તમે ઘરમાં કેટલા કલાક કામ કરો છો કહો જોઈએ

આપણા દેશમાં સ્ત્રી અને પુરુષના કામના વિભાગો વહેંચી દેવામાં આવ્યા છે અને મોટા ભાગે એ જ રીતે સંસારની ગાડી ચાલે છે. પુરુષે ઘરના કામમાં મદદરૂપ થવું જોઈએ કે નહીં? ઘરકામ માટેના કલાકો કેટલા હોવા જોઈએ અને કયાં કામ તેમણે કરવાં જોઈએ એની યાદી બનાવી શકાય ખરી? આ સંદર્ભે પુરુષોના અભિપ્રાયો જાણીએ

arjun

વર્ષા ચિતલિયા

ઘરનાં કામ કરવાની જવાબદારી તો માત્ર સ્ત્રીની છે. જે પુરુષો ઘરમાં પત્નીને મદદરૂપ થાય છે તેમને મિત્રો ચીડવે છે અને સગાંવહાલાંઓ બૈરીઘેલો કહીને બોલાવે છે. પુરુષ ઘરનાં કામ કરે એ વાત લોકોને પચતી નથી.

આ છે આપણી સામાજિક સિસ્ટમ. આપણે ત્યાં પુરુષે બહારનું કામ કરવાનું અને સ્ત્રીએ ઘરનું એવી એક ગોઠવણ કરી દેવામાં આવી છે, પરંતુ વિદેશમાં આવી કોઈ સિસ્ટમ નથી. થોડા સમય પહેલાં ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વભરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ બાદ જાણવા મળ્યું હતું કે ઘરના કામમાં મદદરૂપ થવામાં ઑસ્ટ્રેલિયન પુરુષો સૌથી આગળ છે. એક ઑસ્ટ્રેલિયન પુરુષ દરરોજ સરેરાશ બે કલાક અને ૫૦ મિનિટનો સમય ઘરકામ માટે ફાળવે છે. સ્વીડનના પુરુષો સરેરાશ બે કલાક ૩૫ મિનિટ અને ન્યુ ઝીલૅન્ડના પુરુષો રોજ આશરે ૪૦ મિનિટ ઘરકામ માટે ફાળવે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય પુરુષો ઘરના કામમાં સહાયરૂપ થવાની બાબતમાં બહુ જ પાછળ છે. વિશ્વના અન્ય દેશોની જેમ હવે ભારતીય સ્ત્રીઓ પણ બહાર જઈને કામ કરવા લાગી છે, પરંતુ ઘરના કામમાંથી છૂટી શકી નથી. પુરુષે ઘરના કામમાં હેલ્પ કરવી જોઈએ કે નહીં? પુરુષના ઘરકામના કલાકો કેટલા હોવા જોઈએ એનો કોઈ માપદંડ બનાવવો જોઈએ? આ સંદર્ભે પુરુષોના અનુભવો શું કહે છે અને તેમના અભિપ્રાયો શું છે એ વિશે જાણીએ.

ઘરકામની સાથે ઑફિસના કામના કલાકોનો પણ માપદંડ હોવો જોઈએ - દિવ્યેશ જોશી, કાંદિવલી


ઘરકામ માટેનો માપદંડ હોવો જોઈએ એ વાત સાથે સહમત થતાં કન્સ્ટ્રક્શન-કંપની સાથે સંકળાયેલા દિવ્યેશભાઈ કહે છે, ‘વિદેશની જેમ આપણા દેશમાં પણ ઘરકામના કલાકોનું એક પૅરામીટર તો હોવું જ જોઈએ, પરંતુ એ ત્યારે શક્ય છે જ્યારે બહાર પણ આવા માપદંડ હોય. આપણા દેશમાં શનિ-રવિ એમ બે દિવસ રજા નથી હોતી. ઉપરાંત વિદેશની સરખામણીએ કામના કલાકો પણ વધુ છે. અઠવાડિયામાં બે રજા મળતી હોય તો એક દિવસ ઘરનાં તમામ પેન્ડિંગ કામ મળીને કરી શકાય અને એક દિવસ ફૅમિલી સાથે ક્વૉલિટી-ટાઇમ સ્પેન્ડ કરી શકાય. હવે આવી કોઈ સિસ્ટમ નથી એટલે બધાએ પોતાની અનુકૂળતા મુજબ કામ કરવું પડે છે. મેટ્રો સિટીમાં રહેનારા તમામ પુરુષોએ ઘરના કામમાં સો ટકા મદદ કરવી જ જોઈએ. આજથી ૩૦ વર્ષ પહેલાંની વાત પકડી રાખો તો ન ચાલે. હવે સમય બદલાઈ ગયો છે અને બન્ને વ્યક્તિ મળીને કામ કરે એ સમયની ડિમાન્ડ છે. મુંબઈમાં તો બધાએ ઘડિયાળના કાંટે ચાલવું પડે છે. આપણે સમય સાથે બંધાયેલા છીએ તેમ જ લાઇફ પણ ઘણી જ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે એવામાં પુરુષે પોતાના ઈગોને બાજુ પર મૂકી ઘરકામમાં મદદ કરવી જોઈએ. જે પુરુષો એવું વિચારતા હોય કે સવારે ઠીક છે, પરંતુ રાતે થાક્યાપાક્યા આવીને અમારાથી કામ નહીં થાય અને સોફા પર બેસીને પત્નીને ઑડર્ર આપે છે તેમને ખાસ કહેવાનું કે તમારી પત્નીની દશા પણ આવી જ હોય છે. જ્યાં સમજદારી અને જવાબદારીનું ભાન હોય ત્યાં વાંધો નથી આવતો.’

લૉન્ડ્રી-ડિપાર્ટમેન્ટ સંભાળવાની જવાબદારી મારી - ભૂપેશ શિરોદરિયા, કાંદિવલી

શૅરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા કાંદિવલીના ભૂપેશભાઈ કહે છે, ‘ભારતીય પુરુષે ઘરમાં કેટલા કલાક મદદ કરવી જોઈએ એ પુરુષે જાતે નક્કી કરવાનું છે. હું માનું છું કે દરેક પુરુષે ઘરના એકાદ કામની જવાબદારી તો ઉપાડવી જ જોઈએ. ઘરનાં કામ કરવામાં નાનપ અનુભવવાની જરૂર નથી. રોજ કામ ન કરી શકો તો વારેતહેવારે અથવા ઘરમાં મહેમાન હોય ત્યારે તો મદદરૂપ થવું જોઈએ. ઑફિસથી આવતાં-આવતાં ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુ લેતા આવો તો પણ સ્ત્રીઓના કામનો ભાર હળવો થઈ જાય. આટલું તો કરી જ શકાય. હું મારી વાત કરું તો પહેલેથી ઘરના કામમાં મદદરૂપ થાઉં છું. મારી પત્ની સ્કૂલમાં શિક્ષક છે એટલે તેને સવારે વહેલાં નીકળવું પડે છે, જ્યારે મારો બિઝનેસ એવો છે કે ઘરે બેસીને પણ કરી શકાય અથવા અઠવાડિયે એકાદ વાર જાઉં તો ચાલે. એવામાં ઍડ્જસ્ટ કરીએ તો એમાં ખોટું શું છે? એવું નથી કે હું વર્કિંગ વુમનનો હસબન્ડ છું એટલે કામ કરાવું છું. લગ્ન પહેલાં મમ્મી અને મોટાં ભાભીને મદદ કરતો હતો, હવે પત્નીને હેલ્પ કરું છું. સ્ત્રીઓ માત્ર ઘરનાં કામ કરવા જ સર્જાયેલી છે એમ હું નથી માનતો. મારા ઘરના લૉન્ડ્રી-ડિપાર્ટમેન્ટની જવાબદારી મેં શરૂઆતથી જ સ્વેચ્છાએ ઉપાડી છે. વૉશિંગ મશીન ચાલુ કરવાથી લઈને ઇસ્ત્રીમાંથી કપડાં લાવવા સુધીનાં તમામ કામ કરવાનું મને ફાવે છે અને ગમે છે. આ કામ સ્ત્રીનું છે કે આ કામ પુરુષે ન કરવાનું હોય એવી કોઈ સિસ્ટમ અમે નથી રાખી. જેને જે કામની અનુકૂળતા હોય તે કરી લે. મારા મતે બધાએ પોતાની અનુકૂળતા અને આવડત અનુસાર એકબીજાને કામમાં મદદરૂપ થવું જોઈએ. તો જ આ સંસાર ચાલે.’

પ્રયત્ન કરું છું, પણ ઘરનાં કામ ફાવતાં નથી - ભરત ઠાઠાગર, ભાઈંદર


ભાઈંદરમાં રહેતા ભરતભાઈનો વ્યવસાય છે. તેમને ઘરનાં કામ કરવાં બિલકુલ નથી ફાવતાં. તેઓ કહે છે, ‘એવું નથી કે પુરુષે ઘરનાં કામ ન કરવાં જોઈએ, પરંતુ ભારતીય પુરુષો નથી કરી શકતા એનું કારણ છે આપણી સામાજિક વ્યવસ્થા. નાનપણથી જ એ રીતે ઘડતર થયું છે કે ઘરનાં કામની જવાબદારી સ્ત્રીની છે અને પુરુષે બહાર જઈ પૈસા કમાવી લાવવાના. હવે આ માનસિકતામાંથી બહાર આવવું મુશ્કેલ છે. હું મારી જ વાત કરું તો મને નાનપણથી જ મારી બાએ પાણીનો ગ્લાસ પણ હાથમાં આપ્યો છે અને ગરમાગરમ ભાખરી પીરસી છે. મેં ક્યારેય ઘરનાં કામમાં મદદ કરી જ નથી એટલે હવે કરવાનું વિચારું તો પણ સમય લાગે. પહેલેથી જે સ્વભાવ બની ગયો છે એ જલદી ન બદલાય. બીજું, સ્ત્રી અને પુરુષના વિચારો અલગ પડે છે એના કારણે  કેટલાંક કામ કરવાનું વિચારો તો એ શક્ય નથી. જેમ કે પુરુષનો સ્વભાવ છે સમય બચાવવાનો અને સ્ત્રીનો સ્વભાવ છે પૈસા બચાવવાનો. સ્ત્રી સાંજે પાંચ વાગ્યે શાક લેવા નીકળે તો સાત વાગ્યે આવે અને પુરુષને આ કામ સોંપો તો તે ૧૫ મિનટિમાં પરત આવી જાય. આમ બન્નેની કામ કરવાની રીત અલગ છે. મારા મતે જે રીતે પહેલેથી ચાલતું આવ્યું છે એમાં ફેરફાર કરવા જઈએ તો બેય કામ બગડે. હા, કેટલાંક કામ આવડવાં જોઈએ એની ના નથી. હું મારી રીતે અમુક કામ કરવાનો પ્રયાસ કરું છું. મારી વાઇફ બીમાર હોય તો ચા બનાવી લઉં, પણ રસોઈ ન આવડે એટલે બહારથી ટિફિન લાવવું પડે કે હોટેલમાંથી મગાવી લઈએ.’

બૈરાંઓ પર કચકચ ન કરવી એ પણ એક પ્રકારની મદદ જ કહેવાય - પંકજ ઠાઠાગર, વસઈ


રેડીમેડ ગાર્મેન્ટ્સનો બિઝનેસ કરતા વસઈના પંકજભાઈ કહે છે, ‘આપણા દેશમાં ૯૫ ટકા પુરુષો ઘરમાં સહાયરૂપ થતા નથી એ વાત સાચી છે. આખું અઠવાડિયું ધંધામાં વ્યસ્ત રહેવાનું અને રવિવારે આખો દિવસ સૂવાનું, મોટા ભાગના પુરુષો આ બે જ કામ કરે છે. રજાનો દિવસ એટલે પુરુષો માટેનો આરામનો દિવસ કહેવાય એવું આપણે માનીએ છીએ. પુરુષે બધાં જ કામમાં સહાય કરવી જોઈએ એવું નથી કહેતો, પરંતુ કેટલાંક કામ કરી શકાય. કામની ગણતરી ન થવી જોઈએ. તમને જે કામ ફાવે એ કરો અને ન કરવાં હોય તો એક સૌથી મહત્વનું કામ છે એ કરો. મારા મતે ઘરનાં કામમાં કચકચ ન કરવી એ પણ એક પ્રકારની સહાય જ છે. ઘણા પુરુષોને દૂધમાંથી પોરા કાઢવાની ટેવ હોય છે. કામ કરાવવું નથી, પણ ભૂલો શોધી કાઢવી છે. એવું ન ચાલે. હું મારી વાત કરું તો જે વાતમાં ગતાગમ ન પડે એમાં માથું નહીં મારવાનું. મારી પુત્રીના અભ્યાસ બાબત મને ઓછી ખબર પડે છે તો મારી પત્ની જે નિર્ણય લે એને સપોર્ટ કરું, એમાં વાંધાવચકા ન કાઢું. બીજું, મારું કામ એવું છે કે મહિને-બે મહિને બહારગામનો એકાદ ફેરો કરવો પડે છે એટલે ઘરની તમામ જવાબદારી તેના એકલા પર આવી જાય. એવામાં જો તેણે પૂછuા વગર કોઈ નિર્ણય લીધો હોય તો ઓકે કરી લેવાનું, વાંધા નહીં કાઢવાના. જ્યારે મુંબઈમાં હોઉં ત્યારે શક્ય એટલી મદદ કરવાનો પ્રયાસ કરું છું. રવિવારે ઘરે હોઉં તો સાફસફાઈમાં મદદ કરું. એક વાત છે કે ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોય ત્યારે બાકીના બધાએ ખડેપગે રહેવાનું અને તમામ કામ કરવાનાં. આ બાબતમાં હું પણ બાકાત ન રહી શકું.’

વર્તમાન સમયમાં એક જ વ્યક્તિ કામ કરે તો ગાડું ન ચાલે : જતીન ભટ્ટ, કાંદિવલી


વિદેશની જેમ હવે ભારતીય પુરુષોએ પણ ઘરકામમાં મદદ કરવી જોઈએ એ સમય પાકી ગયો છે એ વાત સાથે સહમત થતાં કાંદિવલીમાં રહેતા સૉફ્ટવેર એન્જિનિયર જતીનભાઈ કહે છે, ‘પહેલાં આપણે ત્યાં પુરુષો ઘરકામમાં મદદ નહોતા કરતા એ ઠીક હતું, પરંતુ હવે ફરજિયાત કરવું જ પડે એવો સમય આવી ગયો છે. આપણી લાઇફ-સ્ટાઇલ બદલાઈ ગઈ છે. ઘર અને અન્ય ઍમિનિટીઝ લઈને બેઠા હોઈએ, દર મહિને ચ્પ્ત્ ભરવાના હોય એવામાં બે વ્યક્તિએ કમાવું જ પડે છે. હવે એક વ્યક્તિ સવારે વહેલી ઊઠીને ઘરનાં કામ કરે ને પછી ઑફિસ જાય અને બીજું આરામથી ઊઠે એમ તો ગાડું નથી જ ચાલવાનું. વર્કિંગ વુમનના હસબન્ડે સવારનો સમય સાચવવો પડે. જેમની પત્ની ગૃહિણી છે તેમણે સમયાંતરે મદદ કરવી જોઈએ. ગૃહિણી એવી અપેક્ષા રાખે કે ઘર બન્નેનું છે અને હસબન્ડે હાથોહાથ કામ કરાવવું જોઈએ તો એ ડિમાન્ડ પણ ખોટી છે. ઘરકામમાં કોણે કેટલી મદદ કરવી જોઈએ આ બાબતનો નિર્ણય પરિસ્થિતિ મુજબ સહિયારો લેવો જોઈએ. હું મારી વાત કરું તો લગ્ન પહેલાં મને ચા બનાવતાં પણ નહોતી આવડતી, પરંતુ ધીમે- ધીમે શીખતો ગયો. પહેલાં તે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી એટલે આવશ્યકતા હોય ત્યારે મદદ કરી શકાય એવા હેતુથી શીખ્યો હતો. આજે મને રસોઈ બનાવતાં પણ આવડી ગઈ છે. જોકે અત્યારે રસોઈ કરવાની જરૂર નથી પડતી, કારણ કે હવે મારી વાઇફ ગૃહિણી છે. હા, ઘરનાં અન્ય કામોમાં ક્યારેક મદદ કરું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK