હું આ બાળવિવાહને નથી સ્વીકારતી એટલે હું પતિ સાથે રહેવા નહીં જાઉં, ભલે મારે જેલમાં જવું પડે

આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં જ્યારે સ્ત્રીના વ્યક્તિત્વનું કોઈ વજૂદ જ નહોતું એ સમયે સામા પ્રવાહે ચાલીને બ્રિટિશરોએ બાળવિવાહ પ્રતિબંધનો કાયદો બનાવવો પડે એટલી નક્કરતા સાથે લડેલી એક એવી મક્કમ સ્ત્રીની ગાથા આજે પ્રસ્તુત છે જે દેશની પહેલી મહિલા પ્રૅક્ટિશનર ડૉક્ટર બની અને ૩૫ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી

ruk

ધ ગ્રેટ નારી - રુચિતા શાહ

૧૮૮૬માં દેશની પહેલી મહિલા આનંદીબાઈ જોશી ન્યુ યૉર્ક જઈને ડૉક્ટર બની. આ સ્ત્રી એવી હતી જેમને તેમના પતિએ પ્રયત્નો કરીને ડૉક્ટરની પદવી લેવા માટે માત્ર પ્રોત્સાહિત નહોતી કરી, દિવસ-રાત એની પાછળ મહેનત પણ કરી હતી. જોકે અમેરિકાથી રિટર્ન થયા પછી ટીબીની બીમારીને કારણે આનંદીબાઈ બાવીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યાં અને ડૉક્ટર તરીકે તેઓ પ્રૅક્ટિસ ન કરી શક્યાં. તેમના પછી બીજી એક મહિલાએ ડૉક્ટરની પદવી હાંસલ કરી પતિ અને સમાજના સંપૂર્ણ વિરોધ વચ્ચે. નામ તેમનું રુખમાબાઈ. આઝાદી પહેલાંના સમયમાં સ્ત્રીઓની દશા પશુથી ઓછી ઊતરતી નહોતી. તેમને પોતાનો કોઈ અવાજ નહોતો, તેમની પોતાની મરજીને અવકાશ નહોતો. આ એ સમયગાળો હતો જ્યાં બાળવિવાહ કરનારી સ્ત્રી ઘરનું વૈતરું કરીને જીવન પૂÊરું કરતી. એ સમયગાળામાં એક ભડવીર સ્ત્રી જન્મી અને તેણે એ સમયમાં આપણા દેશની વિચિત્ર બાળવિવાહની પ્રથામાં નવો કાયદો ઘડવા માટે બ્રિટિશરોએ હસ્તક્ષેપ કરવો પડે એ સ્તરની ચકચાર મચાવી હતી. રુખમાબાઈનો જન્મ ૧૮૬૪માં થયો. રુખમાબાઈની માતા જયંતીબાઈ ૧૪ વર્ષનાં હતાં ત્યારે તેમનાં લગ્ન થયાં અને ૧૫ વર્ષની ઉંમરે રુખમાબાઈનો જન્મ થયો. રુખમાબાઈ આઠ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા જનાર્દન પાંડુરંગનો દેહાંત થયો હતો. રુખમાબાઈની માતાએ ડૉક્ટર અને બૉટનીના પ્રોફેસર સખારામ અજુર્ન સાથે પુર્નલગ્ન કરી લીધાં અને બધી જ પ્રૉપર્ટી રુખમાબાઈના નામે કરી દીધી હતી. સમાજના ડરથી રુખમાબાઈની માતાએ રુખમાબાઈનાં લગ્ન પણ ૧૧ વર્ષની ઉંમરે દાદાજી ભિકાજી નામના યુવક સાથે કરી દીધાં હતાં. એ સમયે દાદાજીની ઉંમર ૧૯ વર્ષની હતી. અહીં સુધીની વાતો એ સમયની દરેક નૉર્મલ છોકરીની હોય એવી જ છે. જોકે એ પછી કેટલીક એવી ઘટનાઓની હારમાળા શરૂ થઈ જેણે એક સામાન્ય છોકરીને અસામાન્ય બનાવી દીધી.

ruk1

ભણતરની શરૂઆત

રુખમાબાઈ લગ્ન પછી પણ માતાના ઘરે હતાં. તેમના પતિએ શરૂઆતનાં વષોર્માં તો રુખમાબાઈને પોતાના ઘરે લાવવાની દરકાર દેખાડી નહોતી. જોકે જેવો તેમની માતાનો દેહાંત થયો એવો જ પ્રૉપર્ટીની લાલચમાં રુખમાબાઈને પોતાની પત્ની છે અને તે તેમની સાથે નથી રહેતી એ વાત તેમને લાગી આવી હતી. જોકે આટલાં વષોર્ દરમ્યાન પતિએ દેખાડેલી બેદરકારીને કારણે હવે રુખમાબાઈ પતિ સાથે રહેવા નહોતાં ઇચ્છતાં. તેમણે ભણવાનું શરૂ કર્યું હતું. સાવકા પિતાના માર્ગદર્શનમાં તેમનો અભ્યાસ સારો ચાલી રહ્યો હતો અને તેમણે એને જ વળગી રહેવું હતું. પત્ની પર પતિ તરીકે પોતાનો અધિકાર છે એ વાત નાનાજીને એટલી બધી તીવ્ર લાગવા માંડી હતી હવે કે તેમણે રુખમાબાઈના સાવકા પિતાને લીગલ નોટિસ મોકલીને રુખમાબાઈને પોતાની સાથે રહેવા માટે મોકલવાની વાત કરી હતી. સખારામે રુખમાબાઈની ઇચ્છા પહેલાં જાણી લીધી અને પછી એ લીગલ નોટિસનો જવાબ આપ્યો અને એમાં લખ્યું કે રુખમાબાઈ બાળપણમાં થયેલાં આ લગ્નને માનતાં નથી અને તેમને દાદાજી ભિકાજી સાથે નથી રહેવું.

ruk2

આગળ જતાં આ મામલો કોર્ટે ચડ્યો અને ઘણી લાંબી ફાઇટ આ પતિ-પત્ની વચ્ચે ચાલેલી. દેશનાં લગભગ તમામ અખબારો અને સામાજિક સંસ્થાઓ તથા રૂઢિચુસ્ત હિન્દુવાદી અગ્રણીઓ આ જંગમાં સામેલ થઈ ગયાં હતાં. એ જમાનામાં પતિથી છૂટા પડવાની વાત કોઈ સ્ત્રી કરે એ બાબત સમાજ ક્યારેય સ્વીકારી શકે એમ જ નહોતો. બ્રિટિશ કાયદો પણ એમાં હસ્તક્ષેપ કરી શકે એમ નહોતો. અનેક સુનાવણી અને ટ્રાયલ્સ પછી છેલ્લે કોર્ટે રુખમાબાઈને પતિ સાથે રહેવા જઈને લગ્નને કન્ટિન્યુ કરવા અથવા તો છ મહિનાની જેલની સજા કાપવી એવો નિર્ણય આપ્યો હતો. આ બાબતને કારણે કેટલીક સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવી હતી. બાળવિવાહનો મુદ્દો આ ઘટનાને કારણે બહુ મોટા પાયે ચર્ચાસ્પદ બન્યો હતો. બાળવયમાં વ્યક્તિની સમજદારી અને સહમતી વિના થતાં લગ્ન યોગ્ય ગણાય કે નહીં એ વિશે માત્ર દેશમાં નહીં પણ વિદેશનાં અખબારોમાં ભારે ચર્ચાઓ જાગી હતી. ભણવા માટે એક સ્ત્રી પોતાના પતિને છોડવાની વાત કરે છે અને લગ્નને તોડવાની વાત કરે છે એ વાત એ સમયના રૂઢિવાદી સમાજને કોઈ કાળે સ્વીકાર્ય ન બને એ સ્વાભાવિક હતું. સમાજ અને સંબંધીઓ તરફથી રુખમાબાઈ અને તેમના પિતાને અઢળક અપમાનો અને મહેણાંટોણાંનો સામનો કરવો પડ્યો હતો. આ બહિષ્કાર વચ્ચે પણ રુખમાબાઈનો નિર્ણય અટલ હતો. ૧૮૮૫માં લગ્નનાં ૧૨ વર્ષ પછી કોર્ટમાં જ નહીં પણ ભારત અને ભારતની બહાર પણ ચકચાર મચાવી રહ્યો હતો. લંડનના વિમેન્સ મૅગેઝિનમાં પણ રુખમાબાઈના કેસને કવર કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટે સામાજિક દબાણ અને બ્રિટિશ લૉમાં બાળપણમાં થયેલા વિવાહને ડિસૉલ્વ કરવાની કોઈ જોગવાઈ ન હોવાને કારણે રુખમાબાઈના વિરોધમાં ચુકાદો આપ્યો. રુખમાબાઈએ જેલમાં જવાની તૈયારી દેખાડી અને સાથે જ ક્વીન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ક્વીન વિક્ટોરિયાએ આ કેસમાં હસ્તક્ષેપ કરીને કોર્ટના ચુકાદાને મોકૂફ રાખ્યો અને રુખમાબાઈને લગ્નમાંથી મુક્ત કર્યાં. ૧૮૮૮માં દાદાજીને બે હજારનું કૉમ્પેન્સેશન આપીને રુખમાબાઈનો છુટકારો થયો અને તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો.

કાયદો ઘડાયો


રુખમાબાઈના આ કેસને કારણે સૌથી મોટું પરિવર્તન કોઈ આવ્યું તો એ હતું બ્રિટિશ સરકારે એ સમયથી ‘એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ-૧૮૯૧’ પાસ કર્યો જેના અંતર્ગત બ્રિટિશરાજમાં બાળવિવાહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ મહિલાના પ્રતાપે અને તેણે મહિલાના દૃષ્ટિકોણથી વિવિધ અખબારોમાં લખેલા લેખને પ્રતાપે પરિણામ એ આવ્યું કે આખા દેશમાં બાળવિવાહ, લગ્ન વખતે સ્ત્રીઓની પસંદગી અને સ્ત્રીઓના અધિકારો પર સમાજને વિચારવા માટે વિવશ કરવામાં આવ્યો હતો. રુખમાબાઈના કેસે દેશ-વિદેશમાં સ્ત્રીઓની સ્થિતિ અને અધિકારોની બાબતમાં એક ગજબનાક વંટોળ ઊભો કર્યો હતો, જેનું જ પરિણામ હતું કે બ્રિટિશરોએ પોતાના કૉન્સ્ટિટ્યુશનમાં કાયદો બનાવવાની ફરજ પડી હતી.

ruk3

ડૉક્ટર બનવા સુધીની મજલ

પિતાના માર્ગદર્શન હેઠળ ભણતાં-ભણતાં રુખમાબાઈની પ્રતિભા ખીલી રહી હતી અને હવે તેમણે ડૉક્ટર બનવાનો નિર્ણય કરી લીધો હતો, જેના માટે તેમને બૉમ્બેની કામા હૉસ્પિટલના ડાયરેક્ટરે મદદ કરી હતી. ૧૮૮૯માં તેઓ લોકોએ તેમના અભ્યાસ માટે ભેગા કરેલા ફન્ડ દ્વારા લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં ભણવાં ગયા. ૧૮૯૪માં એડિનબર્ગ, ગ્લાસગો અને બ્રસેલ્સમાં ટ્રેઇનિંગ લીધા પછી ગ્રૅજ્યુએટની ડિગ્રી મેળવીને તેઓ મુંબઈ પાછાં આવ્યાં. રુખમાબાઈએ સુરતમાં ચીફ મેડિકલ ઑફિસરનું પદ સંભાળ્યું. દુખની વાત તો એ હતી કે પાછાં આવ્યાં પછી પણ સમાજના કેટલાક રૂઢિચુસ્તોએ રુખમાબાઈનો વિરોધ ચાલુ રાખ્યો અને તેમનો બહિષ્કાર કર્યો. તેઓ પહેલાં દેશનાં મહિલા ડૉક્ટર હતાં જેઓ પ્રૅક્ટિશનર હતાં. ૩૫ વર્ષ સુધી ડૉક્ટર તરીકે પોતાની ફરજ બજાવી અને છેક સુધી તેઓ સમાજના રિવાજો અને પરંપરાઓ વિરુદ્ધ લખતાં રહ્યાં. ૯૧ વર્ષની ઉંમરે ૧૯૫૫માં તેમનો દેહાંત થયો ત્યાં સુધી. આ લેજન્ડરી લેડીએ સમાજ આખાનો વિરોધ વહોરવામાં સંકોચ ન દેખાડ્યો અને સમાજની ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો. તેમના આ સંઘર્ષને પુસ્તકો અને ફિલ્મો દ્વારા પણ સલામી અપાઈ ચૂકી છે.  સ્ત્રીઓની સંવેદનાઓને વાચા આપીને તેમના અધિકારો માટે લડવાનું કૌવત દેખાડનારી સાચા અર્થમાં શક્તિસ્વરૂપ એવી આ મહિલાને શત-શત પ્રણામ.

ગયા વર્ષે દેશની પહેલી મહિલા પ્રૅક્ટિશનર ડૉક્ટર રુખમાબાઈના જીવનચરિત્ર પર આધારિત એક મરાઠી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અનંત મહાદેવને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં ઍક્ટ્રેસ તનિશા ચૅટરજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બાળવિવાહને અસ્વીકાર કરવામાં કોર્ટે ચડીને વિશ્વભરમાં જાણીતાં બનેલાં અને એ પછી ડૉક્ટર બનેલા રુખમાબાઈના જીવનની બે મહત્વની ઘટનાનું ચિત્રણ કરાયેલી તસવીર.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK