"ક્રિશ ૩ પૂરી કરી ત્યાં સુધી મારા શરીરનું એકેય અંગ સાજું નહોતું રહ્યું"

આજે તેની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે જોઈએ હૃતિક રોશનના મનમાં શું ચાલી રહ્યું છે
હૃતિક રોશન દૃઢપણે માને છે કે જો તમારામાં હકારાત્મકતા હોય અને કામને સકારાત્મકપણે લેવામાં આવતું હોય તો કામ દરમ્યાન વચ્ચે આવતી તમામ તકલીફો અને મુશ્કેલીઓને પાર કરી શકાય. ‘ક્રિશ ૩’નું શૂટિંગ શરૂ થયું એ વખતે હૃતિકને અનેક પ્રકારની શારીરિક તકલીફો હતી, પણ એ તમામને પાર કરીને તેણે ફિલ્મના ૮૫ દિવસ ઍક્શન-સીન આપ્યા હતા.

‘મિડ-ડે’ જ્યારે હૃતિકને મળવા પહોંચ્યું ત્યારે તેની આંખોમાં અનોખી ચમક દેખાઈ રહી હતી. થોડી ઔપચારિકતા પછી હૃતિકે વાતની શરૂઆત કરતાં પૂછી લીધું હતું કે આપણી વાતનો મુદ્દો શું છે? ‘મિડ-ડે’એ કહ્યું કે જે ફિલ્મે દેશભરમાં ચર્ચા જગાવી હોય, ભારોભાર ઇન્તેજારી સર્જી હોય એ ફિલ્મ ‘ક્રિશ ૩’ની રિલીઝ વખતે સ્વાભાવિક રીતે એના વિશે જાણવાની જિજ્ઞાસા મનમાં તરવરતી હોય.

‘મિડ-ડે’નો જવાબ સાંભળીને હૃતિકને સહેજ હસવું આવ્યું હતું, કારણ કે આજકાલ હૃતિક તેની ફિલ્મ ઉપરાંત પર્સનલ અને પ્રોફેશનલ ફીલ્ડના અનેક અવરોધ પાર કરી રહ્યો છે. વાઇફ સુઝૅન સાથે અણબનાવ છે, પપ્પા રાકેશ રોશન સાથે તેને બનતું નથી, શેખર કપૂરની ‘પાની’માંથી તેને પડતો મૂકવામાં આવ્યો છે અને આવી બીજી અનેક વાતો ચર્ચામાં છે. પ્રસ્તુત છે તેની સાથેની વાતચીતના અંશ...

થોડાં વષોર્ પહેલાં તને બૅક પ્રૉબ્લેમ હતો અને એ પછી ગોઠણનો પ્રૉબ્લેમ થયો અને હમણાં બ્રેઇન-સર્જરી... આ બધી તકલીફો સામે ઝઝૂમવા તારામાં હિંમત ક્યાંથી આવે છે?

જિંદગીનો અર્થ એવો નથી કે તમારા હાથમાં હંમેશાં બેસ્ટ કાર્ડ્સ જ હોય. તમારા હાથમાં જે કાર્ડ્સ હોય એનાથી તમારે આગળ વધવાનું હોય. મારી પાસે બેસ્ટ કાર્ડ્સ નહોતાં પણ હા, સારાં કાર્ડ્સ હતાં જેનાથી મેં સારી રીતે રમી લીધું. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે મને યાદ આવે છે કે જે તકલીફ વખતે મને એવું લાગતું હતું કે હું એ પાર નહીં કરી શકું એ તકલીફને મેં કોશિશ કરવાથી પાર પાડી હતી. યાદ રાખજો કે જિંદગી હંમેશાં તમને પછાડવા માટે તત્પર રહે છે. એ વખતે તમારું મનોબળ જ તમારી સાથે રહે છે અને તમને ટકાવે છે.

‘ક્રિશ ૩’ પૂરી થઈ ત્યાં સુધી અનેક પ્રૉબ્લેમ આવ્યા...

હા, પણ આજે જ્યારે એ પૂરી થઈ છે ત્યારે ખરેખર અદ્ભુત લાગણી થઈ રહી છે. ‘ક્રિશ ૩’માં અમે અમારી જાતને અનેક ચૅલેન્જ વચ્ચે મૂકી દીધી હતી, જેને કારણે પ્રોજેક્ટ પૂરો થયો ત્યાં સુધીમાં અનેક અપ-ડાઉન આવ્યાં. ફિલ્મનું જે બજેટ હતું એ અશક્ય હતું. શૂટિંગ દરમ્યાનની જેકોઈ સુવિધા ઊભી કરવાની હતી એ પણ અકલ્પનીય હતી. શૂટિંગ શરૂ થયું ત્યાં મને મારી બૅકમાં ડબલ સ્લિપ ડિસ્ક થયું. ડૉક્ટરે કહી દીધું હતું કે હવે તું જીવનભર ક્યારેય કોઈ પ્રકારની ઍક્શન ફિલ્મ નહીં કરી શકે. બે મહિના સુધી હું સેટ પર અસિસ્ટન્ટ રહ્યો. વિવેક ઑબેરૉયના કૉસ્ચ્યુમનું ધ્યાન રાખવાથી માંડીને મ્યુટન્ટના સીનની નકલ કરીને આર્ટિસ્ટને સમજાવવું, લાઇટ કન્ટ્રોલ કરવા જેવાં કામો કરતો; પણ આ બધાં કામ કરવાથી મારામાં હિંમત આવતી જતી હતી. એ કામો થકી મારી અંદર રહેલી શક્તિ અને ક્ષમતાને હું પાછી મેળવી શક્યો.

આકરા અને અઘરા કહેવાય એવા ઍક્શન-સીનને તેં કઈ રીતે મૅનેજ કર્યા?

ફિલ્મનો સુપરહીરો ક્રિશ એક જૅકેટ પહેરે છે. હું જ્યારે પણ એ જૅકેટ પહેરતો ત્યારે મને એવું લાગતું કે મારામાં કોઈક અદમ્ય શક્તિ છે અને મને કોઈ તકલીફ રોકી નહીં શકે. ૮૫ દિવસ સુધી અમે ઍક્શન-સીન કર્યા. હું ઍક્શન નહીં કરી શકું એવું ઑફિશ્યલી અનાઉન્સ કર્યા પછી મેં એ બધાં કામ કર્યા છે. સાયન્સ પણ કહે છે કે આ અશક્ય છે, પણ મેં એ કર્યું. આ જ કારણે આજે મને સમજાયું છે કે જીવનમાં કંઈ પણ અશક્ય નથી. એ પછી તો મેં જાતે પુષ્કળ રિસર્ચ કર્યું. મારા ગોઠણ, શોલ્ડર, બૅક... બધું તૂટી ગયું હતું. હું ભાંગેલોતૂટેલો હૃતિક બની ગયો હતો અને મેં મારી જાતને ફરીથી જોડી.

તેં પપ્પા સાથે આ ચોથી ફિલ્મ કરી. એ વર્ષોમાં તમારા સંબંધોનાં સમીકરણ કેવાં બદલાયાં છે?

મારી અંદર રહેલો અસિસ્ટન્ટ આજે પણ હયાત છે. અમારા સંબંધોનું સમીકરણ સહેજ પણ બદલાયું નથી, પરંતુ વધુ ગાઢ બન્યું છે અને એ જ મહત્વનું છે. ડૅડ પ્રેરણાદાયી છે અને સૂઝદાયી ફિલ્મમેકર છે. મારા પપ્પા સાથે કામ કરવું એ સપનું સાકાર થવા બરાબર છે.

સ્પેશ્યલ ઇફેક્ટ્સ શૂટ કરવા માટે તમે બન્નેએ શું કર્યું?

‘ક્રિશ ૩’ ભારતની પહેલી એવી હાઈ-બજેટ સ્પેશ્યલ ઇફેક્ટ ફિલ્મ છે જે સંપૂર્ણપણે ભારતમાં જ બની છે. આ ફિલ્મ અમારી પણ પહેલી એવી સુપરહીરો ફિલ્મ છે જેની સામે સુપરવિલન છે. આ સુપરવિલન પાસે મૅનવરની (માણસ અને જાનવરમાંથી તૈયાર થયેલી જાતિ)ની એક ટીમ છે. એક નાના બાળકમાં જેવી ઉત્સુકતા હોય એવી જ ઉત્સુકતા મારામાં પણ હતી. ફિલ્મમાં એક ફ્રૉગમૅન છે અને  ચિત્તા-ગર્લ પણ છે. ડૅડે નક્કી કરી રાખ્યું હતું કે આ ફિલ્મ હિન્દુસ્તાની દ્વારા જ બનાવવી જેથી બીજા આર્ટિસ્ટને પણ એની પ્રેરણા મળે. આ ફિલ્મ પછી દુનિયા આખી ખૂલી જવાની છે. મને ગર્વ છે કે હવે આપણી પાસે કંઈક એવું છે જેને ભારતીય તરીકે આપણે વિશ્વસ્તરે દર્શાવી શકીશું.

તને લાગે છે કે વિવેક એક ભયાનક વિલનની છાપ ઊભી કરી શકશે?

વિવેક એક બેસ્ટ ઍક્ટર છે અને ટીમ સાથે રહીને કામ કરવામાં માને તેવો પ્લેયર છે. જ્યારે અમે ફિલ્મના વિલન કાલ માટે ઍક્ટર શોધી રહ્યા હતા ત્યારે મારી પાસે માત્ર બે જ નામ હતાં. એક તો હું પોતે અને બીજો વિવેક. હું કાલ બનું એ માટે કોઈ તૈયાર નહોતું એટલે ફાઇનલી એ કૅરેક્ટર વિવેકને મળ્યું.

ઘણા લાંબા સમય પછી પહેલી વાર તું એકસાથે બે ફિલ્મનાં શૂટિંગ કરી રહ્યો છે. ‘ક્રિશ ૩’ અને કૅટરિના કૈફ સાથે ‘બૅન્ગ બૅન્ગ’...

‘બૅન્ગ બૅન્ગ’ની સૌથી મોટી મજા એ છે કે એ ‘ક્રિશ ૩’થી સંપૂર્ણપણે જુદી છે અને મને એ જ ગમે છે. એક પ્રકારની ફિલ્મમાંથી બીજા પ્રકારની ફિલ્મમાં જવાથી જિંદગીમાં વૈવિધ્યનો રસ જળવાઈ રહે છે. આ ફિલ્મ હૉલીવુડની ફિલ્મ ‘નાઇટ ઍન્ડ ડે’ પર આધારિત છે, પણ ઓરિજિનલ કરતાં અલગ છે. ફિલ્મમાં અઢળક ઍક્શન છે અને થોકબંધ રોમૅન્સ છે જેથી એ ફિલ્મ બધાને ગમે.

છેલ્લા ઘણા વખતથી તું ડિવૉર્સ લેવાનો છે એવી અફવા ચાલી રહી છે...

તમને તમારા વિશે અને સત્ય વિશે ખબર હોવી જોઈએ. મસ્તક ઊંચું કરીને આંખોમાં તારા ભરીને આગળ વધી જવાનું. લોકોએ જે કહેવું હોય એ કહે, બોલવું હોય એ બોલે, આમ પણ સત્ય એક દિવસ બહાર આવવાનું જ છે.

સુઝૅન જીવનના આ ઉતાર-ચડાવમાં કઈ રીતે સર્પોટ કરે છે?

‘ક્રિશ ૩’ જોયા પછી તેણે મને રીઍક્શન આપ્યું હતું કે તેં કરેલી તમામ ફિલ્મમાં આ બેસ્ટ ફિલ્મ છે. સુઝૅન મારી સૌથી મોટી ક્રિટિક છે. મને મળેલું સૌથી સારું રીઍક્શન જો કોઈ હોય તો એ આ છે. જો સુઝૅન મારી લાઇફમાં ન હોત તો મને નથી લાગતું કે હું ઍક્ટર બન્યો હોત.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK