જિંદગી અઘરી છે એ હકીકતથી સંતાનોને વાકેફ કરવાની પેરન્ટ્સની પહેલી ફરજ છે

પોતાનાં સંતાનો તેમની જિંદગીની રાહમાં આવનારી ચૅલેન્જિસથી ડરી ન જાય, દૃઢતાથી એનો મુકાબલો કરી શકે અને ભીડ પડે ત્યારે મા-બાપ તેમના પર ભરોસો મૂકી શકે એ આદર્શ ઉછેરની ઓળખ છે

dad

સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ગયા અઠવાડિયે આ જ અખબારમાં એક સજ્જનનો પત્ર વાંચીને મનમાં તોફાન મચ્યું છે. એ મિડલ-એજ્ડ ભાઈ આમ તો સુખી પરિવારના છે. પોતે વર્ષો સુધી સરસમજાનો બિઝનેસ સફળતાથી સંભાળ્યો, એકના એક દીકરાને ભણાવ્યો અને હાલ તે પરદેશમાં સેટલ્ડ છે. હવે સમસ્યા એ છે કે છેલ્લા થોડા સમયથી આ ભાઈને બિઝનેસમાં મોટો લૉસ થયો છે અને તેઓ હિંમત હારી ગયા છે. માથે ચડી ગયેલું દેવું ચૂકવવાનો કોઈ રસ્તો દેખાતો નથી અને તેઓ કહે છે તેમ તેમને આમાંથી છૂટવાનો એક જ માર્ગ દેખાય છે : આત્મહત્યા. પરંતુ તેમની પત્નીએ સોગંદ આપીને તેમને એવું પગલું નહીં ભરવા બાંધી લીધા છે. પોતાની પાસેથી રખાયેલી અપેક્ષાઓ, પોતાની કારકર્દિી, પરિવાર વગેરે પ્રત્યેની બધી ફરજો વ્યવસ્થિત બજાવી લીધી હોય અને હવે નિવૃત્ત થઈને જિંદગીમાં રિલૅક્સ થવાની પળ નજીક લાગતી હોય ત્યારે માથા પર આવો બોજ આવી પડે એ સહન કરવો કેટલો અઘરો છે એ તો જેણે ભોગવ્યું હોય તે જ જાણી શકે, પરંતુ આ ભાઈના કિસ્સામાં મને એક વાત જે ન સમજાઈ અને જે ખૂંચી એ એ છે કે છપ્પન-સત્તાવન વર્ષના એ ભાઈ પોતાની સમસ્યા પોતાના દીકરા સાથે શૅર કરવા પણ નથી માગતા! પરદેશમાં રહેતા દીકરાને પોતાની સમસ્યામાં ઘસીટવો નથી કે તેને ઇન્વૉલ્વ કરવો નથી! આવું કેમ? અરે, દીકરો કદાચ મદદ કરવાની સ્થિતિમાં ન હોય તો પણ શૅરિંગ કરીને પપ્પા માટે સપોર્ટ તો પૂરો પાડી શકેને? ઘણી વાર આપણે આપણા સ્વજનોને દુ:ખી કરવા નથી માગતા એમ કહીને આવા નિર્ણયો કરીએ છીએ અને આ રીતે વર્તીએ છીએ. પણ ખરેખર એ કારણ હોય છે? કદાચ એવું તો નથીને કે આપણને સ્વજનો પર ભરોસો નથી હોતો? તેમની આપણને મદદ કરવાની ઇચ્છા અને શક્તિમાં આપણને અવિશ્વાસ હોય એવું ન બને? અથવા તો આપણા સંબંધોમાં જ એ ઊણપ હોય કે એકમેકની મદદ ક્યારેય કરી જ ન હોય? ખરેખર, આ વિચારવા જેવું છે. ધારો કે આ છેલ્લું લખ્યું એવું કોઈ કારણ ન હોય તો એનો ટૂંકો ને ટચ અર્થ પેલો ભરોસાનો અભાવ જ કહેવાય.

હવે કલ્પના કરો કે કોઈ પણ સંતાનને જ્યારે ખબર પડે કે મારા પેરન્ટ્સ આટલા બધા મુસીબતમાં હતાં, આટલુંબધું સહન કરતાં હતાં અને મને જરાય અંદાજ પણ ન આવ્યો? હું તો મજાથી મારી જિંદગીમાં વ્યસ્ત રહ્યો. મારી દુનિયામાં મસ્ત રહ્યો! એમ તો અમારી કેટલી બધી વાર વાતચીત થતી હતી, પણ તેમણે મને એ વાતનો અણસાર પણ આવવા ન દીધો? એ વખતે તેને પોતાની જાત પ્રત્યે ઘૃણાની લાગણી નહીં થાય? ત્યારે તે કેટલું દુ:ખ અનુભવશે એ વિચાર મા-બાપ નથી કરી શકતાં? હકીકતમાં તેમના પર વિશ્વાસ મૂકીને તેમની સાથે સમસ્યાઓ શૅર કરીએ.

જેમનું પોતાનું બાળપણ અભાવના વાતાવરણમાં વીત્યું હોય એવા કેટલાય પેરન્ટ્સ પોતાનાં બાળકો નાનપણથી જે માગે તે ધરી દેતા હોય છે. તેઓ માને છે કે એમ કરીને સંતાનોને ખુશી આપી રહ્યા છે. હકીકતમાં તેઓ તેમને દુ:ખી થવાના માર્ગે ધકેલી રહ્યા હોય છે. જિંદગી અઘરી છે એ હકીકતથી સંતાનોને વાકેફ કરવાની પેરન્ટ્સની પહેલી ફરજ છે. ખબર નહીં કેમ, આપણે એમ કરવામાં શા માટે ખચકાટ અનુભવીએ છીએ? આ સંદર્ભે ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિનો બાળઉછેરનો અભિગમ યાદ આવે છે. મૂર્તિદંપતીએ સંતાનો રોહન અને અક્ષતાને સાદગી અને કરકસરનાં મૂલ્યો નાનપણથી સમજાવ્યાં હતાં. અક્ષતા નાની હતી ત્યારે એક વાર તેની સ્કૂલમાં પ્રોગ્રામ હતો અને તેણે એમાં ભાગ લીધો હતો. એ માટે તેને અમુક પ્રકારનો ડ્રેસ પહેરવાનો હતો. એ ડ્રેસ ખરીદવો પડે એમ હતો. પણ ઇન્ફોસિસના આરંભના એ દિવસોમાં તેમને એ પોસાય તેમ નહોતું. સુધાબહેને દીકરીને કહ્યું કે બેટા, આપણે આ ખર્ચ નહીં કરી શકીએ; તો તું પ્રોગ્રામમાં ભાગ લેવાનું માંડી વાળ. સહજ છે અક્ષતાને એ વખતે તો દુ:ખ જ થયું હતું, પણ એ નાનકડી છોકરી ત્યારે જિંદગીનો એક મહત્વનો પાઠ શીખી ગઈ હતી - કરકસરનો. પછી તો તેમના દિવસો તદ્દન બદલાઈ ગયા, પણ શ્રીમંતાઈના સમયમાં પણ સાદગીનું મૂલ્ય તેમનામાં સચવાઈ રહ્યું.

બીજો એક પ્રસંગ પણ તેમણે શૅર કર્યો હતો. ઇન્ફોસિસ જામવા લાગી અને મૂર્તિએ ગાડી પણ લઈ લીધી. પછી એક દિવસ તેમણે પત્નીને કહ્યું કે હવે બન્ને બાળકો ભલે ગાડીમાં સ્કૂલ જાય. સુધાબહેને કહ્યું કે ના, ભલે તે બીજાં બાળકો સાથે રિક્ષામાં જ જાય. બન્ને બાળકોએ રિક્ષામાં જવાનું ચાલુ રાખ્યું. બીજાં બાળકો સાથેની તેમની મજા અને રિક્ષાવાળા અંકલ સાથે વાતો પણ ચાલુ રહી. મૂર્તિ કહે છે કે બાળકો એ શીખ્યાં કે આનંદ માટે કંઈ રૂપિયા ખર્ચવાની જરૂર નથી પડતી. આવી નાની-નાની ઘણી બાબતો અને વર્તણૂકો થકી મા-બાપ બાળકની જાણ વગર તેને ઘડી શકે છે. અને આવી સમજણ સાથે ઊછરેલાં સંતાનો મા-બાપના મિત્રો બની રહે છે. મા-બાપે તેમનાથી પોતાના પ્રૉબ્લેમ્સ કે ચિંતાઓ છુપાવવા નથી પડતાં. ઊલટું, તેઓ સંતાનો પાસેથી કોઈ નવા અને પોતાને ન સૂઝેલા ઉકેલની અપેક્ષા પણ રાખી શકે છે. કદાચ કોઈ સમસ્યા અતિ કપરી હોય અને તત્કાળ કોઈ હલ ન નીકળે તો પણ સંતાનોનો સાથ અને હૂંફ એ વખતે વડીલોને હિંમત હારવા નથી દેતો. પોતાનાં સંતાનો જિંદગીની રાહમાં આવનારી ચૅલેન્જિસથી ગભરાઈ ન જાય, દૃઢતાથી એનો મુકાબલો કરી શકે અને ભીડ પડે ત્યારે મા-બાપ તેમના પર ભરોસો મૂકી શકે એ આદર્શ ઉછેરની ઓળખ છે. એ જ સાચો સંતાનપ્રેમ.     

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK