કોઈ મહિલા મહેનત કરવા તૈયાર હોય અને એના તેને પૈસા જોઈતા હોય તો ખોટું શું છે? : કંગના

ક્વીન માટે વાહવાહી મેળવી રહેલી આ હટકે હિરોઇન કહે છે કે મને ટીકાની એટલી આદત છે કે હવે વખાણથી ગભરામણ થવા લાગે છેહિમાચલ પ્રદેશની કંગના રનોટ બૉલીવુડમાં પ્રવેશી શકશે એવી કોઈ શક્યતા દેખાતી નહોતી, કારણ કે તે કોઈ ફિલ્મી ઘરાણાની નહોતી અને ઉચ્ચભ્રૂ વર્ગની પણ નહોતી. તેની બોલવાની લઢણની મશ્કરી થતી હતી અને તેને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી. આજે આ જ યુવતીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ક્વીન બની ગઈ હોવા છતાં તે પોતે જે મધ્યમવર્ગના વાતાવરણમાં ઊછરી છે એના પ્રત્યે જ ગૌરવ અનુભવે છે.

તને ‘ક્વીન’ બદલ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે....

મને મળી રહેલા સંદેશાઓ જોઈને હું હરખાઈ ગઈ છું. મને તો એમ જ હતું કે પૂર્ણપણે કમર્શિયલ હોય એવી ફિલ્મોને જ માત્ર આવો ઝડપી પ્રતિભાવ મળી શકે છે. આ ફિલ્મ નારી પર આધારિત હોવાને લીધે એના વિશે પુરુષો કેવી પ્રતિક્રિયા આપશે એ બાબતે થોડી શંકા હતી, પણ મને લાગે છે કે અમુક બાબતો સવર્‍સાધારણપણે સવર્‍ત્ર જોવા મળે છે. પોતે જે વ્યક્તિને ચાહી હોય એ જ વ્યક્તિ બૂરું વર્તન કરે તથા પોતાનામાં આત્મવિશ્વાસની કમી હોય એ બાબતની અનુભૂતિ દરેક જણે કરી હોય છે. આ ફિલ્મ એકદમ વ્યવસ્થિત રીતે બની એ વાતનો મને આનંદ છે. ક્યારેક પટકથા જોઈને લાગતું હોય છે કે ફિલ્મ ક્યાં જઈને અટકશે? કારણ કે અમુક ઝીણી બાબતો શૂટિંગ કરતી વખતે જ ધ્યાનમાં આવતી હોય છે. ડિરેક્ટર વિકાસ બહલે પ્રભાવશાળી ફિલ્મ તરીકે એની કલ્પના નહોતી કરી. અમે સૌએ ઘણી જહેમત ઉઠાવી હતી, પરંતુ અમે આ ફિલ્મને ચીલો ચાતરનારી બનાવીશું એવો ઇરાદો ક્યારેય રાખ્યો નહોતો.  

તારા વાસ્તવિક જીવન સાથે સંબંધ ન હોય એવું પાત્ર ભજવવા વિશે તેં કયો અભિગમ અપનાવ્યો હતો?

હું અભિનયને પદ્ધતિસર અપનાવું છું. આ ફિલ્મ મને મળી ત્યારે એના પાત્ર સાથે એકરૂપ થવામાં મને છ મહિના લાગ્યા. હું પાત્રની અંદર ડૂબી જાઉં છું. મનોજગતના આ ખેલથી ક્યારેક મને ડર લાગે છે, કારણ કે તમે જેવા નથી તેવા બનવાનો પ્રયાસ કરવા માંડો છો, પણ એનાં ગંભીર પરિણામ આવી શકે છે. લાંબા ગાળે એવું પણ થાય કે તમે પોતે કયા પ્રકારની વ્યક્તિ છો એની તમને પોતાને જ ખબર ન પડે. જોકે મારે ક્યાં સુધી પાત્રની અંદર ઘૂસી રહેવું એની મર્યાદા હું નક્કી કરી લઉં છું. અમુક વસ્તુ તો હું ન જ કરું. ઉપરછલ્લી ઍક્ટિંગ કરવાનું મને કોઈએ શીખવ્યું નથી.  એમ તો ક્યાં તને કોઈએ કાંઈ શીખવ્યું છે. તું જાતે જ બધું શીખી છે, ટકી રહી છે અને યોગ્ય ફિલ્મોને પસંદ કરે છે અને.....

હા, તમારી વાત સાચી છે. મને લાગે છે કે ભરપૂર પ્રવાસ કરવાથી તથા પુષ્કળ વાંચનથી મને ઘણો લાભ થયો છે. મારી જિંદગી અને મારી ફિલ્મોમાંથી કંઈક શીખવાનો અભિગમ મેં રાખ્યો છે. મારી પાસેથી કઈ અપેક્ષાઓ રખાઈ છે એ જાણ્યા બાદ હું એને અનુરૂપ વર્તન કરવાનો પ્રયાસ કરું છું. જોકે મારી સાથે સંપૂર્ણ મેળ ખાતી હોય તેવી વ્યક્તિ કે ટીમ સાથે કામ કરવાનું ભાગ્યે જ થયું છે. છ મહિના સુધી તો આ ફિલ્મ માટે હું પૂરેપૂરી સમર્પિત હતી. એ અરસામાં મારા પરિવારને પણ હું નહોતી મળી.

તુ ફિલ્મલાઇનમાં સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે ઘણી ઉપેક્ષા અને ટીકાઓ સહન કરી છે. તને કઈ વસ્તુ બેચેન કરી મૂકે છે, પ્રશંસા કે ટીકા?

દેખીતી વાત છે, પ્રશંસા. અત્યાર સુધી હું મારા પર થતા પ્રહારો સહન કરવામાં જ વ્યસ્ત હતી અને એની એટલી આદત પડી ગઈ હતી કે હવે મારાં વખાણ થાય ત્યારે ગભરામણ થવા માંડે છે. મારા પર પ્રશંસાનાં પુષ્પોની વર્ષા થતી હોય એવી સ્થિતિ બેચેન કરનારી છે. મને એમાં ઘણું વિચિત્ર લાગે છે અને મારે એને કેવો પ્રતિભાવ આપવો એ સમજાતું નથી. મને લાગે છે કે આવી સ્થિતિ મને માફક આવવા લાગે અને એનો હું સ્વીકાર કરી લઉં એ સ્થિતિ આવતાં હજી થોડી વાર લાગશે.

બીજી કઈ વાતો તને અકળાવી મૂકે છે?

અમુક ડિરેક્ટર્સ તો હજી પણ મને એવું ફીલ કરાવે છે જાણે હું કાંઈ જ નથી. વિચારસરણીમાં તફાવત હોય ત્યારે આવું બને. એ વખતે મારે શું કરવું એ મને સમજાતું નથી. કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂક્યા વગર મને કોઈક નકલ કરવાનું કહે ત્યારે મને રુચતું નથી. દા.ત. ઠાઠાઠીઠીવાળી કૉમેડી મને જરાય માફક નથી આવતી. મને જરાય ગમે નહીં એવાં ડાન્સ-સ્ટેપ કરવાનું કહેવામાં આવે એ પણ નથી ચાલતું. હું શાસ્ત્રીય નૃત્યની તાલીમ લઈને આવી છું અને મને કોઈ કામુક ભાવ વ્યક્ત કરીને અમુક સ્ટેપ કરવાનું કહે એ ગમતું નથી. ત્યારે મને વિચાર આવે કે મારે હવે કરવું શું? આમ છતાં હું દાંત ભીડીને મનને મનાવી લઉં છું અને પ્રવાહની સાથે ચાલું છું જેથી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી ન થાય.  

તારા પ્રત્યેના લોકોના વલણમાં તને સૌથી વધુ ખૂંચી હોય એવી વાત કઈ?

હું ઘણી વાર હતાશ થઈ છું અને હજી પણ થાઉં છું. મધ્યમવર્ગમાંથી આવેલી છોકરી આ ઉદ્યોગમાં ફક્ત પૈસા કમાવા માટે આવેલી નખરાળી યુવતી છે એવી લોકોની માન્યતા મનને ઠેસ પહોંચાડનારી છે. અમુક ઘરાણાના લોકો જ ફિલ્મઉદ્યોગમાં સ્થાન મેળવી શકે એ માન્યતા જોઈને ત્રાસ થાય છે. આવા લોકોને મારે એક જ સવાલ કરવો છે કે જો કોઈ મહિલા મહેનત કરવા તૈયાર હોય અને એના તેને પૈસા જોઈતા હોય તો એમાં ખોટું શું છે? મહિલાઓને અમુક બ્રૅન્ડની વસ્તુઓ કે ડાયમન્ડ ખરીદવાની ઇચ્છા થાય તો તેના તરફ પૂવર્‍ગ્રહ કેમ બાંધી લેવામાં આવે છે? મહત્વાકાંક્ષા ધરાવતી અને પૈસા કમાતી યુવતી વિશે કોઈ ધારણા બાંધી લેવી ન જોઈએ.   

તારી વાત પરથી એવું લાગે કે તું પોતાનાં મૂલ્યોને કદી નહીં છોડો...

(હસીને) ક્યારેય નહીં. હું મારા માટે અને મારાં મમ્મી-પપ્પા માટે ઘર ખરીદી શકી એનો મને આનંદ છે. મારી બહેન મારી સાથે જ રહે છે. વતનમાં મારાં મમ્મી-પપ્પા હવે આરામદાયક જીવન જીવી રહ્યાં છે. મને આનાથી વધારે સુખ નથી જોઈતું. હું હજી પણ ફિલ્મી લોકો અને હાઈ સોસાયટીથી અલિપ્ત છું. આવું જ તેમનું મારા પ્રત્યેનું વર્તન છે. કુથલીઓમાં આનંદ લેતા હોય અથવા તો ઘોડાની રેસ અને મોંઘીદાટ કારની વાતો કરીને પોતાની મહત્તા દર્શાવતા હોય તેવા લોકો સાથે મને બનતું નથી. હું મારામાંની મધ્યમ વર્ગની વ્યક્તિને જીવંત રાખવા માગું છું. 

તું નાનાં શહેરોમાંની છોકરીઓ માટે આદર્શ બની ગઈ છે. તેમને માટે તારો કોઈ સંદેશ છે?

લોકો તમારું મૂલ્યાંકન જે રીતે કરતા હોય એ રીતે કરવા દો. તમે આર્થિક રીતે સ્વતંત્ર બની જાઓ. પૈસા કમાવામાં કાંઈ ખોટું નથી. પોતાના પ્રતિ જવાબદાર બનવા કરતાં મોટું સુખ બીજું કોઈ નથી. જો તમારી પાસે પૈસા હશે તો તમે પોતાની ઇચ્છા મુજબ જીવી શકશો, તમારે જે સારાં કાર્યો કરવાં હશે એ કરી શકશો અને પરિવારને સુખી રાખી શકશો. મારી બહેન (રંગોલી)ને એક અકસ્માત નડ્યો હતો અને ચહેરા પર ડાઘ રહી ગયા હતા. એને દૂર કરવા માટે સર્જરી કરાવવી પડી હતી અને એના માટે પૈસા જરૂરી હતા. હવે તે એકદમ બરોબર છે. હું આર્થિક રીતે એ જવાબદારી નિભાવી શકી એ વાતનો મને સંતોષ છે. તમારી પાસે પૈસા હોય તો તમે પોતાને માટે તથા પોતાના આપ્તજનો માટે શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાપ્ત કરી શકો છો. પૈસા માટે કોઈના પર નર્ભિર ન રહેવું પડે એ સ્થિતિ આત્મવિશ્વાસને વધારનારું સૌથી મોટું પરિબળ છે. આથી કહું છું કે ઘણું ભણો અને ઘણું કમાઓ. બાકી બધું તમને મળ્યા કરશે.

- શુભા શેટ્ટી-સાહા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK