મારા દર્શકોને પાછા મેળવીને જ રહીશ એવું નક્કી કરીને મેં રામ-લીલા બનાવેલી

પોતાની લેટેસ્ટ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં આવી ગઈ છે ત્યારે સંજય લીલા ભણસાલી કહે છે... સાંવરિયા અને ગુઝારિશ લોકોને ન ગમી એનાથી તેમનું દિલ તૂટી ગયેલું‘રામ-લીલા’ રિલીઝ થઈ ત્યારથી જ સંજય લીલા ભણસાલી મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. સમીક્ષકો હોય કે દર્શકો, બધાએ તેમને વખાણ્યા છે અને શું કામ નહીં? ‘સાંવરિયા’ અને ‘ગુઝારિશ’ નબળી પુરવાર થયા બાદ છ વર્ષે તેમને સફળતા મળી છે. તેમની ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચી ગઈ છે એટલે સ્વાભાવિક રીતે જ ભણસાલી અત્યારે ઉજવણીના મૂડમાં છે અને આ મુલાકાતમાં તેઓ પોતાની ખુશાલી વ્યક્ત કરી રહ્યા છે.

 ‘રામ-લીલા’ને સમીક્ષકોએ વખાણી છે અને દર્શકોએ વધાવી છે. તમારી લાગણી જણાવશો?

ખરું કહું તો મને મુક્તિનો અનુભવ થઈ રહ્યો છે. આખી રાત ગાઢ નીંદર આવી હોય એવું ઘણા વખત પછી બન્યું છે. છેલ્લાં થોડાં સપ્તાહમાં કડવા અનુભવો થયા છે. ફિલ્મ સામે થયેલા વિરોધથી હું હચમચી ગયો હતો અને કંટાળી પણ ગયો હતો. હવે ફિલ્મ ઘણી વખણાઈ છે એથી હું બધી તકલીફોને વીસરી ગયો છું. તમારા કામને લોકો જુએ અને એને બિરદાવે ત્યારે તમને લાગે કે મહેનત લેખે લાગી. દર્શકોને કથાની બારીકી સમજાઈ ગઈ એનો મને હર્ષ છે. મારી આખી ટીમની ધગશ ફળી છે.

તમારી બે નિષ્ફળ ફિલ્મો બાદ ‘રામ-લીલા’ આવી છે.

હા, અમે ‘સાંવરિયા’ અને ‘ગુઝારિશ’ પાછળ પણ આટલી જ મહેનત કરી હતી. એ બન્ને ફિલ્મો મારા માટે ‘રામ-લીલા’ જેટલી જ મૂલ્યવાન છે. જોકે કોઈક કારણસર એ ફિલ્મો દર્શકોને ન ગમી એનાથી મારું દિલ તૂટી ગયું હતું. મારા દર્શકોને હું પાછા મેળવીને જ રહીશ એવું નક્કી કરીને હું દિગ્દર્શનમાં પાછો ફર્યો છું. શક્ય એટલા વિશાળ દર્શકગણ સુધી પહોંચવા માટે ‘રામ-લીલા’ની જરૂર હતી. હું ‘રામ-લીલા’ દ્વારા કંઈ પુરવાર કરવા નહોતો માગતો. મને જે ગમતું હતું એ જ મેં કર્યું અને મેં આશા રાખી હતી કે દર્શકો મારા આનંદમાં સહભાગી બનશે.

આ વખતે તમામ સમીક્ષકોએ તમારી ફિલ્મને વખાણી છે.

સમીક્ષકોના અભિપ્રાયનું મહત્વ નથી એવું ખોટું હું નહીં કહું. કોઈ પણ કલાકૃતિનું અર્થઘટન અને પૃથક્કરણ અગત્યનું હોય છે. જો ફિલ્મ બનાવવાને આપણે કળા ગણીએ તો ફિલ્મ જોવી એ પણ એક કળા જ કહેવાય.

તમે જે વાતાવરણમાં ઊછર્યા એની છાપ આ ફિલ્મમાં દેખાય છે.

ભણસાલીકુળની ભાષા ઘણી જોમદાર, નિખાલસ અને રંગીલી છે. મારા પરિવારની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના છોછ વગર એવા શબ્દો એકદમ સહજતાથી બોલતી જે સામાન્ય રીતે નિષિદ્ધ ગણાતા હોય. આવા વાતાવરણમાં હું ઊછર્યો છું. હું સ્કૂલમાં જે ભાષા સાંભળતો એ આજના યુવાનો માટે તો જાણે રૂઢિપ્રયોગો હોય એવું મને લાગે છે. આજના યંગસ્ટર્સની વાતોમાં નિખાલસતા અને સહજતા છે. દર્શકોએ પ્રેમસંબંધોમાં શારીરિકતાના ઉત્સવને હરખભેર આવકાર્યો છે. ફિલ્મ-દિગ્દર્શક તરીકે મેં પ્રેમસંબંધમાં શરીર અને મનનું તાદાત્મ્ય મુક્ત રીતે ખેડ્યું છે. છોકરો-છોકરી પ્રેમમાં પડે ત્યારે એકમેક સામું જ જોયા કરે એવું દર્શાવવું હવે પૂરતું નથી.  

તમે આમ કહો છો અને છતાં તમારી ફિલ્મમાં બન્ને પ્રેમીઓ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને સહશયન કરતાં દેખાડવામાં આવ્યાં નથી?

એ જ તો જોવા જેવી વાત છે. આને કારણે જ શેક્સપિયરના મૂળ નાટકથી મારી કૃતિ અલગ તરી આવે છે. ખાસ તો મારા માટે એ દર્શાવવાનું મહત્વનું હતું કે પ્રેમીઓનું ખરું અને પૂર્ણ મિલન મૃત્યુમાં જ થાય છે. હું પ્રેમનો ઉપભોગ કરાવવા નહોતો માગતો.

રણવીર અને દીપિકામાં કામોત્તેજના દર્શાવવાનું તમારા માટે કેટલું મુશ્કેલ કાર્ય હતું?

મારે વધુ કંઈ નહોતું કરવું પડ્યું. હું જે પ્રકારનો અભિનય ઇચ્છતો હતો એ મેં કહી દીધું હતું. તેમણે અગાઉ ક્યારેય આવાં છોછ વગરનાં પાત્રો નહોતાં ભજવ્યાં. ક્યારેક દીપિકાને તેના પાત્રની સંકોચ વગરની ભજવણીથી આઘાત લાગતો હતો, છતાં મારે જેવો જોઈતો હતો એવો અભિનય તેણે કરી બતાવ્યો. આ બન્ને કલાકારો અદ્ભુત છે. તેમણે પ્રેમની અભિવ્યક્તિને સહજ અને જાદુઈ સ્પર્શવાળી કરી બતાવી છે. તેમણે અણીશુદ્ધ પ્રેમનાં દર્શન કરાવ્યાં છે.

પહેલી વાર તમે આખી ફિલ્મનું શૂટિંગ લોકેશન પર કર્યું છે.

બહાર જઈને શૂટિંગ કરવાનું કામ ઘણું પડકારરૂપ હોય છે છતાં અલગ-અલગ પરિવેશમાં શૂટિંગ કરવામાં ઘણી મજા આવી. મારી ફિલ્મના પ્રેમીઓને વાસ્તવિક પરિદૃશ્યમાં લઈ આવવાનું કામ પણ મુક્તિનો અનુભવ કરાવી ગયો. આ વખતે મેં મારા સંનિવેશને અલગ રીતે માણ્યો. જોકે ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘ગુઝારિશ’માં કેટલાક ભાગ મેં વાસ્તવિક લોકેશનમાં શૂટ કર્યા હતા.

બંદૂકો અને હિંસાનું શું?

એમાં પણ મજા આવી. ફિલ્મમેકર પોતાની રાબેતા મુજબની સ્થિતિમાંથી બહાર નીકળે એ અગત્યનું હોય છે. રોમિયો અને જુલિયટમાં હિંસા અભિન્ન અંગ છે. મારા ઍક્શન-ડિરેક્ટર શામ કૌશલને પણ આશ્ચર્ય થાય છે કે તેમને હું મારી ફિલ્મોમાં જોડાવાનું શું કામ કહેતો હોઉં છું. અત્યાર સુધીમાં મારી ફિલ્મમાં સૌથી વધુ હિંસા જો થઈ હોય તો એ એક થપ્પડ જેટલી જ છે. આ વખતે શામે મારા પૈસાનું મૂલ્ય ચૂકવી દીધું.

છેલ્લે શું કહેશો?

હાશકારો, આનંદ, અદ્ભુત સંતોષ. ‘રામ-લીલા’એ મને ભરપૂર મુક્તિની અનુભૂતિ કરાવી છે. હું આ ફિલ્મમાં ખૂંપી ગયો હતો. લોકોએ આપેલા પ્રતિસાદથી મને અનહદ આનંદ થયો છે. કરણ જોહર અને રિશી કપૂરથી લઈને આશા પારેખજી અને જાવેદ અખ્તરસાહેબે ફિલ્મને ચાહી છે. હું હવે પછી કઈ ફિલ્મ કરીશ એનો તો હજી વિચાર જ આવ્યો નથી. અત્યારે તો હું પ્રસન્ન બેરોજગાર છું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK