ઉડતે ઉડતે ઇક બાત આયી હૈ

બીજાની ખબર રાખવામાં અને ખણખોદ કરવામાં જો વ્યક્તિને આનંદ આવતો હોય તો એ પંચાતિયા લોકોથી ખરેખર સાવધ રહેવું જોઈએ. એવા લોકો સામે મળે તો જોયું-ન જોયું કરી ચાલતા થવામાં કોઈ ગુનો નથી

serial

સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

‘શું તમારી પાસે હવા મારવાનું મશીન છે?’ બિલ્ડિંગની લિફ્ટમાં મળેલાં એક આન્ટીએ મને પૂછ્યું. હવા મારવાનું મશીન એટલે શું? આ પ્રશ્નની કલ્પનામાં હું ખોવાઈ ગઈ. ફરી એ જ પ્રશ્ન આવ્યો અને મેં સામો પ્રશ્ન કર્યો કે હવા મારવાનું મશીન કેવું હોય? હું કંઈ સમજી નહીં. તરત આન્ટી બોલ્યાં કે ‘અરે વાળ સૂકવવાનું મશીન.’

મેં પૂછ્યું, ‘ઓહ! અચ્છા, તમે હેરડ્રાયરની વાત કરો છો?’ તેમણે હા પાડી. આન્ટીને ડ્રાયર બોલતાં નહોતું આવડતું એટલે હવા મારવાનું મશીન એમ કહ્યું. ત્યારથી મેં તેમનું નામ હવાબાણ આન્ટી રાખ્યું છે.

આન્ટી સખત પંચાતિયાં. આખા બિલ્ડિંગના દરેક ઘરમાં શું ચાલે છે એની ઇન્ફર્મે‍શન તેમની પાસે હોય. પાકાં રિપોર્ટર. કદાચ બેસ્ટ રિપોર્ટરનો અવૉર્ડ લઈ જાય એટલાં પાકાં. સાંજે બીજી બહેનપણીઓ સાથે બિલ્ડિંગના ઓટલે બેસી અલકમલકની વાતો કરે. જોકે તેમનું અલકમલક એટલે તેમનું જ બિલ્ડિંગ. પાંચ મિનિટમાં તો તમારું પાંચ મહિનાનું શેડ્યુલ જાણી લે. પગથી લઈ માથા સુધી તેમની આંખો આપણને નિહાળતી હોય ત્યારે જાણે બ્રહ્માંડ દર્શન કરતી હોય એવું લાગે. તમે ફેક સ્માઇલ આપો, જવાબ આપો અને પછી છૂટવાનો પ્રયતïન કરો.

આપણને કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિમાં ઈશ્વરનાં દર્શન કરો. પણ આવાં આન્ટીમાં પંચાતિયા ઈશ્વરનાં દર્શન કરવાં જરા મુશ્કેલ પડે. આપણા સ્વભાવને અનુકૂળ ન આવતી વ્યક્તિઓથી આપણને ચીડ થવા લાગે. જ્યારે આપણે આપણો સ્વભાવ ઑબ્ઝર્વઅ કરીએ ત્યારે જાણ થાય કે તેમનામાં તો પંચાત કરવાનો પ્રૉબ્લેમ છે જ, પણ આપણામાં તેમને ટ્રીટ ન કરી શકવાનો પ્રૉબ્લેમ છે. પંચાત કરવી તેમનો સ્વભાવ છે. તે તેમના સ્વભાવ પ્રમાણે વર્તે છે. પંચાત આપણને માફક નથી આવતી એટલે આપણને એ રૉન્ગ લાગે છે. (બીજાની સિચુએશન પર રાજી થનાર પંચાતણી વ્યક્તિ સો ટકા રૉન્ગ જ છે.) આ થયો પંચાતણી વ્યક્તિનો એક પ્રકાર.

પ્રતિકૂળ પરિસ્થિતિ અને પ્રતિકૂળ લોકોનો આપણા સ્વભાવને ઘડવામાં મોટો ફાળો હોય છે. આ એક સત્ય છે. દરેક આપણા જેવી જ વિચારસરણીવાળા તો કેવી રીતે હોઈ શકે? આપણા વિચારો સાથે મૅચ ન થતા લોકો વિશે નેગેટિવ ધારણા બંધાઈ જાય. જેટલું જલ્દી આવા નેગેટિવ વિચારો ખંખેરી નાખીએ એટલું સારું નહીં તો દિવસ દરમ્યાન એ નેગેટિવ વિચારોની અસર આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક પડતી જરૂર દેખાય.

બીજા લોકો માટેની નેગેટિવિટી આપણા સ્વભાવને અસર કરે છે. ન ગમતી વ્યક્તિ સામે મળી જવાથી મનમાં ને મનમાં તેમના માટે ગુસ્સો, ખરાબ વિચારોનો ભરાવો થાય અને એ પછી બીજે ઠલવાય. આપણે કોઈ સંત નથી કે નેગેટિવ વિચારો આવે જ નહીં. આવે ચોક્કસ આવે, પણ જેટલું બને એટલું જલદી એમાંથી બહાર આવી જવું પડે. આપણો મૂળ સ્વભાવ વાગોળવાનો હોય તો આપણે જ ગોળ-ગોળ અટવાતા જઈએ.

પંચાતિયાં આન્ટીઓ આપદાના સમયે પાછાં આગળ પડતાં કામ કરતાં હોય છે. તેમના એટલાબધા કૉન્ટૅક્ટ્સ હોય કે ફટાફટ કામ થવા લાગે એવા કિસ્સાઓ પણ છે. મુંબઈમાં વરસાદનું તાંડવ હોય કે બૉમ્બનું, જરૂરિયાતમંદને મદદ પહોંચાડવા દોડી-દોડીને કામ કરતાં દેખાય આ પંચાતિયાં આન્ટીઓ. તેમના સ્વભાવની આ પૉઝિટિવિટી. કદાચ આ જ મુંબઈની તાસીર છે. વિવિધતામાં એકતાની વાત ધર્મ કરતાં નીયતની વધારે છે. કુદરતી આફતના સમયે દરેક વ્યક્તિ સમાન બની જાય છે.

જોકે પંચાત એક પ્રકારની કુટેવ જ છે. ઍટ લીસ્ટ આપણે એનાથી દૂર રહેવું જોઈએ. બાકી પંચાત કરનારા લોકોને સુધારવાનું આપણું કામ નહીં. એટલે તેમની સાથે લટકતી સલામ જ રાખવી. આવી વ્યક્તિઓ સામે મળે ત્યારે તેનો સામનો પણ કરવો જોઈએ. દરેક બિલ્ડિંગમાં એક ‘હવાબાણ આન્ટી’નાં જરૂર દર્શન કરવા મળે. તેમની પાસે કથાઓનો ભંડાર હોય. અમુક એમાંથી વિકૃત આનંદ માણતા હોય. કોઈના ઘરની પ્રતિકૂળ પરિસ્થિતિથી ખુશ થતા હોય. એવા લોકો સામે મળે તો જોયું-ન જોયું કરી ચાલતા થવામાં કોઈ ગુનો નથી.

આ પંચાતણી વ્યક્તિનો બીજો પ્રકાર કહેવાય. આવા લોકો બહુ ડેન્જરસ હોય છે. બીજાની ખબર રાખવામાં અને ખણખોદ કરવામાં જો વ્યક્તિને આનંદ આવતો હોય તો એ પંચાતિયા લોકોથી સાવધ રહેવું જોઈએ નહીં તો આપણી ઘોર ખોદવામાં તેમને જરાય વાર નહીં લાગે. તેમને સુધારવાનું આપણું ગજું નહીં. ત્યારે એક વાત ચોક્કસ છે કે આવી વ્યક્તિઓનો ગ્રોથ રૂંધાયેલો જોવા મળે. તેમના ચહેરા પર બીજા માટેની ઈર્ષા છલકાતી દેખાય. બીજાના જીવનમાં ડોકિયું કરવામાં તેમણે પોતાનું જીવન એટલું સંકુચિત બનાવી દીધું હોય કે તેમના પોતાના જીવનનાં ખાસ ઠેકાણાં ન હોય. આટલી એનર્જી‍ પોતાના કે પરિવારના ગ્રોથ માટે લગાડી હોય તો કદાચ તેમને ખણખોદ કરવા ઓટલે બેસવાનો વારો ન આવ્યો હોત.

બિલ્ડિંગના ઓટલે સાંજે અમુક વૃદ્ધો બેસવા આવે તો એ લોકો પંચાત કરે છે એમ ન કહી શકાય. તે પોતાના ઘડપણની સૂકી મોસમમાં જરાક વાંછટ ઉમેરવા આવતા હોય. પોતાના પરિવાર માટે આખી જિંદગી ઘસી નાખતા એ વડીલોને સલામ છે. મંદિરના ઓટલેય દેખાતા આ વડીલોને તેમની રીતે જીવવા દેવાના. અમુક આમાં અપવાદ હોઈ શકે તોય શું! કેટલીક વાતો અને લોકોને નજરઅંદાજ કરવાથી આપણો જીવવાનો અંદાજ બદલાઈ જાય છે.

ખબરઅંતર પૂછવા અલગ વાત છે. એમાં બીજાને મદદ કરવાની ભાવના હોય છે. પણ કેમ છો કરવામાં અંચઈ કરતી વ્યક્તિની નજર આપણા જીવનમાં ડોકિયું કરી ડબ-ડબ કરવાની ન હોવી જોઈએ.

તમારી આસપાસ કોઈ પંચાતિયા લોકો છે કે? જરા ઑબ્ઝર્વ કરજો. એ કયા પ્રકારના પંચાતિયા છે એનું નિરીક્ષણ કરજો. તેમનું સામે મળવું કનડતું હોય તો તરત આપણા વિચારોને હેરડ્રાયર મારી ચાલતા થવું. આ જ ‘હવાબાણ’ એટલે કે ‘રામબાણ’ ઇલાજ છે.

ઉડતે ઉડતે ઇક બાત આયી હે

આપ કો હમસે ઝરૂર કોઈ પરેશાની હૈ!

જબ ભી મિલતે હૈં મુંહ મોડ લેતે હૈં,

મૌસમ કી તરહ આપ મેં બેરુખી છાયી હૈ

ઉડતે ઉડતે ઇક બાત આયી હૈ...

- સેજલ પોન્દા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy