રાત્રે સાડાત્રણ વાગ્યે હું એકલી અમદાવાદ સ્ટેશન પર ઊતરી ગયેલી પગમાં ચંપલ કે પૈસા વિના

પરિવારને મનાવવાના અઢળક પ્રયાસો નિષ્ફળ ગયા હતા. મનમાં હતાશા હતી, મરી જવાના વિચારો આવતા હતા એ સમયે રસ્તો ક્યાંથી ને કેવી રીતે શોધ્યો આ કપલે એની રસપ્રદ દાસ્તાન પ્રસ્તુત છે અહીં

couple

રુચિતા શાહ

જુદા ધર્મ, જુદી જ્ઞાતિ કે જુદા પ્રાંત હોવાને કારણે પરિવાર પ્રેમલગ્નને સ્વીકૃતિ ન આપે એવું તમે અઢળક વાર સાંભળ્યું હશે; પણ આમાંનો એકેય ભેદ ન હોય છતાં પરિવારજનો સંબંધ માટે હા ન પાડે અને પ્રેમી યુગલે નાછૂટકે પરિવારથી છુપાઈને લગ્ન કરવાં પડે એવી ઘટનાઓ પણ બનતી હોય છે. અત્યારે મુલુંડમાં રહેતાં ઉદિતા સતરાના પિતા અને ઘાટકોપરમાં તે જેમના પ્રેમમાં પડ્યાં એ રાહુલ ડાઘાના પિતા વચ્ચે સારી દોસ્તી હતી. બન્ને પરિવાર એકબીજાને ત્યાં યોજાતા પ્રસંગોમાં આવ-જા કરતો. એવામાં અનાયાસ ઉદિતાની મુલાકાત રાહુલ સાથે થઈ. રાહુલના પિતાની ગાર્મેન્ટની દુકાન હતી અને ત્યાંથી ઉદિતા નિયમિત શૉપિંગ કરતી, પણ એક દિવસ તેના પિતા દુકાનમાં હાજર ન હોવાથી તેમણે રાહુલને આ કામ સોંપ્યું. ઉદિતા અને રાહુલની આ પહેલી મુલાકાત હતી. એ મુલાકાત પછી પ્રેમની એક જુદી જ દાસ્તાન લખાઈ, જે આગળ રજૂ થઈ રહી છે.

ગમવા લાગ્યા

પહેલી મુલાકાતના એ સમયને યાદ કરતાં ઉદિતા કહે છે, ‘હું રાહુલનાં બહેનનાં લગ્નમાં પણ ગઈ છું. જોકે ત્યાં સુધી મને ખબર નહોતી કે તેને કોઈ ભાઈ પણ છે. પહેલી વાર રાહુલને જોયો તો બધું નૉર્મલ હતું. એ પછી તેની ફેસબુક પર ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી જે પણ મેં યુઝ્અલ સેન્સમાં જ ઍક્સેપ્ટ કરી હતી. પછી વી ચૅટ પર અમારી વાત ચાલુ થઈ અને રોજ ગુડ મૉર્નિંગના મેસેજથી સિલસિલો શરૂ થયો. ક્યારેક મેસેજ ન થાય તો તે વિહ્વળ થઈ જાય. મારો ઑગસ્ટમાં બર્થ-ડે હતો એના બે દિવસ પહેલાં મારો ફોન બંધ હતો અને પછી બર્થ-ડેના દિવસે જ તેણે મને પ્રપોઝ કર્યું. હું એ સમયે નિર્ણય લઈ શકું એમ નહોતી. મેં ના પાડી અને પછી સમય જોઈએ છે કહીને વાત ટાળી દીધી. હું તેને ખૂબ સારો ફ્રેન્ડ માનતી હતી અને હું તેની સાથે ફ્રેન્ડશિપ બગાડવા નહોતી માગતી. એ પછી ઘણી વાર ઇન્ડાયરેક્ટ્લી મને પૂછી લેતો. મને યાદ છે કે જન્માષ્ટમી હતી અને મેં રાધાકૃષ્ણનું Dભ્ મારા વૉટ્સઍપ પર મૂકેલું તો તે મને કહે કે તું બિલકુલ રાધા જેવી લાગે છે, મને તારો કૃષ્ણ બનાવી લેને. એ સમય સુધી હું પણ તેને પસંદ કરવા લાગી હતી અને મેં તેને હા પાડી. એ પછી નવેમ્બરમાં અમે દસ દિવસ માટે સાથે સમેતશિખરજીની એક સામૂહિક યાત્રામાં ગયાં હતાં. ત્યાં માત્ર આઇ-કૉન્ટૅક્ટને કારણે અમારું રિલેશન એની મેળે જ ડેવલપ થતું ગયું હતું.’

ભાંડો ફૂટ્યો

બન્ને પક્ષે હવે આગ લાગી ચૂકી હતી એમાં સામૂહિક પ્રવાસે તેમને અનાયાસ એકબીજાથી જોડાઈ જવા માટે તેલ પૂરવાનું કામ કર્યું હતું. જોકે એ દરમ્યાન બીજી પણ એક ઘટના ઘટી, જેણે આ પ્રેમીઓ માટે જીવવું દુષ્કર કરી નાખ્યું. એ પ્રવાસમાં બીજી પણ એક છોકરી હતી જે મનોમન રાહુલને પસંદ કરવા લાગી હતી. બધા જ એક જ ગામના હતા એટલે બધા એકબીજાને ઓળખતા હતા. તેને એ સમયે રાહુલ અને ઉદિતા વચ્ચેના રિલેશનની ખબર નહોતી, પણ પ્રવાસ પૂરો થયા પછી તેણે રાહુલ સમક્ષ પોતાના મનની વાત કરી ત્યારે રાહુલે ખુલાસો કરવો પડ્યો અને કહેવું પડ્યું કે તે પહેલેથી જ કોઈકના પ્રેમમાં છે. એ યુવતી ખૂબ ગિન્નાઈ ગઈ હતી. બધા જ્યારે મુંબઈ પાછા ફર્યા ત્યારે પહેલી વાર રાહુલ અને ઉદિતા એકબીજાને પ્રેમી તરીકે મYયાં હતાં અને આખો દિવસ સાથે ફર્યા હતાં. એ દિવસે પેલી યુવતીએ આ પ્રેમી પંખીડાંને નિહાળી લીધાં અને રસ્તે ચાલતા રાહદારી પાસેથી ફોન લઈને અસલ ફિલ્મી અંદાજમાં ઉદિતાના પિતાને ફોન લગાવ્યો અને કહ્યું કે તમારી દીકરી શું ચક્કર ચલાવી રહી છે એના પર ધ્યાન રાખો અને સાથે જ રાહુલ કૅરૅક્ટરલેસ છોકરો છે એમ કહીને તેમને સાવધ થઈ જવા કહ્યું.

હવે શું? ચુપકે-ચુપકે મળતા આ પ્રેમીઓના જીવનમાં આફત આવવાની શરૂ થઈ ગઈ. ઉદિતા કહે છે, ‘ઘરે તોફાન થયું હતું. પપ્પાના મિત્રનો જ છોકરો છે એની ખબર હોવા છતાં ઘરમાંથી કોઈ આ સંબંધ માટે તૈયાર નહોતું. રાહુલના પરિવારની નબળી આર્થિક સ્થિતિ એ પાછળનું પહેલું કારણ અને બીજું, મારા પિતા આ સંબંધ જોડાવાને કારણે પોતાની મિત્રતા તૂટે એવું પણ નહોતા ઇચ્છતા. એ દિવસથી મારો મોબાઇલ લઈ લેવામાં આવ્યો અને મને નજરકેદમાં રાખવામાં આવી. હજી હું કૉલેજના બીજા વર્ષમાં જ હતી એટલે ભણવાનું ચાલુ હતું. જોકે મારા કૉલેજના ટાઇમિંગથી લઈને મારી પૉકેટમની પર આકરી નજર રાખવામાં આવતી.’

couple1

વાત કરી લેતાં

બળજબરી પ્રેમીઓને વધુ નજીક લાવતી હોય છે. આ કેસમાં પણ આવું જ થયું. ઉદિતા કહે છે, ‘ક્યારેક હું લેક્ચર બંક કરીને રાહુલને મળતી. મારી કૉલેજ પાસે એક PCOવાળાને મહિનાના બે હજાર રૂપિયા આપીને અમારો સંપર્ક રહે એવી વ્યવસ્થા રાહુલે કરી હતી. આ PCOમાંથી હું ફોન કરતી અને રાહુલ ફોન કરતો તો એ મેસેજ ટેલિફોનવાળો મને આપી દેતો. આ રીતે સંઘર્ષ ચાલતો હતો એ દરમ્યાન ઘરમાં પણ પરિવારને મનાવવાના પ્રયત્નો ચાલુ હતા, પણ કોઈ પૉઝિટિવ રિસ્પૉન્સ ન મળ્યો. ધીમે-ધીમે બધાને ખબર પડી ગઈ હતી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે બે-ત્રણ વાર ફૅમિલીના બધા સભ્યો પણ ભેગા થયા, પણ કોઈ રીતે તેમણે આ સંબંધનો સ્વીકાર ન કર્યો. પોતે મરી જવાની અને અમને બધી રીતે હેરાન કરવા સુધીની ધમકીઓ પણ આપી દીધી હતી. અમે બન્ને હતાશ હતાં. શું કરવું એની ખબર નહોતી પડતી.’

સાહસ આવી ગયું

એ દરમ્યાન ઉદિતાને તેના અંકલના ઘરે કચ્છ લઈ જવામાં આવી. તે કહે છે, ‘મારા પપ્પાના મોટા ભાઈને મળવા અને મને તેમના થકી મનાવવા માટે મને કચ્છમાં લઈ જવામાં આવી હતી. એ વખતે પરિવારના બીજા વડીલો વચ્ચે પણ અમારા રિલેશન વિશે ડિસ્કશન થયું હતું અને મને અંદાજ આવી ગયો હતો કે હવે મુંબઈ ગયા પછી મારી હાલત હજી વધુ કફોડી થવાની છે. મને મારા ઘરને બદલે મારા મોટા પપ્પાની જૉઇન્ટ ફૅમિલીમાં રાખવાની ચર્ચા હતી. હવે હું ડરી ગઈ હતી. મનમાં આના સિવાય એકેય વિચાર નહીં. સતત ડર લાગતો હતો. મરી જવાના વિચારો પણ આવતા હતા. અમે કચ્છથી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે અમદાવાદ સ્ટેશન પર અમારી ગાડી ઊભી હતી. મને એટલો અંદાજ હતો કે અમદાવાદ ગાડી પચીસ મિનિટ ઊભી રહે છે. બધા જ સૂતા હતા અને હું જાગતી હતી. ટ્રેન ઊપડવાની તૈયારી હતી અને કોણ જાણે મને શું સૂઝ્યું ને હું રાતના સાડાત્રણ વાગ્યે ટ્રેનમાંથી ઊતરી ગઈ. પગમાં ચંપલ નહોતાં, પાસે પૈસા નહીં અને ફોન તો ખૂબ પહેલાં જ પરિવારે મારી પાસેથી લઈ લીધો હતો. હું સ્ટેશન પર ઊભી હતી અને મારી સામેથી ટ્રેન પસાર થઈ ગઈ. હવે એ સીન યાદ કરું છું તો ડર લાગે છે, કારણ કે એકલી છોકરી હોવાને નાતે મારી સાથે કંઈ પણ થઈ શક્યું હોત. ટ્રેન પસાર થઈ ગઈ પછી આજુબાજુમાં જોવાનું શરૂ કર્યું. મારું ધ્યાન ગયું એક આઇસક્રીમ-પાર્લર પર. એક બહેન ત્યાં બેઠાં હતાં. મેં તેમને જઈને કહ્યું કે આન્ટી, હું પાણી લેવા નીચે ઊતરી અને મારી ટ્રેન છૂટી ગઈ. પ્લીઝ, મને ફોન આપો. મારી પાસે કંઈ જ નથી. મેં સીધો રાહુલને ફોન કર્યો. મારા આ કારસ્તાન પર પહેલાં તો રાહુલ ખૂબ જ ભડકી ગયો. તેને મારી ચિંતા થતી હતી. તેણે પેલાં આન્ટી સાથે વાત કરીને મને ત્યાં જ રાખવા કહ્યું અને બીજી બાજુ તેણે અમદાવાદમાં જ તેના બિઝનેસમાં એક અસોસિએટ એજન્ટને અડધી રાત્રે પૈસા લઈને મારી પાસે મોકલ્યો. એ પછી તેણે મને નેક્સ્ટ મુંબઈની ટ્રેનમાં જ લેડીઝ ડબ્બામાં બેસાડી દીધી.’

તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયે ઉદિતા પાસે ફોન નહોતો તેમ છતાં તેણે આજુબાજુવાળા પાસેથી લઈને લગભગ ૬૫ ફોન રાહુલને કર્યા હતા. એ પછી રાહુલે પોતાના કઝિનને વાપી મોકલે છે એમ કહીને તેને વાપી ઊતરી જવા કહ્યું. ત્યાં પણ તેને એક દુકાનવાળાં બહેન મળી ગયાં, જેમની સાથે જઈને તેણે પોતાના માટે ચંપલ ખરીદ્યાં. એ દરમ્યાન રાહુલ તેના કઝિન સાથે વાપી પહોંચ્યો. બધા સાથે જમ્યા અને મુંબઈ આવ્યા. એ દરમ્યાન ઉદિતાના પરિવારજનોએ ઊથલપાથલ મચાવી હતી. તેમણે રાહુલને પણ ઘણા ફોન કરી લીધા હતા. ખૂબ જ આક્રમકતા સાથે આવી રહેલા ફોનકૉલ્સમાં છેલ્લે તેમને ખબર પડી કે ઉદિતા મુંબઈ પહોંચી છે અને તે રાહુલના કઝિનના ઘરે છે એટલે તેને મનાવવાના પ્રયત્ન શરૂ થયા. જોકે તે ન માની. કોર્ટ-મૅરેજ કરાવો તો જ હું પાછી આવીશ. ઉદિતા કહે છે, ‘એ સમયે મારી પાસે ડૉક્યુમેન્ટ્સ નહોતા એટલે અમારી રીતે લગ્ન કરવાં શક્ય નહોતાં. જોકે અનાયાસ રાહુલના ફોનમાંથી મારું એક આઇડેન્ટિટી કાર્ડ મળી ગયું. અમે કોર્ટ-મૅરેજ કરી લીધાં. રાહુલના પરિવારે આ સંબધને ખૂબ પહેલાં સ્વીકારી લીધો હતો એટલે લગ્ન કરવામાં એ રીતે વધુ તકલીફ ન થઈ. ઘણી ધમાલ પછી લગ્ન થયાં અને અમે માથેરાનનું કહીને ગોવા હનીમૂન પર ઊપડી ગયાં. એમાં પણ કેટલાક પૉલિટિશ્યનને સામેલ કરવામાં આવ્યા. છેલ્લે મામલો શાંત પડ્યો.’

હવે આ કપલનાં લગ્નને અઢી વર્ષ થઈ ગયાં છે. બન્ને હૅપિલી મૅરિડ છે. જોકે પરિવારના સભ્યો હજીયે માન્યા નથી. તેઓ માની જાય એના માટે ઉદિતાએ ખૂબ પ્રયત્નો કર્યા છે અને હજી પણ બધા રાજીખુશી તેમનાં લગ્નને સ્વીકારી લે એવી પ્રાર્થના તે ભગવાનને કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy