તમારા પરિવાર માટે આર્શીવાદરૂપ છે ભગવાન મહાવીરની આટલી વાતો

કેટલાંક સિદ્ધાંતો અને મૂલ્યો ધર્મની આપણે બનાવેલી સંકુચિત માનસિકતાથી પર હોય છે. શ્રી મહાવીરના એવા સિદ્ધાંતોની આજે વિગતવાર વાત કરીએ

mahavir1

રુચિતા શાહ

જૈન ધર્મમાં તીર્થંકરના જન્મદિવસને જન્મકલ્યાણક કહેવામાં આવે છે. કલ્યાણક એટલે કલ્યાણ કરનારું. જેણે પ્રત્યેક જીવનું હિત જોયું અને સમાજ તથા વિશ્વને કલ્યાણકારી દિશામાં પ્રયાણ કરવાની પ્રેરણા આપી તેના જન્મની ઘટના પણ કલ્યાણકારી બાબત છે. એ દૃષ્ટિએ આજે મહાવીર જન્મકલ્યાણક છે. ભગવાન મહાવીર પોતે રાજપૂત હતા. ક્ષત્રિય. રાજપાટ છોડીને દીક્ષા અંગીકાર કરીને ધર્મની સ્થાપના કરી અને એ ધર્મનું પાલન કરનારા જૈન કહેવાયા. જૈન એટલે જે જાત સામે જીતે, પોતાના અવગુણો પર જેઓ વિજય મેળવે તે જૈન. ખૂબ જ સીધી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા જેટલા જ ભગવાન મહાવીરે આપેલા કેટલાક સિદ્ધાંતો પણ સરળ છે. સહજ છે. ધર્મના નિયમોની પેલે પાર સમાજલક્ષી છે. કેટલાક સિદ્ધાંતો સમાજ માટે સર્વગ્રાહી હોય છે, જેના માટે એવું ન કહી શકાય કે મહાવીરે કહ્યું એટલે જૈનો જ માને અને રામે કહ્યું એટલે હિન્દુઓ જ માને. ધર્મની આપણે બનાવેલી સંકુચિત વ્યાખ્યાથી પર રહેલી કેટલીક બાબતોની આજના દિવસે વાત કરીએ.

ત્રણ ગોલ્ડન વડ્ર્સ

જૈન ધર્મનાં તમામ શાસ્ત્રો માત્ર ત્રણ શબ્દોમાંથી ઉદ્ભવ્યાં છે. આ ત્રણ શબ્દો તમામ સંદેશનો સાર છે. ભગવાન મહાવીરને જ્યારે સર્વ જ્ઞાન પ્રાપ્ત થયું એ પછી તેમણે ઉચ્ચારેલા આ ત્રણ શબ્દો વિશે વાત કરતાં પદ્ભૂષણ આચાર્યશ્રી રત્નસુંદરસૂરીશ્વરજી કહે છે, ‘ઉપનેઇવા, વિગમેઇવા અને ધુવેઇવા આ ત્રણ શબ્દોના આધારે તમામ શાસ્ત્રોની રચના થઈ છે. ઉપનેઇવા એટલે જગત ઉત્પન્ન થાય છે, વિગમેઇવા એટલે જગત નષ્ટ થાય છે અને ધુવેઇવા એટલે જગત સ્થિર રહે છે. એને સમજાવવા માટે એક ખૂબ જ જાણીતો દાખલો શાસ્ત્રકારો આપે છે. સોનામાંથી બંગડી બની. બંગડી ઉત્પન્ન થઈ. બંગડીમાંથી વીંટી બનાવી. બંગડી નષ્ટ થઈ. પણ આ બન્ને પ્રક્રિયામાં સોનું સ્થિર રહ્યું. એ જ વાત અધ્યાત્મની દૃષ્ટિએ કહીએ તો એમ કહેવાય કે માણસનો જન્મ થયો, માણસ મૃત્યુ પામીને પશુ થયો. જન્મ્યો એટલે ઉત્પન્ન થયો, મૃત્યુ પામ્યો એટલે નષ્ટ થયો; પણ આ બન્નેમાં આત્મા સ્થિર રહ્યો. આ ત્રણ શબ્દો જો આપણને સમજાઈ જાય અને આપણી અંદર ઊતરી જાય તો એકેય વાતનો અચંબો કે દુ:ખ આપણને ન લાગે.’

આ ત્રણ શબ્દોનો ભાવાર્થ સમજાય એ પછી આપણે પણ સ્વીકારી લઈએ કે જે પણ થાય છે આપણી આસપાસ એમાં આ ત્રણમાંથી એક બાબત સમાયેલી છે. બધું જ એટલું સહજ લાગે કે ચિંતા, ડર, ઍન્ગ્ઝાયટી જેવી બાબતો ભોગવવાની ક્યારેય આવે જ નહીં. સંબંધો હોય, વેપાર હોય કે પછી સામાન્ય રીતે આસપાસ બનતી ઘટનાઓ હોય એ બધામાં જ આ ત્રણ શબ્દોને આત્મસાત કરનારી વ્યક્તિ સહજ રહી શકે છે. બધી જ જગ્યાએ ઉત્પન્ન, નષ્ટ અને સ્થિરતામાંથી કોઈ એક સિદ્ધાંત તો લાગુ પડતો જ હોય છે. એ પછી શૅરબજારમાં આવતો કડાકો ધબકારા ફાસ્ટ નહીં કરે અને સાસુ દ્વારા મારવામાં આવતાં મહેણાંનો ત્રાસ નહીં છૂટે.

અનેકાંતવાદ ભગવાન મહાવીરે અનેકાંતવાદનો બહુ મજાનો સિદ્ધાંત આપ્યો છે, જેને પરિવારના જો દરેકે દરેક સભ્ય અપનાવી લે તો ક્યારેય વાત મનભેદ સુધી પહોંચે જ નહીં. અનેકાંતવાદ વિશે શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી કહે છે, ‘અનેકાંતવાદ તમારામાં સહિષ્ણુતા લાવે છે, જેમાં સામેવાળાના વિચારને કે વાતને રદિયો આપવાનો અધિકાર આપણને નથી એ યાદ અપાવવામાં આવે છે. તમારો દીકરો એની દૃષ્ટિએ સાચો હોઈ શકે. મને પૂર્વ દિશામાં સૂર્યનો પ્રકાશ દેખાય છે, પણ તમે કહેતા હો કે તમે પશ્ચિમમાં સૂર્યને જોયો છે તો એ વાત સાચી હોઈ શકે છે. અહીં પોતે જ સાચા અને બાકી બધા ખોટાવાળું જિદ્દીપણું નીકળી જાય છે. પોતાની દૃષ્ટિએ જે સત્ય છે એ સત્ય બીજાની દૃષ્ટિએ જુદું હોઈ શકે છે એ સ્વીકારવાની ઉદારતા છે. સૂક્ષ્મ રીતે આ સિદ્ધાંત દ્વારા તમે કોઈને રિજેક્ટ નથી કરી રહ્યા અને તેના અસ્તિત્વને, તેના દૃષ્ટિકોણને પૂરતો આદર આપી રહ્યા છો. તમે વિચાર કરોને કે આ વ્યવહાર તમારા સંબંધોમાં કેટલી પૉઝિટિવિટી અને સંવાદિતા ઉમેરી દેશે.’

આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી ભગવાન મહાવીરના સાધનાકાળની ત્રણ મહત્વની બાબત પર ધ્યાન દોરતાં કહે છે, ‘ભગવાન મહાવીરે પોતાના સાધનાકાળ દરમ્યાન જે નીતિ અપનાવી એ જ નીતિને આપણે આજે આપણા જીવન દરમ્યાન અપનાવીએ તો ક્યારેય દુ:ખ પીડે નહીં. જે પણ જીવનમાં બને એ બધું જ સહજ લાગે. ભગવાન મહાવીરે ત્રણ બાબતો પર મુખ્ય ધ્યાન આપેલું. પહેલું - મારે મારા પર આવતા દુ:ખને માપવું નથી, બીજું - મારે આ જગતના કોઈ પણ જીવને દુ:ખ આપવું નથી અને ત્રીજું - મારે દુ:ખને વાવવું નથી. એટલે કે પહેલું તેમણે એમ નક્કી કર્યું કે હું મારા પર આવતાં સંકટોનો હિસાબકિતાબ નહીં કરું, પણ જે કંઈ આવી રહ્યું છે એનો હસતે મોઢે સ્વીકાર કરીશ અને સમતા સાથે એને સહન કરીશ. બીજું, તેમણે એ નક્કી કર્યું કે હું મારું જીવન એ રીતે વાળી લઈશ કે મારા કારણે બીજા કોઈને હાનિ પહોંચે, દુ:ખ પહોંચે એ પ્રકારની ક્રિયાઓથી દૂર રહીશ અને ત્રીજું, તેમણે એ પણ નક્કી કર્યું કે નવેસરથી મારે પીડા ભોગવવી પડે એવું કંઈ કામ નથી કરું. જે વ્યક્તિ પીડાને પ્રેમ કરી શકતી હોય એ વ્યક્તિ પછી જગતને ખૂબ સરળતાથી જીતી લેતી હોય છે. મહાવીરના જીવનમાંથી સૌથી વધુ શીખવા જેવી બાબત આ છે.’

mnahavir

કેટલાંક ખાસ સૂત્રો

ખામેમિ સવ્વજીવે


ભગવાન મહાવીર સર્વ જીવને ક્ષમા આપવાની વાત કરે છે. સૌથી વધુ માનસિક બોજ મનમાં વેરભાવ રાખવાથી વધતો હોય છે. લેટ ગો કરો અને ખુશ રહો એ વાત આજના જીવનમાં અપનાવવી અનિવાર્ય છે.

શિવમસ્તુ સર્વ જગત:


આખા જગતનું મંગળ થાઓ, શુભ થાઓ આ ભાવ જ્યારે હૃદયમાં જાગે છે ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યક્તિમાં આનંદનો વિસ્ફોટ થાય છે. કર ભલા તો હો ભલાનો સિમ્પલ સિદ્ધાંત તેમણે વિશ્વકલ્યાણના વિચાર સાથે આપ્યો છે.

મિતિ મે સવ્વ ભુએસુ

આ જગતના તમામ જીવો સાથે હું મૈત્રીનો ભાવ ઇચ્છું છું. જ્યારે આખી દુનિયા તમારી દોસ્ત હોય તો પછી કોઈ ચિંતા કરવાનું કારણ બચશે તમારી પાસે?

પરસ્પરોપગ્રહો જિવાનામ


આ જગતના તમામ જીવો એકબીજાના ઉપકારી છે. આ સૂત્રનો અર્થ એવો થયો કે ફાંકો ન રાખવો. તમારી જાણ બહાર પણ અનેકે તમારા પર ઉપકારો કર્યા છે અને તમે પણ ઘણાને ઉપકારી બન્યા છો. આઇ ઍમ સમથિંગ કે આઇ ઍમ એવરિથિંગવાળો ઍટિટ્યુડ છોડો. એકબીજાના સહયોગથી જ આપણું અસ્તિત્વ છે.  સહયોગ અને સંપ વધારો અને નાહકનું ગુમાન છોડો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK