છેલ્લાં ૧૦ વર્ષથી નિ:શુલ્ક યોગ શીખવી રહ્યાં છે બોરીવલીનાં આ મહિલા

લોકોની સેવા માટે અરુણા પટેલે યોગની પદ્ધતિસરની તાલીમ લીધી એટલું જ નહીં, આયુર્વેદ અને યોગના ગ્રંથો સંસ્કૃતમાં હોવાથી એ ભાષા પણ શીખ્યાં. યોગનું જ્ઞાન  મેળવવાનું તેમનું આ અભિયાન અવિરત ચાલુ છે

yoga1

ધ ગ્રેટ નારી - પલ્લવી આચાર્ય

બોરીવલી (ઈસ્ટ)માં રહેતાં એક સામાન્ય ગૃહિણી યોગ માટે જે મિશન પર છે એ જો યોગગુરુ રામદેવ બાબા જાણે તો કદાચ તેમની ખુશીનો પાર ન રહે. વાત એમ છે કે યોગને ઊંડાણથી જાણવા, એને આત્મસાત કરવા અને એનું જ્ઞાન બીજાઓને પણ આપવા માટે અરુણા પટેલ મથી રહ્યાં છે. યોગ એક વિજ્ઞાન છે અને એની પદ્ધતિસરની તાલીમ લોકોને આપી શકાય એ માટે જ તેમણે યોગના સર્ટિફિકેટ કોર્સ પણ કર્યા છે. દોલતનગરની પાટીદારવાડીમાં રોજ સવારે છથી ૭ દરમ્યાન તેઓ યોગના ક્લાસ તદ્દન નિ:શુલ્ક ચલાવે છે. આ ક્લાસ ૯ વર્ષથી ચાલે છે, પણ ફ્રીમાં યોગ શીખવવાનું તેમનું કામ તો લગભગ ૧૧ વર્ષથી ચાલી રહ્યું છે. આ પહેલાં બે વર્ષ તે અંબિકા કુટિર નામની યોગ શીખવતી સંસ્થામાં યોગ શીખવતાં હતાં. તેમના ક્લાસમાં લગભગ વીસથી ૨૫ લોકો આવે છે. ફ્રી હોવાથી આ સંખ્યા વધઘટ થતી જાય છે. 

 અરુણા સામાન્ય યોગ ઉપરાંત કોઈને બીમારી હોય તો એ માટે પાવર યોગ, ઍરોબિક્સ યોગ, કુંડલિની એટલે કે હઠયોગ અને પતંજલિ યોગ પણ કરાવે  છે. બીમારીઓ ક્યૉર કરવા માટે તેમણે યોગ સાથે આયુર્વેદની તાલીમ પણ  લીધી છે. થાણેમાં મુખ્ય અને આખા મુંબઈમાં જેની શાખાઓ છે એ અંબિકા યોગ કુટિરની સૌપ્રથમ તાલીમ તેમણે લીધી. ચાર મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો. એ પછી વધુ તાલીમ માટે તે સાંતાક્રુઝ (ઈસ્ટ)માં આવેલા યોગ ઇન્સ્ટિટ્યૂટમાં ૧ વર્ષ યોગ શીખ્યાં. અહીં ૧ વર્ષમાં એક પણ રજા ન લઈ શકાય. શરીરવિજ્ઞાન સાથે યોગ તે અહીં શીખ્યાં. પબ્લિક સ્પીકિંગથી લઈને યોગ-રિલેટેડ નાટક, સાંખ્યદર્શન, યોગદર્શનની થિયરી-પ્રૅક્ટિકલ વગેરે શીખ્યાં. બીમારી વિશે અહીં ડૉક્ટરો  સમજ આપે અને એ ક્યૉર કરવા કયો યોગ કરવો એ પણ શીખવાડ્યું એટલું જ નહીં; ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, આથþાર્ઇટિસ, પ્રેગ્નન્સીમાં અને બાળકોએ કેવા યોગ કરવા એ બધું જ શીખ્યાં. કૅમ્પ દ્વારા પ્રૅક્ટિકલ પણ શીખ્યાં. આ થઈ ગયું પછી તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી યોગમાં ૧ વર્ષનો  ડિપ્લોમા કોર્સ કર્યો. એ પછી ૧ વર્ષનો ઍડ્વાન્સ ડિપ્લોમા કોર્સ કર્યો. હવે યોગની ઑનલાઇન એક્ઝામ આપી રહ્યાં છે. એ પાસ કરશે તો યોગશિક્ષકના લિસ્ટમાં તેઓ ઇન્ટરનૅશનલી એન્ટર થશે.

આ ઉપરાંત વેદિક મિશન (બોરીવલી)માં બે વર્ષ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. એ પછી ભારતીય વિદ્યા ભવન (ચોપાટી)માં બે વર્ષ સંસ્કૃત શીખીને પાંચ પરીક્ષા પાસ કરી. યોગની જ્યાં પણ શિબિરો હોય તેઓ અટેન્ડ કરે છે. ન્યાય અને સાંખ્ય તથા યોગદર્શનના વિદ્વાનો પાસે જઈને જ્ઞાન મેળવે. આ વિષયમાં ડૉક્ટરેટ કરેલા વિદ્વાનો પાસે જઈને જ્ઞાન મેળવે. આ વર્ષે સાંતાક્રુઝમાં ભારતભરના આયુર્વેદિક ડૉક્ટરોનો સેમિનાર હતો ત્યાં પણ તે ગયેલાં. અરુણા પટેલનું કહેવું છે કે બીમારીને ક્યૉર કરવા માટે યોગ સાથે આયુર્વેદનું જ્ઞાન પણ જોઈએ જ.

કચ્છમાં દસમું ધોરણ પાસ કરીને લગ્ન પછી મુંબઈ આવેલાં ૪૭ વર્ષનાં અરુણા પટેલ આ મિશનમાં કેવી રીતે જોડાયાં એ વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક વાર તેમને સાઇટિકાનો દુખાવો થતાં તે ડૉક્ટર પાસે દવા લેવા ગયાં. તેઓ જે ડૉક્ટર પાસે ગયાં એ ડૉક્ટરને પણ સાઇટિકાનો દુખાવો હતો. આ સાંભળી તેમને થયું જે પોતાને ક્યૉર નથી કરી શકતા તે મને શું ક્યૉર કરી શકશે. આમ તેઓ તેમના વિસ્તારમાં મહિલામંડળ દ્વારા ચાલતા યોગ-ક્લાસમાં જવા લાગ્યાં અને દુખાવામાં ફરક લાગવા લાગ્યો. બસ, એ દિવસથી તેમને યોગમાં રસ પડવા લાગ્યો અને એમાં ઊંડાં ઊતરતાં ગયાં. ભણવાનું છોડ્યે વીસ વર્ષ થઈ ગયાં હોવા છતાં યોગ અને સંસ્કૃત ભણવાનું ચાલુ કર્યું. યોગ અને આયુર્વેદના ગ્રંથો સંસ્કૃતમાં હોવાથી સંસ્કૃત જાણવું જરૂરી છે. બાળકો નાનાં હતાં ત્યારે તેમને સાથે લઈને દહિસરથી કાલિના ભણવા માટે તે જતાં હતાં.

yoga

અરુણા સસરા, પતિ પરેશ પટેલ અને બે બાળકો સાથે રહે છે. સંતાનો હવે કૉલેજમાં ભણે છે. અરુણાએ તેમને પણ આયુર્વેદ અને યોગનું જ્ઞાન આપ્યું છે. તેમના સસરા નાનજીભાઈ ૮૭ વર્ષના છે, પરંતુ એકલા મેલ ટ્રેનમાં ટ્રાવેલ પણ કરી શકે છે. તેમને બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ જેવી પણ કોઈ બીમારી નથી. અરુણાનું કહેવું છે કે યોગ, યોગ્ય ખાનપાન  અને યજ્ઞના કારણે તેમના ઘરમાં આજ સુધી કોઈએ ડૉક્ટર પાસે જવાની કે દવાની કોઈ ગોળી લેવાની પણ જરૂર નથી પડી. તેમના ઘરમાં માટીના વાસણમાં ખાવાનું બને છે, વીસ વર્ષથી રોજ સવારે યજ્ઞ થાય છે અને રોજ બધા યોગ કરે છે. 

રેગ્યુલર યોગ કરવાથી બીમારીમાં ફરક ચોક્કસ દેખાય છે, પણ ફ્રીમાં મળતી ચીજની લોકોને કિંમત નથી હોતી એમ જણાવતાં અરુણા કહે છે, ‘સવારના ક્લાસ લેવા ઉપરાંત સવારે ક્લાસમાં ન આવી શકતું હોય તેના ઘરે જઈને હું યોગ શીખવું છું અને બપોરે ૧૧થી ૧૨ની વચ્ચે મારા ઘરે પણ યોગ શીખવું છું. હું આમ ફ્રીમાં યોગ શીખવું છું તેથી કેટલાક લોકો એને ગંભીરતાથી નહોતા લેતા એટલું જ નહીં, મને લાગવા લાગ્યું કે લોકોને મારા નૉલેજની કોઈ જાણે કિંમત જ નથી. હું તેમના સમયે તેમને યોગ શીખવવા જતી, પણ એવું લાગતું કે તેમને આ બાબતની કંઈ પડી જ નથી. તેથી ગયા વર્ષથી હું ઘરે શીખવા આવનારાઓ કે હું કોઈના ઘરે જઈને યોગ કરાવું તો તેમની પાસેથી વર્ષે નૉમિનલ ચાર્જ  માત્ર ૫૦૦ રૂપિયા લઉં છું.’

આ પૈસા અરુણા પોતાના માટે કદી નથી વાપરતાં. જે કોઈ પૈસા મળે એને તે યોગ સંસ્થા, ગુરુકુળ, વૈદિક સંસ્થા અથવા ગૌશાળા વગેરે કોઈ પણ સ્થળે દાનમાં આપી દે છે. યોગ દ્વારા તેઓ સાચા અર્થમાં સેવા કરી રહ્યાં છે. આજકાલ લોકો યોગને કમાણીનું સાધન બનાવે છે, પણ તેમને તો યોગનું મહત્વ જ લોકોને સમજાવવું છે.

- તસવીરો : સમીર માર્કન્ડે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK