આજે નૅશનલ યુથ ડેના દિવસે થોડી ગુફ્તગૂ યુવા ભારત સાથે

દેશના યુવાનો શૅર કરે છે ભારતની ગમતી-અણગમતી બાબતો અને આદર્શ વિશેની વાતો


વર્ષા ચિતલિયા

૧૯૮૪માં ભારત સરકારે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને નૅશનલ યુથ ડે તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે ૧૨ જાન્યુઆરીના દિવસે આપણે નૅશનલ યુથ ડે ઊજવીએ છીએ. આટલાં વર્ષોમાં વિવેકાનંદજીની વિચારધારાને જીવંત રાખવા કેવા પ્રયાસો થયા છે અને તેમના જીવનની પ્રેરક ઘટનાઓને કેટલા યુવાનો અનુસરે છે એ કહેવું જરા મુશ્કેલ છે. આજે આખા વિશ્વમાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે. વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત આજનો યુવાવર્ગ ડ્રગ્સનો બંધાણી થતો જાય છે, બેફામ થતો જાય છે એવી ફરિયાદો વડીલો કરે છે. તો બીજી તરફ યુવાનોએ જ ભારતને વિકસિત દેશોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. યુવાનોને ભ્રષ્ટાચારથી ખદબદતા ભારત પ્રત્યે અણગમો છે તો આપણા સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પણ છે. કોઈ પણ દેશની આર્થિક પ્રગતિમાં યુવાનોનો રોલ મહત્વનો છે. યુવાવર્ગ નાસીપાસ થાય તો દેશની પ્રગતિમાં રુકાવટ આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

ચાલો, જાણીએ પોતાના દેશ માટેના તેમના ગમા-અણગમા અને તેમના રોલ-મૉડેલ વિશે. 

vruti

વૃતિ વડેરા, થાણે

ગમતી બાબત : આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. આ જ આપણા દેશની વિશેષતા છે. તમે માંદા પડો કે કોઈ મુસીબત આવે ત્યારે સગાં પછી પહોંચે, સૌથી પહેલાં પાડોશી આવીને ઊભો રહે છે. બીજા દેશોમાં આવી કોઈ સિસ્ટમ નથી. હેલ્પફુલ નેચર ભારતની આગવી ઓળખ છે. મુંબઈમાં પાણી ભરાઈ ગયાં હોય, ટ્રેન બંધ થઈ જાય કે પછી દેશમાં અન્ય સ્થળે પૂર આવ્યા હોય, લોકો મદદ માટે ખડેપગે ઊભા રહે છે.

ન ગમતી બાબત : આપણે ત્યાં લગ્ન માટે ક્વૉલિફિકેશન કરતાં વધારે મહત્વ જ્ઞાતિને આપવામાં આવે છે. લગ્નમંડપથી લઈને ઍડ્મિશન સુધી કાસ્ટિઝમ બધે જ જોવા મળે છે. લવ-મૅરેજ કરવા માગતા હોય તેવા લોકો પર પરિવારનું બહુ જ દબાણ હોય છે, જે અશિક્ષિત હોવાની નિશાની છે.

મારા આદર્શ : મારાં મમ્મી-પપ્પા જ મારા આદર્શ છે. તેમણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને આજે હું જે કંઈ છું એની પાછળ તેમની મહેનત અને પરસેવો છે.

ayush

આયુષી શાહ, અંધેરી

ગમતી બાબત : ભારત ભાષાઓનો દેશ છે. આખા વિશ્વમાં આપણા દેશમાં સૌથી વધુ ભાષા બોલાય છે અને આ જ વસ્તુ મને અટ્રૅષ્ટ કરે છે. દરેક ભાષાની આગવી છાંટ છે. રસપ્રદ વાત એ છે કે લોકોની બોલવાની રીતથી તેઓ કયા રાજ્યના છે એ ઓળખાઈ જાય છે. મને લાગે છે કે ભિન્ન-ભિન્ન ભાષા સાંભળવાની અલગ જ મજા છે. મુંબઈ પચરંગી શહેર છે અને અહીંની ભાષા તો બધાથી અનોખી છે.

ન ગમતી બાબત : આપણા દેશની વર્તમાન પરિસ્થિતિ જોઈને દુ:ખ થાય છે. વિવિધતામાં એકતા જેવું હવે કંઈ દેખાતું નથી. જ્યાં જુઓ ત્યાં આંદોલન અને જાત-પાત માટેની મારામારી અને હુલ્લડો થયા કરે છે, જે દેશના વિકાસમાં બાધારૂપ છે. કાસ્ટિઝમ બંધ નહીં થાય ત્યાં સુધી આપણી પ્રગતિ નહીં થાય.

મારા આદર્શ : સાઇના નેહવાલથી હું ઇમ્પ્રેસ્ડ છું. હૈદરાબાદ જેવી સિટીમાંથી આગળ આવી ખૂબ જ નાની વયમાં તેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતને ગૌરવ અપાવ્યું છે.

dhruvi

ધ્રુવી લાખાણી, મલાડ

ગમતી બાબત : મને તો ઇન્ડિયાની બધી જ વાતો ગમે છે. આ મારી જન્મભૂમિ છે અને આ જ મારી કર્મભૂમિ છે. ભારત મારો દેશ છે અને એમાં ન ગમવા જેવું કંઈ છે જ નહીં. ઘર, પરિવાર, ફ્રેન્ડ્સ, એજ્યુકેશન બધું જ મને અહીં મળ્યું છે. મારે તો ક્યારેય ઇન્ડિયા છોડીને જવું નથી.

ન ગમતી બાબત : ગંદકીથી મને સખત નફરત છે. હું એનો વિરોધ કરું છું. રસ્તામાં ચાલતા કોઈ કચરો ફેંકે તો રીતસર મારો તેની સાથે ઝઘડો થઈ જાય છે. તેની પાસે કચરો ઉપડાવીને ડસ્ટબિનમાં ફેંકાવું અને ન માને તો જાતે ઉપાડીને ફેંકી આવું, પણ રસ્તામાં રહેવા તો ન જ દઉં.

મારા આદર્શ : મારા આદર્શ છે નરેન્દ્ર મોદી, કારણ કે માદીજીએ આપણા દેશમાં એવા ચેન્જિસ લાવી બતાવ્યા છે જેને આપણે પહેલાં માત્ર સાંભળતા હતા. તેમણે એ પ્રૅક્ટિકલી કરીને બતાવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અને ટ્રિપલ તલાક એનાં ઉત્તમ ઉદાહરણ છે.

પાર્થ ગાંધી, કાંદિવલી

ગમતી બાબત : આપણા દેશમાં સામાન્ય પ્રજા વચ્ચે યુનિટી છે. તહેવાર કોઈ પણ હોય, ઊજવવાનો તો મળીને જ.

પ્રાંત-પ્રાંતના અને ભાત-ભાતના લોકો એકજુટ થઈને રહે છે એ મને ગમે છે. હવે તો દેશમાં પૉલિટિકલ ચેન્જ આવ્યા છે અને કાયદાઓ કડક થયા છે. ટ્રાફિક-રૂલ્સથી લઈને તમામ કાયદાઓને લોકો અનુસરે છે એ જોઈને લાગે છે કે આપણે આગળ વધી રહ્યા છીએ.

ન ગમતી બાબત : આપણા દેશમાં આમ જોવા જઈએ તો કરપ્શન સિવાય ન ગમવા જેવું કંઈ નથી. મેં પહેલાં કહ્યું એમ દેશની રાજનીતિમાં બદલાવ આવતાં લોકોની વિચારધારામાં પણ બદલાવ આવ્યો છે. એકમાત્ર કરપ્શનને ખતમ કરવાની જરૂર છે.

મારા આદર્શ : હું માનું છું કે કોઈ એક વ્યક્તિને આદર્શ ન ગણી શકાય. દરેક વ્યક્તિમાંથી કંઈ સારું શીખવું જોઈએ. સામાન્ય વ્યક્તિ પણ આપણી પ્રેરણા બની શકે છે. મારા પપ્પા મારી પ્રેરણા છે. એ ઉપરાંત સચિન તેન્ડુલકર પાસેથી શીખવું જોઈએ. તેણે અનેક વાર ઇન્જરી સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ દેખાડ્યો છે અને ભારતને જિતાડ્યું છે.

આશિષ વાઘેલા, બોરીવલી


ગમતી બાબત : આપણા દેશમાં અનેક જાતિના લોકો હળીમળીને રહે છે. ડાઇવર્સિટીની બાબતમાં ભારતની તુલના બીજા કોઈ દેશ સાથે થઈ જ ન શકે. વિવિધતામાં એકતા એ આપણા દેશની ખાસિયત છે.

ન ગમતી બાબત : જેન્ડર ઇનિક્વૉલિટી મને જરાય ગમતી નથી. આજે પણ આપણે ત્યાં બૉય્ઝ અને ગર્લ્સમાં ભેદભાવ રાખવામાં આવે છે એ નિરાશાજનક બાબત છે.

મારા આદર્શ : સુંદર પિચાઈનું કરીઅર પ્રોફાઇલ મને આકર્ષે છે. જે રીતે તેમણે સ્ટ્રગલ કરીને ગૂગલ સુધીની સફર ખેડી છે એ કાબિલે દાદ છે. એનાથી મારા જેવા IT સ્ટુડન્ટ્સને આગળ વધવાની પ્રેરણા મળે છે. તક મળશે તો હું પણ વિદેશમાં સેટલ થવા માગું છું.

પરમ ચિતલિયા, વસઈ

ગમતી બાબત : ફેસ્ટિવલની મજા તો માત્ર ઇન્ડિયામાં જ આવે. ગણપતિ હોય કે નવરાત્રિ કે પછી દિવાળી; તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, તહેવારોમાં ઘર યાદ આવ્યા વગર ન રહે. હવે તો વિદેશીઓ પણ આપણા તહેવારોથી આકર્ષિત થયા છે અને ખાસ કરીને તહેવારોમાં ભારતની મુલાકાત લેવાનું પસંદ કરે છે.

ન ગમતી બાબત : આપણો દેશ ભ્રષ્ટાચારથી ખદબદે છે એના કારણે અહીં રહેવું ગમતું નથી. કોઈ પણ કામ ટેબલ નીચેથી પૈસા આપ્યા વગર પાર પડતું નથી. આ બાબતની મને સખત ચીડ છે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ આજના યુવાનો વિદેશ જવા લાગ્યા છે. હું પણ આગામી પાંચ વર્ષમાં વિદેશ સેટલ થવાની તૈયારી કરી રહ્યો છું.

મારા આદર્શ : યુવરાજ સિંહ ઇઝ માય હીરો. કૅન્સર જેવી જીવલેણ બીમારી સામે તેણે જે રીતે ફાઇટ કરી છે એ પ્રેરક છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પણ યુવીએ જે રીતે વર્લ્ડકપની મૅચ રમી હતી એ રિયલ સ્પોટ્ર્સમૅન સ્પિરિટ દર્શાવે છે.

મૈત્રી ઠક્કર, કાંદિવલી

ગમતી બાબત : આજનું યુથ ઓપન-માઇન્ડેડ છે એ મને ગમે છે. આપણે કોઈ પણ જ્ઞાતિ, ભાષા કે રંગના લોકો સાથે સહેલાઈથી મિત્રતા બાંધી શકીએ છીએ. વિદેશમાં જોવા મળતી રંગભેદની નીતિ ભારતમાં નથી જોવા મળતી.

ન ગમતી બાબત : ભારતીયો બહુ જ અંધશ્રદ્ધાળુ છે. સુપરસ્ટિશનથી ચીડ છે. લોકો કેમ આંખ બંધ કરીને જૂની માન્યતાને વળગી રહે છે એ સમજાતું નથી. અંધશ્રદ્ધાને ધરમૂળથી નાબૂદ કરવાની તાકીદે જરૂર છે.

મારા આદર્શ : સલમાન ખાન જે રીતે પોતાની કમાણીમાંથી મોટી રકમ ચૅરિટી પાછળ વાપરે છે એ સરાહનીય છે. આપણે બધાએ ચૅરિટી માટે એમાંથી પ્રેરણા લેવી જોઈએ એવું મારું માનવું છે. મદદ માટે હાશ લંબાવીશું તો કોઈ પાછળ નહીં રહી જાય.

કિંજલ પરમાર, બોરીવલી

ગમતી બાબત : મને ગમે છે ઇન્ડિયન સ્પાઇસી ફૂડ. વિવિધ પ્રાંતમાં પિરસાતી થાળીઓ જબરદસ્ત હોય છે. ભારતીય વાનગીઓમાં સ્વાદ અને સુગંધનો સમન્વય જોવા મળે છે. આપણા દેશની રસોઈ જેવું વેરિએશન બીજે ક્યાંય ન મળે. આપણા ગુજરાતીઓ માટે ખાસ કહેવાય છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈએ, સૌથી પહેલા જમવાનું શું મળે છે એની ઇન્ક્વાયરી કરીએ.

ન ગમતી બાબત : મને બુઢ્ઢા થઈ ગયેલા તોય ખુરશી ન છોડનારા રાજકારણીઓ દીઠા નથી ગમતા. પૉલિટિક્સમાં યુવા નેતાઓની હાજરીના અભાવે દેશની પ્રગતિ રુંધાય છે. કૅનેડા જેવા દેશમાં યુવા નેતાના હાથમાં સત્તાની ડોર છે. તેમણે જે રીતે કૅનેડાને સંભાળ્યું છે એમાંથી આપણે શીખવું જોઈએ.

મારા આદર્શ : મારી મમ્મી જ મારી પ્રેરણા છે. મમ્મીની ક્મ્પૅરિઝન ન થઈ શકે. હું સાનિયા મિર્ઝાને સૅલ્યુટ કરું છું, કારણ કે લાખો લોકોના વિરોધને અવગણી તેણે પોતાના દિલની વાત સાંભળી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાની ડેરિંગ કરી. લગ્ન બાદ ભારત તરફથી ટેનિસ રમીને તેણે પોતાની દેશભક્તિ પણ સાબિત કરી છે અને બધાની બોલતી બંધ કરી દીધી છે.

રાજ ભાલાણી, મલાડ

ગમતી બાબત : ભારત પ્રાકૃતિક સૌંદર્યથી સુશોભિત દેશ છે. મને અહીંનાં હિલ-સ્ટેશન બહુ ગમે છે. લેહ, લદ્દાખ અને નૉર્થ ઇન્ડિયાનાં અન્ય હિલ-સ્ટેશનોમાં ટ્રેકિંગ જેવી ઍક્ટિવિટી માટે વિદેશી પર્યટકો પણ ખૂબ આવે છે. અહીં અતિશય ઠંડીમાં આપણા સૈનિકો જે રીતે દેશની રક્ષા કરે છે એ જોઈને ગદ્ગદ થઈ જવાય છે.

ન ગમતી બાબત : ભારતનાં ટૂરિસ્ટ સ્પૉટ આપણી આર્થિક સધ્ધરતાનું કારણ છે તેમ છતાં અહીં બહુ જ ગંદકી હોય છે. લોકો ગમે ત્યાં કચરો ફેંકે છે એ જરાય ગમતું નથી. જો આપણે આમ ગંદકી કરીશું તો ટૂરિસ્ટોની સંખ્યા ઘટતી જશે અને આપણી આર્થિક પ્રગતિમાં અવરોધ ઊભો થશે.

મારા આદર્શ : હું મહાત્મા ગાંધીજી અને નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રભાવિત છું. સાદગી અને સત્યને વળગી રહેનારા આ બન્ને મહાનુભાવોએ દેશ માટે શ્રેષ્ઠ કાર્યો કયાંર્ છે. મોદીજી માત્ર બોલતા નથી, કરી બતાવે છે. મેટ્રો ટ્રેન અને તાજેતરમાં મુંબઈમાં શરૂ થયેલી AC લોકલ એનાં જીવંત ઉદાહરણ છે.

વત્સલ જોશી, દહિસર

ગમતી બાબત : આજે આપણો દેશ એ મુકામે પહોંચી ગયો છે કે વિશ્વમાં ક્યાંય પણ જાઓ, તમને લોકો માનની નજરે જુએ છે. આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ છે એનું ગૌરવ લેવું જોઈએ. ભારતના યુવાનો સામે ઘણી તકો છે એ બાબત મને ગમે છે.

ન ગમતી બાબત : આપણા દેશમાં કાયદાઓ ભંગ કરવા સહેલા છે. પૈસા આપીને મોટામાં મોટા ગુનેગાર પણ છૂટી જાય છે. શ્રીમંત અને ગરીબ વચ્ચેના આ ભેદભાવના કારણે ઝૂંપડપટ્ટીઓની સંખ્યા વધતી જાય છે. લોકો ગમે ત્યાં ઝૂંપડાં બાંધીને રહેવા લાગે છે અને ગંદકી ફેલાવે છે એ નથી ગમતું.

મારા આદર્શ : મિસાઇલ મૅન તરીકે ઓળખાતા અબ્દુલ કલામને હું મારા આદર્શ ગણું છું. તેમણે ભારતને વિશ્વના વિકસિત દેશની હરોળમાં લાવવા અગણ્ય પ્રયાસો કર્યા છે. ટેક્નૉલૉજી, સૅટેલાઇટ, પોખરણ ટેસ્ટ અને મિસાઇલ બનાવી તેમણે ભારતના હાથ મજબૂત કર્યા છે. તેમનાં રિસર્ચ અને વિચારો યુવાનોને પ્રેરણા આપતા રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK