ગુજ્જુભાઈએ નાટકવાળાઓને લડાવ્યા

આ એક ગુજરાતી શબ્દના કારણે અત્યારે ગુજરાતી રંગભૂમિના બે બળિયાઓ આમનેસામને આવી ગયા છે

gujjubhai


રશ્મિન શાહ

આજે ઓપન થતા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈ ગોટાળે ચડ્યા’ ટાઇટલમાં વપરાયેલા ગુજ્જુભાઈ શબ્દના કારણે ગુજરાતી રંગભૂમિ પર વિવાદ શરૂ થયો છે. ૨૦૦૨થી ગુજ્જુભાઈ સિરીઝનાં ચાર નાટક બનાવી ચૂકેલા અને ‘ગુજ્જુભાઈ લાઇવ’ નામની ન્યુઝપેપર કૉલમ લખી ચૂકેલા તથા ‘ગુજ્જુભાઈ - ધ ગ્રેટ’ નામની ગુજરાતી ફિલ્મ બનાવી રહેલા ઍક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયાનો દાવો છે કે ‘ગુજ્જુભાઈ’ શબ્દને તેમણે બ્રૅન્ડ બનાવ્યો છે અને હવે એ બ્રૅન્ડને એનકૅશ કરી સસ્તી પ્રસિદ્ધિ કમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે ‘ગુજ્જુભાઈ ગોટાળે ચડ્યા’ નાટકના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલનું કહેવું છે કે ‘ગુજ્જુભાઈ’ શબ્દ એક આખી કમ્યુનિટી માટે વપરાતો શબ્દ છે, જેના પર કોઈનો માલિકીહક ન હોઈ શકે.

સિદ્ધાર્થ રાંદેરિયા અત્યારે પોતાના નાટકના શો માટે કૅનેડા છે. ‘ગુજ્જુભાઈ’ શબ્દપ્રયોગ સાથે બની રહેલા નાટકનું નામ તેમના સુધી પહોંચ્યા પછી તેમને સ્વાભાવિક રીતે દુ:ખ થયું હતું. કૅનેડાના ટૉરોન્ટો શહેરથી તેમણે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ગુજ્જુભાઈ સિરીઝમાં ‘લગે રહો ગુજ્જુભાઈ’, ‘ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’, ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ અને ‘ગુજ્જુભાઈ બન્યા દબંગ’ના અંદાજે બે હજાર જેટલા શો થયા. ચાર નાટકના આટલા શો એ ગુજરાતી રંગભૂમિ પર એક ઉત્કષ્ટ ઉદાહરણ છે, પણ આ ઉદાહરણનો ગેરલાભ લેવાઈ રહ્યો છે. ‘ગુજ્જુભાઈ’ શબ્દનો ઉપયોગ આ રીતે બીજા નાટકના નિર્માતા કે રાઇટર-ડિરેક્ટર કરે એ તફડંચી સિવાય બીજું કંઈ નથી. એક તબક્કો હતો કે ગુજ્જુભાઈ શબ્દથી ગુજરાતીઓને અકળામણ થતી હતી, પણ ગુજ્જુભાઈ સિરીઝનાં નાટકોની સફળતાના કારણે એવું બન્યું છે કે હવે એ શબ્દ લોકોમાં લોકપ્રિય થયો છે. આ લોકપ્રિયતાને એનકૅશ કરવાની બહુ સસ્તી અને ચીપ રીત છે, જે સહેજ પણ શોભાસ્પદ નથી. પોણા ભાગની થિયેટર-ઇન્ડસ્ટ્રી અત્યારે મને મેસેજ કરીને કહે છે કે આ યોગ્ય નથી થઈ રહ્યું. હું પણ એ જ કહું છું કે આ યોગ્ય નથી થઈ રહ્યું. કોઈના ક્રીએટિવ કૅરૅક્ટરાઇઝેશનનો આ રીતે ઉપયોગ કરવાની જે પ્રક્રિયા છે એ સહેજ પણ યોગ્ય નથી. ૨૦૦૨થી આજ સુધી એટલે કે ૧૨ વર્ષ સુધી એક કૅરૅક્ટર તૈયાર કર્યું અને હવે રાતોરાત કોઈ આવીને આ રીતે એ કૅરૅક્ટર વાપરવાનું શરૂ કરી દે એ જ દેખાડે છે કે સસ્તી પ્રસિદ્ધિનાં આ હવાતિયાં છે.’

૧૦૦થી વધુ ગુજરાતી નાટકો, ૪૦થી વધુ હિન્દી ટીવી-સિરિયલ અને દસ હિન્દી ફિલ્મો લખી ચૂકેલા ગુજરાતી ભાષાના જાણીતા રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલ આ આક્ષેપો સાથે સહમત થતા નથી. ઇમ્તિયાઝ પટેલે કહ્યું હતું કે ‘એક શબ્દનો પ્રયોગ કોઈ એક જ વ્યક્તિ કરી શકે એવું કોઈ કહી ન શકે. ગુજરાતી નાટકમાં ‘બા’ શબ્દ સાથે પાંચથી સાત નાટકો બન્યાં છે, જેમાંથી ત્રણ-ચાર તો મેં જ લખ્યાં છે; પણ એનો અર્થ એ નથી થઈ જતો કે એ શબ્દ પર મારો માલિકીહક હોય. ગુજ્જુભાઈ શબ્દ એક સામાન્ય શબ્દ છે અને મારા નાટક, નાટકની વાર્તા સાથે એકદમ ઉચિત રીતે જોડાયેલો છે એટલે મેં એ શબ્દનો પ્રયોગ મારા ટાઇટલમાં કર્યો છે. ગુજ્જુભાઈ શબ્દ સાથે જો મારે અગાઉ નાટકો કરવાં હોત તો હું કરી શકતો હતો, પણ એ વાર્તાઓ એવી હતી જેના માટે બીજું ટાઇટલ લઈ શકાય એમ હતું, પણ ‘ગુજ્જુભાઈ ગોટાળે ચડ્યા’ ટાઇટલ આ જ વાર્તા સાથે બંધબેસતું હોવાથી એ વાપરવામાં આવ્યું છે.’

૨૦૦૨થી ગુજ્જુભાઈ સિરીઝ અને ગુજ્જુભાઈ કૅરૅક્ટરને ડેવલપ કરું છું ત્યારે આ પ્રકારે બીજા કોઈ જો એનો ઉપયોગ કરે તો એ તફડંચી સિવાય બીજું કંઈ નથી.

- સિદ્ધાર્થ રાંદેરિયા

ગુજ્જુભાઈ શબ્દ એક કમ્યુનિટી માટે વપરાતો શબ્દ છે, જેના પર કોઈનો હક નથી. જેમ બા શબ્દ કોઈ પણ વાપરી શકે એમ આ શબ્દ પણ કોઈ પણ વાપરી શકે.

- ઇમ્તિયાઝ પટેલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK