'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મનું નામ કેવી રીતે પડ્યું?

ફ્લાઇંગ સિખ મિલ્ખા સિંહે મિડ-ડે સાથે મોબાઇલ પર પોતાના જીવનની સૌથી લાંબી વાતચીત કરી અને આપ્યો આ ઇન્ટરવ્યુ
રશ્મિન શાહ

આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ જેમના જીવન પરથી બની છે એ ભારતના ઍથ્લીટ મિલ્ખા સિંહનું નામ ફરી એક વાર દેશભરમાં ગુંજતું થયું છે. છેલ્લા એક મહિનાથી ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું હતું અને એ પ્રમોશનમાં ૭૮ વર્ષના મિલ્ખા સિંહ પણ એટલા જ ઉત્સાહથી જોડાયા હતા. મોબાઇલ પર લાંબી વાત કરવી તેમને સહેજેય ગમતી નથી, પણ લંડનના પ્રીવ્યુ-શો પહેલાં તેમણે ‘મિડ-ડે’ને ઇન્ટરવ્યુનું પ્રૉમિસ કર્યું હતું એટલે સોમવારે વહેલી સવારે લંડનથી આવ્યા પછી તેમણે ‘મિડ-ડે’ સાથે મૅરથૉન ટેલિફોનિક ટૉક કરી અને ફોન પૂરો કરતી વખતે કહ્યું પણ ખરું કે ઇતની લંબી બાત ઝિંદગી મેં પહલી બાર મોબાઇલ પે કિસીકે સાથ કી હૈ.

ફિલ્મ ફાઇનલી રિલીઝ થઈ રહી છે, કેવી છે ફીલિંગ્સ?

સચ કહૂં તો જી બહોત ઘબરા રહા હૈ. લગતા હૈ કિ એક બાર ફિર સે મેરા જન્મ હોનેવાલા હૈ. પેલા રનર મિલ્ખા સિંહને આ જનરેશન તો ભૂલી ગઈ હતી એટલે હવે ફરીથી લોકોની વચ્ચે આવવાનું થતું હોય એવું લાગે છે. ફિલ્મ મેં સાત-આઠ વાર જોઈ લીધી છે અને મને દરેક વખતે મજા આવી છે. હર બાર ફિલ્મ દેખકે મેરી આંખોં મેં આંસુ આએ હૈં. આ નખશિખ પ્રામાણિક ફિલ્મ છે જે દર્શકોની સાથે વષોર્ સુધી જીવતી રહેશે.

તમે ૧૯૬૦ પછી એકેય ફિલ્મ નહોતી જોઈ...


હા, એ સાચું છે. ૧૯૬૦ પછી મેં એક પણ ફિલ્મ નહોતી જોઈ. એ પછી પહેલી ફિલ્મ જે જોઈ એ મારી લાઇફની જ ફિલ્મ જોઈ. મને ફિલ્મની આદત નહોતી એટલે તો હું ફરહાન (અખ્તર)ને કે રાકેશ (મેહરા)ને ઓળખતો પણ નહોતો. અમે મળ્યાં ત્યારે તેમણે મને ‘રંગ દે બસંતી’ની Dસ્D આપી હતી એ પણ મેં હજી સુધી નથી જોઈ. મારો દીકરો જીવ હિન્દી ફિલ્મ જોવાનો કીડો છે. તે દરરોજ એક ફિલ્મ તો જોતો જ હશે. રાકેશ અને ફરહાન મને મળવા આવ્યા ત્યારે હું તેમની સાથે દલીલ કરતો હતો ત્યારે જીવ મને ઘરની બીજી રૂમમાં લઈ ગયો અને તેણે જ મને સમજાવ્યો હતો કે પપ્પા, આ લોકો બહુ હોશિયાર છે, તેમને જ ફિલ્મ બનાવવા આપજો; જો પૈસાનો પ્રfન હોય તો એ તમે મારી પાસેથી લઈ લેજો, પણ ફિલ્મના રાઇટ્સ તેમને જ આપો.

એક સમય હતો જ્યારે બહુ ફિલ્મો જોઈ હતી. ‘આવારા’, ‘શ્રી ૪૨૦’ અને એવી બીજી કેટલીયે ફિલ્મો; પણ પછી ફિલ્મ જોવાનો ઇન્ટરેસ્ટ સાવ ચાલ્યો ગયો અને ફિલ્મો જોવાનું બંધ કરી દીધું. આ ફિલ્મ અમારા ફ્રેન્ડ્સ અને બીજા ઓળખીતાઓને મારા ખર્ચે જોવી છે. આટલાં વષોર્ સુધી ફિલ્મ નહીં જોઈને જે પૈસા બચ્યા એ આ ફિલ્મની ટિકિટમાં એકસાથે જવાના છે.

ફિલ્મ સંપૂર્ણપણે તમારી લાઇફ છે કે પછી...

આખી વાર્તા મિલ્ખા સિંહની લાઇફ પર છે; પણ હા, ફિલ્મને મનોરંજક બનાવવા માટે જરૂરી સીન બનાવવામાં આવ્યા છે જે વાર્તાને કોઈ રીતે ડિસ્ટર્બ નથી કરતા. મારે કહેવું જોઈએ કે ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરા અને રાઇટર પ્રસૂન જોશી ખરેખર જેન્યુઇન લોકો છે. તેમને તમામ પ્રકારની છૂટ મેં શૂટિંગ પહેલાં આપી દીધી હતી એ પછી પણ તેમણે કોઈ ફેરફાર મને પૂછu વિના નથી કર્યા.

ફિલ્મનું ટાઇટલ ઍથ્લીટની લાઇફ માટે પર્ફેક્ટ છે, ટાઇટલ કોણે આપ્યું?

મારા ફાધર સંપૂર્ણ સિંહે. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે થયેલાં કોમવાદી હુલ્લડોમાં મેં મારાં માતા-પિતા સહિત અન્ય સ્વજનોને ગુમાવી દીધાં હતાં. એ વખતે અમે પાકિસ્તાનના મુઝફરપુર જિલ્લાના ગોવિંદપુરા નામના ગામમાં રહેતા હતા. પાર્ટિશન દરમ્યાન બન્ને દેશોમાં જબરદસ્ત મારામારી અને કાપાકાપી ચાલતી હતી. કોમવાદી સંજોગોમાં કેટલાક કટ્ટરવાદીઓએ અમારા ઘર પર હુમલો પણ કર્યો હતો. એ વખતે હું બહાર હતો. મને અત્યારે પણ એ દૃશ્ય યાદ છે કે અમારું એ ઘર જલાવી નાખવામાં આવ્યું હતું અને મારા પરિવારના લોકોને કાપવા માટે બધા તલપાપડ હતા. બાબુજી સૌને લઈને ઘરમાં ઉપર ચડી ગયા હતા. હું બહારથી આવ્યો અને ઘરને સળગતું જોઈને ઘર તરફ ભાગ્યો. એ વખતે ઉપરના માળની બારીમાંથી બાબુજી મને જોઈ ગયા અને તેમણે બારીમાંથી જ મને બૂમ પાડીને ભાગવાનું કહ્યું. એ શબ્દો હતા ‘ભાગ મિલ્ખા, ભાગ...’ એ શબ્દો મને આખી જિંદગી યાદ રહેવાના છે. આ જ શબ્દોએ મને દોડવાની તાકાત આપી હતી. એ વખતે બોલાયેલા એ શબ્દો મારા ફાધરના મેં સાંભળેલા આખરી શબ્દો હતા.

જ્યારે ફિલ્મ લખવાની પ્રોસેસ ચાલતી હતી ત્યારે ફિલ્મના રાઇટર પ્રસૂન જોશીના મનમાં મારા ફાધરના એ શબ્દો બેસી ગયા અને તેમણે મને આ ટાઇટલ રાખવાની વિનંતી કરી. એક દિવસ વિચારવા માટે મેં લીધો અને પછી હા પાડી દીધી. આ ત્રણ શબ્દો મારી જિંદગીમાં બહુ મહત્વનો ભાગ ભજવી ચૂક્યા છે. પહેલી વખત જ્યારે આ ત્રણ શબ્દો નીકળ્યાં ત્યારે મને હકીકતમાં નવી જિંદગી મળી અને આ વખતે આ જ ત્રણ શબ્દોએ મને પુનર્જીવન આપ્યું.

ફિલ્મમાં તમે પાકિસ્તાનની રેસમાં જવાની ના પાડો છો. હકીકતમાં એવું બન્યું હતું ખરું?

હા, બન્યું હતુંને. જે માણસ જ્યાં પોતાનો પરિવાર, ઘર અને બધું આંખ સામે ખતમ થતું જોઈને આવ્યો હોય એ માણસ ફરી એ જ જગ્યાએ કઈ રીતે જઈ શકે? પાકિસ્તાનનું નામ આવે કે તરત જ મારી આંખોની સામે એ રાતનો સીન આવી જતો હતો જે રાતે મારા પોતાનાઓને કાપી નાખવામાં આવ્યા હતા. લાહોરમાં રેસની વાત આવી ત્યારે મેં જવાહરલાલ નેહરુને જ પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. મારી માનસિકતા નેહરુજીને ખબર હતી. તેમને હકીકત પણ ખબર હતી એટલે મારા સમજાવવાથી તેઓ માની પણ ગયા હતા. મારી ના પછી દેશભરનાં અખબારોમાં હેડલાઇન બની ગઈ હતી કે મિલ્ખાએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી. પંજાબના એક અખબારે તો એવું લખ્યું કે મિલ્ખા ડરી ગયો. બીજા જ દિવસે અમારી વચ્ચે ફરી બેઠક થઈ જેમાં નેહરુજીને મેં કહી દીધું કે હું લાહોર જવા તૈયાર છું. જો મને કોઈ રેસ સૌથી વધુ પસંદ હોય તો એ લાહોરની રેસ પસંદ છે જેમાં અબ્દુલ ખલિક નામના પાકિસ્તાનના સૌથી ટોચના રનરને મેં હરાવ્યો હતો. મને યાદ છે કે એ વખતે અબ્દુલ ખલિકને દુઆ આપવા માટે છેક ટ્રૅક સુધી મૌલવીઓ આવ્યા હતા અને હું એકલો ઊભો વાહે ગુરુનું નામ લેતો હતો.

ફરહાનને બદલે બીજો કોઈ ઍક્ટર મિલ્ખા સિંહના રોલમાં દેખાય છે?

બિલકુલ નહીં. પર્ફેક્ટ મિલ્ખા સિંહ બન્યો છે તે. બીજું કોઈ એ રોલ ન કરી શકે. તેણે મહેનત પણ એટલી જ કરી છે. આ ફિલ્મ માટે તે મારી સાથે કલાકો સુધી બેઠો રહેતો. બસ, મારી વાતો સાંભળ્યાં કરે. તે એટલો ચૂપ-ચૂપ રહેતો કે એક વખત તો મેં મારી વાઇફ નર્મિલા કૌરને પૂછ્યું હતું કે ફિલ્મમાં આ ડાયલૉગ બોલવાનો છે કે પછી એમાં પણ તે ચૂપ જ રહેવાનો છે. ફિલ્મ જોઈ ત્યારે મને સમજાયું કે તે મારી બેસવાની, બોલવાની, વાતો કરવાની રીતભાત આત્મસાત્ કરવા માટે બેસતો હતો જે રીતે સ્કૂલમાં આપણે ભણતી વખતે ક્લાસમાં ચૂપ હોઈએ એમ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK