મારી કરીઅરમાં મુંબઈ ન આવ્યું હોત તો હું જેટલો મહાન ગણાઉં એટલો મહાન જાદુગર ક્યારેય ગણાયો ન હોત

 

૧૯૬૦નું વર્ષ મારા માટે બહુ મૂલ્યવાન વર્ષ છે એવું મને હંમેશાં લાગ્યું છે. આ વર્ષ દરમ્યાન જ મારી દુકાનની જવાબદારી ઓછી કરવા માટે ભાઈઓ દુકાને આવવા લાગ્યા તો સાથોસાથ આ જ વર્ષ દરમ્યાન મને મુંબઈમાં મૅજિક શો કરવા માટે તક મળી. મને લાગે છે કે જો મારી કરીઅરમાં મુંબઈ આવ્યું ન હોત તો એવું બન્યું હોત કે આજે હું જેટલો મહાન જાદુગર ગણાઉં છું એટલો મહાન જાદુગર ન બન્યો હોત.

 

રશ્મિન શાહ - લિવિંગ લેજન્ડ - પ્રકરણ 105


આગળ કહ્યું એમ, આ એ જ સમયગાળો હતો કે જે દરમ્યાન મારા ભાઈઓ કેશુ, કિશોર અને ચંદ્રકાન્ત પણ તૈયાર થઈ ગયા હતા અને નિયમિતપણે દુકાને આવવા લાગ્યા હતા. ભાઈઓ દુકાને આવવાના શરૂ થઈ ગયા એટલે મને અમારા પારિવારિક કપડાંના બિઝનેસમાંથી થોડી રાહત મળી હતી. માત્ર મને જ નહીં, ભાઈઓના આવવાથી બાપુજીને પણ માનસિક રાહત થઈ હતી. મને મળેલી આ રાહતનો લાભ લઈને મેં ધીમે-ધીમે ફરીથી જાદુના નાના-મોટા શો કરવાના શરૂ કર્યા હતા. જોકે મારા એ શો બધા કલકત્તા કે કલક્તાની આજુબાજુનાં ગામોમાં જ કરતો હતો. હજીયે મુખ્ય હેતુ તો એ જ હતો કે શક્ય હોય ત્યાં સુધી ચૅરિટી શો કરવા મળે ત્યાં સુધી એ જ શો કરવા. બીજી એક આડવાત પણ કહી દઉં. બાપુજી મૅજિકથી હવે પહેલાં જેટલા નારાજ નહોતા, પણ તેમની વાત તો એ જ હતી કે વેપારીનો દીકરો મદારીનો ખેલ કરીને ઘર ન ચલાવે.

 

આ જ કારણે જ્યારે પણ ટિકિટ શો કરવાની વાત આવતી ત્યારે બાપુજીને માઠું લાગી જતું. હજીયે તેમનો પેલો આદેશ ઘરમાં અકબંધ હતો કે કાન્તિએ જેટલા પૈસા લેવા હોય એટલા દુકાનેથી લે, પણ એમાંથી મૅજિક માટે પાંચિયું પણ ખર્ચવાનું નહીં. જો તેને જાદુ માટે પૈસા જોઈતા હોય તો પોતાની મેળે વ્યવસ્થા કરી લેવાની. આખી દુકાન હું સંભાળું, દુકાને આવતા ગ્રાહકથી માંડીને દુકાનના માલની ખરીદી અને ખરીદેલા માલની ડિલિવરી ક્યારે ક્યાં કરવી એ બધી જવાબદારી મારા શિરે અને એ પછી પણ મારા માટે આવો નિયમ હતો. જોકે મેં આ બાબતનો કોઈ વિરોધ નહોતો કર્યો, કારણ કે અહીં વાત વહાલાં-દવલાંની નહીં, પણ ગમા-અણગમાની હતી. બાપુજીને જાદુથી અણગમો હતો, જેની સામે મારો કોઈ વિરોધ હોઈ પણ ન શકે. આ જ કારણે મેં બાપુજીના આ નિયમનું પાલન અંતિમ ઘડી સુધી કર્યું હતું. મારે બાપુજીને નારાજ નહોતા કરવા, હું નહોતો ઇચ્છતો કે પિતા-પુત્રના સંબંધોમાં પૈસો નકારાત્મક ભૂમિકા ભજવે. બા પણ મારી આ ભાવના સમજતી હતી.


‘બેટા, જરૂર હોય તો મને કહે. હું તને


પૈસા આપીશ.’


‘બા, તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા?’ બાનો ચહેરો સહેજ ઝંખવાઈ ગયો હતો,


‘ચિંતા કરવાની જરૂર નથી. જોઈશે તો માગી લઈશ, પણ માગું ત્યારે તારે પણ મને બાપુજીની જેમ ઘસીને ના પાડવાની છે. જો ત્યારે ના નહીં પાડે તો ક્યારેય હું સ્વમાનભેર કહી નહીં શકું કે મેં મારા બાપુજીના આદેશનું પાલન કર્યું હતું.’


નિયમિતપણે દુકાને જવાનું કામ ચાલી રહ્યું હતું અને બિસ્ટુબાબુમાંથી નવરાશ મળી ગઈ હોવાથી ફરીથી જાદુની પ્રૅક્ટિસ પણ શરૂ થઈ ગઈ હતી. બધું રાબેતા મુજબ ચાલતું હતું ત્યારે જ એક એવી ઘટના બની કે જેણે મને અને મારી કરીઅરને બહુ મોટા ફલક પર મૂકી દીધાં.


બન્યું એવું કે એક સાંજે એક ગ્રાહક દુકાને માલ ખરીદવા આવ્યા. નાના ભાઈએ માલ દેખાડ્યો, આવેલા ગ્રાહકે ઢાકાઈ સાડી અને મલમલ પણ કઢાવ્યું હતું અને ફૉરેનથી આવતું બૉસ્કી બ્રૅન્ડનું સિલ્ક પણ કઢાવ્યું. માલ ખરીદી લીધા પછી હિસાબ શરૂ થયો. આ હિસાબમાં કંઈક અમુક રૂપિયા ઘટ્યા એટલે ભાઈ મૂંઝાયા. હવે કયો માલ કાઢવો અને કયો માલ રાખવો. સાડીઓ તેમણે ઘરનાં બૈરાંઓ માટે લીધી હતી. બૈરાંઓએ ખાસ યાદી અપાવીને મગાવી હતી એટલે સાડી કઢાય નહીં. મલમલ પોતાના ઉપયોગ માટે લીધું હતું, જે પડતું મૂકવાનું તેમનું મન નહોતું અને બૉસ્કી બ્રૅન્ડની સિલ્કની તો માર્કેટમાં અછત હતી. જે કોઈ વેપારીના હાથમાં આ સિલ્ક આવતું તે વેપારી બ્લૅક-માર્કેટમાં લગભગ ડબલ ભાવ લઈને માલ વેચતો હતો, પણ અમારે ત્યાં આવું કંઈ કરવાની બાપુજીની ચોખ્ખી ના હતી એટલે અમને જે ભાવમાં માલ આવ્યો હતો એના પર રિઝનેબલ નફો લઈને અમે વેચી રહ્યા હતા. સસ્તું સિલ્ક મળતું હતું એટલે એ બૉસ્કીનું સિલ્ક પણ પડતું મૂકવાની તેમને ઇચ્છા નહોતી.


‘મહાશય, તમે ચિંતા નહીં કરો. તમારું સરનામું લખાવી દો... આપણો માણસ રૂબરૂ આવીને ઘરે માલ પહોંચાડી જશે.’ ગ્રાહકની મૂંઝવણ પારખીને મારા ભાઈએ તેમને વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો, ‘તમે તેને ઘરેથી પૈસા આપી દેજો, જો તમને ઘરનું સરનામું આપવામાં વાંધો ન હોય તો...’


આ વાતો ચાલી રહી હતી ત્યારે જ બૅન્કનું કામ પૂરું કરીને હું દુકાનમાં દાખલ થયો.
‘ના, એવું નથી, પણ મારું ઘર અહીં નથી. હું મુંબઈ રહું છું...’


‘તો પણ વાંધો નહીં સાહેબ...’ દુકાનમાં દાખલ થતી વખતે મેં સાંભળેલી વાતો પરથી મને અણસાર મળી ગયો હતો કે ગ્રાહકને પૈસા ઘટ્યા છે. અગાઉ પણ આવું બનતું એટલે આ સંજોગો મારા માટે નવા નહોતા, ‘તમે માલ લેતા જાવ, પૈસા ત્યાંથી મની-ઑર્ડર કરી દેજો...’


સાવ અજાણી વ્યક્તિ પર તો કોઈ આ રીતે ભરોસો ન મૂકે એ સમજી શકાય. પેલા ગૃહસ્થને એવું લાગ્યું હતું કે હું તેમને ઓળખું છું અને એટલે મેં તેમને આવી સગવડ કરી આપી છે.
‘ઓહ... તો તું મને ઓળખે છે!?’


‘ના, સહેજ પણ નહીં...’ મેં સ્પષ્ટતા કરી, ‘હું તમને નહીં, પણ મને ઓળખું છું. મારી આ દૃષ્ટિને ઓળખું છું. મને વિશ્વાસ છે કે મારા પૈસા ખોટા નહીં થાય.’
‘મારું નામ દામુ, દામુ ઝવેરી...’


‘દાગીના બનાવવાનું કામ છે તમારે?’


‘ના, દાગીના શોધવાનું...’ દામુભાઈ નામના તે સદ્ગૃહસ્થે કસાયેલા અવાજે કહ્યું, ‘માણસોના ટોળા વચ્ચે જે કોઈ દાગીના જેવો માણસ શોધવાનું હોય એનું કામ હું કરું છું.’


મને સમજાવવા માટે દામુભાઈએ ચોખવટ સાથે કહ્યું કે તે ‘ઇન્ડિયન નૅશનલ થિયેટર’ એટલે કે આઇએનટી સાથે સંકળાયેલા છે. આઇએનટી નામની આ સંસ્થા વિશે કદાચ આજની નવી પેઢીને બહુ ખબર નહીં હોય, પણ એક સમયે આ સંસ્થા કલાકારો શોધવાનું, કલાકારોને પ્લૅટફૉર્મ આપવાનું અને કલાકારમાં રહેલા હીરાને પાસા પાડવાનું કામ કરતી. નૃત્ય, સંગીત, નાટ્યપ્રવૃત્તિ કરતી આ સંસ્થામાં દામુભાઈ તેમના અંતિમ શ્વાસ સુધી જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રહ્યા. માર્ચ ૨૦૦૨માં તેમનો દેહાંત થયો ત્યાં સુધી તેમણે નવા કલાકારોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. મુંબઈ અને દેશના અઢળક કલાકારો એવું કહી શકે કે અમે દામુભાઈના કારણે આજે આ સ્તરે પહોંચ્યા છીએ.


‘આપ પૈસાની ચિંતા નહીં કરો. એવું નથી કે તમે આવડી મોટી સંસ્થા સાથે સંકળાયેલા છો એટલે કહેતો હોઉં. આ અમારી દુકાનનો શિરસ્તો છે. આપ પૈસાની ચિંતા કર્યા વિના માલ લઈ જાવ. જો હજીયે માલ ખરીદવાનો હોય તો વિનાસંકોચે ખરીદો... પૈસા અમને પછી મોકલી આપજો.’


‘બહુ મીઠડો છોકરો છે તું...’


દામુભાઈ આગળ કંઈ બોલે એ પહેલાં મારો નાના ભાઈએ મમરો મૂક્યો,


‘જાદુગર છે એટલે મીઠી જબાન તો રાખવી જ પડેને...’


‘ઓહ, તો તું જાદુગર છે... આવ, આવ બેસ ભાઈ. તું તો કામનો માણસ નીકYયો.’ દામુભાઈને હવે કપડાં, સાડી અને ધોતીને બદલે મારામાં રસ પડ્યો, ‘વાત જાણે એમ છે કે અમે અહીં પી. સી. સરકાર સાથે મુંબઈના શોનું નક્કી કરવા આવ્યા છીએ. આમ તો બધું ફાઇનલ થઈ ગયું છે. ખાલી એકાદ શો જોવાનો બાકી છે. શો જોઈ લઈએ એટલે પૈસા આપીને વાત પાકી કરવાની છે.’


‘હં... તો હું શું એમાં મદદ કરી શકું તમારી?’


‘જો ભાઈ, જાદુના શો અગાઉ આઇએનટીએ કર્યા નથી. એકવીસ દિવસના લાગલગાટ શો કરવાના છે એટલે સહેજ ચિંતા તો થાય જને.’ દામુભાઈ મૂળ વાત પર આવ્યા, ‘આમ અહીં પી. સી. સરકારના શો સારા જાય છે એવું સાંભળ્યું છે, પણ તને શું લાગે છે... તું પોતે જાદુગર છે તો તારી પાસેથી મને સત્ય હકીકત ખબર પડશે એવી આશા રાખું છું.’


‘હું અને સરકાર બન્ને એક જ ગુરુ ગીતાકુમારના શિષ્ય... સરકાર મારાથી ઉંમરમાં મોટા એટલે સિનિયર તો ગણાય જ. અને વાત રહી શોની તો, તેમના શો સારા જાય છે.’


‘તારો શો બેચાર દિવસમાં ક્યારે છે?’ દામુભાઈએ માત્ર હૈયાધારણ આપવા કહ્યું હતું, ‘આવ્યા છીએ તો સમયનો સદુપયોગ કરીને એ પણ જોઈ કાઢીએ. આવતા વષ્ોર્ કે એના પછીના વષ્ોર્ જો એવું લાગે તો તને અજમાવીએ.’


મને પાક્કું યાદ છે કે અમે જે દિવસે દુકાને મળ્યા એ દિવસ ગુરુવારનો હતો અને રવિવારે મારે એક સંસ્થા માટે ચૅરિટી શો કરવાનો હતો. મારો એ શો ચિત્રંજન ઍવન્યુમાં આવેલા મહાજાતિ સદનમાં હતો. મહાજાતિ સદનમાં શો કરવો એ આજે પણ એક લહાવો ગણાય છે. મેં મારા શોની જાણકારી દામુભાઈને આપી એટલે દામુભાઈએ ચોખવટ કરીને કહ્યું કે તેમને એક નહીં, પણ ત્રણ બેઠક જોઈશે.


‘જો ભાઈ, આઇએનટીનો નિયમ છે કે શો નક્કી કરવા માટે કોઈ એકની મરજીને ક્યારેય પ્રાધાન્ય આપવું નહીં. મારી સાથે અમારી સંસ્થાના મનસુખભાઈ જોશી અને ચંદ્રકાન્તભાઈ દલાલ પણ આવ્યા છે. બન્નેની પારખુ નજર છે. મારા સિનિયર પણ ખરા એટલે મારે તેમને તો સાથે રાખવા પડશે.’


‘રાખો, મને કોઈ વાંધો નથી, પણ એક વાતની ચોખવટ કરી લઉં... તમે મને સામેથી શો જોવા માટે કહ્યું છે એટલે આપણે બધા મળી રહ્યા છીએ. મેં કોઈ પ્રયત્ન એવો નથી કર્યો કે જેને કારણે તમે સરકારના શોના પહેલાં મારો શો જોવા આવી રહ્યા છો.’


‘તારી સ્પષ્ટતા મને ગમી... હવે મારી ચોખવટ પણ તું સાંભળી લે... જો તારો શો સારો હશે અને અમને તને લઈ જવાની ઇચ્છા થશે તો અમને કોઈ અટકાવી નહીં શકે.’ દામુભાઈના ચહેરાના હાવભાવ બદલાયા, ‘... અને જો તારો શો નબળો હશે તો, તારા બાપુજી પૈસા આપવા તૈયાર હશે તો પણ આઇએનટી તારો હાથ નહીં ઝાલે.’
‘મને મંજૂર છે...’


‘એમ!’ દામુભાઈએ હાથ લંબાવ્યો, ‘તો ચાલ, હવે તારું નામ કહી દે.’


(વધુ આવતા શનિવારે)

 

મહાજાતિ સદન. કલકત્તાના બડા બઝાર પાસે આવેલા ચિત્રંજન ઍવન્યુ વિસ્તારમાં આવેલું આ ઑડિટોરિયમ આજે પણ અડીખમ ઊભું છે.
આ ઑડિટોરિયમ સુભાષચંદ્ર બોઝની યાદમાં તે સમયના બંગાળના મુખ્ય પ્રધાન પી. સી. સેને બનાવ્યું હતું. ૧૯૫૮માં બનેલા
આ ઑડિટોરિયમમાં ૧૩૦૯ સીટની બેઠકવ્યવસ્થા છે. મહાજાતિ સદને આકાર પણ નહોતો લીધો ત્યારે એ કેવું દેખાશે
એ જાણવા માટે આ રેખાચિત્ર તૈયાર કરાવવામાં આવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK