પર્યુષણ અને ગણેશચતુર્થી હોવા છતાં Pappa તમને નહીં સમજાયને બમ્પર ઓપનિંગ

પબ્લિકની સાથે-સાથે સેલિબ્રિટીઝને પણ આ ફિલ્મ ખૂબ ગમી

pappa

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુ તરીકે ચમકી ચૂકેલા ભવ્ય ગાંધીની પહેલી ફિલ્મ ‘Pappa તમને નહીં સમજાય’ પહેલા જ દિવસે ૯૬ ટકા બિઝનેસ કરીને સુપરહિટના લિસ્ટમાં આવી ગઈ છે. પર્યુષણ અને ગણેશચતુર્થી વચ્ચે એવી ધારણા મૂકવામાં આવતી હતી કે ફિલ્મની શરૂઆત નબળી હોઈ શકે છે, પણ તમામ ક્રિટિક્સને ખોટા પાડીને ‘Pappa તમને નહીં સમજાય’ને ઑડિયન્સે સ્વીકારી લીધી. ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા કહે છે, ‘ફિલ્મનો સબ્જેક્ટ અને ઍક્ટિંગ બધાને ખૂબ ગમ્યાં છે એની જ આ અસર થઈ છે. આજે ઘર-ઘરમાં બાપદીકરા વચ્ચેનો જનરેશન-ગૅપ દેખાઈ રહ્યો છે. જનરેશન-ગૅપ જરાય નવો નથી. આજે છે એ જ ગઈ કાલે હતો અને પરમ દિવસે પણ હતો, પણ એનો અર્થ એવો નથી કે એ આવતી કાલે પણ રહેવો જોઈએ. ‘Pappa તમને નહીં સમજાય’ એ દિશામાં પહેલું પગલું છે એવું કહેવામાં ખોટું નથી. અહીં જનરેશન-ગૅપની વાત છે, પણ એની સાથોસાથ એ ગૅપને દૂર કરવા માટે શું કરવું એનું સૉલ્યુશન પણ છે. સંબંધોમાં પ્રશ્નોને જ નહીં, એના સૉલ્યુશનને પણ સ્થાન મળવું જોઈએ એ ‘Pappa તમને નહીં સમજાય’નું હાર્દ છે.’

ફિલ્મની વાર્તાનાં કેન્દ્રીય પાત્રો મુંજાલ અને તેના પપ્પા હસમુખલાલ છે. હસમુખલાલ અમદાવાદની પોળમાં રહે છે અને તેમનો ગંજી-જાંગિયાનો વેપાર ચલાવે છે. બાર વર્ષે ઘરમાં દીકરો આવ્યો છે અને એટલે જ તે લાડકોડથી મોટો થયો છે. દીકરો હવે કૉલેજમાં આવી ગયો છે અને કૉલેજમાં આવેલા દીકરાને હવે એક નહીં, અનેક લત લાગી ગઈ છે. બાપને ધીમે-ધીમે આ બધી વાતની ખબર પડવા માંડી છે, પણ મા માનવા તૈયાર નથી કે તેનો દીકરો ખોટા રસ્તે હોય. માને સમજાવવાનું કામ વારંવાર હસમુખલાલ કરે છે, પણ મા માનવા તૈયાર નથી અને દીકરો પણ માનાં લાડનો ગેરલાભ લઈને દરેક વખતે વાતમાંથી છટકી જાય છે. દીકરાને વારવાની કોશિશ હસમુખલાલ સતત કરતા રહે છે અને આ કોશિશ પછી દીકરાના મોઢે તેમને એક જ વાત સાંભળવા મળતી રહે છે કે પપ્પા, તમને નહીં સમજાય.

દીકરાને બાપ જુનવાણી લાગે છે અને બાપને દીકરાની આ નવી દુનિયા યોગ્ય નથી લાગતી. સંકટ એ સમયે મોટું બની જાય છે જે સમયે દીકરો બાપને ઉદ્ધતાઈથી કહી પણ દે છે કે તમે હવે જુનવાણી ટેલિફોનનું ડબલું બની ગયા છો, આઉટડેટેડ અને ફેંકી દેવું પડે એવું ડબલું. બાપને હાડોહાડ લાગી આવે છે. તેમને અપમાનનું નહીં પણ દીકરો ખોટા રસ્તે દૂર સુધી નીકળી ગયો છે એ જોઈને દુખ લાગ્યું છે. પિતાનું પાત્ર ભજવતા મનોજ જોષીને છેલ્લા બે દિવસમાં સોથી વધુ ફોનકૉલ્સ આવ્યા છે અને પાંચસોથી વધુ મેસેજ પણ આવી ગયા છે. મનોજ જોષી કહે છે, ‘લોકો કામનાં વખાણ કરે એ ગમે, પણ પહેલી વખત એવું બન્યું છે કે લોકો ફોન કરીને થૅન્ક્સ કહે છે.

ઘર-ઘરમાં પ્રસરી ગયેલા આ પ્રશ્નને ફિલ્મમાં સમજાવવામાં આવ્યો છે તો સાથોસાથ આવી સિચુએશનમાં શું કરવું એ પણ કહેવામાં આવ્યું છે. હું અંગત રીતે માનું છું કે જો તમે જનરેશન-ગૅપ દૂર કરવા માગતા હો તો કાં તમારે દીકરાને તમારી ઉંમર સુધી લઈ આવવો પડે અને કાં તમારે એ ઉંમરના બનવું પડે. કહેવાનું તાત્પર્ય એ જ કે એક ઉંમર પછી દીકરાની સાથે માત્ર પિતા બનીને રહેશો તો નહીં ચાલે, એના માટે તમારે સમજદારી સાથે મિત્રતા કરવી જ પડશે.’

manoj

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના પાંચસો એપિસોડ ડિરેક્ટ કરનારા ડિરેક્ટર ધર્મેશ મહેતાની આ પહેલી ફિલ્મ છે અને એ પછી પણ એમાં મૅચ્યોરિટીનો સહેજ પણ અભાવ નથી. કોઈ લાલચ નથી અને કોઈ લાલસા નથી. ડિરેક્ટરે સંયમમાં રહેવું પણ આવશ્યક હોય છે જે સામાન્ય રીતે પહેલી ફિલ્મમાં ડિરેક્ટર નથી રહેતા હોતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ હાથી બનતાં અંબિકા રંજનકર આ જ વાત નોંધીને કહે છે, ‘હું આ ફિલ્મને મેસેજવાળી ફિલ્મ નહીં કહું, પણ ફીલિંગ્સવાળી ફિલ્મ કહીશ. કેટલીક ફિલ્મ તમે જુઓ અને જોઈને તમે એ ફિલ્મને થિયેટરમાં મૂકીને ઘરે આવો, પણ કેટલીક ફિલ્મ તમારી સાથે ઘરે આવતી હોય છે. ‘Pappa તમને નહીં સમજાય’ તમારી સાથે ઘરે આવે એવી ફિલ્મ છે અને હું કહીશ પણ ખરી કે આ ફિલ્મને ઘરે લઈ જવી જોઈએ.’

ગુજરાતી-હિન્દી સિનેમા, સ્ટેજ અને ટીવી પર જેમની ગણતરી લેજન્ડમાં થાય છે તે સરિતા જોષી પણ ફિલ્મથી જબરદસ્ત પ્રભાવિત થયાં છે. સરિતા જોષી કહે છે, ‘નાનામાં નાના કૅરૅક્ટર પર જે બારીકાઇથી કામ કરવામાં આવ્યું છે એ અદ્ભુત છે. હું કહીશ કે ધર્મેશ મહેતાનો સ્ટેજ અને ટીવી એમ બન્ને ફીલ્ડનો અનુભવ ખૂબ જ સરસ રીતે ફિલ્મમાં કામ લાગ્યો છે. કેતકી-મનોજ અને ભવ્યની ત્રિપુટી આખી ફિલ્મનો ભાર ઉપાડી લે છે. મારી દૃષ્ટિએ આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોને નવા વિષય પર વિચારવા માટે મજબૂર કરનારી ફિલ્મ બનશે.’

ફિલ્મ અને થિયેટરના જાણીતા ઍક્ટર ધર્મેશ વ્યાસ પણ ફિલ્મનાં વખાણ કરતાં કહે છે, ‘સ્ક્રીન પર તમને રીતસર તમારા દિવસો દેખાય અને તમને એવું જ લાગે કે આ તમારી વાત છે. હું કહીશ કે આ ફિલ્મ પહેલી વાર ફૅમિલી સાથે જુઓ અને એ પછી માત્ર દીકરા કે દીકરીને લઈને પપ્પાએ જોવા જવી જોઈએ. સૂક્ષ્મ કૉમેડીની સાથોસાથ જે રીતે ફિલ્મમાં લાગણીને પણ વણી લેવામાં આવી છે એ સુપર્બ છે. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી આ ફિલ્મથી નવી ઊંચાઈ પર પહોંચી છે અને એનો બધો જશ ધર્મેશ મહેતાને હું આપું છું.’

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ બનેલા દિલીપ જોષીથી માંડીને હૅટ્સ ઑફ પ્રોડક્શન્સના જે. ડી. મજીઠિયા અને સ્ટૅન્ડઅપ કૉમેડીને વેંત ઊંચી બનાવનારા સુનીલ પાલથી લઈને તારક મહેતાનું કૅરૅક્ટર નિભાવતા શૈલેશ લોઢા સુધ્ધાંનું દિલ ફિલ્મે જીતી લીધું છે. ભવ્ય ગાંધીનાં પણ અઢળક વખાણ થઈ રહ્યાં છે અને ભવ્ય માટે તો આ હજી શરૂઆત છે. ભવ્ય કહે છે, ‘આજના પેરન્ટ્સ પ્લીઝ આ ફિલ્મ જુએ અને આજના યંગસ્ટર્સ પણ પ્લીઝ આ ફિલ્મ જુએ. આ ફિલ્મ રિયલ મીનિંગમાં જનરેશન-ગૅપ દૂર કરવાની દિશામાં પહેલું સ્ટેપ છે અને આ સ્ટેપ આપણે લેવું જ પડશે. આપણે અમેરિકા નથી બનવું જ્યાં યંગસ્ટર્સ પોતાની રીતે જીવતા હોય અને પેરન્ટ્સ પોતાની રીતે દુ:ખી થતા હોય. એક સ્ટેપ યંગસ્ટર્સે આગળ વધારવાનું છે તો પેરન્ટ્સે પણ તેમને સમજીને એક સ્ટેપ આગળ આવવાનું છે. આજ સુધી જે રિલેશન ફાધર-સનના જ રહ્યા હતા એ રિલેશનને આપણે હવે ફ્રેન્ડ્સના ટર્મ્સ બનાવવાના છે અને એમાં પણ કોઈ જાતની ઉદ્ધતાઈ ન આવે એનું ધ્યાન રાખવાનું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK