પ્રામાણિકતા છોડવાની કિંમત ચૂકવવાનો સમય આવી ગયો છે
ગૌતમ જોષી, જિતેન્દ્ર જોષી અને ચેતન ગાંધી નિર્મિત લીલા આર્ટ્સનું ‘નસ નસમાં ખુન્નસ’ ભારોભાર સસ્પેન્સ-થિþલર નાટક છે. નાટકના લેખક પ્રવીણ સોલંકી છે, જ્યારે નાટકનું દિગ્દર્શન ફિરોઝ ભગતનું છે. પ્રામાણિક હોવું એ ગુણ નથી, પણ દરેકેદરેક વ્યક્તિની લાઇફ-સ્ટાઈલ હોવી જોઈએ અને જો એ પ્રામાણિકતા છોડવામાં આવે તો એની કિંમત ચૂકવવાની તૈયારી પણ રાખવી જોઈએ. આ જ કેન્દ્રબિંદુ સાથે આગળ વધતાં આ નાટકના દિગ્દર્શક ફિરોઝ ભગત કહે છે, ‘જો તમે સાચા હો તો તમારી ધીરજ ખૂટવી ન જોઈએ. કેટલીક વખત સાચા હોવા છતાં ધીરજ ખૂટી જાય એ સ્તર પર મુસીબત આવી જાય એની વાત આ નાટકમાં કરી છે.’
જીવનમાં આવતા તમામ પ્રકારના સંબંધો, અનુભવો, દૃષ્ટાંતો અને કલ્પનાઓથી પણ ચડિયાતી કહેવાય એવી ઘટનાઓ વચ્ચે એક પત્રકાર જીવી રહ્યો છે. જીવનમાં ક્યારેય ખોટું કરવું નથી અને ખોટી દિશામાં જવું નથી એવું દૃઢપણે માનતા પત્રકારની લાઇફમાં એક ઘટના એવી બને છે જેમાં તેણે પોતાના આદર્શ પથને છોડીને ખોટા રસ્તે વળવું પડે છે. એક વાર, માત્ર એક વાર આ પગલું ભરવામાં આવે છે અને એ પછી જીવનના તમામ રંગો બદલાઈ જાય છે. એકધારી મુશ્કેલી, તકલીફો અને અડચણો વચ્ચે સચ્ચાઈના માર્ગ પર ચાલનારા પત્રકારની લાઇફ એકધારી નીચે આવવાની શરૂઆત થાય છે અને મુશ્કેલી, તકલીફ તથા અડચણો પારાવાર વધવાનું શરૂ થઈ જાય છે. સમય એવો આવી ગયો હોય એવું દેખાય છે જાણે હવે પ્રામાણિકતા અને આદર્શ છોડવાની કિંમત ચૂકવવાનો સમય આવી ગયો છે.
આવતી કાલે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થઈ રહેલા ‘નસ નસમાં ખુન્નસ’ના મુખ્ય કલાકારોમાં જગેશ મુકાતી, મુકેશ રાવલ, નીલેશ ફણસે, સોનિયા શાહ, દેવાંગી શાહ અને મેઘા જોષી છે.
