મારા દેશનો યુવાન કઈ દિશામાં છે?

વિશ્વમાં યુવાદેશ તરીકે પંકાયેલા ભારતની યુવાપેઢી અત્યારે કેવા પડકારોનો સામનો કરી રહી છે? દેશના યંગ માનસની મૂંઝવણો, પરીક્ષાઓ અને વિચારધારાનું સ્કૅનિંગ કરીએ આજના રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે

youth

રુચિતા શાહ

ન્યુ યૉર્ક ટાઇમ્સનાં રિપોર્ટર સોમિની સેનગુપ્તાએ બે વર્ષ પહેલાં પોતાના પુસ્તકમાં એક સ્ટેટમેન્ટ લખ્યું છે, જે ખૂબ પૉપ્યુલર થયું - યુ વૉન્ટ ટુ સી ફ્યુચર? ફ્યુચર ઇઝ ઇન્ડિયા. વિશ્વ આખાને ભારતમાં ભવિષ્યનાં દર્શન થાય છે, જેની પાછળનું મુખ્ય અને મહત્વનું કારણ છે અહીંનું યુવાધન.

ભારતમાં અત્યારે દર ત્રીજી વ્યક્તિ યુવાન છે. ભારતમાં ૫૦ ટકાથી વધુ લોકો ૨૫ વર્ષથી ઓછી ઉંમરના છે. ૬૫ ટકા ૩૫ વર્ષ કરતાં નાની વયના છે. ૨૦૨૦ સુધીમાં ભારતની સરેરાશ ઉંમર ૨૯ વર્ષ હશે. આ જ રેશિયો મુજબ ૨૦૨૦ સુધીમાં ચીનના લોકોની સરેરાશ ઉંમર ૩૭ અને જપાનની ૪૮ વર્ષ હશે. એ દૃષ્ટિએ પણ ભારતનું યુવાધન ભારતને વિકાસની અનેક ઊંચાઈઓ સર કરાવી શકે એમ છે. ભારતનું યુવાધન વિશ્વ સમક્ષ એક સીક્રેટ વેપન તરીકે કારગત નીવડી શકે છે. ભારતનું યુવાધન માત્ર ભારતના જ નહીં, પણ વિશ્વના ભવિષ્યમાં બહુ નોંધનીય ભૂમિકા ભજવી શકે છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં યુવાનોની સંખ્યા લગભગ ૩૫ કરોડ હતી, જે ૨૦૧૧માં ૪૩ કરોડ પર પહોંચી હતી અને ૨૦૨૧માં વધીને ૪૬ કરોડ પર પહોંચવાની સંભાવના છે. ૨૦૨૦માં ભારતમાં લગભગ ૬૫ ટકા લોકો વર્કિંગ એજગ્રુપ અંતર્ગત હશે, જેને કારણે યુનાઇટેડ નેશન્સના સર્વે મુજબ ભારત વિશ્વનું યંગેસ્ટ પૉપ્યુલેશન ધરાવતો દેશ હશે. આટલા સમૃદ્ધ યુવાધન સાથેના આપણા દેશે હવે પ્રગતિના પંથે ગતિ શરૂ કરી છે, પરંતુ એ પછીયે કેટલાક પડકારો એની સામે છે. યુવાવર્ગ સમક્ષ રહેલા પડકારો, મનોભાવો અને તેમની પોતાની મૂંઝવણો વિશે આજે નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ.

સૌથી સારી બાબત


ભારતનું યુવાધન અત્યારે દેશનું સૌથી મજબૂત પાસું છે. છેલ્લાં છ વર્ષથી IIM અમદાવાદમાં ચીફ ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર તરીકે સક્રિય અને ઇન્ડિયન નેવીમાં ૨૩ વર્ષ સુધી દેશની સેવા કરનારા કમાન્ડર મનોજ ભટ્ટ આ વિશે કહે છે, ‘આપણે ત્યાં છેલ્લાં દસ વર્ષમાં યુવાનોમાં હાયર સ્ટડીઝનું મહત્વ વધ્યું છે. આજે અમારે ત્યાં નાનાં-નાનાં ગામડાંઓમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે. હવે મૅનેજમેન્ટનો અભ્યાસ કરનારા અને દેશની ટૉપની મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો હિસ્સો બનવામાં તેઓ અગ્રેસર છે અને જ્ઞાન મેળવીને ઊંચાઈને આંબવા માટે પણ તત્પર છે. આજના યુવાનોમાં સૌથી પૉઝિટિવ બાબત જો મેં કોઈ જોઈ હોય તો તેમને જોખમ લેતાં ડર નથી લાગતો. તેઓ હસતાં-હસતાં જોખમ લે છે. તેમને ઇનોવેશન ગમે છે અને એ ઇનોવેશન માટે બધું જ કરવા તેઓ તૈયાર છે.’

એ વાત સાવ સાચી કે આજના યંગસ્ટર્સમાં ટેક્નૉલૉજીની સહાયથી તમામ પ્રકારની નવી-નવી ખોજ કરવાની તેમની પ્રબળ ઇચ્છાશક્તિનું જ પરિણામ છે કે આજે ઘણાં નવાં સ્ટાર્ટઅપ અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેષ્ટ અસ્તિત્વમાં આવ્યાં છે.

ઍસેટ અને લાયબિલિટી


યુવાધન ભારત માટે એક ઍસેટ સમાન છે, પરંતુ એ ઍસેટનો યોગ્ય ઉપયોગ ન થાય તો ઍસેટને લાયબિલિટી બનતાં વાર નથી લાગતી એમ જણાવીને કમાન્ડર મનોજ ભટ્ટ યુવાનોની સામે રહેલા પડકારોની વાત કરતાં કહે છે, ‘સોશ્યલ મીડિયામાં સમયનો દુરુપયોગ અને પિઅર-પ્રેશરમાં આવીને એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને બિહેવ કરવાની પૅટર્ન મેં ઓવરઑલ આજના યુવાનોમાં જોઈ છે. કોઈ પણ કૉલેજ કે યુનિવર્સિટીમાં આવું થતું તમે પણ જોઈ શકશો. મિત્રોની દેખાદેખીમાં પોતાની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે પણ બેફામ ખર્ચ કરતો, સોશ્યલ મીડિયામાં જ મોટા ભાગનો સમય વાપરીને રિયલિટીથી કટ ઑફ રહેતો, પોતાની આસપાસના લોકો સાથે અંતર સેવતો અને રેસ્ટલેસ રહેતો આજનો યુવાન સાચી દિશામાં વળે એ જોવાની જવાબદારી સાર્વત્રિક ધોરણે નિભાવવી પડશે. તેની ટૅલન્ટ અને તેના જ્ઞાન પછી જો તેને તક નહીં મળે તો તે ખોટી દિશામાં પોતાની શક્તિનો વ્યય કરશે. તેની આવશ્યકતાઓ પૂરી ન થાય અને ગુણવત્તાયુક્ત જીવનશૈલીથી તે વંચિત રહેશે તો તેની ક્ષમતાઓનો દુવ્યર્ય તો થશે જ સાથે ક્ષમતાઓનો ખોટી દિશામાં ઉપયોગ થઈ શકે છે. જો આ બધી બાબતો પ્રૉપરલી હૅન્ડલ થઈ તો આપણું યુવાધન આપણી ઍસેટ તરીકે જ રહેશે. એ માટે આજના યુવાનોને પેરન્ટ્સ, શિક્ષકો અને મારી દૃષ્ટિએ વધુમાં વધુ કાઉન્સેલરોએ પણ પ્રૉપર ગાઇડન્સ આપવાની જરૂર છે. યુવાનોએ પોતાની આસપાસના સર્કલમાં ભળવાની અને આજુબાજુના લોકો સાથે પરિચય કરવાની સૌથી વધુ જરૂર છે.’

આશાવાદ સાથે વાસ્તવવાદ


‘આજના યુવાનોનાં અરમાનો ઘણાં વાસ્તવવાદી છે, જે બાબત દેશના ભવિષ્ય માટે સારી છે. આજે તેમની પાસે માર્ગદર્શન અને માર્ગદર્શકોની કોઈ કમી નથી. ખૂબ સરળતાથી તેમની સમક્ષ માહિતી ઉપલબ્ધ છે, જે અમારા સમયમાં નહોતું. નૉલેજ મેળવવા માટે મોંઘાં-મોંઘાં પુસ્તક ખરીદવા પડતાં હતાં, જે આજે એક ક્લિક પર સાવ મફતમાં ઉપલબ્ધ છે. આ ઍડ્વાન્ટેજ જ યુવાનો માટે ડિસઍડ્વાન્ટેજ પણ બન્યો છે.’

કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફન્ડના મૅનેજિંગ ડિરેષ્ટર અને બૅન્કિંગ તથા ફાઇનૅન્સના ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવતા નીલેશ શાહ કહે છે, ‘આજે યુવાનો વિશ્વ સાથે એક્સ્ટ્રિમલી કનેક્ટેડ છે. વિશ્વમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધાથી પરિચિત યુવાવર્ગ પોતાનાં સપનાંઓની રૂપરેખા આસાનીથી નિશ્ચિત કરી શકે છે. આજે ઑપોચ્યુર્નિટી વધી છે અને ઑપ્શન્સ પણ વધ્યા છે, જેણે યુવાનોમાં મૂંઝવણ ઊભી કરી છે પસંદગીની બાબતમાં. યુવાનો સામે બે પ્રકારની સફળતાઓ આવી છે. એક વર્ગ શૉર્ટકટથી અથવા તો ઓછા સમયમાં મોટી સફળતા હાંસલ કરી શક્યો છે, જ્યારે બીજો વર્ગ ખૂબ મહેનત કરીને વિશ્વ સમક્ષ પોતાની ઓળખ ઊભી કરી શક્યો છે. યુવાનો આ બાબતમાં ભ્રમિત થઈ રહ્યા છે કે પોતે કઈ દિશામાં કેવી રીતે આગળ વધે. મારી દૃષ્ટિએ યુવાનો સામે રહેલો આ મોટો પડકાર જ છે. બન્ને મૉડલથી સફળતા મળે તો પોતે કયા મૉડલ પર ચાલે એ આજના ઘણા યુવાનોને મૂંઝવતો પ્રશ્ન છે એવું મેં ઑબ્ઝર્વ કર્યું છે. બીજું, ખૂબ જ ઈઝીલી બધું અવેલેબલ હોવાને કારણે યુવાવર્ગનો મોટો હિસ્સો આળસુ બની ગયો છે અને પ્રયત્નોની દિશામાં તેમનું સાતત્ય ઘટ્યું છે.’

ટૅલન્ટની કમી નથી


આદર્શોને આપણે ત્યાં ખૂબ જ ગૂંચવી લેવામાં આવ્યા છે. જોકે આદર્શો હંમેશાં યુનિવર્સલ રહ્યા છે. બૉલીવુડના જાણીતા લેખક સલીમ ખાન આ વાતને વધુ ગહેરાઈથી સમજાવતાં કહે છે, ‘મૂલ્યો સદાકાળ સરખાં જ હોય. સાચું અને ખોટું બદલાય નહીં. યુવાનોને આજે આદર્શવાદના નામે ખૂબ કન્ફ્યુઝ કરવામાં આવી રહ્યા છે. એ કંઈ આટલી કૉમ્પ્લીકેટેડ બાબત છે જ નહીં. ટૂંકમાં સમજાય એવું છે. બ્લૅક ઍન્ડ વાઇટને આપણે જુદી-જુદી રીતે સમજાવવાની ખોટી કોશિશ કરીએ તો એ મૂર્ખામી છે. ‘દીવાર’માં ડાયલૉગ લખતી વખતે ખૂબ સરળ વાત જ કરી હતીને, પણ એ પ્રભાવશાળી નીવડી. સરળ હંમેશાં પ્રભાવક હોય છે. બંગલો, ગાડી, બૅન્ક-બૅલૅન્સની ચર્ચામાં મા ચડિયાતી સાબિત થઈ. સિમ્પલ વાત હતી, પણ સ્પર્શી. સરળ વાત યુવાનોએ સમજવી પડશે અને અનુસરવી પડશે કે સાચાનો સાથ અને ખોટાનો ત્યાગ એ જ સફળતાની ચાવી છે. શું સાચું છે અને શું ખોટું છે એ તેમને પોતાને પણ સારી રીતે સમજાય જ છે.’

ભારતના યુવાનોમાં મૂલ્યનિષ્ઠાની વાત સાથે કુસ્તીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડમેડલિસ્ટ અને ઍષ્ટર સંગ્રામ સિંહ પણ સહમત છે. જોકે યુવાનોનો પક્ષ લઈને દેશમાં યંગ આઇકન તરીકે લોકચાહના મેળવનારા અને અઢળક યુનિવર્સિટીમાં લેક્ચર આપીને યુવાનોને મોટિવેટ કરતા સંગ્રામ સિંહ કહે છે, ‘આપણા દેશના યુવાનો એનર્જી, નૉલેજ અને આઇડિયાઝથી તરબતર છે. દુનિયાના તમામ લીડરોએ અને મહાનુભાવે એક વાત સ્વીકારી છે કે વિશ્વને ઊંચાઈ પર લઈ જવાનું કામ ક્રીએટિવ લોકો કરતા હોય છે. હાર્ડ વર્કની જરૂર પછી પડે છે; પણ પહેલાં ક્રીએટિવિટી, હુન્નર, ટૅલન્ટની જરૂર હોય છે. જ્યારે ટૅલન્ટેડ લોકો નિષ્ક્રિય બેસી જાય છે એ પછી જ હાર્ડવર્કિંગ અને મિડિયોકર લોકોને સફળતા મળે છે. એ બાબતમાં આપણો દેશ નસીબદાર છે કે આપણા દેશના યુવાનો બૌદ્ધિકતાની દૃષ્ટિએ ડગલું આગળ છે. બસ, એક સૌથી મોટો પડકાર મેં યુવાનો સમક્ષ તેમની સાથેની વાતચીત અને મુલાકાતો દરમ્યાન અનુભવ્યો છે. એ છે તેમનામાં સહનશક્તિનો અભાવ છે. તેઓ કાર્યનો અંત નજીક હોય ત્યારે હિંમત હારીને ગિવ અપ કરી દે છે. એટલે કે ૧૨ પગથિયાં ચડવાનાં હોય તો નવ પગથિયાં તો ઉત્સાહ અને સામથ્ર્યથી ભરી દે છે, પણ છેલ્લાં ત્રણ પગથિયાં બાકી રહ્યાં હોય ત્યારે તેમને લાગે છે કે હવે નહીં થાય અને આખો ખેલ પડતો મૂકીને પાછા ઊતરી જાય છે. યુવાનોએ આ સમજવું પડશે કે આખો ખેલ શક્તિની સાથે સહનશક્તિનો જ છે. ઠોકરોથી ગભરાઈને ચાલવાનું મૂકી દેનાર વ્યક્તિ ક્યારેય દોડવાનો વિચાર પણ નથી કરી શકતી. ઠોકરોને ગુરુ માનો અને સતત પ્રયત્ન કરતા રહો. તમારી ટૅલન્ટ અને અવિરત પ્રયત્નો જ તમને તમારી મંઝિલ પર પહોંચાડશે. શક્તિની સાથે સહનશક્તિ પણ જરૂરી છે.’

ઍડ્વાઇઝ ઑફ ધ ડે

ઍક્ચ્યુઅલ વિશ્વ સાથે કનેક્શન વધારો - કમાન્ડર મનોજ ભટ્ટ, IIM અમદાવાદના ચીફ ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસર


આજનો યુવાન પ્રેઝન્ટેબલ દેખાવ માટે ખૂબ કૉન્શિયસ છે, પણ અંદરથી ફિટ રહેવા માટે અલર્ટ નથી. ગ્લૅમરસ લુકની સાથે શરીરની સ્વસ્થતા પણ જરૂરી છે એ વિશે આજનો યુવાન સતર્ક બને. પેરન્ટ્સ સાથે, પોતાના મેન્ટર સાથે પોતાની વાતોને શૅર કરવાની સૌથી વધુ જરૂર છે. એક વાત યાદ રાખજો કે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને તમે કાર્યને સ્માર્ટ્લી કરી શકો છો, પણ સાથે જ આગળ વધવા માટે તમારે એક સારી ટીમ તો જોઈશે જ. એ સારી ટીમ સાથે ઘરોબો રાખવા માટે વચ્યુર્અલ વિશ્વની સાથે ઍક્ચ્યુઅલ વિશ્વ સાથેનું પણ કનેક્શન તો જોઈશે જને?

દેશની સમસ્યાઓનું સમાધાન તમારી સૌથી મોટી તક છે - નીલેશ શાહ, મૅનેજિંગ ડિરેક્ટર ઑફ કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફન્ડ

ગ્રામીણ વિસ્તારના અને શહેરી વિસ્તારના યુવાનોને એટલું જ કહેવું છે કે તમારા દેશની સમસ્યાઓને તમે ઑપોચ્યુર્નિટી બનાવો અને જુઓ, તમે ખૂબ આગળ વધશો. જેમ કે આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે છતાં ઍગ્રો ટેક્નૉલૉજી, એગ્રિકલ્ચરલ પ્રોડક્શનની બાબતમાં આપણે વિકસિત નથી થયા. દુનિયાના દેશોમાં એનાં ઘણાં મૉડલ છે, જેમાંથી કંઈક તમે જાતે ક્રૅક કરી દો તો ઘણા ઇન્ડસ્ટ્રિયલ હાઉસથી લઈને સરકાર સુધ્ધાં તમને સહકાર આપશે. આપણે ત્યાં વેસ્ટ ડિસ્પોઝલ મિસિંગ છે, પાવર જનરેશનની બાબતમાં આપણે પાછળ છીએ. શું આપણે એ બધી દિશાઓમાં સોલ્યુશન લાવી શકીએ? આજના યુવાનોએ હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કના તાલમેલ સાથે કામ કરવાની સૌથી વધુ જરૂર છે.

સોશ્યલ મીડિયાને તમારા પર હાવી ન થવા દો - સંગ્રામ સિંહ, આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ અને ઍક્ટર

સોશ્યલ મીડિયા ખૂબ સારું પ્લૅટફૉર્મ છે તમારી વાત ટૂંકા સમયમાં દુનિયા સુધી પહોંચાડવા માટેનું. પરંતુ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં શીખો સોશ્યલ મીડિયા તમારો ઉપયોગ ન કરી જાય એ રીતે. યુવાનો પોતાનાં બધાં જ કામકાજ, સંબંધો, કર્તવ્યો, સપનાંઓ બાજુ પર મૂકીને કલાકો સુધી મોબાઇલ પર જ વળગેલા રહે એ ઘાતકી બાબત છે આપણા દેશ માટે. તમે સોશ્યલ મીડિયાને તમારા પર હાવી ન થવા દો એ જરૂરી બાબત છે.

ગો સ્ટ્રેટ ઍન્ડ ધેન ટેક રાઇટ - સલીમ ખાન, પીઢ લેખક

જી હા, આજના યુવાનોએ પોતાના લક્ષ્ય તરફ સીધી નજર રાખીને આગળ વધવું પડશે અને સાચી દિશામાં ચાલવાની નીયત પણ સાચવવી પડશે. તો જ મંઝિલ મળશે. યુવાનોએ આર્ટ ઑફ લિવિંગ શીખવા માટે કોઈ સેમિનાર અટેન્ડ કરવાની જરૂર નથી. એનો સીધો અને સરળ નિયમ છે કે જે કરવા યોગ્ય છે એ જ કરો અને ન કરવા યોગ્ય છે એનો ત્યાગ કરો. એમાં ગૂંચવાઈ જવા જેવું કંઈ છે જ નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK