તમે વળગણ સાથે જીવો છો કે વર્તમાનમાં?

જીવનમાં ઑબ્સેશન્સ પાળવાને સ્થાને બહેતર તો એ જ છે કે આપણે સ્વસ્થતા પાળીએ, પરિવર્તનો માટે તૈયાર રહીએ, આપણી જાતનું ધ્યાન રાખીએ, આપણા સંબંધોનું જતન કરીએ, આપણા શોખ પૂરા કરીએ. પછી જુઓ કેવી રીતે જીવનધ્યેય શોધવા ક્યાંય બહાર જવાની જરૂર રહેતી નથી. એ આપણી અંદરથી જ ઊગી નીકળે છે

movie

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

કેટલીક વાર માણસની અમુક ખૂબી જ તેની સૌથી મોટી ખામી હોય છે. આ સત્ય મને પણ લાગુ પડે છે. હું વસ્તુઓને બહુ સારી રીતે સાચવી જાણું છું. પરિણામે મારી વસ્તુઓ જલદી ખરાબ થતી નથી અને લાંબો સમય ટકી રહે છે, પરંતુ મારી આ જ સાચવણીને કારણે હું વસ્તુઓ સાથે અને વસ્તુઓ મારી સાથે વર્ષો સુધી બંધાયેલી રહે છે. પરિણામે મારા ઘર નામના નાનકડા સંગ્રહાલયમાં તમને એવી અનેક વસ્તુઓ મળી આવશે જેને મેં વર્ષોથી જીવની જેમ સાચવી રાખી છે, પરંતુ છેલ્લા બે દિવસથી મારી આવી જ એક વસ્તુ મને મળી નથી રહી. એ છે મારા સ્કૂલના દિવસોનું એક ઇરેઝર એટલે કે લખેલું ભૂંસવા માટે વપરાતું રબર. મને બરાબર યાદ છે એ ઇરેઝર હું આઠમા ધોરણમાં હતી ત્યારે મમ્મીએ મને એક બહુ મોટી સ્ટેશનરીની દુકાનમાંથી અપાવ્યું હતું. મોટી દુકાનમાંથી અપાવ્યું હોવાથી મેં મારી સ્કૂલ-લાઇફ ઉપરાંત કૉલેજ-લાઇફમાં પણ એનો ઉપયોગ કર્યો. બલકે ત્યાં સુધીમાં મને એનાથી એટલો લગાવ થઈ ગયો હતો કે મારાં લગ્ન બાદ મારા કરિયાવરમાં અન્ય વસ્તુઓની સાથે અજાણતાં જ મેં એનો પણ સમાવેશ કરી લીધો હતો. ત્યાર બાદ જ્યારે-જ્યારે મને જીવનમાં ઇરેઝરની જરૂર પડી છે ત્યારે મેં એનો જ પ્રયોગ કર્યો છે. હવે તમે કદાચ સમજી શકશો કે આવું ઇરેઝર જો ખોવાઈ જાય તો કેવું લાગે! પરિણામે છેલ્લા બે દિવસથી મેં પ્રૅક્ટિકલી ઘરનો એકેક એવો ખૂણો ચકાસી જોયો છે જ્યાં એ હોવાની શક્યતા હતી. એક ઇરેઝર માટે મારો આવો વલવલાટ જોઈ પતિદેવે ગઈ કાલે રાતે જ્ઞાનની ગંગા વહાવતાં કહ્યું, વી ઑલ નીડ ટુ ગેટ ઓવર અવર ઑબ્સેશન્સ ઇન લાઇફ. ઍઝ ઇન લાઇફ નથિંગ ઇઝ પર્મનન્ટ. ઇન ફૅક્ટ ઇમ્પર્મનન્સ ઇઝ ધી ઓન્લી પર્મનન્સ.

હમ્મ... વાત તો સાચી છે. જીવનમાં કશું જ કાયમી હોતું નથી. જે આવે છે એ જાય જ છે. જીવનભર આપણે આપણી આસપાસ વ્યક્તિઓથી માંડી વસ્તુઓ અને પરિસ્થિતિઓ સુધી બધાને કન્ટ્રોલ કરી પર્મનન્ટ બનાવવા મથતા રહીએ છીએ. આ માટે આપણે આપણા સંબંધોથી લઈ આપણા મિત્રો, આપણું ઘર, આપણા વાર્ષિક કાર્યક્રમો, એની ચોક્કસ ઢબે થતી ઉજવણીઓ, વાંચવા માટે રખાયેલાં પુસ્તકો, ક્યારેક જોઈશું એવા વિચારો સાથે સાચવી રાખેલી ફિલ્મોની CD, ક્યારેક વાપરીશું એ વિચાર સાથે રાખી મૂકેલી વસ્તુઓ વગેરે પ્રત્યેક બાબતોનું જીવની જેમ જતન કરીએ છીએ; પરંતુ એક્સપાયરી-ડેટ નજીક આવતાં બધું જ કોઈ ને કોઈ રીતે હાથમાંથી સરકી જ જતું હોય છે. વ્યક્તિઓ ગુજરી જાય છે, સંબંધો તૂટી જાય છે, પુસ્તકો ફાટી જાય છે અને CD ખરાબ થઈ જાય છે. ત્યાં સુધી કે એક દિવસ આપણું આ શરીર પણ આપણો સાથ છોડીને જતું રહે છે. નવાઈની વાત એ છે કે આ બધા છતાં મારા પેલા ઇરેઝર માટેના વળગણની જેમ આપણાં ઑબ્સેશન્સ છૂટતાં નથી.

પરિણામે એક ઑબ્સેશન છૂટે એ પહેલાં આપણે બાજુમાં રહી બીજું ઊભું કરી નાખીએ છીએ. જૂનાં વસ્ત્રો કાઢીએ એ પહેલાં નવાં વસાવી લઈએ છીએ, જૂનાં પુસ્તકો ફાટે એ પહેલાં નવાં ખરીદી લઈએ છીએ, જૂના સંબંધો ખરી પડે એ પહેલાં નવા સંબંધો બનાવી લઈએ છીએ; કારણ કે વાસ્તવમાં આપણે ક્યાંક ઇન્સિક્યૉર ફીલ કરીએ છીએ. આ કે તે નહીં હોય તો મારું શું થશે એવો ડર આપણને સતાવતો હોય છે. પરિણામે કોઈ પણ બાબતના અભાવમાં રહેવાનું શીખવાને સ્થાને આપણે બાજુમાં રહીને નવાં વળગણો ઊભાં કરીએ છીએ અને એ દ્વારા જીવનમાં એકવાયકા જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને છતાં હકીકત તો ત્યાંની ત્યાં જ રહે છે.

આમ અંદરખાને સિક્યૉર ફીલ કરવા આપણે જીવનનો મોટા ભાગનો સમય એકનાં એક કામો એકની એક રીતે કરવામાં ખર્ચી નાખીએ છીએ. આપણામાંથી બહુ ઓછા એવા હોય છે જે સામે ચાલીને કોઈ પરિવર્તન આણવાનો પ્રયાસ કરે છે. મોટા ભાગના આપણે આપણા રૂટીનમાંથી જ બહાર આવવા માગતા નથી, પરંતુ કશું જ કાયમી રહેતું નથી. સમય બદલાય છે અને સમય સાથે પરિસ્થિતિઓ પણ. તેથી આપણે સામે ચાલીને પરિવર્તન લાવવા સમર્થ ન હોઈએ તો ઍટ લીસ્ટ આવનારાં પરિવર્તનો માટે પહેલેથી માનસિક રીતે તૈયાર રહી એને આપણી અનુકૂળતાઓ મુજબ વાળવાનો પ્રયાસ તો ચોક્કસ કરવો જ જોઈએ.

એક સામાન્ય મનુષ્ય તરીકે પરિવર્તનના મામલામાં ઓછામાં ઓછું કહો તો ઓછામાં ઓછું અને વધુમાં વધુ કહો તો વધુમાં વધુ, આપણે આટલું જ કરી શકીએ છીએ.

અલબત્ત, પરિવર્તન માટેની આ માનસિક તૈયારીનો ફાયદો એ થાય છે કે આપણે વર્તમાનમાં આપણી પાસે જે છે એને એન્જૉય કરતાં શીખી જઈએ છીએ. આપણા જીવનમાં સાર્થકતા લાવતા સંબંધોને માણતાં શીખી જઈએ છીએ, આપણને ગમતી પ્રવૃત્તિઓ બને તેટલી વધુ કરવાનો, આપણને ગમતાં પુસ્તકો વાંચી કાઢવાનો તથા ગમતી ફિલ્મો જોઈ નાખવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. બીજા શબ્દોમાં ક્ષણેક્ષણમાં જીવવાનો પ્રયત્ન કરીએ છીએ.

એક વાર આ પૃથ્વી પર અન્ય બાબતોની જેમ આપણો સમય પણ મર્યાદિત છે એ સમજાઈ જાય પછી આપણે કોઈના ડરના માર્યા કે પછી કોઈને રીઝવવા નકામાં કે ન ગમતાં કામો કરવાનું બંધ કરી દઈશું અને એ બાબતો પર ફોકસ કરી શકીશું જે આપણે મન મહત્વની છે. આવું થતાં જાણે એકાએક આપણને આપણા જીવનનું ધ્યેય મળી જાય છે. યાદ રાખો, જીવનધ્યેય હંમેશાં મોટું અને મહાન જ હોવું જરૂરી નથી. બલકે મોટા ભાગના કિસ્સાઓમાં એ ફક્ત તમારા પોતાના કે વધુમાં વધુ તમને લાગતા-વળગતા લોકોના જીવન પૂરતું જ મર્યાદિત હોય છે, પરંતુ એમાંથી તમને પોતાને સંતોષ મળે એ વધુ મહત્વનું છે.

તો ચાલો હવે પતિદેવની શિખામણનો અમલ કરતાં હું પણ મારા પેલા ઇરેઝર માટેની મારી શોધ પર પૂર્ણવિરામ મૂકું છું અને મનને ગમતા પુસ્તક તરફ વાળવાનો પ્રયત્ન કરું છું. બેસ્ટ ઑફ લક ટુ યુ ઑલ. બટ ફર્સ્ટ, બેસ્ટ ઑફ લક ટુ મી...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK