મહિલાના જીવનની ત્રણ મહત્વની અવસ્થા વિશે કરીએ માંડીને વાત

સ્ત્રીઓના શરીરમાં વિવિધ તબક્કાઓમાં હૉમોર્ન્સની ઊથલપાથલ ચાલતી રહે છે. આ ઊથલપાથલને કારણે જ દરેક તબક્કે તેમના સ્વભાવમાં, વિચારોમાં અને વ્યવહારમાં પણ બદલાવ જોઈ શકાય છે.

woman

વર્ષા ચિતલિયા

કહે છે કે સ્ત્રીને સમજવી ખૂબ અઘરી છે. તેના મનને જેટલું સમજવાનો પ્રયાસ કરીએ એટલા ભુલભુલામણીમાં અટવાતા જઈએ. સ્ત્રી એક રહસ્મય વ્યક્તિ છે. વાત સાવ સાચી છે. સ્ત્રીનું માત્ર મન જ નહીં, તેનું શરીર પણ અનેક રહસ્યોથી ભરેલું છે. પુત્રી, બહેન, પત્ની અને માતા એમ વિવિધ ભૂમિકા ભજવતી સ્ત્રી તબક્કાઓમાં જીવે છે. આવી જ રીતે તેના શરીરને પણ અનેક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. સ્ત્રીની ત્રણ મહત્વની ગણાતી અવસ્થાઓ એટલે મુગ્ધાવસ્થા, સગર્ભાવસ્થા અને મેનોપૉઝ. નૅશનલ હેલ્થ ઇન્ડેક્સ દર્શાવે છે કે આપણા દેશમાં ૮૦ ટકા કેસમાં જે બીમારીઓની સૌથી વધુ ઉપેક્ષા કરવામાં આવે છે એ બીમારીઓ માત્ર ને માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે. સ્ત્રીના શરીરની રચનામાં જોવા મળતા કુદરતી ફેરફારો અને તેની સંવેદનાને આપણે કેમ હળવાશથી લઈએ છીએ? આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ સમયગાળા દરમ્યાન સ્ત્રીની મન:સ્થિતિને કઈ રીતે સમજવી જોઈએ તેમ જ આ અવસ્થામાં સ્ત્રીએ પોતાના શરીરનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ.

૧ - મુગ્ધાવસ્થા

મુગ્ધાવસ્થામાં પગ મૂકવો એટલે કે તમારું શરીર પ્રજનન માટે પરિપક્વ થઈ રહ્યું છે. આ એ અવસ્થા છે જેમાં કોઈ પણ સમયે માસિકચક્રની શરૂઆત થઈ શકે છે. આ સંદર્ભે વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અદિતિ પરમાર કહે છે, ‘હવે મુગ્ધાવસ્થા થોડી વહેલી આવે છે એટલે જ સામાન્ય રીતે ૧૫-૧૬ વર્ષને બદલે ૧૧ કે ૧૨ વર્ષની વયે માસિક આવવાની શરૂઆત થાય છે. આ સમય એટલે સ્ત્રીનું ખરા અર્થમાં સ્ત્રીમાં રૂપાંતર થવું. માસિક શરૂ થાય એટલે મનમાં એક પ્રકારની કશ્મકશ શરૂ થાય. દરેક માતાએ પુત્રીની આ અવસ્થા પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ. ઘણી વાર પ્રથમ માસિક આવ્યા બાદ ઘણા મહિના સુધી આવતું નથી ત્યારે માતાની ચિંતામાં વધારો થાય છે અને તેને કેટલાય વિચારો આવે છે. હકીકતમાં તો આમાં ચિંતા કરવા જેવું કંઈ જ હોતું નથી. મુગ્ધાવસ્થામાં ઑપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણ વધી જાય છે તેથી પુત્રીને સ્પર્શ એટલે કે ગુડ ટચ અને બૅડ ટચ વિશે સમજણ આપવી જોઈએ. સ્કૂલબસમાં પ્રવાસ કરતી કે ક્લાસિસમાં જતી પુત્રીને સ્પર્શ વિશેની સમજણ આપવી અત્યંત જરૂરી છે. આ વય એવી છે જેમાં શરીરનો વિકાસ ઝડપથી થાય છે, પરંતુ મન હજી બાળક જેવું જ હોય છે. તેના શરીરમાં થતા ફેરફારને સ્વીકારવાની તેની તૈયારી હોતી નથી તેથી નાની-નાની વાતમાં રડવા લાગે અથવા ગુસ્સો કરે. જલદીથી સોશ્યલ ન થાય. જો તેનો મોટો ભાઈ હોય તો માતાની જવાબદારી વધી જાય છે, કારણ કે પુત્ર પણ આવી જ કશ્મકશમાંથી પસાર થતો હોય છે. આ અવસ્થામાં તેને હૂંફ અને પ્રેમ આપવાની સાથે નાની-નાની બાબતોની સમજ આપવી જોઈએ. જો પુત્રીની વર્તણૂક બદલાય તો પહેલાં એનું કારણ શોધી તેની સાથે વાત કરવી જોઈએ અને ત્યાર બાદ આગળ ધ્યાન આપી શકાય.’

મુગ્ધાવસ્થા પછીના સમયમાં ઘણી મહિલાઓમાં માસિકચક્રમાં અનિયમિતતાની શરૂઆત થાય છે, જેનું એક કારણ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ એટલે કે PCOD હોઈ શકે છે. વિશ્વની વીસ ટકા સ્ત્રીઓ PCODની સમસ્યાથી પીડાય છે, જેમાંથી અડધાથી વધુ સ્ત્રીઓ ૪૦ વર્ષની ઉમર પહેલાં જ ટાઇપ ટૂ ડાયાબિટીઝનો શિકાર બને છે. ૭૦ ટકાથી વધુ સ્ત્રીઓમાં કાયમી વંધ્યત્વ જોવા મળે છે. ભારતમાં દર વર્ષે ૧૦ લાખ કરતાં પણ વધુ PCODના કેસ જોવા મળે છે, જેમાંથી મોટા ભાગના કેસમાં સમયસર નિદાન ન થવાના કારણે સ્ત્રીઓને આજીવન આ સમસ્યા સાથે જીવવું પડે છે. PCOD માટેની તબીબી સારવારમાં વિલંબ વંધ્યત્વનું કારણ તો બને જ છે, પરંતુ જે સ્ત્રીઓ આ પ્રકારની સમસ્યાથી પીડાય છે તેમને જો કદાચ ગર્ભ રહે તો પણ કસુવાવડની શક્યતા વધુ રહેલી છે. આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. અદિતિ જણાવે છે, ‘આપણા દેશમાં આજે દર દસમાંથી ચાર છોકરીઓ PCODની બીમારીથી પીડાય છે એનું કારણ છે લાઇફ-સ્ટાઇલ. આજે જન્ક ફૂડ ખાવાનું ખૂબ વધી ગયું છે. બીજું, અભ્યાસનો બોજો એટલો વધારે છે કે રાતના ઉજાગરા કરીને પ્રોજેક્ટ્સ પૂરા કરવા પડે છે. કોઈની પાસે સમય જ નથી. રિફ્રેશ થવા માટે કદાચ થોડો સમય મળે ત્યારે પણ મોબાઇલમાં બંધાઈને રહો. હવે કોઈ ઇતર પ્રવૃત્તિ જ ન કરો તો એની અસર થવાની. ઊંઘ પૂરી ન થાય એટલે માસિકચક્ર અનિયમિત બને. સ્ટ્રેસફુલ લાઇફ જ આ રોગનું મુખ્ય કારણ છે. અચાનક વજન ખૂબ વધી જાય. શરીર પર રુવાંટીમાં વધારો થાય, વારંવાર મૂડ ચેન્જ થયા કરે આ બધાં ભ્ઘ્બ્લ્નાં લક્ષણો છે. અમારી પાસે આવતા દરદીને સૌથી પહેલાં તો વજન ઘટાડવાની જ સલાહ આપવામાં આવે છે. વજન ઘટે તો જ તબીબી સારવાર અસરકારક બને છે. PCOD ધરાવતી સ્ત્રીએ એક્સરસાઇઝ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમની માટે વજનને કન્ટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આહાર પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવો પડે. પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો સમયસર સારવાર કરાવવામાં ન આવે તો આગળ જતાં થાઇરૉઇડ જેવી બીમારી થઈ શકે છે.’

pregnantr

૨ - સગર્ભાવસ્થા

વિશ્વની તમામ સ્ત્રીને માતા બનવાની ઝંખના હોય છે.  તેના જીવનની સૌથી સુંદર અને યાદગાર ક્ષણોમાં જેની ગણના થાય છે એ અવસ્થા એટલે કે સગર્ભાવસ્થા. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે દર સાતમાંથી માત્ર એક ભારતીય સ્ત્રી તેની પ્રસૂતિને લઈને ગંભીરતાથી વિચારે છે. તેનો પતિ અને પરિવારના સભ્યો પણ આ બાબતને સામાન્ય ગણે છે. સગર્ભાવસ્થા દરમ્યાન રાખવી પડતી તકેદારી વિશે વાત કરતાં ડૉ. અદિતિ કહે છે, ‘સર્ગભાવસ્થામાં હવે જોખમ વધતું જાય છે, એનું કારણ છે મોડાં લગ્ન. આજે યુવતીઓને ૩૦ની વય પહેલાં લગ્ન કરવામાં રસ હોતો નથી. કરીઅરને પ્રાથમિકતા આપવાની લાયમાં મોડાં-મોડાં લગ્ન તો કરે જ છે. બાળકનો વિચાર પણ જલદી કરતી નથી, જે બહુ ખોટું છે. મોટી વયે ગર્ભ રહેતાં માનસિક રીતે અક્ષમ બાળક જન્મે એવી શક્યતા વધી જાય છે. સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક દરમ્યાન હૉર્મોનમાં બદલાવ તેમ જ પ્રથમ વખત માતા બનવાના કારણે તેના મનમાં અનેક પ્રકારની ગડમથલ ચાલે છે. તેને લાગે છે કે સુવાવડ બાદ મારું ફિગર બદલાઈ જશે. હું જાડી થઈ જઈશ. બાળકને કેવી રીતે સંભાળીશ? વગેરે વિચારો આવતા હોય છે. આ સમયે તેને સૌથી વધારે સપોર્ટ પતિએ આપવો જોઈએ. બીજું, શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. બીજા ત્રિમાસિકમાં સ્ત્રી હકીકતમાં ગર્ભાવસ્થાને માણે છે. તેના ઉદરમાં બાળકનો વિકાસ થતો તે મહસૂસ કરે છે અને ખૂબ ખુશ રહે છે. આ અવસ્થા સૌથી સુંદર હોય છે. નવા મહેમાનને આવકારવાની તૈયારી માતાની સાથે આખો પરિવાર કરતો હોય છે એટલે માહોલ પણ સુંદર હોય. જોકે બાળકનો વિકાસ બરાબર થાય છે કે નહીં એની તબીબી તપાસમાં ઢીલ ન દાખવવી જોઈએ. અગાઉ ક્યારેય ગર્ભપાત કરાવ્યો હોય કે કસુવાવડ થઈ હોય તો એ પ્રમાણે તબીબી સારવાર લેવી જોઈએ. બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની તપાસ કરાવવી જોઈએ. ગર્ભાવસ્થા કોઈ રોગ નથી છતાં ઇમોશનલ સપોર્ટની જરૂર હોય છે. શારીરિક બદલાવ અને બાળકના વિકાસને ધ્યાનમાં રાખી કૅલ્શિયમ, આયર્ન અને વિટામિનની ગોળીઓ લેવી જોઈએ. કોઈની રાહ જોયા વગર સમયસર જમી લેવું જોઈએ. નિયમિતપણે ડૉક્ટરની મુલાકાત અને સલાહ લેવી જોઈએ. સગર્ભાવસ્થા દરમ્યાન ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કેટલીક એક્સરસાઇઝ પણ કરી શકાય અથવા જમીને ચાલવાનું તો રાખવું જ જોઈએ. સગર્ભા સ્ત્રીને આનંદિત રાખવા પરિવારના તમામ સભ્યએ બનતા પ્રયત્નો કરવા જોઈએ.’

૩ - મેનોપૉઝ

સૌથી છેલ્લી અવસ્થા એટલે મેનોપૉઝ. આ પ્રક્રિયામાં સ્ત્રીની પ્રજનનશક્તિ ઘટી જાય છે. ૪૦થી ૫૦ વર્ષની વય વચ્ચે માસિકચક્ર ફરીથી અનિયમિત બને છે અને છેલ્લે બંધ થઈ જાય છે. ભારતીય સ્ત્રીઓની મેનોપૉઝની સરેરાશ વય ૫૦ વર્ષ જોવા મળે છે. આ કોઈ રોગ કે ડિસઑર્ડર નથી તેમ છતાં સ્ત્રીના શરીરમાં મોટા પાયે ફેરફાર જોવા મળે છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ એમાં મુખ્ય છે. મેનોપૉઝનાં લક્ષણો વિશે જાણકારી આપતાં ડૉ. અદિતિ કહે છે, ‘વારંવાર મૂડ બદલાયા કરે, બ્લડ- પ્રેશર વધ-ઘટ થાય, અચાનક પરસેવો વળવા લાગે, ધબકારા વધી જાય, રાતે ઊંઘ ન આવે, સ્વભાવ ચીડિયો થઈ જાય, કોઈ જરાક અમથું કંઈ કહે તો પણ રડવું આવી જાય. આ બધાં મેનોપૉઝનાં લક્ષણો છે. આ સમય બહુ વિકટ હોય છે. સ્ત્રીને એકલતા સાલે છે. તેની કોઈ કદર કરતું નથી એવી લાગણી થયા કરે છે. તેને થાય છે બધા સ્વતંત્ર થઈ ગયા અને તેને કોઈ પૂછતું નથી. આ પરિસ્થિતિ તેનાથી સહન થતી નથી. આવા સમયે જો શારીરિક સંબંધો હોય તો નિયમિતપણે પૅપ ટેસ્ટ (પૅપ સ્મિયર) કરાવવી જોઈએ. આ ટેસ્ટ દ્વારા ગર્ભાશયના કૅન્સરનું નિદાન થાય છે. આ પ્રકારના કૅન્સરની તપાસમાં ચૂક ન થવી જોઈએ, કારણ કે ઘણી વાર છેલ્લા સ્ટેજ સુધી એની ખબર પડતી નથી અને પછી બહુ મોડું થઈ જાય છે. બ્રેસ્ટ-કૅન્સરની તપાસ માટે દર વર્ષે મૅમોગ્રાફી કરાવવી જોઈએ. મૅમોગ્રાફી ઉપરાંત વર્ષમાં એક વાર સોનોગ્રાફી પણ કરાવવી જોઈએ. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને ધ્યાનમાં રાખી કેટલાંક સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. આ અવસ્થામાંથી પસાર થતી વખતે સ્ત્રીએ પોતાના માટે જીવવાનું શરૂ કરી દેવું જોઈએ. મનગમતા શોખને ડેવલપ કરી કોઈ ઍક્ટિવિટી કરી શકાય. સામાન્ય રીતે યુવાનીમાં બાળકો અને ઘરની જવાબદારીના કારણે સ્ત્રી પોતાના પિયર બહુ જઈ શકતી નથી તો આ એ સમય છે જ્યારે તમે માતા-પિતા સાથે સમય વિતાવી શકો છે. પુસ્તકો વાંચવાનો શોખ હોય તો એ તમારી એકલતાના સાથી બની શકે છે. મેનોપૉઝ દરમ્યાન પ્રવૃત્ત રહો અને બહાર નીકળો. મેડિટેશન અને યોગ દ્વારા મનને પ્રફુલ્લિત રાખો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK