એક હોડીને સપનું આવ્યું છે

 

આજની ભાષામાં ગઈ કાલની વાત કરીએ તો ભગવાન રામને જેમાં લિફ્ટ મળી એવી હોડીએ આરંભિક કાળથી શરૂ કરી આજના હાઇસ્પીડ ઇન્ટરનેટયુગમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. એના આકાર બદલાયા છે, નામ બદલાયાં છે, ડિઝાઇન બદલાઈ છે, પણ કર્મ તો એ જ રહ્યું, તરવાનું અને તારવાનું. મનહર મોદી પ્રેમના સંદર્ભે આગોતરું બુકિંગ કરાવે છે.

 

 

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


એક દરિયો છે મારી આંખોમાં
બોલ, તું હોડી લઈને આવે છે?


હોડી ગમે એટલી વજનદાર હોય તોયે હળવાપણું રાખવું પડે. એના પર મુકાતો ભરોસો તો જ સાર્થક થાય. હોડીમાં બેસી એક કિનારેથી બીજા કિનારે જતા મુસાફર માટે સંગાથ ભલે ટૂંકો હોય, પણ હોડીનો પાણી સાથેનો સંબંધ શાશ્વત છે. એનો પ્રવાહ પણ પાણીમાં હોય અને એનું પાર્કિંગ પણ પાણીમાં. કિનારાની રેતીમાં પાર્ક કરેલી હોડી જાણે સનબાથ લેવા ચત્તીપાટ પડી હોય એવું લાગે. એને પંપાળી કોઈ ઉદાસ મુસાફર પોતાની કથની વહેતી કરે એવો શેર હર્ષદ ત્રિવેદી પાસે મળે છે:

મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ
એક ખાલી નાવ સોંપી ને પાછો ફરી ગયો

ખાલી નાવ કોઈનો ઇન્તઝાર કરતી હોય એવું લાગે. લાંગરેલી ખાલી હોડી પર સીગલ જેવું સરસ-મજાનું પંખી બેસે ત્યારે હોડી જરૂર એને પરદેશી પાણી વિશે પૂછતી હશે. હોડીની બહારની સપાટી પર કોઈ માછલીની પૂંછડી અડે ત્યારે હોડીને કેવો રોમાંચ થતો હશે એ પૂછવાનું ઘણી વાર મન થાય. ભગવતીકુમાર શર્મા લખે છે,

ફૂલને ખુશ્બૂ મળે, ને નાવને સાગર મળે
આપ જો આવો તો મારા જીવને જીવતર મળે

પાણીની અંદરના જીવનનો આછો અંદાજ અને આકાશનો પૂરો અંદાજ હોડીને હોય છે. વાદળને ટ્રીમ કરીને હોડીમાં સફર કરાવીએ તો પાણીને નજીકથી વાદળ જોવાનો મોકો મળે. પાણી એને પૂછી શકે કે નીચે મજા આવે છે કે ઉપર, પણ કલ્પનાઓ હકીકત નથી બનતી એટલે જ કવિઓનું કામ ચાલે છે. એસ. એસ. રાહી એવી જ કલ્પના કરે છે,

આ હાથનું હોડીમાં રૂપાંતર થશે હવે
દેખાય છે નજીક મને દૂરનો અખાત


પાણીએ-પાણીએ હોડીની અવસ્થા બદલાય છે. તળાવમાં કે સરોવરમાં રિસ્ક વગરના બોટિંગમાં એક શાંત પ્રવાહનો અનુભવ થાય છે. નદીની હોડીને વધઘટ થતા પ્રવાહનો અંદાજ હોય છે. પહાડી વિસ્તારોમાં તરતી હોડીને ખબર હોય છે કે વધારે બરફ પીગળશે તો મારું આવી બનશે એટલે એ સાવચેત રહે છે. દરિયાની હોડી ભરતી-ઓટની સાક્ષી બની ધીરે-ધીરે તટસ્થ બનતી જાય છે. દરિયાની હોડી પાસે જિંદગીને જોવાની જુદી રીત છે. ભરત વિંઝુડા એવી એક રીત શેરમાં ઉજાગર કરે છે,

હોડીઓ તરતી રહી દરિયાની વચ્ચે
ને સહુ ડૂબી ગયા પોતાના ગમમાં


કંઈ પણ બોલ્યા વગર બેઠેલો એક પ્રવાસી ચૂપચાપ હોડીમાં તરતો રહે ત્યારે સમજવું કે કેટલાંય સ્મરણોની ભરતી એની ભીતર ચડી છે. મોજાંની થપાટો ઝીલી-ઝીલી દરિયાની હોડી સક્ષમ બને છે. હોડીનો ઘાટ. એની ઉપયોગિતા અને એનું હોવાપણું જોઈને કિનારા પર આડેધડ પડેલાં લાકડાંને જરૂર મહેન્દ્ર જોશી લખે છે એવી લાગણી થતી હશે,

કોઈ તો હોડી બનાવી, લઈ જશે અમને કદી
એ વિચારે, એ જ સપનું લઈ, અમે કાંઠે સૂતા


કિનારા પાસે લાંગરેલી હોડીને કિનારા સાથે વધારે સંબંધ છે કે પાણી સાથે એની તકરાર કરવાનો કોઈ અર્થ નથી. ભીનાશથી થોડો ચેન્જ લેવા કિનારા પર થોડીક વાર આડી પડી ત્યાં રેતીના કિલ્લા બનાવતાં બાળકો સાથે બેસવાનું એને પણ મન થતું હશે. શાંત થયેલા દરિયાને પારખી મોટી હોડી નાની હોડીને વહાલથી પાસે બોલાવી કાનમાં કહેતી હશે : ચાલ, આજે મધદરિયે તને લઈ જઉં... આજે તને ડૉલ્ફિન દેખાડું.

જેણે લોકોને પાર ઉતારવાના હોય એણે સજ્જ અને સક્ષમ રહેવું પડે. કોઈનું જીવન પોતાના પર નર્ભિર છે એનો ખ્યાલ રાખીને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ઝીંક ઝીલવાની હોય છે. કૈલાસ પંડિતનો આ શેર નાનકડી હોડીનો લડાયક અભિગમ દર્શાવે છે,

કેટલું મોજાંને એ ભારે પડી
ડૂબતાં પહેલાં ઘણું હોડી લડી


ક્યા બાત હૈ!


ભગ્ન સ્વપ્નની નાવ
મારી નાવ કરે કો પાર?
કાળાંભમ્મર જેવાં પાણી
જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો પાર?
ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ!
મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક, મોતી
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK