“મારી ફિલ્મ રોહિત શેટ્ટી જેવી નહીં પણ હૃષીકેશ મુખરજી ને બાસુ ચૅટરજી જેવી છે”

સિદ્ધાર્થ રાંદેરિયાની પહેલવહેલી ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટ આવતી કાલે રિલીઝ થઈ રહી છે


siddharth randeriaરશ્મિન શાહ


ગુજરાતી રંગભૂમિ પર એકચક્રી શાસાન ચલાવી રહેલા જાણીતા ઍક્ટર-ડિરેક્ટર-રાઇટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી કૉમેડી ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ આવતી કાલે રિલીઝ થઈ રહી છે. સુભાષ ઘઈ, એકતા કપૂર, કરણ જોહર અને ઇમ્તિયાઝ અલી જેવા બૉલીવુડના ખ્યાતનામ પ્રોડ્યુસર-ડિરેક્ટરને પણ અગાઉ ફિલ્મ માટે ના પાડી ચૂકેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ શું કામ ગુજરાતી ફિલ્મ કરી? ગુજરાતી ફિલ્મના આજના સિનારિયો, ગુજરાતી રંગભૂમિની મર્યાદા અને પહેલી ગુજરાતી ફિલ્મ બનાવતી વખતે તેમને થયેલા અનુભવો વિશે ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરી. આ વાતોમાં ક્યાંક એક ઍક્ટરનો ઉત્સાહ છે તો ક્યાંક પ્રોડ્યુસર તરીકેનો વસવસો પણ તેમના શબ્દોમાં પ્રગટ થઈ રહ્યો છે. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે ગુજરાતીઓએ તો આગળ આવવું પડશે એવું કહેવાની સાથોસાથ તેમણે એ પણ કહ્યું હતું કે આ કામની શરૂઆત સૌથી પહેલાં તો હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં રહેલા ગુજરાતી કલાકારો અને બીજા ટેક્નિશ્યનોએ કરવી પડશે. સિદ્ધાર્થ રાંદેરિયા સાથેના એ સવાલ-જવાબ શરૂ થાય છે હવે...

ટીવી અને હિન્દી ફિલ્મની અનેક ઑફર હોવા છતાં પણ ગુજરાતી ફિલ્મ શું કામ?

પહેલાં તો મારે એક સ્પષ્ટતા કરવી છે કે મારું કમ્ફર્ટ-ઝોન નાટક છે અને નાટકમાં જ મને મજા આવે છે. બીજું કે મારો એક જ અને સીધો-સરળ સિદ્ધાંત છે, મજા આવે એ કરવું. છેલ્લાં દસેક વર્ષથી તો હું બીજા માટે નાટક પણ નથી લખતો અને માંડ એકાદ બહારના નાટકનું ડિરેક્શન મેં કર્યું હશે. મારો બહુ સીધો હિસાબ છે કે હું મારા નિયમ, મારી નીતિ અને મારી રીતિ મુજબ આગળ વધું છું. મને જોઈએ અને હું જેવું ઇચ્છું એ મારા નાટક સાથે કરી શકું છું અને એ દર્શકોને ગમે પણ છે. આ એક વાત થઈ. હવે નાટક અને ફિલ્મની વાત કરીએ તો બન્ને સાવ જુદાં જ માધ્યમ છે. નાટકમાં રાઇટર, ડિરેક્ટર અને ઍક્ટરનો પૂરો ઉપયોગ થાય પણ ફિલ્મમાં એવું નથી. ફિલ્મમાં દરેક પાસાને જોવામાં આવતું હોય છે. મને એવું કામ ક્યારેય નહોતું કરવું કે નથી કરવું જેમાં હું એક પ્યાદો હોઉં કે એક શોભાનો ગાંઠિયો હોઉં અને જો એવું ન હોય તો એ એટલું જ મહત્વનું છે કે મારે એ કામ કરવાનું હોય જે મારી ઉંમરને યોગ્ય હોય. ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ની વાત આવી ત્યારે મને લાગ્યું કે રોલ સાચો છે, મેકર્સ સાચા છે, ટેક્નિકલ ટીમનો નો-હાઉ પર્ફે‍ક્ટ છે અને સૌથી અગત્યની વાત કે ગુજરાતી ફિલ્મની ઇમેજ બદલવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એમાં પ્રદાન આપવાનો આ સમય છે. બસ, હા પાડી અને કામ શરૂ કર્યું.

જો તમે ધાર્યું હોત તો ફિલ્મ માટે બીજા કોઈ ઇનોવેટિવ સબ્જેક્ટ પર કામ થઈ શક્યું હોત.

વાત સાચી છે અને ઇચ્છા એવી જ હતી. ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ પહેલાં લગભગ દોઢથી બે વર્ષ સુધી સબ્જેક્ટ શોધવાનું કામ ચાલ્યું. એક-બે સબ્જેક્ટ બહુ ગમ્યા. ઑફ-બીટ અને વન્સ ઇન અ લાઇફટાઇમ જેવા એ સબ્જેક્ટ છે. ગુજરાતીમાં બાયોપિક કરવાનું પણ વિચાર્યું, પણ પછી થયું કે મારે જો દર્શકને મલ્ટિપ્લેક્સ સુધી લઈ આવવાનો હોય તો પહેલાં તો તેને એ જ આપવું જોઈએ જેની અપેક્ષા તેઓ મારો ચહેરો જોઈને રાખી રહ્યા છે. હવે પછી જે કંઈ કરીશ એ ઇનોવેટિવ છે એ ફાઇનલ છે અને અત્યારે એના પર કામ પણ હું કરી રહ્યો છું.

ગુજરાતી ફિલ્મમાં કો-પ્રોડ્યુસર પણ તમે છો. ડર નહોતો ફિલ્મમાં લૉસ કરવાનો?

(હસે છે) ડર તો શું હોય ભાઈ, બાયોગ્રાફીના ચૅપ્ટરમાં એક પ્રકરણ ઉમેરાશે જેનું ટાઇટલ હશે, ‘નાટકોને દિયા, ફિલ્મોને લિયા’. (સિરિયસ થઈને) મેં પહેલાં કહ્યું કે ગુજરાતી ફિલ્મ ચેન્જ થવાનો એક દોર શરૂ થયો છે. આ દોરને આગળ વધારવો બહુ જરૂરી છે. મને મારા કમ્ફર્ટ-ઝોન સાથે આગળ આવવા મળતું હતું એટલું હું આગળ આવ્યો. મુદ્દો પૈસાનો નથી, મુદ્દો મજા આવવાનો છે અને ઑડિયન્સનું ઍપ્રીશિએશન મેળવવાનો છે. કમાવા માટેના અનેક રસ્તાઓ હોઈ શકે, પણ એ ખર્ચવાનો પણ એક સાચો રસ્તો હોવો જોઈએ. આજે બૉલીવુડમાં કેટલા ગુજરાતીઓ એવા છે જેની ફી લાખો અને કરોડોમાં છે. એવા સમયે તે આગળ આવે અને પોતાની ટૅલન્ટ ગુજરાતી ફિલ્મને ઉપર લઈ આવવા માટે ખર્ચે તો એમાં ખોટું શું છે. મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જુઓ, મરાઠીઓ ગર્વ લે એવું કામ થઈ રહ્યું છે. મરાઠી ઍક્ટરો ખુશ થઈને એમાં કામ કરે છે. આપણે એ કરવું પડશે, જો એક આખા રીજનની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ફરીથી એનો ગોલ્ડન ટાઇમ પાછો આપવો હોય તો.

‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ના મેકિંગ સમયે કોઈએ મોરાલ તોડ્યું નહીં?

મેકિંગ સમયે શું, એ પહેલાં જ તોડવાનું શરૂ કરી દીધું હતું. એક કિસ્સો કહું તમને. મારા એક મિત્ર છે બૉલીવુડના બહુ જ સારા અને ફેમસ રાઇટર. આપણા ગુજરાતી છે અને ગુજરાતી તેમની રોજિંદી જબાન છે. મેં તેમને ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવા માટે કહ્યું. એક જ ઝાટકે તેમણે હા પાડી દીધી, પણ જેવી ખબર પડી કે ગુજરાતી ફિલ્મની વાત છે કે ગાયબ થઈ ગયા. થોડા દિવસ પછી મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું - યાર, તારી ફિલ્મના રાઇટિંગના જેટલા પૈસા મળશે એટલા તો મને ટીવી-સિરિયલના એક એપિસોડમાંથી મળી જાય... માય હમ્બલ રિક્વેસ્ટ, તું પણ આ બધું મૂકી દે, નથી બનાવવી ગુજરાતી ફિલ્મ.

આવી તો અનેક ઘટનાઓ બની, પણ પછી દરેક વખતે નવેસરથી કામ શરૂ કરતો.

ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવાનું કામ બહુ અઘરું થઈ ગયું છે...

એકદમ સાચી વાત. નૅશનલ લેવલના કોઈ ડિસ્ટ્રિબ્યુટરને ગુજરાતી ફિલ્મમાં આવવું જ નથી અને મારી વાત ક્લિયર હતી કે ફિલ્મ અવેલેબલ નહીં થાય તો ફિલ્મ રિલીઝ નથી કરવી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભ્સ્ય્ જેવી ખ્યાતનામ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ ફિલ્મના રાઇટ્સ લીધા છે અને હવે એ મુંબઈ સહિત ૯૨ સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝ કરે છે. માંડ દસ સ્ક્રીનમાં રિલીઝ થતી ગુજરાતી ફિલ્મો માટે આ ખરેખર રેકૉર્ડ છે. ફિલ્મ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, યુનાઇટેડ કિંગ્ડમ, દુબઈ જેવા દેશોમાં પણ બે મહિનામાં રિલીઝ થશે. ઑલરેડી સ્ક્રીન પણ બુક થઈ ગઈ છે. ફિલ્મ માત્ર ગુજરાતી ઑડિયન્સ પૂરતી સીમિત ન રહે એ માટે ગુજરાતી-હિન્દી મિશ્રણવાળી રાખી છે. મારી ગૅરન્ટી છે કે હિન્દી ઑડિયન્સ પણ આ ફિલ્મ જોઈને એવું નહીં માની શકે કે એણે ગુજરાતી ફિલ્મ જોઈ છે. આ પ્રકારનો પ્રયોગ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર થયો છે. મને લાગે છે કે આવા પ્રયોગો ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે બહુ જરૂરી છે.

‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ટાઇટલ શું કામ, ગુજ્જુભાઈ ટાઇટલ તમે નાટકોમાં બહુ પૉપ્યુલર કર્યું છે એટલે?

હા પણ અને ના પણ. હા એટલા માટે કે છેલ્લાં બાર વર્ષથી આ ટાઇટલ મારી સાથે જોડાયેલું રહ્યું છે તો એનો ઉપયોગ કરવાથી ઑડિયન્સને એન્ટરટેઇનમેન્ટની ગૅરન્ટી મળી જાય... અને ના એટલા માટે કે મારીમચકોડીને ક્યાંય આ ટાઇટલ ફિટ કરવામાં આવ્યું નથી. એક ગુજરાતી પરિવારને ગુજરાતી મોવડી કઈ રીતે હૅન્ડલ કરે એ વાર્તા સાથે ટાઇટલ એકદમ અપ્રોપ્રિએટ હતું એટલે એ યુઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફિલ્મ કૉમેડી છે, પરંતુ એમાં રોહિત શેટ્ટીની નહીં પણ હૃષીકેશ મુખરજી અને બાસુ ચૅટરજીની સેન્સિબલ કૉમેડી છે. એકેક કૅરૅક્ટર તમને તમારી આજુબાજુની વ્યક્તિઓ લાગશે, જે આજની ગુજરાતી ફિલ્મ માટે બહુ જરૂરી છે.

તમારા દીકરા ઈશાન રાંદેરિયાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે...

મને એક નાનકડી સ્પષ્ટતા કરવી છે કે ઈશાન મારો દીકરો છે એટલે તેણે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે એવું નથી. વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનૅશનલ નામની ફિલ્મ-ઇન્સ્ટિટ્યૂટ અને ઑસ્ટ્રેલિયામાં ઈશાને પહેલાં એજ્યુકેશન લીધું અને એ પછી તેણે સાત વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી. જ્યારે એ ફિલ્મની વાત સાથે મારી પાસે આવ્યો ત્યારે પહેલાં તો મેં તેનું બધું કામ જોયું, કામ બરાબર લાગ્યું એટલે તેની ટીમ જોઈ અને એ પછી ફિલ્મ માટે હા પાડી છે. આઇ મસ્ટ સે, ઈશાને બહુ જ સુંદર રીતે બધી જવાબદારી સંભાળી છે.

ફિલ્મની વાર્તા શું છે?

હસુભાઈ (સિદ્ધાર્થ રાંદેરિયા) અમદાવાદમાં તેનાં બા, વાઇફ રમીલા (સ્વાતિ શાહ) અને દીકરી તનીશા (દીપના પટેલ) સાથે રહે છે. હસુભાઈને કપડાંનો બિઝનેસ છે, જેમાં બકુલ બુચ (જિમિત ત્રિવેદી) નોકરી કરે છે. રમીલાને તનીશાને પરણાવવાના અભરખા જાગ્યા છે. એક દિવસ રમીલાને એક પંડિત એવું કહે છે કે દીકરીનાં મૅરેજ જો પંદર દિવસમાં થયાં તો ઠીક છે, બાકી પછી પાંચ વર્ષ પહેલાં મૅરેજ નહીં થાય. પત્યું. મા શરૂ કરે છે દીકરી માટે વર શોધવાનું અભિયાન તો સામા પક્ષે મુંબઈમાં ફૅશન-ડિઝાઇનિંગનું ભણી રહેલી દીકરી બૉયફ્રેન્ડ મૉન્ટુને પપ્પા જમાઈ તરીકે સ્વીકારી લે એનાં ત્રાગાં શરૂ કરે છે અને પપ્પા દીકરી માટે બકુલ બેસ્ટ છે એ દિશામાં કામે લાગે છે. આ આખા તિકડમની વચ્ચે હસુભાઈ થોડી વધારે રમત આદરી દે છે અને બબૂચક એવો બકુલ આમ તો બહુ મોટો સ્ટાર છે એવું એસ્ટૅબ્લિશ કરવા માટે બૉલીવુડની સુપરસ્ટાર સોનિયા કપૂર એક સમયે તેની ગર્લફ્રેન્ડ હતી એવું દર્શાવી દે છે અને એટલું જ નહીં, એનાં ખોટાં પ્રૂફ પણ ઊભાં કરી દે છે. આ સમાચાર સોનિયાના બૉયફ્રેન્ડ અને અન્ડરવર્લ્ડના ડૉન એવા દુબઈમાં રહેતા બડે ભાઈ (ધર્મેશ મહેતા) સુધી પહોંચે છે એટલે હવે તે બકુલનું મર્ડર કરવા માટે અમદાવાદમાં ઊતરે છે અને પછી તો ગોટાળાઓનું ઘમસાણ શરૂ થઈ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK