"જે સમયે મને ઍક્ટિંગમાં મજા નહીં આવે એ સમયે ફિલ્મ-લાઇન છોડી દઈશ"

સોનાક્ષી સિંહા કહે છે કે હું ક્યારેય કોઈ પ્રોડ્યુસરને ફોન કરીને કામ નથી માગતીશુભા શેટ્ટી-સાહા

તારી એકબીજાથી એકદમ વિપરીત એવી બે ફિલ્મ ‘બુલેટ રાજા’ અને ‘ર... રાજકુમાર’ બૅક ટુ બૅક રિલીઝ થઈ રહી છે.

હા, તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ અને પ્રભુ દેવાની ફિલ્મ એકબીજાથી બિલકુલ વિપરીત ધ્રુવની ફિલ્મ છે. ‘બુલેટ રાજા’માં સંઘર્ષ કરતી એક ઍક્ટ્રેસનો રોલ હું કરું છું. ખરેખર રસપ્રદ કહેવાય એવો રોલ છે અને સાચું કહું તો મારે તિગ્માંશુ સાથે કામ કરવું હતું. મને તેમના માટે જબરદસ્ત માન છે. ‘ર... રાજકુમાર’ બૉલીવુડની એક ટિપિકલ મસાલા ફિલ્મ છે જેમાં ડાન્સ છે, મસ્તી છે. ફિલ્મમાં જેટલું મહત્વ ઍક્શનનું છે એટલું જ મહત્વ રોમૅન્સને પણ આપવામાં આવ્યું છે.

જે તારી સાથે કામ કરે છે એ ફરી વખત કામ માટે તારી પાસે આવે છે.

સાચું છે, પણ એ પણ જુઓ કે તે કેવી ફિલ્મ લઈને ફરી આવ્યા છે. મેં ‘જોકર’ કરી, પણ એ પછી મને ‘રાઉડી રાઠોડ’ મળી, જે સરસ ફિલ્મ હતી. મેં ‘દબંગ’ કરી અને એ પછી મને ‘દબંગ ૨’ પણ કરવા મળી. હું જેની સાથે કામ કરું છું તેની બીજી ઑફર નકારી દઉં તો પણ એ લોકો સમજી શકે એવા છે, પણ એવું કરવા માટે મને (એ સબ્જેક્ટમાં) કોઈ કારણ મળ્યું નથી.

પણ ઘણી વખત સંબંધો અને નેટવર્કિંગ મહત્વનો રોલ ભજવતાં હોય છે.

શરૂઆતમાં મારા માટે એવું કહેવામાં આવ્યું કે હું સલમાનની ફેવરિટ છું અને પછી એવું કહેવા માંડ્યા કે હું અક્ષયની ફેવરિટ છું. એનો અર્થ એવો નથી કે મેં બીજા સાથે કામ નથી કર્યું. રણવીર, સૈફ, શાહિદ... હું બધા સાથે સંબંધ રાખવામાં માનું છું. હા, હું દરેક સાથે કામ માટેના સંબંધો યોગ્ય રીતે ડેવલપ કરું છું અને એ જ તમને આગળ લઈ જવામાં મદદ કરતા હોય છે. આજે જો કોઈ એવું પૂછે કે અક્ષયકુમાર શું કામ મારી સાથે ફરીથી કામ કરવા તૈયાર છે તો હું કહીશ કે હું ટાઇમની બાબતમાં પંક્ચ્યુઅલ છું અને શ્રેષ્ઠ રીતે કામ કરવામાં માનું છું એટલે. હું ‘સન ઑફ સરદાર’ પછી અજય સાથે બીજી ફિલ્મ કરી રહી છું. પ્રભુ દેવા સાથે ‘ર... રાજકુમાર’ મારી ત્રીજી ફિલ્મ છે. જો તમે પ્રોફશનલ બનીને કામ કરતાં હો તો એ સૌને ગમતું હોય છે.

‘લુટેરા’ સિવાયની મોટા ભાગની તારી ફિલ્મમાં તારા રોલ અધકચરા અને ખાસ કંઈ મહત્વ ન હોય એવા હતા.

હું આ વાત સાથે બિલકુલ સહમત નથી થતી. લોકોને જે કહેવું હોય એ કહે, પણ મને એવી ફિલ્મ કરવી ગમે છે જે મને પોતાને ઑડિયન્સ તરીકે જોવી ગમે. મને થિયેટરમાં જવું ગમે છે. રાડો પાડવી, તાળીઓ પાડવી, નાચવું પણ મને ગમે છે અને એ એન્ટરટેઇનમેન્ટ છે. કમર્શિયલ ફિલ્મોમાં પણ હિરોઇન માટે જગ્યા હોય જ છે અને એ રોલ પણ સારા જ હોય છે. અનેક લોકો એવું પણ કહે છે કે મેં ફિલ્મોમાં એવી જગ્યા બનાવી છે જે માત્ર હું જ ભરી શકું છું.

તું વિવેચકોની વાત ધ્યાનથી સાંભળે છે?

ના, કારણ કે આજના સમયમાં દરેકની પાસે પોતાનો મત છે. તમે માગો કે ન માગો, પણ તે પોતાનો અભિપ્રાય આપવાના જ છે. ‘લુટેરા’ એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં મને સારો અને પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો. સારી વાત છે કે લોકોએ મને હવે એક સિરિયસ ઍક્ટ્રેસ તરીકે જોવાનું શરૂ કર્યું છે, પણ ઠીક છે. હું મને ગમે છે એટલે જ આ કામ કરું છું. મને ખબર છે કે તમે ક્યારેય બધાને ખુશ નથી કરી શકતા અને એટલે એ જ કરવું જે કામ કરવા માટે તમારું દિલ કહેતું હોય. એ પણ એટલું જ સાચું છે કે ‘લુટેરા’ જેવી ફિલ્મ જ્વલ્લે જ બનતી હોય છે. આ ફિલ્મે મારા માટે કંઈક વિશેષ બેન્ચમાર્ક ઊભા કરી દીધા જે મારા બીજા કોઈ કામની નજીક પણ ન આવી શકે. હું કમર્શિયલ ફિલ્મો કરું છું. લગાતાર ચાર મોટી અને ફુલી કમર્શિયલ ફિલ્મ કર્યા પછી એક વખત ‘લુટેરા’ના ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે ‘દબંગ’ જોયા પછી તેમણે મને કાસ્ટ કરવાનું નક્કી કર્યું છે અને આ રીતે મને એ રોલ મળ્યો. ઍક્ટિંગની આ જે પ્રોસેસ છે મને એ ગમે છે. જે દિવસે મને એમાં મજા નહીં આવે એ દિવસે હું બધું છોડી દઈશ. મને આનું કોઈ વળગણ નથી.

બૉલીવુડના કોઈ નીતિનિયમો તોડવાની ઇચ્છા છે?

હું ફિલ્મી વાતાવરણ વચ્ચે જ મોટી થઈ છું અને એમ છતાં મેં ક્યારેય બૉલીવુડમાં આવવાનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. આનું નામ કિસ્મત. મને મારી જાતને તૈયાર કરવા માટે પણ કોઈ સમય મળ્યો નહોતો. સીધું જ મેં ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું અને એ પછી તરવાનું શીખી. મને એ પણ નહોતી ખબર કે હું મારું આ કામ ચાલુ રાખીશ કે પછી અધવચ્ચે છોડી દઈશ. મારી કોઈ મહત્વાકાંક્ષા નથી એટલે હું ક્યારેય એ માટે પ્લૉટ બનાવવાનું કે પ્લાનિંગ કરવાનું પણ નથી વિચારતી. આજે પણ હું કોઈ પ્રોડ્યુસરને ફોન કરીને કામ માટે નથી પૂછતી. ડૅડને પણ કામ માટે કંઈ નથી કહેતી. બૉલીવુડમાં આવ્યા પછી નૉર્મલી લોકો જે પ્રકારે સોશ્યલ થતા હોય છે હું તો એ રસ્તે પણ નથી ચાલતી.


તારી આજુબાજુમાં કોઈ જીહજૂરિયો નથી?

ના, સહેજ પણ નહીં. મારો ઉછેર જ એ રીતે થયો છે કે અમારા પગ જમીન પર ટકી રહે. મેં મારા પપ્પાની લાઇફમાં જીહજૂરિયાઓ અને ચમચાઓ જોયા છે. હું એ જોતી ત્યારે મને થતું આ બધા અંકલ આવું શું કામ કરે છે, પણ એ પછી સમય બદલાયો.

બીજા બધા નૉર્મલ યંગસ્ટર્સ જે કંઈ કરી શકે છે એ તું નથી કરી શકતી એનો તને અફસોસ છે ખરો? જેમ કે ડેટિંગ.

ક્યારેક એકલતા ખૂંચે, પણ જ્વલ્લે જ, કારણ કે મોટા ભાગના સમયે હું લોકોથી ઘેરાયેલી હોઉં છું. કૉલેજ-લાઇફ દરમ્યાન ફ્રેન્ડ્સ સાથે બહુ મસ્તીઓ કરી છે. વાત રહી ડેટિંગની તો જો તમારે કોઈને મળવાનું હોય તો એનો રસ્તો પણ આપોઆપ બની જતો હોય છે. પ્રેમ હંમેશાં પોતાનો માર્ગ બનાવી લે છે. મારાં મમ્મી-પપ્પાને જ જુઓને. એ લોકો પહેલી વાર પટનાથી પુણેની ટ્રેનમાં મળ્યાં હતાં. એ સમયે મમ્મીની એજ ૧૫ની હતી અને ડૅડ ૨૦ વર્ષના હતા. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ડૅડ ભણવા જતા હતા અને મમ્મી એક મૅરેજમાંથી પાછી આવતી હતી. ડૅડી મમ્મીને લેટર્સ લખતા અને મમ્મીના ઘર પાસે બાલ્કનીની નીચેથી ગીતો ગાતા! મારાં નાની હંમેશાં પથ્થર ફેંકીને ડૅડીને ભગાડતા. હું નથી માનતી કે આવી પરીકથા જેવી કોઈ ઘટના મારી સાથે બને.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK