશીલ બનવાની સાથે વ્યવહારુ બનવું પણ જરૂરી હોય છે.

એક ઘરની અંદર રહેતા પરિવારના સભ્યો હોય, ઑફિસમાં કામ કરતા સાથીઓ હોય, જિગરજાન મિત્રો હોય કે પછી પાડોશીઓ; બધા સંબંધો આખરે અપેક્ષાના આધારે જ ઊભા હોય છે. આવામાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક એમાં ઓટ આવવાની સંભાવના રહેવાની જ. આવામાં એકાદ વારની ઓટ પણ લાંબા સમયના સંબંધોની ઇમારતને કડડડભૂસ કરી નાખતી હોય છે.

કોઈ મને સમજે એ પણ એક પ્રકારની અપેક્ષા જ છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે લોકો તેને સમજે, પરંતુ પોતે એ નથી વિચારતી કે શું હું કોઈને સમજું છું ખરી? ખરેખર તો માણસે એ વિચારવું જોઈએ કે તે પોતે બીજા પાસે અપેક્ષા રાખતાં પૂર્વે બીજાની તેના પ્રત્યેની અપેક્ષા સંતોષે છે ખરો? વાસ્તવમાં પરસ્પર અપેક્ષાના સંબંધો તો સોદા-વ્યવહાર જ ગણાય. વાસ્તવમાં અપેક્ષા રાખવાની કે વ્યક્ત કરવાની બાબત નથી, પણ સમજવાની બાબત છે. અપેક્ષાઓ જેટલી સમજીને સંતોષાય એટલું વધુ સારું. આપણે બોલીએ અને કોઈ આપણા માટે કરે એમાં એ ભાવ પણ ન આવે અને મજા પણ ન આવે.

જો પ્રત્યેક વ્યક્તિ જીવનમાં એક સાદો નિયમ અપનાવી લે કે સૌપ્રથમ તે પોતે તેની પાસે બીજા દ્વારા રાખવામાં આવેલી અપેક્ષા સંતોષવા પર ધ્યાન આપશે અને બીજા તેની અપેક્ષા સંતોષે કે ન સંતોષે એ ધ્યાનમાં રાખ્યા વિના એટલી જ ઉત્કટતાથી સંબંધને જાળવશે તો કમ સે કમ માનવીય સંવેદના અને સંબંધોના જગતમાં તે ચોક્કસ ઊંચાઈ સર કરશે. પણ હા, આવી ઊંચાઈ પરથી પડી જવાનો ભય પણ રાખવો નહીં અને રાખેલી અપેક્ષા ન સંતોષાય ત્યારે હશે, સામેની વ્યક્તિનો સ્નેહ ઓછો નથી, મારી અપેક્ષા જ વધુપડતી હશે એ વિધાનને યાદ કરી નિરાશાને જન્મ પણ આપવો નહીં. આવું વલણ અપનાવાય તો જ સંબંધોનું સાચું સન્માન જાળવેલું કહેવાય.

અલબત્ત, આવો વિચાર કરનારા, આવી સમજ રાખનારા માનવી મળવા ખૂબ જ કઠિન અથવા અસંભવ છે. નસીબજોગે જીવનના કોઈ તબક્કે આવો સંબંધ મળી જાય તો એ ઉપરવાળાની કૃપા જ ગણાય. પછી ભલેને એ સંબંધ ફક્ત ટૂંકા ગાળા માટે રચાયો હોય, પરંતુ એમાં જીવનભરનું સંભારણું તથા મિરાત બનવાની તાકાત રહેલી હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK