જબ મૈં છોટા બચ્ચા થા

જાણીતી વ્યક્તિઓ ચિલ્ડ્રન્સ ડેના દિવસે યાદ કરે છે પોતાના શૈશવનાં સ્મરણોરશ્મિન શાહ

bhikhudan

સારું ગાતો એટલે ચડાવ પાસ થાતો : ભીખુદાન ગઢવી

કેશોદ પાસે આવેલું માણેકવાડ નામનું ગામ ને એ ગામમાં મારો જનમ. નાનપણમાં હું બહુ શાંત હતો. લોકો એવું કહેતા હોય છે કે જે છોકરાઓ વધારે તોફાન કરે તે તેજસ્વી હોય, હોશિયાર હોય; પણ મારામાં આ વાત લાગુ નથી પડતી અને કાં તો હું હોશિયાર નથી એ આ વાતથી સાબિત થાય છે. ૧૯૪૮ની ૧૯ ઑક્ટોબરના દિવસે મારો જન્મ. જન્મનાં દસેક વર્ષ પછી માતા હીરબાઈનો દેહાંત થયો અને એ પછી મારો મોટા ભાગનો સ્નેહસેતુ મારા પિતા ગોવિંદભાઈ સાથે જ રહ્યો. મારા પિતા જૂનાગઢ રાજ્યના પોલીસ-પટેલ. પોલીસ-ખાતામાં, પણ સ્વભાવના પોલીસ જેવા નહીં.

સારી-સારી વાતો સમજાવે અને શિખામણો પણ પુષ્કળ આપે. નાનો હતો ત્યારથી હું ભણવામાં ઢબ્બુનો ઢ, પણ ગાવામાં એક્કો. ગાવું ગમે પણ બહુ. જ્યાં ગાવાની તક મળી જાય ત્યાં હું ગાવા બેસી જાઉં.

એ સમયે નિશાળમાં દર શનિવારે બાલસભા થાય. એમાં બાળકો પોતપોતાને જે ગમે એવી કલા પીરસે અને બધા એ જુએ. શનિવારની બાલસભામાં મારે ગાવાનું હોય એ નક્કી જ હોય. મને દસ-વીસ મિનિટ મળે અને એ દસ-વીસ મિનિટમાં હું દુહા ને છંદ ને એવુંબધું લલકારું. મને સાંભળવા તો ખાસ પ્રિન્સિપાલ પણ તેમની ઑફિસમાંથી આવી જાય અને આપણને તો એ જોઈને પોરસ ચડે. બસ, આટલું જ. ગાવા વિશે એ સમયે તો વધારે આપણે કંઈ વિચાર્યું હોય નહીં. અમારી નિશાળમાં એક માસ્તર હતા. નટુભાઈ તેમનું નામ. નટુભાઈથી બધાય ખૂબ બીએ અને કોઈ તેમની અડફેટે ચડે નહીં. જો ચડે તો પછી તેણે માર જ ખાવો પડે. આ નટુભાઈને મારી સાથે સારું બને અને એનું કારણ પણ ખાલી મારા દુહા ને છંદ. તેમને મારી ગાયકી ગમતી એટલે તેઓ મને એક લાભ કરાવી દેતા. મને ચડાવ પાસ કરી દે અને આગળના વર્ગમાં ધક્કો મરાવી દે. આ વાતને હું મારા ડાયરાઓમાં પણ વારંવાર કહેતો આવ્યો છું કે જો એ સમયે નટુભાઈ ન હોત તો મને મારા ગળાની કિંમત સમજાઈ ન હોત. નટુભાઈ મને ચડાવ પાસ કરતા એટલે મને પણ સમજાતું કે ભલે આપણને ચોપડિયુંમાંથી કંઈ ન આવડે, પણ બીજું તો કાંઈક આપણી પાસે એવું છે જેનું મૂલ્ય ઓલી ચોપડિયું કરતાં વેંત ઊંચું છે.

આજના સમયમાં તો બાપા પોતાના છોકરાઓને બરાબરનો સમય આપે છે, તેમની સાથે વાતો કરવા બેસે અને રમે પણ ખરા; પરંતુ અમારા સમયમાં એવું નહોતું. એ સમયે તો બાપુજી સાથે વાત કરવા બેસવામાં પણ બીક લાગે. એમાંય મારા બાપુજી તો પાછા પોલીસ-પટેલ એટલે એની તો બીક, પણ બીજા બધા બાપુજી કરતાં જરાક વધારે લાગે. જોકે સાચું કહું તો મારા બાપુજી એવા હતા નહીં. તેઓ રામાયણ ઘરે તો વાંચે જ, પણ શોખ ખાતર બીજાને ત્યાં જઈને પણ વાંચે. મારા બાપુજીની એક વાત મને ક્યારેય ભુલાવાની નથી. તેઓ હંમેશાં કહેતા કે સારા માણસ સાથે રહેવું, સારા વિચારોવાળા માણસ સાથે રહેવું અને જો એવો માણસ ન મળે તો એકલા રહેવું.

હું આજે પણ આ જ નીતિને પાળું છું. સારા માણસ સાથે રહેવું અને નહીં તો એકલા રહેવું. તેમની આ સલાહે મને પુષ્કળ લાભ આપ્યો છે તો સાથોસાથ અનેક તકલીફોમાંથી ઉગાર્યો પણ છે.

vinod

રિઝલ્ટ આવે એના બે દિવસ પહેલાં જ મને મેથીપાક મળવા માંડે : વિનોદ ભટ્ટ

હું નાનો હતો ત્યારે અમારી આર્થિક હાલત ખૂબ ખરાબ. સુવિધાના નામે કંઈ મળે જ નહીં. ચાર રૂપિયામાં ઉતરાણ અને બે રૂપિયામાં દિવાળીનો મહિનો પસાર કર્યાના પણ દાખલા છે. અમારી દસ પેઢીમાં કોઈ લેખક બન્યું નહોતું એટલે સ્વાભાવિક રીતે મને પણ એવી કોઈ કલ્પના નહોતી કે હું લેખક બનવાની ભૂલ કરીશ. તમને મારા જ સ્કૂલકાળનો એક કિસ્સો કહું. સ્કૂલમાં મારે એક કવિતા ગોખવાની હતી. કવિતા લખી હતી ચંદ્રવદન મહેતાએ અને એના શબ્દો હતા : ઇલા સ્મરે છે અહીં એક વેળા.

કવિતા બરાબરની ગોખી નાખી અને ફાઇનલી કવિતા બોલવાનો સમય પણ આવી ગયો. મને માસ્તરસાહેબે કવિતા બોલવા માટે ઊભો કર્યો અને મેં પણ કવિતા બોલવાનું શરૂ કર્યું. પહેલી લાઇન, બીજી લાઇન અને ત્રીજી લાઇન. ત્રીજી લાઇન આવી ત્યાં હું થોથવાવો શરૂ થઈ ગયો, ડરથી કે પછી કૉમ્પ્લેક્સના કારણે. એ દિવસે જાહેરમાં માસ્તરસાહેબ ખીજવાયા પણ ખરા અને મને માર પણ પડ્યો. આ ઘટનાનાં ઘણાં વર્ષો પછી ચંદ્રવદન મહેતાના જ એક પુસ્તક ‘પ્રસન્ન ગઠરિયાં’નું મેં સંપાદન કર્યું અને એ પુસ્તક ખૂબ જ વખણાયું. ચંદ્રવદન મહેતાએ મને લેટર લખીને કહ્યું કે વિનોદ તેં મારી એકોતેર પેઢી તારી દીધી. એ લેટર વાંચતી વખતે મને પેલી કવિતા યાદ આવી ગઈ હતી અને કહેવાનું મન પણ થઈ આવ્યું હતું કે ‘બાપલા, હવે પછી કોઈ દિવસ કવિતા લખતા નહીં. તમારી કવિતાને લીધે અમારા જેવા બાળવિદ્યાર્થીના ઢીંઢા તૂટી જાય છે.’

મારો જન્મ ૧૯૩૮માં ૧૪ જાન્યુઆરીના દિવસે. જશવંતલાલ મારા પિતાનું નામ. લોકો તેમને ભવાનીશંકર પણ કહેતા. બાનું નામ જયાબહેન. કાયમ માટે ભણવામાં હું ચડાવ પાસ જ થયો છું અને જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી સૌકોઈના મનમાં આ જ વાત રહી કે હું કોઈ દિવસ એમ ને એમ તો પાસ થઈશ જ નહીં. રિઝલ્ટ આવવાનું હોય એ અગાઉના બે દિવસથી મને મારા બાપુજી મારવાનું શરૂ કરી દે. તેમને ખબર હોય જ કે મારું પરિણામ શું આવશે. પ્રામાણિક દીકરા તરીકે હું પણ તેમની ઇચ્છા પૂરી કરતો અને ચડાવ પાસ જ થતો. મારું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની ધ ન્યુ હાઈ સ્કૂલમાં થયું. મારા મામા નંદપ્રસાદ વ્યાસ આ જ સ્કૂલમાં શિક્ષક. મારા મામા બિચારા દર વખતે મને પાસ કરવાનાં અલગ-અલગ બહાનાં શોધ્યા કરે. ક્યારેક બહાનાં ન મળે તો મને પણ પૂછે. એક વખત તો મેં તેમને કહ્યું હતું કે કહી દોને કે મારા બાપુજી ગુજરી ગયા છે એટલે મને પાસ કરી દે. એ દિવસે તો મામાએ પણ મને બહુ માર્યો હતો, પણ એ માર પછીયે મારા પરિણામમાં ઉ.ચ. એટલે કે ઉપરના વર્ગમાં ચડાવ લખેલું આવી ગયું હતું.

મને જરાય સંકોચ નહીં થાય એ કબૂલવામાં કે મેં પપ્પાનો બહુ મારો ખાધો છે. જો એકે-એક થપ્પડે એક-એક રૂપિયો ઇનામનો નક્કી થયો હોત તો હું અત્યાર સુધીમાં અબજોપતિ બની ગયો હોત એ પણ એટલું જ સાચું છે. એ બધા માર પછી પણ આપણી બેફિકરાઈ જરા પણ ગઈ નથી, ત્યારે પણ નહીં અને આજે પણ નહીં. આજે ૮૦ વર્ષની ઉંમરે હજી પણ એવા જ બેફિકરા અંદાજ સાથે જ જીવું છું. દુનિયાની ઐસી કી તૈસી.

imtiaz

ખોટું બોલીને બધાને ઇમ્પ્રેસ કરતો : ઇમ્તિયાઝ અલી

મારો જન્મ જમશેદપુરમાં થયો છે. પપ્પાની ગવર્નમેન્ટ જૉબ એટલે તેમની ટ્રાન્સફર થતી અને ટ્રાન્સફરને લીધે અમારે પણ બીજા શહેરમાં સેટ થવું પડતું. મને લાગે છે કે કદાચ એ ટ્રાન્સફરેબલ જૉબને લીધે જ મને પણ ટ્રાવેલિંગનો શોખ લાગ્યો હશે. ટ્રાન્સફરેબલ જૉબ વચ્ચે પણ અમે પટનામાં ખૂબ રહ્યા. મારો અત્યારનો જે સ્વભાવ છે એવો જ સ્વભાવ હું નાનો હતો ત્યારે પણ હતો. એકદમ ઇન્ટ્રોવર્ટ. નાનો હતો ત્યારે થોડો નર્વસ પણ રહ્યા કરતો. મને સતત એવું લાગતું કે બીજાં બાળકો મારાથી ખૂબ આગળ છે, ખૂબ ઍક્ટિવ છે અને એ બાળકોની ખૂબ ડિમાન્ડ છે. હું સ્પોર્ટ્સમાં પણ કંઈ અચીવ નથી કરી શક્યો કે ન તો એજ્યુકેશનમાં પણ મારું નામ કંઈ મોટું કરી શક્યો. મનમાં આવું હતું એટલે મને ખોટું બોલવાની આદત પડી ગઈ. પહેલાં થોડું અને પછી પકડાયું નહીં એટલે બહુબધું ખોટું બોલવાની આદત પડી ગઈ. હું સ્કૂલના ફ્રેન્ડ્સને એવું કહેતો કે અમારા એરિયાની ક્રિકેટ-ટીમનો હું કૅપ્ટન છું અને એરિયામાં જઈને એવું કહેતો સ્કૂલની ક્રિકેટ અને ફુટબૉલ-ટીમમાં હું સિલેક્ટ થયો છું. હું સતત બધાને એવું જ દેખાડતો કે હું બહુ મોટો માણસ છું અને મારી બહુ મોટી ડિમાન્ડ છે. જ્યાં પણ હોઉં ત્યાં હું બીજી સાઇડની વાત કરીને આવું જ દેખાડ્યા કરું.

નાઇન્થમાં હું ફેઇલ થયો હતો અને બીજું વર્ષ કરવું પડ્યું. રિઝલ્ટ આવ્યું એ પછી હું ત્રણ દિવસ સુધી ઘરની બહાર નહોતો નીકળ્યો. મહિનાઓ સુધી નીચી મૂંડી કરીને જ ઘરેથી નીકળતો અને સ્કૂલમાં પણ હું એવી જ રીતે પાસ થતો. મને યાદ છે કે નાઇન્થ મેં જમશેદપુરમાં કર્યું હતું અને કો-એજ્યુકેશનનું એ પહેલું વર્ષ હતું. લાઇફમાં પહેલી વાર છોકરીઓ પણ અમારા ક્લાસમાં હતી એટલે એ વાતની પણ શરમ મને ખૂબ આવતી હતી.

મને પાકું યાદ છે કે એ સમયે હું ફેઇલ થયો તો પણ મને મારા ફાધરે એક શબ્દ પણ ખીજાઈને કહ્યો નહોતો. ઊલટું તેમણે તો આ વાતને સાવ જ લાઇટલી લીધી હતી. જો બીજા કોઈને ત્યાં આવું બન્યું હોય તો નૅચરલી તે તેના દીકરાને ખીજાય જ, પણ મને એક શબ્દ પણ કહેવામાં નહોતો આવ્યો. નાઇન્થના એ એક્સ્પીરિયન્સ પછી મારી લાઇફમાં ચેન્જ આવવો શરૂ થયો. એ પછી જ મારી લાઇફમાં થિયેટર આવ્યું અને મને મારું ફીલ્ડ દેખાવા માંડ્યું. આજે પણ જ્યારે મને મારું નાનપણ યાદ આવે ત્યારે કોઈ વાર હસવું આવે તો કોઈ વાર શરમ પણ આવે કે હું કેટલું ખોટું બોલતો.

bharti

પેટ ભરીને ભૂખ, ખાલી પ્લેટ અને છતાંય ન જમવાની જીદ : ભારતી સિંહ

મને જો કોઈ વાત યાદ ન કરવી હોય તો એ મારું નાનપણ છે, કારણ કે મારી લાઇફમાં નાનપણની જે કોઈ વાતો છે એ પીડા આપનારી અને પેઇન ઊભું કરનારી છે. અફકોર્સ, મને એ તકલીફો સામે જરા પણ વાંધો નથી, કારણ કે તકલીફો હોવી જોઈએ. તકલીફ હોય તેને જ સારા દિવસોની ખબર પડે. જો તમને ખરાબ દિવસોની ખબર જ ન હોય તો તમને બધું સ્મૂધ જ લાગે. મારી વાત કરું તો અમે તકલીફો સાથે જ આગળ વધ્યા છીએ. મેં નાની એજમાં મારા ફાધર ગુમાવી દીધા અને એ પછી મારી મમ્મી કમલા સિંહે જ અમને મોટા કર્યા. ઘરમાં સ્ટ્રગલ ખૂબ હતી એટલે અમારી પાસે જીદ કરવા માટે કોઈ કારણ નહોતું. હું જ્યારે પણ અમારા એ નાનપણના દિવસો યાદ કરું ત્યારે મને આજના દિવસો સ્વર્ગ જેવા સારા લાગવા માંડે, કારણ કે એ દિવસોમાં રાતનું ભોજન કેવી રીતે આવશે અને એ આવશે કે નહીં એની પણ ચિંતા મારાં મમ્મીએ કરવી પડતી હતી. અમને અતિશય ભૂખ લાગી હોય અને સામે ખાલી પ્લેટ હોય એટલે અમે એવી જ રીતે વર્તી લેતા કે જાણે અમને ભૂખ જ નથી લાગી. એવું કહીને અમે સૂવાની કોશિશ કરતા. ભૂખ લાગી હોય એટલે ઊંઘ તો આવે નહીં. મને યાદ છે કે હું એકસાથે ચાર-ચાર મોટા ગ્લાસ ભરીને પાણી પીને સૂવાની ટ્રાય કરતી.

નાનપણમાં મને જે કોઈ એક્સ્પીરિયન્સ થયો છે એ બધાનો એક ખૂબ મોટો બેનિફિટ થયો. નાના હતા ત્યારે જે કંઈ જોયું એ બધાને લીધે આજે એક પણ તકલીફ ક્યારેય તકલીફ લાગતી જ નથી. સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે આપણને બર્થ-ડેની ઇન્તેજારી હોય, પણ અમારા કેસમાં ઊંધું હતું. અમે બર્થ-ડે આવે એટલે ટેન્શન કરવા માંડતા. ઍક્ચ્યુઅલી એવું બનતું કે બર્થ-ડેએ બધાં બાળકો ક્લાસને અને બધા ટીચર્સને ચૉકલેટ આપે અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ હોય તેને રિસેસમાં પાર્ટી આપે. ચૉકલેટ લેવી એ તો અમારા માટે સપના જેવું હતું એટલે બર્થ-ડે આવે ત્યારે કેવી રીતે સ્કૂલમાં બન્ક મારવી એના પ્લાન મનમાં શરૂ થઈ જતા. હા, બીજાના બર્થ-ડે આવતા હોય એટલે એ રીતે ચૉકલેટ ખાવા મળે, જે ખૂબ ગમતું. મને યાદ છે કે એક વખત મેં બધી ચૉકલેટ ભેગી કરવાનું શરૂ કર્યું. મનમાં હતું કે મારા બર્થ-ડે વખતે ભેગી થયેલી એ ચૉકલેટ હું સ્કૂલમાં આપી દઈશ, પણ ચાર-પાંચ ચૉકલેટ ભેગી થઈ પછી ધીરજ ખૂટી ગઈ અને એક રાતે હું એ બધી ચૉકલેટ ખાઈને સૂઈ ગઈ. એ રાતે સપનાં પણ મસ્તમજાનાં આવ્યાં હતાં.

kher

કબીર, નાનક, ગાલિબ ને ખુશરો; આ હતું મારું બચપણ : કૈલાશ ખેર

મારું ઘડતર કહો તો ઘડતર, મારું જ્ઞાન ગણો તો જ્ઞાન અને મારી ટ્રેઇનિંગ માનો તો મારી ટ્રેઇનિંગ; પણ મને જે કંઈ મળવાનું શરૂ થયું એ બધું નાનપણથી જ શરૂ થઈ ગયું હતું. આપણે ત્યાં એક કહેવત છે કે પુત્રનાં લક્ષણો પારણામાંથી. હું કહીશ કે મારા કિસ્સામાં તો જરા જુદી રીતે આ સાચું પડ્યું છે. હું પારણામાં હતો ત્યાં જ મને બધું આપવાનું શરૂ થઈ ગયું હતું. મારા પિતાનું નામ મહેરસિંહ. કર્મકાંડી બ્રાહ્મણ અને આયુર્વેદમાં પણ નિષ્ણાત. બધા તેમને કાં તો મહાશયજી કહે અને કાં તો પંડિતજી. હું સમજણો થયો ત્યાં સુધી એવું જ માનતો હતો કે મારા પિતાનું નામ પંડિત મહાશયજી ખેર છે! બહુ વર્ષો પછી મને તેમના સાચા નામની ખબર પડી.

અમે દિલ્હીના એક ખૂબ ઓછા જાણીતા વિસ્તારમાં રહેતા. દરરોજ રાતે અમારી ઘરે ફિલોસૉફિકલ ગૅધરિંગ થતાં. બધા ભેગા થાય. જાતજાતની વાતો થાય. મોડી રાત સુધી ચોપાઈ ગાય.

અલગ-અલગ વિષયો પર ચર્ચા ચાલતી રહે. આ બધું હું ચૂપચાપ સાંભળું. કબીરના દોહા, ગુરુનાનકની શીખ, અમીર ખુશરોની શાયરીથી માંડીને આયુર્વેદ અને યોગ-આયોગની પણ વાતો થાય. શરીરમાં રહેલાં વાયુ, પ્રાણ, ચક્ર આ બધાંનું જ્ઞાન મને નાની ઉંમરે જ મળવા માંડ્યું હતું. પપ્પા સાવ અલગ જ વિભૂતિ. તેમને ગુસ્સે થતાં મેં જૂજ જોયા છે. ખૂણામાં બેસીનું હું તેમને સાંભળતો હોઉં અને તેમનું ધ્યાન મારા પર જાય તો તે મને સામેથી પાસે બોલાવે અને પછી બાજુમાં બેસાડે. નાનપણથી જ મેં મારા ઘરનું આ વાતાવરણ જોયું છે. મારી માનું નામ ચંદ્રકાન્તા. તેમનો પણ સ્વભાવ આવો જ સાલસ. મારાં માબાપ પાસે લોકો તેમના નાનામાં નાના પ્રશ્નો પણ લઈને આવતા. જાત-જાતના પ્રશ્નો હોય. મારાં માબાપ એ લોકોને સાંત્વન આપે, ધૈર્ય અને શાંતિ સાથે તેમને પણ ધીરજ રાખવા માટે સમજાવે. આજે હું શાંત છું એનું કારણ પણ આ જ હોય એવું મારું માનવું છે. મને લાગે છે કે તેમને ઉશ્કેરાઈ જતા મેં ક્યારેય જોયા નહીં એટલે મને ક્યારેય ઉશ્કેરાટ આવ્યો જ નહીં. આમ પણ કહે જ છેને કે તમે જેવું કરો કે જેવું દર્શાવો એવું જ તમારાં બાળકો વર્તન કરે.

મારી આસપાસ મારી જ ઉંમરનાં બીજાં બાળકો પણ હતાં જ. તેઓ જાતજાતની રમત રમતાં. હું તેમની સાથે શરૂઆતમાં રમવા જતો, પણ તેમનાં કરતૂતો જ એવાં કે એ જોઈને મને તેમનાથી દૂર રહેવાનું મન થતું અને પછી ધીમે-ધીમે હું તેમનાથી દૂર પણ થઈ ગયો. તે લોકો જીવડાને પગમાં દોરો બાંધીને ગોળ-ગોળ ફેરવતા. કૂતરા હોય એની પાછળ સળગતા ફટાકડા ફેંકતા. દેડકો નીકળે તો દેડકાની ઉપર તપેલું મૂકીને તપેલા પર ચડીને ડાન્સ કરે. તેમને મજા આવતી હશે, પણ આવો આનંદ લેતાં મને નહોતું આવડતું અને એટલે હું અનાયાસ જ મોટા લોકોની કંપનીમાં પહોંચી ગયો અને ત્યાંથી મને જ્ઞાન મળવું શરૂ થઈ ગયું.

નાનપણ એ તમારું ટ્રેઇનિંગ સેન્ટર છે એવું હું મારા આટલાં વષોર્ના અનુભવ પછી કહી શકું છું. જતું કરવાની ભાવના અને શૅરિંગની ફીલિંગ્સ તમને આ એજ પર જ આવી શકે. મારાથી મોટો એક ભાઈ છે - મહેશ. મારાથી એક વર્ષ મોટો. મને બધી ચીજવસ્તુ તેની જ વાપરવા મળી છે. તેનાં જ કપડાં પહેર્યાં છે મેં અને તેની જ સ્કૂલ-બુક્સ વાંચીને હું ભણ્યો છું. નવું દફ્તર આવે એટલે પહેલા વર્ષે તે વાપરે, બીજા વર્ષે મને વાપરવા મળે. કપડાં પણ પહેલા વર્ષે તે પહેરે અને બીજા વર્ષે મને મળે. આ જ કારણ હશે કે મને ક્યારેય કોઈ બાબતોએ વિચલિત નથી કર્યો કે મેં ક્યારેય ધીરજ નથી ગુમાવી. દિલ્હીથી મુંબઈ સ્ટ્રગલ કરવા આવ્યો ત્યારે બહુ તકલીફો ભોગવી, પણ એ તકલીફો વખતે મને મારા નાનપણની એક વાત યાદ આવતી અને હું મારી જાતને સંભાળી લેતો. એ જ વાત મારે તમને કહેવી છે.

હું નાનો હતો ત્યારે મારા પપ્પા વ્યાખ્યાન આપવા જાય ત્યારે મને તેમની સાથે સાઇકલ પર લઈ જાય. આગળ મારે બેસવાનું અને પપ્પા સાઇકલ ચલાવે. દસ-પંદર કે વીસ કિલોમીટર જવાનું અને એટલા જ કિલોમીટર પાછા આવવાનું. ઘરે પાછા આવ્યા પછી મને બૅકના ભાગમાં ખૂબ દુખે એટલે બીજા દિવસે મારી મા મને ગરમ કપડાનો શેક કરી દે. હું મમ્મીને કહેતો કે સાઇકલમાં આગળ એક નાનકડી ગાદી નખાવી દેવાનું કહોને પપ્પાને. બહુ વખત કહ્યા પછી એક વખત મને મમ્મીએ કહ્યું હતું કે આવું બોલવાને બદલે એમ કહ્યું હોત તો મને વધારે ગમત કે પપ્પાને કહીને એક સ્કૂટર લેવડાવી લેને, જો સ્કૂટર આવી જાય તો તારા પપ્પાએ આટલી સાઇકલ ચલાવવી ન પડે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK