જીત કે પહલે હાર ભી હોતી હૈ

જોકે હારના ભયથી લડાઈના મેદાનમાં જ ઊતરવું નહીં એ બરાબર નથી. હાર તો હાર, પણ લડીશું ખરા એ સ્પિરિટ સાથે આગળ વધીએ તો હાર કે બાદ જીત હોતી હૈ

virat

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

એક વાર એક નાના શહેરમાં વિચિત્ર સ્પર્ધા યોજાઈ, જેમાં કૉલેજના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ સ્પર્ધા ટેક્નિકલ વિષયની હતી. આ ચાર વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે એક બંધ રૂમ છે, જેને તાળું મારેલું છે. આ તાળું બહુ ટેક્નિકલ સ્વરૂપનું છે, એથી અમસ્તું માત્ર ચાવીથી ખૂલશે નહીં, બલકે ટેક્નિકથી ખૂલશે. જે વિદ્યાર્થી સૌપ્રથમ એ તાળું ખોલીને ભીતર પ્રવેશ કરશે તે વિજયી ગણાશે, પણ જે વિદ્યાર્થી તાળા પાસે જઈને તાળું નહીં ખોલી શકે તે માત્ર નિષ્ફળ જ નહીં ગણાય, તેને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવશે. આમ સજા તો આકરી હતી, એથી ચારેય વિદ્યાર્થીઓને અન્ય એક રૂમમાં બેસાડી તૈયારી કરવા માટે બે કલાકનો સમય આપવામાં આવ્યો. આમાંથી ત્રણ વિદ્યાર્થી તો ચોપડાનાં થોથાં લઈને વાંચવા બેસી ગયા. તાળાં ખોલવાની ટેક્નિક વિશે અભ્યાસ કરવા લાગ્યા, પણ એક વિદ્યાર્થી માત્ર વિચારતો બેઠો રહ્યો, થોડી વાર ઊંઘ પણ લીધી. ત્યાં સુધીમાં બે કલાકનો સમય પૂરો થવા આવ્યો, પરંતુ પેલા ત્રણમાંથી કોઈ તાળું ખોલવાની તરકીબ કે ટેક્નિક શોધી શક્યું નહોતું, એટલે જવા તૈયાર ન થયા, પણ જેણે કોઈ ચોપડા ઊથલાવ્યા નહોતા તે વિદ્યાર્થી ઊભો થયો અને પેલી બંધ રૂમ પાસે જઈ દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશી વિજયી થઈ ગયો.

આ ઘટના જોઈ સૌને નવાઈ લાગી કે આ વિદ્યાર્થીથી તાળું કઈ રીતે ખૂલી ગયું? તેની પાસે કોઈ ચાવી પણ નહોતી, તેણે તો કોઈ અભ્યાસ પણ નહોતો કર્યો. વાસ્તવમાં એ તાળું એકદમ સરળ હતું અને એને બંધ પણ કરાયું નહોતું, માત્ર બંધ દેખાય એમ લટકાવવામાં આવ્યું હતું. અહીં સવાલ ટેક્નિકનો નહીં, સેલ્ફ-કૉન્ફિડન્સનો હતો. જે ત્રણ વિદ્યાર્થીઓએ હિંમત પણ ન કરી અને પોતાનાથી તાળું નહીં ખૂલે એમ માની બેસી રહ્યા તે વિદ્યાર્થીઓ માત્ર ચોપડાના ભરોસે રહ્યા, જેમાં ઉકેલ ન મળતાં તેઓ રૂમ સુધી પણ ગયા નહીં અને જેણે ચોપડા જોયા નહોતા તે રૂમ સુધી ગયો અને તાળું ખોલી નાખ્યું.

ઘણી વાર જિંદગીમાં આપણી સાથે આવું બનતું હોય છે. આપણે પહેલેથી જ હાર માની લઈએ છીએ. કોશિશ કરવા પણ તૈયાર નથી થતા, હાર શબ્દ કે નિષ્ફળતા શબ્દ જ આપણને હરાવી દે છે યા નિષ્ફળ બનાવી દે છે. આમ તો રિયલ અને રીલ લાઇફ બન્નેમાં આ વિધાન જાણીતું બન્યું છે કે ડર કે આગે જીત હોતી હૈ, પણ વાસ્તવિક-વ્યવહારુ જીવનમાં મોટા ભાગના લોકો જીત પહેલાં જ હારી જતા હોય છે, કારણ કે તેમની જીત પહેલાં જ તેમનો ડર તેમને હરાવીને અટકાવી દે છે. અર્થાત લોકો લડવાનું કે સામનો કરવાનું જ છોડી યા ટાળી દે છે. બાકી ડર કે આગે જીત હોતી હૈ બોલવું-સાંભળવું બધાને ગમતું હોય છે, બીજાઓને આવી સલાહ આપવી પણ બધાને ગમતી હોય છે, પરંતુ વાસ્તવિકતા જુદી હોય છે જે દરેકના પોતાના સંજોગો, મન:સ્થિતિ, વિચારધારા પર આધાર રાખે છે. આમાં ખાસ કરીને મનની ભૂમિકા બહુ જ મહત્વની હોય છે. આમ તો દરેકની જિંદગી રોલર-કોસ્ટર જેવી હોય છે, કોઈની વધુ, કોઈની ઓછી. વધ-ઘટ, ઉપર-નીચે જીવન ચાલતું રહે છે. આપણા હાર્ટનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) પણ કાઢવામાં આવે ત્યારે જો હૃદયની ગતિ સીધી રેખામાં ચાલતી દેખાય તો માણસ ગયો સમજી લેવાનું, જ્યારે કે હૃદયની રેખા પણ ઉપર-નીચેની રિધમમાં ચાલતી દેખાય તો જ માણસનું હાર્ટ બરાબર ગણાય.

લડયા વિનાઽ ઝઝૂમ્યા વિના હાર સ્વીકારી લેવાનું એક કારણ આપણો અહંકાર પણ હોય છે, જે સ્પષ્ટ અને જાહેરમાં દેખાતો નથી, કેમ કે એ ગર્ભિત સ્વરૂપે હોય છે. હાર બાદની નામોશી આપણી સૌથી મોટી ચિંતા હોય છે. હું હારીશ કે નિષ્ફળ થઈશ તો લોકો કેવી ટીકા કરશે, લોકો કેવું-કેવું બોલશે વગેરે વિચારો જ આપણને મેદાનમાં ઊતરતાં પહેલાં રોકી દે છે. અરે ભાઈ, દરેક સ્પર્ધા કે યુદ્ધમાં કોઈ એક પક્ષ યા વ્યક્તિ તો હારે જ છે. વાસ્તવમાં આપણી સામે અથવા ઇતિહાસમાં એવા અનેક દાખલા છે-કિસ્સા છે, જેમાં હારેલા અનેક લોકો જ્યારે ફરી બેઠા થઈ સ્પર્ધામાં વારંવાર ઊતરે છે, લડવાનું ચાલુ રાખે છે, જે સ્પિરિટ પકડી રાખે છે તો તેની જીત આજે નહીં તો કાલે નિશ્ચિત બની જાય છે, પણ મેદાન જ છોડી દે તો તે કયારેય જીતી શકે નહીં. એટલે જ એક વાર સ્ફુરેલી પંક્તિ જીવનમંત્ર બની ગઈ છે.

હું જીંદગીથી હાર શા માટે માની લઉં?

હજી રમત ક્યાં પૂરી થઈ છે?

- જ.ચિ.

જિંદગી જ્યાં સુધી છે ત્યાં સુધી સંઘર્ષ છે. આ વિધાન છે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનનું, જે તેમણે વરસો પહેલાં અમિતાભના સંઘર્ષકાળમાં કહ્યું હતું. આ વિધાન દરેકને લાગુ પડે છે, ખરેખર જિંદગી છે ત્યાં સુધી સંઘર્ષ છે. પછી એ સંઘર્ષ કોઈ પણ પ્રકારનો હોય, કેટલા પણ સમય માટે હોય, સંઘર્ષ વિના મળતી સફળતાનું બહુ મૂલ્ય નથી હોતું. જ્યાં સુધી જીવનની રમત ચાલુ છે અને આપણે રમી રહ્યા છીએ ત્યાં સુધી હારી ગયા ન કહેવાય. છેલ્લી ઘડીએ જીત સામે ચાલીને આપણી પાસે આવીને ઊભી રહી જાય અને આપણને સલામ કરે એવું પણ બની શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy