બચ્ચે કી જાન લોગે ક્યા

એમાં ટેક્નૉલૉજીના આડેધડ ઉપયોગે કેરોસીન પૂરવાનું કામ કર્યું છે. બસ, હવે બહુ થયું એવું લાગતું હોય તો આજે બાળદિવસે બાળકોના બાળપણને બચાવી લેવાના શપથ લઈએ તો?

child

ચિલ્ડ્રન્સ ડે સ્પેશ્યલ - રુચિતા શાહ

આજે બાળક બનવું સહેલું નથી એ વાત પર લગભગ તમામ બાળનિષ્ણાતો સહમત થશે. બાળકો સમક્ષ પેરન્ટ્સની અપેક્ષા અને સ્કૂલના દબાણને કારણે ઘણા પડકારો ઊભા થયા છે. સેફ્ટી અને સિક્યૉરિટીને કારણે બાળકોની આઉટડોર ઍક્ટિવિટી ઓછી થઈ છે તો ટેક્નૉલૉજીના બેફામ વપરાશે બાળકોને ડિસ્ટ્રક્શનની દિશામાં વાળ્યાં છે. નિદોર્ષતા સાથે પોતાની મસ્તીમાં મસ્ત રહીને બેફિકર રહેવાને બદલે બાળકો આજે પોતાની ઉંમર કરતાં વહેલાં મોટાં થઈ રહ્યાં છે. બાળકોની તો નહીં પણ બાળકોના બાળપણનો જીવ તો આપણી અમાપ અપેક્ષાઓએ અને અણઘડ શિક્ષણપ્રણાલીએ લઈ લીધો છે. હવે અટકીએ, બહુ થયું. બાળકોના બાળપણનો જીવ લેવાનો આપણને હકીકતમાં કોઈ અધિકાર નથી. કઈ રીતે બચાવીશું એ બાળપણને એ માટે પેરન્ટ્સે અનિવાર્યપણે કરવાયોગ્ય અને સદંતર ન કરવાયોગ્ય આચારસંહિતા પર એક નજર ફેરવીએ. સાથે જ અગ્રણી નિષ્ણાતો પાસેથી પણ એ દિશામાં થોડું વિશ્લેષણ મેળવીએ.

બાળકોના પહેલાં રોલ-મૉડલ પેરન્ટ્સ છે અને પેરન્ટ્સ પોતે જ એટલા વ્યસ્ત છે કે બાળકો માટે સમય નથી. જેમની પાસે સમય છે એ પેરન્ટ્સ પણ રેસના ઘોડાની જેમ બાળકોને દોડાવવાની નીતિ પર છે. બાળકની મર્યાદાઓ પેરન્ટ્સ સમજી જાય એ આજના સમયમાં મને સૌથી વધુ જરૂરી લાગે છે. નાનાં બાળકો સાથે ટ્રેડિશનલ ગેમ્સ હવે દૂર થઈ ગઈ છે જેમાં ગુદગુદી કરીને કે હાથથી મોઢું ઢાંકીને મમ્મી પોતાના બાળકને હસાવતી એ હવે ક્યાં થાય છે? તેઓ ભૂલી ગઈ છે કે આવી સાથે હસવાની ક્ષણો બાળક અને પેરન્ટ્સ વચ્ચે હૅપી રિલેશનશિપ બાંધવાનું કામ કરતી હતી.

- ઑઇન્દ્રિલા પુરોહિત, ગ્રૂમિંગ બેબીઝનાં સ્થાપક

પેરન્ટ્સના સોશ્યલ મીડિયાના અતિઉપયોગે બાળકોને એ દિશામાં વાળી દીધાં છે એમાં પણ અઢળક પર્યાયોએ બાળકોને પાર વગરનું ડિસ્ટ્રક્શન આપ્યું છે. આજના બાળપણ સામે ઊભો થયેલો સૌથી ગંભીર પ્રfન મારી દૃષ્ટિએ કોઈ હોય તો એ ડિસ્ટ્રક્શનનો જ છે. એને પેરન્ટ્સ બાળકો સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરીને અથવા બાળકને બીજી દિશામાં વાળીને જ દૂર કરી શકે છે. એક સાત વર્ષનો બાળક મારી પાસે આવેલો. મોબાઇલનું ગજબ ઍડિક્શન. મોબાઇલ લઈ લો તો તે રડ્યા કરે. કાઉન્સેલિંગ પછી તેમના ઘરે એક પેટ ઍનિમલ લેવામાં આવ્યું. ઘરમાં ડૉગ આવ્યા પછી એ બાળકનું સંપૂર્ણ ધ્યાન હવે ડૉગ પર છે. તેણે મોબાઇલ મૂકી દીધો છે. એ ડૉગી સાથે રમીને, તેનું ધ્યાન રાખીને બાળક ખૂબ જ એન્જૉય કરે છે. આજે ન્યુક્લિયર ફૅમિલીમાં આવી બાબતોથી પણ રસ્તો નીકળી શકે એમ છે.

- ડૉ. અંજના થડાણી, ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશ્યન

મારી દૃષ્ટિએ આજે પેરન્ટ્સ લાચાર છે. તેમને સ્કૂલની દુનિયાભરની ડિમાન્ડ અને પ્રૅક્ટિકલ ન કહેવાય એવા નિયમોનું પાલન કરતા જવાનું છે અને સતત એ ધ્યાન રાખવાનું છે બાળક પાછળ ન રહી જાય. પેરન્ટ્સ માટે આ સૌથી પડકારજનક સમય છે. પૈસા બનાવવાનું મશીન બનેલાં સ્કૂલ-મૅનેજમેન્ટ માટે પોતાનું સ્ટેટસ અને સ્કોર જાળવવા માટે બાળકો પર અને પેરન્ટ્સ પર ભરપૂર દબાણ કરી રહ્યાં છે. અત્યારે બાળકોનું બાળપણ બચાવવું હોય તો સૌથી પહેલો બદલાવ આપણી શિક્ષણપ્રણાલીમાં લાવવો પડશે. જડમૂળથી શિક્ષણવ્યવસ્થા બદલાશે તો જ બાળકોને સમય મળશે અને સમય મળશે તો જ તો તેઓ પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકશેને?

- ડૉ. સંતોષ કોંડેકર, બાળનિષ્ણાત

આટલું તમે ક્યારેય ન કરો


૧. જેનો જવાબ માત્ર હા કે નામાં જ આવે એવા સવાલ-જવાબ કરીને બાળકો સાથે વાતચીત ન કરો. જમ્યો, રમી આવ્યો, હોમવર્ક થઈ ગયું જેવા દસ સવાલ દિવસમાં પૂછીને તમે એવું માનતા હો કે તમારા અને બાળક વચ્ચે વાતચીત થાય છે તો એ તમારી ભૂલ છે.

૨. ફ્રેન્ડના, રિલેટિવ્સના કે આડોશી-પાડોશીના છોકરાઓ કેટલા આગળ વધ્યા અને તેમણે કેટલો પ્રોગ્રેસ કર્યો એની તુલનાઓ કરીને તમે તમારા બાળકના મગજનું દહીં ન કરો.

૩. તમારા બાળકને સુપરમૅન માનીને તમારા મનની બધી જ અપેક્ષાઓ પૂરી કરવાનો બોજ તેના પર ન નાખો.

૪. બાળક સામે કપલ તરીકે ઝઘડશો નહીં અને ડોમેસ્ટિક વાયલન્સ પણ આપસી ઝઘડાને કારણે બાળક સામે બને એવી પરિસ્થિતિ ન આવવા દો.

૫. મારીને, અપશબ્દ બોલીને કે શારીરિક તકલીફ પડે એવી પનિશમેન્ટ આપીને બાળકને સીધો દોર કરવાની માનસિકતા ન રાખો.

૬. ગમે એટલું મગજનું દહીં કરે તો પણ બાળકને ‘તું તો અકલમઠ્ઠો છે’ કે ‘તારી સામે ભેંસ આગળ ભાગવત કરી’ અથવા ‘તને ક્યારે અક્કલ આવશે’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને બાળકને કોઈ હડધૂત કરતું લેબલ ન લગાડો.

૭. તું હંમેશાં ફર્સ્ટ આવે તો જ મને ગમે અથવા તો બધી જગ્યાએ જીતવું જરૂરી છે જેવી અપેક્ષાઓનો ઓવરલોડ બાળક પર ન થોપો.

૮. બાળકની સ્કૂલ દ્વારા કહેવામાં આવતી દરેક બાબત માટે બાળકે બદલાવું જ પડશે અને એ માટે તમે આકાશ-પાતાળ એક કરી મૂકશો એવો તમારો કદાગ્રહ અથવા દુરાગ્રહ ન રાખો.

૯. તમારા તૂટી રહેલા સંબંધોનો ભાર બાળકના માથા પર આવે એ રીતે તમારા પાર્ટનર વિશે ખરાબ ભાષાનો ઉપયોગ તમે ન કરો.

૧૦. તમારી પુષ્કળ મહેનત પછી પણ બાળકો સારું પર્ફોર્મ ન કરી શકે કે ડરને કારણે પાછો પડી જાય તો બાળકને એના માટે બ્લેમ કરીને તેના સેલ્ફ-એસ્ટીમને વધુ ડૅમેજ ન કરો. 

આટલું અવશ્ય કરશો

૧. બાળકો ખૂબ સારા નિરીક્ષક હોય છે અને તમારી વાણીની સાથે વ્યવહારમાંથી પણ ઘણું શીખતાં હોય છે. એટલે બાળકને તમે જે કહેતા હો એ તમે પોતે પણ કરતા હો એના પર તમે ધ્યાન આપશો

૨. બાળકોની કલ્પનાશક્તિ વિકસે એ પ્રકારની ઍક્ટિવિટીમાં તમે સમય ફાળવશો. જેમ કે વાર્તાનું પુસ્તક હાથમાં પકડાવી દેવાને બદલે તમે પણ રાતના સમયે ક્યારેક બાળકોને વાર્તા કહેશો અને વાર્તામાં આવતા તમામ ઉતાર-ચડાવોની તે કલ્પના કરી શકે એવો માહોલ ઊભો કરશો

૩. બાળકો તમારી સાથે ખુલ્લા મને વાત કરી શકે એટલી મોકળાશ તમે તેને આપશો અને એવી વાતચીત પણ શરૂ કરશો. હા અથવા ના ઉપરાંતની વાતો તમારી વચ્ચે થાય એ રીતે બાળકો સાથે સંવાદ સાધવાના પ્રયત્ન કરશો.

૪. બાળકના આઇડિયાઝ, બાળકના દષ્ટિકોણ અને બાળકની ઇચ્છાને પણ તમે પૂરતું પ્રાધાન્ય આપશો અને તેને પોતાની રીતે વધુ વિચારવા માટે પ્રોત્સાહિત પણ કરશો.

૫. તમારું બાળક તમારા માટે કેટલું મહત્વનું છે અને તમે તેને કેટલો પ્રેમ કરો છો એનો અહેસાસ તેને આપતા રહેશો અને સાથે જ જીવનમાં શિસ્ત અને આદર્શો પણ કેટલાં જરૂરી છે એનો દાખલો પણ તમારા જીવનથી તેની સામે પ્રસ્તુત કરશો.

૬. બાળક સાથે હોય ત્યારે વધુમાં વધુ સમય તેની સાથે વાત કરવામાં અને મોબાઇલ, ઇન્ટરનેટના ઉપયોગ વિનાનો પસાર કરશો.

૭. સાઇક્લિંગ, ક્રિકેટ, સાપસીડી કે એના જેવી કોઈ પણ રમતો તમે નિયમિતરૂપે તમારા બાળક સાથે રમશો. અઠવાડિયામાં એક દિવસ બાળક એન્જૉય કરી શકે એવી આઉટડોર ઍક્ટિવિટીમાં તમે પસાર કરશો.

૮. ભણવામાં બાળક સ્ટ્રેસ અનુભવતો હોય અથવા તેના પર પ્રેશર હોય એ સમયે તેના પ્રેશરને લાઇટ કરવા માટે તેની સાથે થોડીક હળવી ક્ષણો પણ તમે પસાર કરશો.

૯. બાળકની ઉપ્લબ્ધિ પર તેની પ્રશંસા કરીને તેને પ્રોત્સાહિત પણ કરશો તો સાથે જ બાળકની ભૂલ પર તેને ખૂબ જ સ્ટેબિલિટી સાથે તેને ઠપકો પણ આપશો અને તમારો અણગમો પણ જાહેર કરશો.

૧૦. સ્કૂલની ગેરવાજબી ડિમાન્ડ સામે ઝૂક્યા વિના બાળકના હિતમાં જે હોય એ બાબત પર તમે વધુ ધ્યાન કેન્દ્રિત કરશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK