જ્યારે ઑફિસ બની જાય ચિંતાનું કારણ

નિષ્ઠા સાથે પ્રોફેશનલ જવાબદારી નિભાવવી એ એક વાત છે, પરંતુ એમાં ક્યાંક તમારી માનસિક શાંતિ જોખમાતી હોય તો એ બાબતમાં અલર્ટ થઈ જવાનો સમય પાકી ગયો છે. એક સર્વે પ્રમાણે પચીસ ટકા લોકોમાં માનસિક બીમારીના મૂળમાં ઑફિસ જવાબદાર છે એવું સ્પષ્ટ થયુ છે ત્યારે ઑફિસ કલ્ચરમાંથી જન્મતા સ્ટ્રેસ અને એના ઉકેલ વિશે ચર્ચા કરીએ

depression

રુચિતા શાહ

મુંબઈના પ્રોફેશનલી ઍક્ટિવ લોકો જીવે છે ઓછું અને ઝઝૂમે છે વધારે. આઠ કલાકની ઑફિસ-ડ્યુટી સાથે બેથી ત્રણ કલાકનું ટ્રાવેલિંગ કર્યા પછી તેમને તેમની જાત માટે કંઈ કરવાનો સમય ભાગ્યે જ મળે એ સ્વાભાવિક છે. પરંતુ માત્ર આટલી બાબત તેમના માનસિક તંત્રને હચમચાવવાનું કામ કરે છે એવું જો તમે માનતા હો તો એ સાચું નથી. ઑફિસમાં કામ કરતા એમ્પ્લૉઈમાં આજકાલ માનસિક રોગોનું પ્રમાણ વધ્યું છે એવો સર્વે ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ મેલબર્નના સંશોધકોએ કર્યો છે. આપણે ત્યાંના નિષ્ણાતો અહીંના લોકો માટે પણ આ સર્વે યથાર્થ ગણે છે. એનો અર્થ એવો થયો કે આ પ્રશ્ન અત્રતત્રસર્વત્ર સમાન છે. લાંબા કામના કલાકો, ખૂબ ચુસ્ત ડેડલાઇન, ઘરેથી આવવા-જવાના લાંબા કલાકો જેવી બાબતોથી વર્કિંગ પ્રોફેશનલ્સ માનસિક રીતે અસ્વસ્થ બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા પ્રમાણે ભારતમાં સૌથી વધુ ડિપ્રેશનના દરદીઓ છે અને એની તુલનાએ માનસિક રોગોનો ઇલાજ કરનારા લોકો ઓછા છે. હવે જ્યારે વ્યક્તિ ઘર કરતાં વધુ સમય ઑફિસમાં પસાર કરે છે ત્યારે ઑફિસને કારણે આવતા મેન્ટલ પ્રૉબ્લેમ્સનાં કારણો અને એના માટેની સાવધાનીઓ વિશે જાણવું મહત્વપૂર્ણ બની રહે છે.

ઑફિસના ટાર્ગેટથી લઈને કલીગના આપસી બિહેવિયર પણ વ્યક્તિની માનસિક અવસ્થાને ડિસ્ટર્બ કરનારા હોય છે એ વાતને સમર્થન આપતો એક કિસ્સો વર્ણવતાં સાઇકોથેરપિસ્ટ અને કૉર્પોરેટ કાઉન્સેલર કીર્તિ બક્ષી કહે છે, ‘અઢળક કિસ્સાઓ હવે કૉર્પોરેટ સેક્ટરમાંથી આવી રહ્યા છે. હજી ગયા અઠવાડિયે જ એક છોકરી મારી પાસે આવેલી. સિવિયર ડિપ્રેશનમાં છે અને હવે તેણે કામ પર જવાનું બંધ કરી દીધું છે. પહેલાં તે એક ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કરતી હતી. ન્યુ જૉઇની હોવાને કારણે અન્ય કલીગ તેની સાથે વાત નહોતા કરતા. પોતે વધુ શાર્પ હતી એટલે પણ બીજા લોકોમાં તે અદેખાઈનું કારણ બની હતી. પોતાની ટીમમાં ૧૫ જણના સ્ટાફના બધા જ સભ્યો એક થઈ ગયા હતા અને તેને એકલી પાડીને તેને માનસિક રીતે ટૉર્ચર કરી રહ્યા હતાં. તેને એકલી મૂકીને આઉટિંગના પ્રોગ્રામ થાય, સાથે બધા જમવા જાય અને તેને હાડોહાડ ઇગ્નૉર કરવામાં આવે. તેમના ડિપાર્ટમેન્ટના હેડ તરફથી પણ આ વર્તન ચાલુ થયું અને પારાવાર મેન્ટલ ટૉર્ચર સહન કર્યા પછી તેણે પોતાના HR ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેઇન્ટ કરી. તેની કમ્પ્લેઇન્ટ પર ધ્યાન આપીને HRએ કેટલાકને બોલાવીને વાતચીત કરી, પણ એનું પરિણામ કંઈ ન આવ્યું. તે ધીમે-ધીમે ડિપ્રેસ થવા માંડી અને તેણે કંપની છોડી દીધી. બીજી જગ્યાએ જૉબ માટે લાગી, પરંતુ આ અનુભવે તેને માનસિક રીતે એટલીબધી હેરાન કરી હતી કે તે ત્યાં બરાબર કામ ન કરી શકી. આખરે તેને કાઉન્સેલરની મદદ લેવી પડી.’

કીર્તિ બક્ષીના મતે ઑફિસમાં ચાલતા ગ્રુપિઝમ અને પૉલિટિક્સની વ્યક્તિની ઇમોશનલ સ્ટેટ પર વધુ ઊંડી અસર પડે છે. વર્કલોડ અને વર્કપ્રેશરનું સ્ટ્રેસ હજી વ્યક્તિ હૅન્ડલ કરી લે છે, પરંતુ આ પ્રકારની વર્તણૂકને કારણે તે વધુ તનાવગ્રસ્ત બને છે. આજકાલની ઑફિસમાં વ્યક્તિની પીઠ પાછળ તેની હાંસી ઉડાવવી, અસભ્ય વાતો કરવી, બૉસની કાનભંભેરણી કરવી જેવી બાબતો સામાન્ય બનતી જાય છે એમ જણાવીને તેઓ કહે છે, ‘મોટે ભાગે મૅનેજમેન્ટને આ બધી બાબતમાં રસ નથી હોતો. કોઈ પણ મૅનેજમેન્ટ સૌથી પહેલાં પોતાનો સ્વાર્થ જોતી હોય છે જ્યારે પણ આ પ્રકારની ફરિયાદ આવે. જો મોટા પદની વ્યક્તિ વાંકમાં હોય અને ફરિયાદ નાના લેવલની વ્યક્તિએ કરી હોય તો ન્યાયપૂર્ણ નિર્ણય લેનારા HR પણ ઓછા છે એટલે લોકો મનમાં ને મનમાં જ આ પરિસ્થિતિ ભરીને રાખતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ટાર્ગેટ થાય એ ઉપરાંત બૉસના ટેમ્પરામેન્ટ, ટીમ-સ્પિરિટનો અભાવ, ટ્રાવેલિંગ દરમ્યાન ભોગવવી પડતી હાડમારી, કામને પૂરતા પ્રમાણમાં રેકગ્નિશન ન મળતું હોય જેવી સ્થિતિ પણ માનસિક તાણ વધારવાનું કામ કરતી હોય છે.’

આ જ વાતનુ બીજું એક મહત્વનું પાસું વ્યક્ત કરતા કૉર્પોરેટ ટ્રેઇનર તરીકે સક્રિય હરિ મેનન કહે છે, ‘આજના સ્પર્ધાત્મક માહોલમાં પ્રોફેશનલી સર્વાઇવ કરવાનું અઘરું બનતું જાય છે. એક જ વ્યક્તિ પર અઢળક જવાબદારીઓ છે. એક તરફ જ્યાં એમ્પ્લૉયર દ્વારા આપવામાં આવતા ઇમ્પૉસિબલ જેવા ટાર્ગેટનું દબાણ છે તો બીજી બાજુ પૈસા કમાવાની પરિવારની અપેક્ષાઓ છે, ક્યાંક પોતાની ક્ષમતા કરતાં આગળનું વર્કપ્રોફાઇલ હોવાને કારણે સતત જાતને ચૅલેન્જ કરતા રહેવાનું છે સાથે પોતાના કલીગની દેખાદેખીમાં પોતે પણ ગાડી, ઘર કે ફૉરેન ટ્રિપ કરવાની દોડમાં ટકી રહેવાનું છે; જેમાં ચ્પ્ત્નું નવું દબાણ પણ સ્ટ્રેસમાં ટ્રિગરનું કામ કરે છે. બીજું, વ્યક્તિના અંગત સંબંધોમાં જ્યારે તનાવ હોય ત્યારે તે પ્રોફેશનલી પણ નબળું પફોર્ર્મ કરે અને ફરી એક વાર બીજું નવું સ્ટ્રેસ જન્મે એમ સ્ટ્રેસ પણ વ્યાજ અને ચક્રવર્તી વ્યાજની ભૂમિકા ભજવતાં-ભજવતાં વધતું જતું હોય છે. આ ઉપરાંત ડિજિટલ ગૅજેટ્સે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે જે પણ પ્રોફેશનલ માટે સ્ટ્રેસ બૂસ્ટરનું કામ કરે છે. સામાન્ય રીતે સવારે નવ વાગ્યે ઘરની બહાર નીકળીને દિવસના સરેરાશ પાંચ કલાક ટ્રાવેલિંગ અને આઠ કલાક ઑફિસના આપ્યા પછી વ્યક્તિ રાતે ૧૧ વાગ્યે ઘરે પહોંચે ત્યારે તેની તમામ શક્તિ ખર્ચાઈ ગઈ હોય છે. એ પછી તેને બીજી કોઈ ઍક્ટિવિટીમાં સમય નથી મળતો એવું તેને લાગતું હોય છે. પરંતુ એ પછી પણ રાતે એક- દોઢ કલાક ફેસબુક અને વૉટ્સઍપ પર તે આપશે, મોડે સુધી ટીવી જોશે અને દલીલ પણ કરશે કે એમાં હું રિલૅક્સ થાઉં છું. આ રિલૅક્સ થવાની રીત જ નથી. મોબાઇલ અને ટીવીના બ્રાઇટ કલર્સ અને રેડિયેશન તમારી ઊંઘને ભગાડવાનું કામ કરે છે. આમાં રિલૅક્સેશન કે સાઉન્ડ સ્લીપ ક્યાંથી મળવાનાં? ટૂંકમાં કેટલીક પોતાની ખોટી આદતો પણ સ્ટ્રેસ વધારવાનું કામ કરી રહી છે.’

અહીં બીજા એક મહત્વના મુદ્દા તરફ ધ્યાન દોરતાં હરિ મેનન કહે છે, ‘વ્યક્તિના જીવનમાં ચાર મહત્વનાં ફૅક્ટર હોય છે - વર્ક, લવ, રેસ્ટ અને પ્લે. વર્ક એટલે કે તમારી પ્રોફેશનલ જવાબદારી, લવ એટલે તમારી અંગત વ્યક્તિઓ, મિત્રો અને પરિવારના સભ્યો. રેસ્ટ એટલે શરીરને અનિવાર્યપણે મળતું રિલૅક્સેશન અને આરામ અને પ્લે એટલે પોતાને ગમતી ઍક્ટિવિટીમાં આપવામાં આવતો સમય. જેને તમારા કામ સાથે, પૈસા સાથે કોઈ લેવાદેવા નથી એવી હૉબી, સ્પોર્ટ્સ કે રીડિંગ અથવા એક્સરસાઇઝ માટે અપાતો સમય પણ પ્લેમાં આવે. તમે જાતે વિચારો કે તમે તમારાં આ ચારેય ફૅક્ટરને બરાબર ન્યાય આપી શક્યા છો? તમે ચારેય માટે પૂરતો સમય ફાળવીને એને બૅલૅન્સ રાખવામાં સફળ નીવડ્યા છો? જો જવાબ ના હોય તો સમજજો કે સ્ટ્રેસ અને ડિપ્રેશનના વધતા રોગીઓમાં આગલું નામ તમારું પણ હોઈ શકે છે. ઘરે પહોંચ્યા પછી પણ મોડે સુધી તમે ઑફિસનું કામ લઈને બેસી રહેતા હો અને બાજુમાં બેસેલી પત્નીને સમય ન આપતા હો તો તમે જાત સાથે અને પરિવાર સાથે પણ અન્યાય કરી રહ્યા છો એ વાત ખાસ યાદ રાખજો.’

હવે શું કરીશું?

એક વાત સૌથી પહેલાં સમજી લો અને જાતને પણ સમજાવી દો કે તમે ઑફિસમાં કામ કરવા આવો છો અને એ તમે બરાબર કરો એ સૌથી વધુ મહત્વનું છે. બાકીની ન ગમતી તમામેતમામ બાબતને ઇગ્નૉર કરવાની ટ્રેઇનિંગ તમને ઘણાબધા મેન્ટલ ટ્રૉમાથી દૂર રાખશે. લોકો પોતાની સમજ, ઇન્સિક્યૉરિટી અને અદેખાઈને પોતાની રીતે રીઍક્ટ કરશે; પરંતુ એ રીઍક્શનનો જવાબ આપવામાં તમે તમારી માનસિક અને શારીરિક એનર્જીનો વ્યય ન કરો એટલું શાણપણ કેળવવું જોઈએ.

વર્ક, લવ, રેસ્ટ અને પ્લે - જીવનનાં આ ચાર મહત્વનાં ફૅક્ટર્સને પૂરતો ન્યાય આપો અને દરેક માટે સમય ફાળવો એ અનિવાર્ય છે.

પોતાના માટે પણ દિવસમાં કમ સે કમ એક કલાક ફાળવો અને તમને ગમતી પ્રવૃત્તિ કરો. આપણે ત્યાં ભારતીય કલ્ચરમાં મોટે ભાગે નાનપણથી સૅક્રિફાઇસ જ શીખવવામાં આવે છે, જેમાં વ્યક્તિએ પરિવાર માટે જાત ઘસી નાખવાની માનસિકતા સાથે જ બહાર પગ મૂકવાનો હોય છે. હવે એને બદલો અને થોડોક સમય પણ પોતાને પ્રાયોરિટી આપીને ફાળવો. પોતાને પ્રાયોરિટી ન આપવી એ સ્ટ્રેસનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે.

પોતાની જાતને રિન્યુ અને અપગ્રેડ કરતા રહેવી જરૂરી છે. તમે જે પણ પ્રોફેશનમાં છો એ પ્રોફેશનની જરૂરિયાત મુજબ અને તમારી પોતાની જરૂરિયાત મુજબ પણ થોડાક નવા કોર્સ, નવી ટ્રેઇનિંગ વગેરે લઈને જાતને જમાના સાથે રાખશો તો તમે ગંધાશો નહીં. દર વર્ષે તમે બેટર થયા કે નહીં એનો રિવ્યુ જાતે જ જાતને આપવો જોઈએ. નવું શીખશો અને તમે નવા થશો, નવો આત્મવિશ્વાસ ઉમેરાશે અને તમે વધુ બહેતર થશો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy