ઇન્ટરવ્યુ : મિડ-ડે મળ્યું શાહરુખ ખાનને

સફળતા માટેની તેની ફિલોસૉફી વિશે, પોતાના પુસ્તકપ્રેમ વિશે અને તેને ગમતી ફિલ્મો વિશે શાહરુખ ખાન સાથે વાતો કરી છે મિડ-ડેએ. વાંચો...

shahrukh


રુચિતા શાહ

૧૮ ડિસેમ્બરે શાહરુખ ખાન અને કાજોલની જોડી ‘દિલવાલે’ ફિલ્મ દ્વારા ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર દેખાવાની છે. ઍક્શન કૉમેડી ફિલ્મો માટે જાણીતા રોહિત શેટ્ટીએ આ વખતે રોમૅન્ટિક લવ-સ્ટોરીને પણ ફિલ્મની વાર્તામાં વણી લીધી છે. પોતાની હોમ પ્રોડક્શન કંપની અંતર્ગત બનેલી આ ફિલ્મ સાથે સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ પણ રિલીઝ થઈ રહી છે જેની અસર ફિલ્મના બિઝનેસ પર પડશે એવી ચોખ્ખી કબૂલાત શાહરુખ કરી રહ્યો છે અને સાથે જ ફિલ્મને થોડો સમય લાગશે, પરંતુ બિઝનેસ મળશે એવી આશા પણ તે સેવી રહ્યો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરાં કરનારા અને સક્સેસની નવી પરિભાષાઓ અખત્યાર કરનારા શાહરુખ સાથે તેની અપકમિંગ ફિલ્મ સંદર્ભમાં અને અંગત જીવનમાં તેની પસંદ-નાપસંદ વિશે થયેલી વાતચીતના અંશો...

એવો તબક્કો આવી ગયો છે કે લોકો હવે શાહરુખ ખાન બનવાનાં સપનાં જોતા હોય છે ત્યારે શાહરુખ પોતે શું વિચારે છે પોતાના વિશે?

તમને કદાચ નવાઈ લાગશે કે મારી આસપાસ એવું કોઈ નથી જે મારાં ગુણગાન ગાતું હોય. અમારી કંપનીમાં જેટલા લોકો છે તેઓ બધા કામ કરવામાં જ માને છે. અમે લોકો પોતે જ પોતાના કામથી એટલા ઇમ્પ્રેસ નથી થતા. બહોત અચ્છા કર લિયા કહીને ફુલાઈ નથી જતા, કારણ કે આર્ટ ફૉર્મની એક ખૂબી એ છે કે તમારા મનથી તમે જે કર્યું હોય એ સારું હોય, પણ એની તુલના લોકોને એ કેટલું ગમ્યું છે એના પર જ થતી હોય છે. ફિલ્મમેકિંગ જ નહીં, તમે પેઇન્ટિંગ કે સિન્ગિંગ જ લઈ લો. તમારા મતે તમે બનાવેલું બેસ્ટ પેઇન્ટિંગ કે તમે ગાયેલું ગીત લોકોને કેટલું ગમે છે એના પર એની શ્રેષ્ઠતાની તુલના થાય છે. એ કેટલું સારું હતું કે ખરાબ હતું કે લોકોએ એનો સ્વીકાર કેવો અને કેટલો કર્યો એના પર જ એની તુલના નર્ભિર હોય છે. સાથે એમ પણ કહીશ કે લોકોને એ ન ગમે એટલે એ ખરાબ છે એવું નથી, પરંતુ તુલનામાં એ પાછળ રહ્યા તો તમે ફેલ. હું આ બિઝનેસમાં ઘણાં વષોર્થી છું એટલે મને ખબર છે કે અહીં તમે ઓવર-કૉન્ફિડન્સ ન રહી શકો કે પોતાની પ્રશંસામાં ન રહી શકો. યુ ઑલવેઝ કીપ ટ્રાઇંગ. દરેક નવી ફિલ્મ નવી શરૂઆત છે. દરેક નવી ફિલ્મ વખતે હું પહેલી ફિલ્મની જેમ જ નર્વસ થઈ જાઉં છું. કોઈ પણ ફિલ્મ કરતી વખતે હું એ ક્યારેય નથી વિચારતો કે આમાં કેટલું નામ થશે, કેટલા પૈસા કમાઈશ કે કેટલા અવૉર્ડ મળશે. હું તો માત્ર કામ કરું છું. માત્ર એ પ્રોસેસને એન્જૉય કરું છું. નેમ, ફેમ, પૈસા કે અવૉર્ડ એ તો એની પાછળ આવતી બાબતો છે. ઘણી વખત તમે અપેક્ષા રાખી હોય એના કરતાં ખરાબ પરિણામ આવે અને ઘણી વાર તમને કલ્પના ન હોય એનાથી વધારે સારું પરિણામ મળે. કેટલીક વખત તમે અપેક્ષા રાખી હોય એવું જ પરિણામ મળે. જોકે આખી વાતનો સારાંશ એટલો જ કે તમે તમારું કામ કરતા જાઓ. બાકીની બધી વસ્તુ એની પાછળ આવતી જશે.

આજકાલના યંગસ્ટર્સ કંઈ પણ મેળવવા માટે ડેસ્પરેટ હોય છે. તમારા હિસાબે સફળતાની ગુરુચાવી કઈ?

હું કહીશ કે ક્યારેય કોઈ બાબત માટે ડેસ્પરેટ નહીં થાઓ. ફરી એ જ વાત કહીશ કે તમે કામ કરો, તમારા કામના પ્રોસેસને એન્જૉય કરો. પરિણામ જે આવે એ. મારો પોતાનો અનુભવ કહું તો હું ક્યારેય કંઈક મેળવવા માટે ડેસ્પરેટ નથી થયો અને જે પણ બાબતમાં હું ડેસ્પરેટ થઈને આગળ વધ્યો છું એમાં મેં કંઈક ગુમાવ્યું જ છે. અનુભવ પરથી કહું છું કે ડેસ્પરેશનને કારણે તમે તમારા કામ કરતાં એના પરિણામ પર વધુ ફોકસ થઈ જાઓ છો. ડેસ્પરેશન તમને ટેન્શનની દિશામાં આગળ લઈ જાય છે. ડેસ્પરેશનમાં ઘણી વાર તમારી આંખ સામે રહેલી વસ્તુઓને પણ તમે જોઈ નથી શકતા કે સમજી નથી શકતા. કંઈક મેળવવાની લાયમાં તમે ઘણું ચૂકી જાઓ છો એટલે ડેસ્પરેશન ક્યારેય સક્સેસ નથી અપાવતું. એટલે મેં ક્યારેય કોઈ બાબતમાં ગોલ નથી બનાવ્યો. બસ હું રોજ સવારે ઊઠું છું અને કામ કરું છું. વારંવાર કહીશ કે હું માત્ર કામ કરું છું. તમે તમારા કામની પ્રોસેસને એન્જૉય કરો એ પછી એ કામમાં સફળતા મળી તો નો પ્રૉબ્લેમ. માનો કે કામમાં નિષ્ફળતા મળી તો દુ:ખ જરૂર થશે, પરંતુ નવાં-નવાં બીજાં કામ હાથ ધરીને તમે એને ભૂલતા જશો. તમે ઑર્ગેનાઇઝ્ડ રહો, પણ ગોલ્સ બનાવીને એને આંખ સામે રાખીને કંઈક કરતા રહેશો તો તમારી જર્નીને એ બોરિંગ બનાવશે અને અલ્ટિમેટલી એની અસર તમારા રિઝલ્ટ પર પડશે.

સફળતા સાથે બીજું શું-શું આવતું હોય છે?


જેમ-જેમ તમે સફળ થતા જાઓ એમ તમારા પર જવાબદારીઓ વધતી જાય છે. લોકોની તમારી પાસેની અપેક્ષા વધતી જાય છે. જેમ કે સચિન તેન્ડુલકરે સેન્ચુરી મારી એ વાત પછી તમને સામાન્ય લાગવા માંડે. સચિનની સેન્ચુરી તમારે માટે સ્વાભાવિક બની ગઈ હોય છે, પણ એને બદલે સચિન જો ૨૩૫ રન ફટકારે તો તમને ચોક્કસ નવાઈ લાગે. સફળતાથી લોકોને સરપ્રાઇઝ કરવાની તમારી એબિલિટી તમે ખોઈ દેતા હો છો. તમારા પર લોકોની અપેક્ષાઓનું પ્રેશર વધી જતું હોય છે. તમે જ્યારે નવા હો ત્યારે તમે જે પણ કરો એથી તમને વાંધો નથી આવતો. તમે એ ફ્રીડમ ભોગવી શકો છો.

આપણે ત્યાંના ઑડિયન્સ વિશે તમારું શું કહેવું છે?

આપણે ત્યાં લોકો ઑફબીટ ફિલ્મો ઓછી પસંદ કરે છે અને એટલે જ કોઈ પણ મોટા પ્રોડક્શન-હાઉસે ચાર નાની ઑફબીટ સબ્જેક્ટની ફિલ્મો કરતાં પહેલાં એક કમર્શિયલ ફિલ્મ કરવી પડે છે, કારણ કે એ ફિલ્મના બિઝનેસ પરથી જ બીજી ત્રણ અલગ ફિલ્મોનું બજેટ તૈયાર થાય છે. ‘દિલવાલે’ પૉપ્યુલર ફિલ્મ છે જેમાં ઍક્શન, કૉમેડી, લવ, રોમૅન્સ, રિલેશનશિપ, દોસ્તી જેવું બધું જ છે. ઓવરઑલ એનું પૅકેજિંગ પારિવારિક ફિલ્મ તરીકે કરવામાં આવ્યું છે. ફૅમિલીના બધા લોકો એને રિલેટ કરી શકે. ટેક્નૉલૉજીવાઇઝ પણ એમાં દરેક સીન રિયલિસ્ટિક લાગે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. મારી પોતાની ચૉઇસ હંમેશાં ઑફબીટ ફિલ્મોની રહી છે, પરંતુ વર્ષમાં એક એવી ફિલ્મ બનવી જોઈએ જે આખા પરિવારને થિયેટરમાં ખેંચી લાવે. મારી દૃષ્ટિએ એ લીડર ફિલ્મ હોય છે. એના પછીની ત્રણ ફિલ્મો અમારા પ્રોડક્શન-હાઉસ દ્વારા બની રહી છે. ‘રઈસ’, ‘ફૅન’ અને ગૌરી શિંદેની લાઇફ પરની એક ફિલ્મ. આ બધી ફિલ્મો ઑફબીટ છે એટલે અમને ખબર છે કે અમુક સ્પેસિફિક ઑડિયન્સને જ એ અટ્રૅક્ટ કરશે. એટલે ફિલ્મ ચાલી તો ચાલી, નહીં તો ન પણ ચાલે. અમારા પ્રોડક્શન-હાઉસે બનાવેલી શરૂઆતની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘અશોકા’ અને ‘પહેલી’ જેવી ફિલ્મો નહોતી ચાલી. એવા સમયે સતત જો આ જ પ્રકારની ફિલ્મો બને તો ઑફિસ ચલાવવી અઘરી થઈ પડે. એટલે જ ટેસ્ટ અને પસંદ જુદી હોય તો પણ વર્ષમાં એકાદ કમર્શિયલ પૉપ્યુલર ફિલ્મ બનાવવી જ પડે છે.

‘દિલ તો સભી કે પાસ હોતા હૈ, પર દિલવાલા હર કોઈ નહીં હોતા’ એ તમારી ફિલ્મના ડાયલૉગમાં દિલવાલા હોવું એટલે શું? દિલવાલા બનવા માટેનો કોઈ રસ્તો છે?

‘સાચો દિલવાલો એ જ છે જે બીજાની ભૂલોને ભૂલીને માફ કરતો જાય. સંબંધો હોય કે તમારી કામની જગ્યા બધી જ જગ્યાએ આ ફન્ડા કામ કરે છે. લોકો થોડી ભૂલોને કે થોડા ઝઘડાને પકડી રાખે છે એનાથી નેગેટિવિટી આવે છે. હું હવે તેની સાથે વાત નહીં કરું કે હવે હું તેને નહીં બોલાવું એવી બાબતોને તમારે ઓવરકમ કરવાની છે. મને લાગે છે કે એ પણ ઉંમર સાથે આવી જ જતું હોય છે. જ્યારે તમે યંગ હો ત્યારે તમે જલદી ગુસ્સે થઈ જાઓ છો. ત્યારે તમે વધારે પૅશનેટ હો છો, પરંતુ જે લોકો સાચા દિલવાલા હોય છે એ માત્ર લવિંગ, કૅરિંગ કે ગિવિંગનું રિલેશન નથી હોતું. સારા હૃદયના લોકો માફ કરી દેતા હોય છે અને કહેતા હોય છે કે ઠીક હૈ યાર, ગલતી હો ગઈ. કોઈ બાત નહીં ઔર અગર જાનબુઝ કર ભી તુમને કિયા હો તો કોઈ બાત નહીં. આપણે માફ કરી દેનારા હોવા જોઈએ. તમે મોટા અને મહાન લોકોની લાઇફ જોશો કે તેમનો સંદેશ સાંભળશો તો તમને સમજાશે કે એ લોકો બહુ ઉદાર માનસના હતા. ભૂલોને માફ કરી દેવામાં માનતા હતા. એટલે દિલવાલાની જો વ્યાખ્યા કરવી હોય તો એવા લોકો જે બહુ જ સહેલાઈથી બીજાને માફ કરી દેતા હોય.

પુસ્તકોએ તમારી લાઇફ બદલવામાં બહુ મોટો રોલ ભજવ્યો છે એ સાચું છે?

વેલ, (વિચારમાં) એની તો મને ખબર નથી. હા, પણ હું વાંચવાનો ઘણો શોખીન છું. મારી પાસે મારી પોતાની લાઇબ્રેરી છે જેમાં ૧૦૦૦થી વધુ પુસ્તકો હશે. હું દુનિયાના કોઈ પણ ખૂણામાં ફરતો હોઉં ત્યારે મને માત્ર પુસ્તકોનું શૉપિંગ કરવાનું ગમે છે. એકસાથે કેટલીક વાર તો બે-બે બુક્સ વાંચતો હોઉં છું. કેટલીક વાર ન વાંચવાનો હોઉં એવી બુક્સ પણ ખરીદી લઉં છું. મને દરેક પ્રકારની, દરેક વિષયની બુક વાંચવાનું ગમે છે. ‘માય નેમ ઇઝ ખાન’ વખતે ઑટિઝમ પર મેં પુષ્કળ પુસ્તકો વાંચ્યાં હતાં. બુક્સમાંથી મને મોટિવેશન તો નહીં, પણ કૅરૅક્ટરાઇઝેશન બહુ સરસ મળે છે. તમે કોઈ કૅરૅક્ટર વિશે એને જોયા વિના વર્ણન વાંચતા હો ત્યારે એમાં તમે ઘણીબધી રીતે ક્રીએટિવલી વિચારી શકતા હો છો. રશિયન ઓથરની બુક્સમાં કૅરૅક્ટરનું વર્ણન બહેતરીન રીતે કરેલું હોય છે.

તમે તમારી બુક પણ લખવાના હતાને?

(હસતાં હસતાં) હા, એ તો મેં બહુ પહેલાં શરૂ કર્યું હતું. મારા લાઇફની જર્નીના અનુભવોની વાત અને મારા વિચારો એમાં હતા, જેમાં પહેલાં હું મારી દીકરી માટે એ લખી રહ્યો હતો. પહેલાં વિચાર્યું હતું કે બૉલીવુડમાં ૧૦ વર્ષ પૂરાં થશે એટલે આ બુક સ્વરૂપે પબ્લિશ કરીશ. જોકે હવે તો ૨૫ વર્ષ થઈ ગયાં, પણ એ પછીયે મારું લખવાનું ચાલુ જ છે. જીવનમાં સતત કંઈક ને કંઈક નવું ઘડાઈ રહ્યું છે એટલે એ લખવાનું અટકી નથી રહ્યું. ઘણી વાર કોઈ બોરિંગ હૉલિડે પર જઈશ એટલે એ બુક પૂરી કરીશ. જોકે બધી જ હૉલિડે યાદગાર હોય છે એટલે લખાણ પૂરું નથી થઈ રહ્યું. હવે બહુ જલદી બે-ત્રણ મહિનાના બ્રેકમાં એ બુક પૂરી કરવાનો મારો વિચાર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK