પર્ફેક્ટ પાર્ટનર બનાવવા માટે પર્ફેક્ટ પાર્ટનર બનવું પડે છે

પ્રેમલગ્ન હોય તો પણ ક્યાંક એકબીજાના સ્વભાવ, વિચારો, અભિગમ, દૃષ્ટિ, શોખ વગેરેના ફરક તો આવે જ છે. આ માટે બન્ને પક્ષે સમાધાન કે ઍડ્જસ્ટમેન્ટ આવશ્યક છે. અન્યથા ગાડી પાટા પરથી ઊતરી જવાની શક્યતા પાક્કી. જોકે આવું ન થાય એ માટે કરવા જેવા કેટલાક ઉપાયો છે. ચાલો આજે થોડી કપલ-સમસ્યા અને થોડા કપલ-ઉપાયો જોઈએ

ritesh geneilia

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

થોડા સમય પહેલાં રૂપેરી પડદે એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું ‘દમ લગા કે હઈશા’. હરિદ્વારના એક સાવ જ સામાન્ય પરિવારના સ્કૂલમાંથી જ ઉઠાડી મૂકવામાં આવેલા પુત્ર પ્રેમનાં લગ્ન ભણેલી-ગણેલી પરંતુ મેદસ્વી કન્યા સંધ્યા સાથે કરાવવામાં આવે છે. પ્રેમને સંધ્યા સામે કોઈ વાંધો નથી, પરંતુ તેની કાયા સામે ચોક્કસ છે. પોતાના મિત્રોની પાતળી પરમાર જેવી પત્નીઓ કે વાગ્દત્તાને જોઈ તે ઈર્ષાથી બળી મરે છે. વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આખરે પોતાની પત્નીને ઊંચકીને દોડવાની એક સ્પર્ધા તેમને નજીક લાવવામાં નિમિત્ત બને છે અને ઘીના ઠામમાં ઘી પડે છે. આજકાલની સો અને બસો કરોડ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોની સામે બૉક્સ-ઑફિસ પર માત્ર ત્રીસેક કરોડનો વકરો કરનારી આ ફિલ્મને નૅશનલ અવૉર્ડથી નવાજવામાં આવી હતી, જેનું કારણ હતું મધ્યમવર્ગીય પરિવારોમાં દુલ્હન પસંદ કરતી વખતે મહત્વનો ભાગ ભજવતી માનસિકતાઓનું ફિલ્મમાં કરવામાં આવેલું નિરૂપણ.

ભારતીય સમાજમાં આપણને હંમેશાંથી કહેવામાં આવે છે કે લગ્ન એ બે વ્યક્તિઓનું નહીં પરંતુ બે પરિવારોનું મિલન છે. પરિણામે એવી વ્યક્તિની પસંદગી કરવી જોઈએ જે ઘરને તોડે નહીં, જોડે. તેથી સંયુક્ત પરિવારો પોતાના ઘરમાં ગોઠવાઈ જાય એવી શાંત અને સમજુ કન્યા શોધવાનો પ્રયત્ન કરે છે. તો વળી હવેના સમયમાં કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા કેટલાક પરિવારો પોતાના દીકરા માટે ભણેલી-ગણેલી કમાઉ પુત્રવધૂ શોધવાનું પણ પસંદ કરવા લાગ્યા છે. બીજી બાજુ આજના યુવકોને કમરમાં હાથ નાખીને પાર્ટીમાં લઈ જાય તો મિત્રોની વચ્ચે પોતાનો વટ પડી જાય એવી રૂપકડી પત્નીની શોધ હોય છે. તો વળી કેટલાક બહાદુરો તો પહેલી વાર કોઈને જોતાં જ એટલા મંત્રમુગ્ધ થઈ જાય છે કે લગ્ન કરવા એક પગે તૈયાર થઈ જાય છે.

આ અને આવાં બીજાં અઢળક પરિબળોને પરિણામે આપણી આસપાસ જાતભાતનાં કજોડાં જોવા મળે છે. પાતળા સાથે કોઈ જાડું હોય છે, લાંબા સાથે કોઈ ઠીંગણું હોય છે, સ્ટાઇલિશ સાથે કોઈ સાવ સાદું હોય છે તો ભણેલા સાથે કોઈ અભણ જેવું હોય છે. પહેલાંના જમાનામાં લગ્નની પહેલી રાત સુધી વર-કન્યા એકબીજાને જોતાં પણ નહોતાં ત્યારે આવાં કજોડાં પોતાના નસીબને દોષ દઈને જીવનભર પડ્યું પાનું નિભાવી લેતાં. આગળ જતાં દોષનો ટોપલો પરિવારો પર ઢોળી દેવાની પ્રથા ચાલી. જોકે હવેની પેઢીનાં તો બાવાનાં બેય બગડ્યાં છે. પોતાની ભૂલ દેખાતી નથી અને વડીલોનો વાંક કાઢી શકાતો નથી. વળી તકલીફ માત્ર શારીરિક ઇનકમ્પૅટિબિલિટીની હોય તો-તો માણસ એક વખત ઍડ્જેસ્ટ કરવા તૈયાર થઈ પણ જાય છે, પરંતુ જ્યારે સમસ્યા માનસિક ઇનકમ્પૅટિબિલિટીની હોય ત્યારે એ રોજિંદા ધોરણે જીવનમાં ક્લેશ અને કંકાસનું કારણ બને છે.

પતિને પત્નીની સમયની બાબતમાં લાપરવાહી માફક નથી આવતી, પત્નીને પતિની વસ્તુઓ ગમે ત્યાં રખડતી મૂકી દેવાની આદત નથી ગમતી. પતિ પત્નીના શૉપિંગથી કંટાળી જાય છે, પત્ની પતિને હિસાબ આપી-આપીને થાકી જાય છે. આ સિવાય કોઈને બહુ બોલવા જોઈએ તો કોઈને માત્ર ખપ પૂરતું જ બોલવું માફક આવે. કોઈને મન વીક-એન્ડ એટલે હરવું-ફરવું અને મજા કરવી તો કોઈને મન વીક-એન્ડ એટલે ઘરમાં નહાયા-ધોયા વગર પથારીમાં પડ્યા-પડ્યા ટીવી જોવું. અરે, મારા પરિચિતમાં તો એક એવું પણ કપલ છે જેમાં પતિને બહારગામ ફરવા જવાનો જબરદસ્ત ચસકો છે અને પત્નીને બહારગામ જવાના નામમાત્રનો કંટાળો છે. મોટા ભાગે એવું જોવા મળે કે બહારગામ ફરવા જવા મળે એટલે પાર્ટનરના બધા દોષો ભુલાઈ જાય, પરંતુ આ બહેનને મન તો પતિનો બહારગામ ફરવા જવાનો શોખ માત્ર જ દોષ છે.

હવે તમે જ કહો કે આ બધાની વચ્ચે કોઈનો કેવી રીતે મેળ પડે? બલ્કે પોતાના માટે એક પર્ફેક્ટ પાર્ટનર શોધવામાં આજ સુધી કોઈનોય મેળ પડ્યો છે ખરો? આ લેખ વાંચનારો દરેક વાચક પોતાના હૃદય પર હાથ મૂકીને સાચું બોલે, શું તે પોતાના જીવનસાથીથી સંપૂર્ણપણે ખુશ છે? છે કોઈ એવું જેને પોતાના જીવનસાથી પ્રત્યે કોઈ જ ફરિયાદ, કોઈ જ ગિલા-શિકવા નથી? છે કોઈ માઈનો લાલ જે છાતી ઠોકીને કહી શકે કે તેનો લાઇફ-પાર્ટનર તેના માટે એકદમ પર્ફેક્ટ છે? (જો... જો...ખોટું બોલવાની તો જરાય ભૂલ ન કરતા. તમારા પાર્ટનર સાથે વાત કરીને તમારા દાવાની ફેરતપાસ કરવામાં આવશે.)

વાસ્તવમાં કોઈનું પણ જીવન પર્ફેક્ટ હોતું નથી, એને પર્ફેક્ટ બનાવવું પડે છે. એવી જ રીતે કોઈનો પણ પાર્ટનર સંપૂર્ણ પર્ફેક્ટ નથી હોતો, બલ્કે પાર્ટનરને પર્ફેક્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો પોતે પર્ફેક્ટ બનવું પડે છે. આપણા બધાની તકલીફ એ છે કે આપણને સામેવાળાને બદલવાની બહુ તાલાવેલી હોય છે. તેનામાં આ ખોટ છે, ચાલો પૂરી કરીએ; તેનામાં આ કમી છે, ચાલો સુધારીએ. જોકે આપણી ખોટ કે આપણી કમી આપણને જરાય દેખાતી નથી. આપણે મન આપણે કાયમ સવર્ગુવણસંપન્ન જ હોઈએ છીએ. પરિણામે સામેવાળાની નાનીઅમથી ભૂલ પર પણ આપણે તેના પર તૂટી પડીએ છીએ, પરંતુ પોતાની મોટી-મોટી ગલતીઓ તરફ આપણું ધ્યાન સુધ્ધાં જતું નથી.

એટલું જ નહીં, ઘરમાં આવી ગયેલો એક વાંદો કે ગરોળીને પણ ન કાઢી શકનારા આપણે સામેવાળાની ભૂલ પર તો એટલા શૂરા બની જઈએ છીએ કે મોટે-મોટેથી ઘાંટા પાડવા સિવાય વાત જ કરી શકતા નથી. આવા વખતે આપણો ઉદ્દેશ તેની ભૂલ દેખાડવાનો નથી રહેતો; તેની ઝાટકણી લઈ લેવાનો, તેને ઉતારી પાડવાનો બની જાય છે. જોકે જે વ્યક્તિને મનથી આપણે પોતાના કરતાં ઊતરતી કે હીન સમજતા હોઈએ તેની સાથે કમ્પૅટિબિલિટી તો કેવી રીતે ડેવલપ કરી શકાય? આપણે ત્યાં આવતી કામવાળી બાઈ કે આપણા ડ્રાઇવર પાસે તો આપણે એવી અપેક્ષા રાખતા નથી!

કમ્પૅટિબિલિટી તો બે સમકક્ષ વચ્ચે જ સર્જા‍ય. એવી વ્યક્તિઓ વચ્ચે જેઓ એકમેકને માન-સન્માન આપતી હોય, જેમને એકમેક માટે આદર હોય અને જેમના માટે આપણા મનમાં આદર હોય તેમની સાથે આપણે ક્યારેય ઊંચા અવાજે વાત કરી શકીએ જ નહીં. તેથી કમ્પૅટિબિલિટી ઇચ્છતા હો તો અવાજ નીચો રાખવો અત્યંત આવશ્યક છે. પ્રેમથી નહીં તો પણ સમજણપૂર્વક વાતની રજૂઆત કરવી અત્યંત આવશ્યક છે. આ સંદર્ભમાં તાજેતરમાં એક મિડલ-એજેડ કપલે પોતાના સુખી લગ્નજીવનની ચાવી આપતાં કહ્યું હતું કે ‘અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ તેથી અમારી વચ્ચે પહેલેથી જ વણલખ્યો નિયમ રહ્યો છે કે સામેવાળાને કશુંક કહેવું હોય, તેની ભૂલ દર્શાવવી હોય તો બધાની વચ્ચે કશું કહેવું નહીં; બલ્કે આંખનો ઇશારો કરી તેને બેડરૂમમાં બોલાવવો અને ત્યાં જે કહેવા જેવું હોય એ કહી દેવું. અરે, અમારી દીકરીને પણ અમે બધાની વચ્ચે કશું કહેતા નથી. તેનો વાંક હોય તો તેને પણ બેડરૂમમાં બોલાવીને જ વાત કરીએ છીએ. એનું પરિણામ હવે એ આવ્યું છે કે જેવું તેને બેડરૂમમાં આવવાનો આંખનો ઇશારો થાય કે તરત તે સમજી જાય કે તેનાથી કશુંક ખોટું થઈ રહ્યું છે એટલે તે તરત જ સભાન બની જાય છે. આ એક ટેãક્નકે ન ફક્ત અમને પતિ-પત્નીને, પરંતુ અમારી દીકરીને પણ અમારી બેસ્ટ ફ્રેન્ડ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.’

સંબંધમાં કમ્પૅટિબિલિટી કહો કે કેમિસ્ટ્રી, એ કોઈ મોટી-મોટી ઘટનાઓથી નથી બનતી. એ તો એકમેકની નાની-નાની બાબતોનું ધ્યાન રાખતાં-રાખતાં જ ડેવલપ થાય છે. થોડું સમજાવીને, થોડું ચલાવીને, થોડું આપીને, થોડું પામીને, થોડું બદલીને, થોડું બદલાઈને... વળી આ પ્રોસેસ એકતરફી હોય તો પણ ન ચાલે. તાળી એક હાથે ન વાગે. બન્ને પક્ષે પામવા કરતાં આપવાની ઉત્સુકતા વધારે હોય ત્યારે જ આ ચમત્કાર સર્જા‍ય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy