આપણા બોલ-બોલ, બકબક ને બફાટ

જોકે એ તો થઈ મોટાઓની વાત અને વાતનું વતેસર; પરંતુ આપણા સામાન્ય જીવનમાં આપણે પણ કેટલું અર્થહીન બોલ્યા કરતા હોઈએ છીએ, બકબક કરીએ છીએ અને ઘણી વાર બફાટ પણ કરીએ છીએ. ક્યારેક એનો પણ હિસાબ માંડવો જોઈએ

man

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

આજની વાતની શરૂઆત પણ આવા જ વિચારોમાંથી સર્જા‍યેલી એક રચનાથી કરીએ.

એકલતા મેળવવા હજી તો

મેં પ્રયાસ શરૂ કર્યો

ને પછી અચાનક એકલો થઈ ગયો,

મને થયું ચાલો હવે થોડું થઈ જાઉં મૌન

જોયું તો મારી સામે શબ્દોનો

ઢગલો થઈ ગયો,

હતું મને કે હું સમજાવી શકીશ સૌને

બન્યું એવું કે સૌની નજરમાં

હું ભોપલો થઈ ગયો,

માણસ વિશેનો ભ્રમ મારો

ભાંગી ગયો આખરે

ભર્યો-ભર્યો હતો,

જે પછી ખોખલો થઈ ગયો

ગઈ કાલે અહીં સંબંધોના

માળામાં રહેતાં હતાં પંખીઓ

આજે જોઉં છું તો ત્યાં માત્ર

ગોખલો રહી ગયો

- જ. ચિ.


સાચું કહેજો, તમે દિવસમાં કેટલું બોલો છો? ઓકે, ચાલો એ કહો કે તમે દિવસમાં કેટલો  સમય એકલા રહો છો? બહુ-બહુ તો ઊંઘમાં માણસ શાંત હોય છે અને એકલો હોય છે (જોકે ઘણા માણસો ઊંઘમાં પણ બોલ-બોલ કરતા હોય છે). આપણે એક યા બીજા કારણસર દિવસભર કંઈ ને કંઈ બોલતા (મનમાં પણ, કદાચ મનમાં વધુ) રહેતા હોઈએ છીએ. ઑફિસ હોય કે ઘર કે પછી લોકોની વચ્ચે બેઠા હોઈએ, આપણું બોલ-બોલ કે બકબક સતત ચાલતું જ હોય છે. રાજકારણથી લઈ ફિલ્મો, છાપાના સમાચારો એ આપણી ચર્ચા-ગપ્પાંના વિષયો હોય છે. કોઈ ઓછું બોલે, કોઈ વધુ બોલે; પરંતુ બડબડ તો ચાલુ જ હોય છે. કોઈ વળી માઇક સામે આવે ને બોલવા માંડે છે, જાણે આજે જ બધા પોતાના વિચારો દુનિયાને જણાવી દેવા હોય. કોઈ ટોળાં ઊભાં કરીને રાજકારણીની જેમ બોલ્યા કરે, કોઈ ધાર્મિક ગુરુની જેમ વાતો કરે, કોઈ પોતાના અહંકારને પંપાળવા અને પોતાને સ્માર્ટ દર્શાવવા બોલે રાખે છે. કોઈ પોતાને બીજાઓ કરતાં જ્ઞાની હોવાનું જતાવવા બોલ્યા કરે છે. આપણને દરેક પ્રકારના વાતો કરનારા મળતા રહે છે, વળી કોઈ બીજાઓની નિંદાકૂથલી કરવા બોલ્યે રાખે છે. કોઈ જીહજૂરી કરવા, કોઈ ચમચાગીરી કરવા બોલ્યે છે, કોઈ અન્યને બદનામ કરવાના આશયથી બોલ્યા કરે છે. કોઈ બોલવા ખાતર બોલે છે, કોઈ બકવાસ કરતા રહે છે. આમ બોલતા રહેવાને લીધે કોઈ એકલું પડતું નથી. સાલું, ઘણી વાર તો લોકો એકલા-એકલા પણ બોલે છે.

આપણે માત્ર વિચાર પણ કરીએ કે એકલા પડીએ ત્યાં કોઈ ને કોઈ આપણી સામે પ્રત્યક્ષ કે પરોક્ષ હાજર થઈ જાય છે, પરંતુ કયારેક ખરેખર એકલા થવાનો પ્રયાસ જ કરીએ જેમાં કોઈની ઉપેક્ષાનો ઇરાદો ન હોય તેમ છતાં લોકો આપણને સાવ એકલા કરી નાખે છે, હજી મૌન રહેવાનો વિચાર જ કરીએ ત્યાં લોકો શબ્દોના ઢગલાઓ લઈ સામે આવી જાય છે. આપણને એમ થાય કે લોકોને સમજાવીએ કે શા માટે એકલા પડવું છે કે શા માટે મૌન રહેવું છે, પરંતુ આપણા અર્થ સાંભળવામાં-સમજવામાં કોને ફુરસદ હોય છે? એ બધા તો આપણને જ મૂરખ (ભોપલો) ગણી લે છે. અને છેવટે માણસ વિશે આપણો ભ્રમ ભાંગી જાય છે ત્યારે આપણને સમજાય છે કે માણસ સાવ કેવો ખોખલો થઈ ગયો છે. એક દિવસ  માણસો જ માણસોથી થાકી જાય છે અને સંબંધોનો માળો વિખરાઈ જાય છે, જ્યાં કેવળ યાદોનો ગોખલો રહી જાય છે. માણસ બોલ-બોલ કરે એમાં ખોટું નથી, કેમ કે એ માણસ આમ કરીને પોતાના ખાલીપાને ભરતો હોય છે; પરંતુ માણસે પોતે જ વિચારવું જોઈએ કે તે જે બોલે છે એનો કોઈ અર્થ છે ખરો? શું તે જરૂરી હતું એટલું જ બોલ્યો છે કે વધુપડતું? આ બોલવાથી કોઈ દુભાયું નથીને? કોઈ ઘવાયું નથીને? અર્થહીન બોલ-બોલ કરીને જો માણસ પોતે કે બીજાઓ પણ એમાંથી કંઈ પામતા ન હોય તો બોલવા કરતાં મૌન સારું એ વિચાર દરેકે પોતાની રીતે કરવા જેવો છે. ઘણી વાર આપણા બફાટમાં વરસો જૂના સંબંધો પર પાણી પણ ફરી જતાં હોય છે. કોઈ સ્વજન, પ્રિયજન કે અન્ય જનનું દિલ પણ દુભાઈ શકે છે. તેથી જ આખરે વધુપડતા શબ્દો કરતાં વિવેકપૂર્ણ મૌન જ વધુ મહત્વનું છે, શાંતિ પણ મૌન જ વધુ આપે છે, સંબંધોને પણ મૌન જ વધુ ખિલવે છે. આ મૌન એટલે સાવ જ ન બોલવું એવું નહીં, પરંતુ ખપપૂરતું, અર્થસભર બોલવું. કોઈની ઉપર કોગળા ન કરવા. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય, પરંતુ સાથે-સાથે એમ પણ કહેવાય છે કે ન બોલવામાં નવ ગુણ. કઈ વાત સાચી, કઈ વાત માનવી? નક્કી દરેકે પોતે કરવાનું, કારણ કે બોલવાનું મહત્વ છે તેમ મૌનની પણ ગરિમા છે. પરંતુ ક્યાંક વ્યક્ત થવા માટે શબ્દો જોઈશે તો ક્યાંક મૌનથી ગેરસમજ થઈ શકે. વાસ્તે આ બન્ને વચ્ચે કામ લાગે છે વિવેક. માણસને શબ્દો અને મૌનની બન્નેની જરૂર છે, પણ કોનો ક્યારે ઉપયોગ કરવો એ માણસે પોતે જ પોતાની વિવેકબુદ્ધિથી નિયત કરવાનું છે.

પોતાને મળવાનું રાખો અને શબ્દોની સાર્થકતા પણ રાખો


માણસ પોતે દિવસના અંતે એટલે કે રાતે સૂતી વખતે યાદ કરે કે આજે તે પોતે શું બોલ્યો, કેવું બોલ્યો, કોના માટે બોલ્યો, કઈ રીતે બોલ્યો તો તેને કેટલું નકામું યા અર્થહીન બોલ્યો એનો હિસાબ મળી જાય છે. કેટલું સાચું, સાર્થક અને જરૂરી બોલ્યો એ પણ સમજાઈ જાય છે. જોકે કોઈ માણસ આવી ગણતરી કરતો નથી. આમ ગણતરી કરવાનો અર્થ શું એવું પણ વિચારતો નથી. માણસ બેઝિકલી ઊંઘમાં પણ બોલતો હોય છે, ઘણી વાર એકલો-એકલો પણ બોલતો હોય છે. વાસ્તવમાં માણસ બહુ લાંબો સમય એકલો રહી શકતો નથી, પરિણામે તે એકલો પડે છે ત્યારે પણ કંઈક ને કંઈક બોલતો રહે છે અથવા ગીત ગાતો રહે છે અથવા પછી કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં પોતાને પરોવતો રહે છે. આમ તે પોતાને જ પોતાની જાતથી મળતા રોકવાનો પ્રયાસ કરે છે અને બાય ચાન્સ મળી પણ જાય તો તરત ત્યાંથી છૂટા થઈ જવાનો પ્રયાસ કરવા લાગે છે. જો આપણે ખુદને નિયમિત મળવાનું તેમ જ ખુદ સાથે નિયમિત વાત કરવાનું રાખીએ તો આપણું નકામું બોલવાનું ઘટી જાય. આપણા શબ્દો વેડફાય નહીં. આપણી જાગ્રતિ વધી જાય. અલબત્ત, આ પ્રયોગ કરવા જેવો છે, કારણ કે મનની શાંતિ માટેનો આ પણ એક માર્ગ બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK