કંગના-હૃતિકના ચૅપ્ટરમાંથી શીખવા જેવાં છે આ પાંચ લેસન

સંબંધો સારા હતા એ સમયે શૅર કરેલી અંગત ક્ષણો અને વાતો સંબંધોમાં ખારાશ ઉમેરાય ત્યારે જાહેરમાં લાવવા જેટલી હલકાઈ દેખાડવી યોગ્ય નથી એ આપણે બધા જાણીએ છીએ, પણ અણીના સમયે એટલી સજ્જનતા દાખવવામાં લોકો કેમ પાછા પડી જાય છે?

hrithik kangana

રુચિતા શાહ

સંબંધોમાં લાગણીઓ હોય, આકર્ષણ હોય અને એકબીજા માટેની તડપ હોય ત્યાં સુધી તો એકમેક માટે મરવા-મિટવાની તૈયારી લોકોમાં હોય છે; પરંતુ પરિવર્તન સંસારનો નિયમ છે. સમય બદલાય, સંજોગો બદલાય, લાગણીઓનો પ્રવાહ બદલાય, આકર્ષણની માત્રા બદલાય અને એક સમયે ખૂબ ગમતી અને જેના વિના જીવી ન શકાય અથવા તો જેના માટે જીવ આપી દેવાય એટલી તીવ્ર લાગણીઓ પણ બદલાય અને એક સમયે ખૂબ ગમતી વ્યક્તિ પાછી અણગમતી અથવા તો ઓછી ગમતી બની શકે છે. સંબંધોનો આ સ્વભાવ છે. જો જતન ન કરવામાં આવે તો એમાં આ પ્રકારનાં પરિવર્તનો સહજ છે. આવું જ્યારે થાય, જ્યારે આ રીતે સંબંધોનું સ્વરૂપ બદલાય, જ્યારે પ્રેમ ધીમે-ધીમે અણગમામાં કન્વર્ટ થાય ત્યારે જ સંબંધોમાં જોડાયેલા બે લોકો પર એક મોટી જવાબદારી આવવી શરૂ થાય છે. એ જવાબદારી એટલે એકબીજાની ડિગ્નિટી, ગરિમાને અને સંબંધોની ગરિમાને જાળવવાની જવાબદારી. વણસેલા સંબંધો પર કાદવ ન ઉડાવવાની જવાબદારી. એક સમયે એકબીજાને પારાવાર પ્રેમ કર્યો હતો એ યાદ રાખીને આજે મર્યાદામાં રહેવાની જવાબદારી. છેલ્લા થોડાક મહિનાઓથી હૃતિક રોશન અને કંગના રનોટના સંબંધોની કડવાશ જે રીતે મીડિયામાં ઉછાળવામાં આવી છે એ ખરેખર અશોભનીય તો છે જ, હંમેશાં વર્જ્ય પણ છે. કંગના અને હૃતિકે જે રીતે અંગત સંબંધોને અખબારોને હેડલાઇન અને ટીવી-ચૅનલોને બ્રેકિંગ ન્યુઝ અને ગૉસિપનો સ્કોપ આપ્યો છે એ જોતાં તેમની પાસેથી શું શીખવા જેવું છે એની આજે ચર્ચા કરીએ. હૃતિક અને કંગનાની લાઇફનાં પાંચ મહત્વનાં લેસન પર આજે ચર્ચા કરીએ.

ગરિમા જાળવવી

જીવેલી સારી ક્ષણો ભૂલવી અઘરી છે, પણ એના કરતાંય વધુ અઘરું છે પોતાની સૌથી અંગત વ્યક્તિના બદલાયેલા વ્યવહારને પચાવવો કે એ ખાસ સંબંધમાં આવેલી ખારાશને સહન કરવી. જોકે તમે વાંકમાં હો કે સામું પાત્ર, તમારે એક વાતનું ધ્યાન તો રાખવું જ પડશે કે રિલેશન સારું હતું ત્યારે તમે બન્ને સરખી માત્રામાં ઇન્વૉલ્વ હતા અને હવે ગમે એટલી કડવાશ કે ખારાશ આવી હોય તો પણ જીવેલા સંબંધને આંચ ન આવે એવી તકેદારી અને સમતા તમારે રાખવી પડે. ખૂબ શાંત થઈને જીવનમાં આગળ વધવાની સમજદારી રાખવી પડે. ધારો કે સામેવાળું પાત્ર એ રાખવામાં નિષ્ફળ જઈ રહ્યું છે અને તમારા વિશે કદાચ ન ગમતી કમેન્ટ કરી રહ્યું છે તો ઇગ્નૉર કરો અને ન કરી શકો તો એક વાર ફોન કરીને મૅટરને ક્લૅરિફાય કરીને ત્યાં એના પર પૂર્ણવિરામ લગાડવાના પ્રયત્ન કરો.

મૌનની મજા

તમારી એક સમયની સ્પેશ્યલ વ્યક્તિ આજે તમારા વિશે એલફેલ બોલી રહી છે એવી ખબર પડે ત્યારે મનમાં દુખ તો થાય, પણ જો તમે પણ એમાં સામેલ થાઓ તો કાદવ તમારા પર પણ ઊડશે જ. આ વિશે સાઇકોથેરપિસ્ટ દીપાલી પંડ્યા કહે છે, ‘જ્યારે પણ તમે જેની સાથે બ્રેકઅપ કરી ચૂક્યા છો તેના વિશે હલકું બોલીને તમારી જાતને સાચી અથવા તો સારી સાબિત કરવાની કોશિશ કરો છો ત્યારે તમે ઇમૅચ્યૉર છો એવું પ્રૂવ કરી રહ્યા છો. એમાં પણ સામેવાળો જો મૌનપૂર્વક કોઈ પણ પ્રત્યુત્તર ન વાળે તો તમે હજી વધુ વામણા દેખાઓ છો. બન્ને પક્ષે સંબંધોને એક દિશા આપીને મૌન રાખવામાં સૌથી વધુ શાણપણ છે. અંગત ડીટેલ્સને જાહેર કરીને કમસે કમ તમે પોતે તો નાદાની ન જ કરતા જેવું આ સેલિબ્રિટી કપલમાં બન્યું છે.’

મૈત્રીપૂર્ણ બ્રેકઅપ

બ્રેકઅપ ક્યારેય પ્રેમાળ અને મૈત્રીપૂર્ણ ન હોઈ શકે એ પ્રૅક્ટિકલ અને સ્વાભાવિક છે. સંબંધો તૂટે ત્યારે ક્યારેક બન્ને તો ક્યારેક એક વ્યક્તિ અંદરથી ધ્વસ્ત થઈ જતી હોય છે, પરંતુ મૅચ્યૉર વ્યક્તિ સમજવાની કોશિશ કરે છે કે તેમની વચ્ચેનો સંબંધ ધારો કે ન ચાલ્યો તો એની પાછળ કયાં કારણો હતાં? એ કારણોનો સ્વીકાર કરીને પોતે જ એ સંબંધનો અંત સમજદારીથી સ્વીકારી લે છે. સાઇકિયાટ્રિસ્ટ અવિનાશ ડિસોઝા કહે છે, ‘સંબંધો બંધાયા હતા એનો અર્થ જ એવો થયો કે તમારી વચ્ચે કંઈક તો સારું હતું જેણે બન્નેને જોડ્યા. જેમ-જેમ સંબંધોમાં આગળ વધ્યા તેમ-તેમ એકબીજાની નબળાઈઓ અથવા તો ન ગમતી બાબતો સામે આવી એટલે તમે નજીકથી ફરી દૂર થયા. જોકે એનો અર્થ એવો તો નથીને કે એક જમાનામાં તમને સારું લાગ્યું હતું એ હવે ખરાબ થઈ ગયું? બસ, દરેક કપલે છૂટા પડવાનો નિર્ણય લીધો હોય એ પછી પણ એકબીજા માટેનો આદર જળવાઈ રહે એવો વ્યવહાર તો ઍટ લીસ્ટ રાખવાના પ્રયત્ન કરવા જ જોઈએ. તમે જોડાયા ત્યારે વકીલ તમારી વચ્ચે નહોતો તો પછી તમારા ઝઘડામાં વકીલ વચ્ચે આવીને તમને પ્યાદાં બનાવી દે એ પણ ન જ થવું જોઈએ. છૂટા પડ્યા પછી પણ ક્યારેક એક કપ ચા પીવા જવું હોય તો તમે જઈ શકો એટલી શાલીનતા તો બચેલી હોવી જ જોઈએ. એટલે જ નડતર બનેલી કે સંબંધોના તૂટવા માટે રહેલી તમામ બાબતોનો છેડો પણ સંબંધ તૂટે ત્યારે જ છૂટી ગયો હોય એ જરૂરી છે. રિલેશન તૂટ્યા પછી પણ તમે સામા પાત્રની ખરાબ આદતો કે ખરાબ બાબતોને યાદ કરી-કરીને તેને કોસ્યા કરો એ યોગ્ય નથી. ઍટ લીસ્ટ જેટલો સમય તમે સાથે હતા એ સમયના રિસ્પેક્ટ માટે પણ અમુક મર્યાદા જરૂરી છે.’

સાચા-ખોટા નથી પડવું

સંબંધોમાં મોટા ભાગે જ્યારે બ્રેકઅપનું સ્ટેજ આવે ત્યારે દરેક વ્યક્તિને ગુનેગાર તો સામેવાળી વ્યક્તિ જ લાગતી હોય છે. ડૉ. અવિનાશ ડિસોઝા કહે છે, ‘તમે એક વાર નિર્ણય લઈ જ લીધો છે કે હવે તમે સાથે નથી અથવા તો અલગ થયા વિના હવે છૂટકો જ નથી તો પછી તમારે સાચા-ખોટાની હોડમાં પડવાની જરાય જરૂર નથી. એના વિશે વિચારવાથી પણ કોઈ લાભ નથી થવાનો. તમે સાચા હશો કે ખોટા એનાથી એ રિલેશનને કે તે વ્યક્તિને કોઈ ફેર પડવાનો છે? અફકોર્સ, નહીં. તો એની ગામ સામે ચર્ચા કરીને જસ્ટિફિકેશન આપવાથી શું લાભ થવાનો છે? ટૂંકમાં, જે ગયું એને હેલ્ધી વે પર જવા દો અને મનને બીજી દિશામાં વાળી દો. બગડેલા મુદ્દાઓને ચૂંથવાથી કોઈ લાભ થવાનો નથી, બલ્કે એને કારણે તમે ગંદકી ફેલાવવાનું કામ જ કરવાના છો એ વાત ભુલાય નહીં.’

બહુ જ બગડે તો બોલો


ઘણી વાર એવું બને કે સામેવાળું પાત્ર નાદાન અથવા તો મૂરખ છે અને પોતાના બફાટમાં ઘણી વાર તમારી ડિગ્નિટીને બહુ મોટી હાનિ પહોંચાડતો દેખાય ત્યારે એક વખત ધીરજ અને પૂરી સ્પષ્ટતા સાથે સારા શબ્દોમાં તમારો પૉઇન્ટ તમે ક્લિયર કરો એ જરૂરી છે. બેશક, ટીવીમાં ઇન્ટરવ્યુ આપીને નહીં પણ કમસે કમ તમારા લાગતા-વળગતા લોકોને જણાવીને. આ પણ જોકે ત્યારે જ કરવું જોઈએ જ્યારે તમે સામા પાત્ર સાથે વાત કરીને તેને સમજાવવાના પૂરતા પ્રયત્ન કર્યા હોય, પણ એ પછીયે વાત તેના મગજમાં ન ઘૂસી રહી હોય ત્યારે.

બદલો લેવાની નીતિમાં ક્યારેય નહીં ફાવો

બે રાષ્ટ્રની કે બે સમુદાયની દુશ્મની હોય તો પણ બદલો લેવાની નીતિ કોઈક રિઝલ્ટ આપે, પણ વાત જ્યારે બે અંગત વ્યક્તિની હોય ત્યારે તો મગજમાં ફિટ કરી દેજો કે બદલો લેવાની નીતિમાં તમે ક્યારેય એટલે ક્યારેય નહીં ફાવો. બદલો લેવાની નીતિ સાથે જે પણ પગલાં લેશો એનો ઓછાયો ડાયરેક્ટ્લી કે ઇનડાયરેક્ટ્લી તમારા પર પણ પડવાનો જ છે. તમારે એ વાત મગજમાં બરાબર ઉતારી દેવી જોઈશે કે એ તમારા લાભમાં છે. કુદરતનો નિયમ છે કે તમે આપશો એ જ પાછું વળીને આવશે. તમે જો કોઈકની બે અંગત વાતો બહાર લાવશો તો તમારી ચાર વાતો આવશે. આમાં મજા લોકોને પડશે અને લાંછનો તમારા બન્નેના ચરિત્ર પર જ લાગતાં જશે. દીપાલી પંડ્યા કહે છે, ‘સેલિબ્રિટી હોવાને નાતે અને જાહેર જીવનનો હિસ્સો હોવાને કારણે તેમની વચ્ચેનું બ્રેકઅપ બહુ જલદી ચર્ચાસ્પદ બને એ સ્વાભાવિક છે, પરંતુ સામાન્ય માણસ ધારે તો પોતાના જીવનની અંગત વાતોને ઇચ્છે એટલી અંગત સો ટકા રાખી જ શકે છે. ઇજ્જતને ઉછાળવી એ તો સરાસર અપરિપક્વતાની નિશાની છે એ તો હું આગળ કહી જ ચૂકી છે, પરંતુ પરિપક્વ માણસ સંબંધોની ખારાશને સ્વીકારીને પણ ભગવાનનો પાડ માને અને પોતાની સમક્ષ આવેલા સંજોગોમાંથી શીખીને આગળ વધે. લાઇફને જ્યારે તમે લાર્જર લેવલ પર જોવાનો પ્રયત્ન કરો ત્યારે જ આ શક્ય છે. એ સંબંધ સિવાયની દુનિયાને નજરઅંદાજ કરીને જો અટકી જશો તો ગંધાશો. લોકો અને દુનિયા તમારાથી દૂર ભાગશે. ક્ષણિક ડિસ્ટર્બન્સને ક્ષણિક જ રાખવું કે કાયમી બનાવવું અને એના ઘસરકા કાયમ રાખવા કે નહીં એ ટોટલી તમારા જ હાથમાં છે.

તમે સાચા હશો કે ખોટા એનાથી એ રિલેશનને કે તે વ્યક્તિને કોઈ ફેર પડવાનો છે? અફકોર્સ, નહીં. તો એની ગામ સામે ચર્ચા કરીને જસ્ટિફિકેશન આપવાથી શું લાભ થવાનો છે? ટૂંકમાં, જે ગયું એને હેલ્ધી વે પર જવા દો

- ડૉ. અવિનાશ ડિસોઝા, સાઇકિયાટ્રિસ્ટ

ઇજ્જતને ઉછાળવી એ તો સરાસર અપરિપક્વતાની નિશાની જ છે. પરિપક્વ માણસ સંબંધોની ખારાશને સ્વીકારીને પણ ભગવાનનો પાડ માને અને પોતાની સમક્ષ આવેલા સંજોગોમાંથી શીખીને આગળ વધે.

- દીપાલી પંડ્યા, સાઇકોથેરપિસ્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK