ગુજરાતી ફિલ્મોના અચ્છે દિન

ગુજરાતી ફિલ્મો માટે ગુજરાત સરકારે નવી નીતિ જાહેર કરતી વખતે સરકારના પ્રતિનિધિ એવા નીતિન પટેલે સ્વીકાર કર્યો કે મહારાષ્ટ્ર સરકારની મરાઠી ફિલ્મોની નીતિનો અભ્યાસ કરી એમાંથી પણ અમે જરૂરી મુદ્દાઓ લીધા છે


રશ્મિન શાહ


ગુજરાતી ફિલ્મોને પાંચ લાખની ફિક્સ સબસિડીના એક સમયના બંધિયાર ફૉર્મેટમાંથી બહાર કાઢવાનું કામ ગુજરાત સરકારે ગઈ કાલે કર્યું અને ફિલ્મને Aથી D ગ્રેડમાં વહેંચીને પાંચ લાખથી પચાસ લાખ રૂપિયા સુધીની સહાય કરવાની જાહેરાત કરી. અર્બન ડેવલપમેન્ટ ખાતાના પ્રધાન નીતિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘ગુજરાતી ફિલ્મોની ક્વૉલિટીમાં સુધારો થાય એ માટે અને ગુજરાતી ફિલ્મોનું પ્રોડક્શન વધે એ માટે આ નવી નીતિ અમલમાં મૂકવામાં આવી રહી છે. પાંચથી પચાસ લાખ રૂપિયાની સહાય ઉપરાંત જો કોઈ મહિલાપ્રધાન કે બાળકો માટે ફિલ્મ બનાવશે તો તેમને પચીસ ટકા વધારે સહાય આપવામાં આવશે. આ ઉપરાંત જે ફિલ્મ નૅશનલ અને ઇન્ટરનૅશનલ અવૉર્ડ મેળવશે એ ફિલ્મને એકથી ત્રણ કરોડ રૂપિયાનું ગુજરાત સરકાર દ્વારા રોકડ ઇનામ પણ આપવામાં આવશે.’

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મને પાંચ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી, પણ ફિલ્મનું સ્ટાન્ડર્ડ સાવ જ વાહિયાત થઈ જતાં ગુજરાત સરકારે એ સબસિડી આઠ વર્ષ પહેલાં જ આપવાનું બંધ કરી દીધું, જેનો થોડો સમય વિવાદ ચાલ્યો પછી એ વિવાદ પણ અટકી ગયો. છેલ્લાં ત્રણ વર્ષમાં આવેલી પાંચ ગુજરાતી અર્બન ફિલ્મ ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’, ‘છેલ્લો દિવસ’ અને ‘રોમકૉમ’નો સ્ટડી કર્યા પછી ગયા વીકના ગુજરાત સરકારના સાંસ્કૃતિક-વિભાગના અધિકારી, મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનો વચ્ચે મીટિંગ થઈ અને નવી ફિલ્મનીતિ તૈયાર કરવામાં આવી.

કોણ નક્કી કરશે ગ્રેડેશન?

ગુજરાત સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવશે જે કમિટી દર ત્રણ મહિને મળશે અને ફિલ્મને માક્ર્સ આપશે. અંધશ્રદ્ધા અને સેક્સ કે પછી ડબલ મીનિંગ ફિલ્મને આ કૅટેગરીમાંથી બાકાત રાખીને બાકીની ફિલ્મને માક્ર્સ આપવામાં આવશે. ૮૦થી વધુ માર્કસ મેળવનારી ફિલ્મને A ગ્રેડમાં ગણવામાં આવશે તો ૬૦ માક્ર્સને B ગ્રેડમાં, ૫૦ માક્ર્સને C ગ્રેડમાં અને ચાલીસ માક્ર્સની ફિલ્મને D ગ્રેડમાં મૂકવામાં આવશે. D ગ્રેડની ફિલ્મને દસ લાખ રૂપિયા આપવામાં આવશે. એવું બની શકે કે કોઈ ગુજરાતી ફિલ્મને ૪૦થી પણ ઓછા માક્ર્સ મળે. જો એવું બન્યું તો એ ફિલ્મને ગુજરાત સરકાર દ્વારા કોઈ રકમ ચૂકવવામાં નહીં આવે.

હવે વારો મલ્ટિપ્લેક્સનો

ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાના હેતુથી બનાવવામાં આવેલી આ આર્થિક રણનીતિ પછી હવે ગુજરાત સરકાર મલ્ટિપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મને પ્રૉપર ટાઇમિંગના શો મળી રહે એ માટે નિયમ લાવવાની છે. અત્યારે ગુજરાતી ફિલ્મોને મલ્ટિપ્લેક્સ રિલીઝ કરે છે, પણ મોટી હિન્દી ફિલ્મની રિલીઝ સમયે ગુજરાતી ફિલ્મોને હટાવી લેવામાં આવે છે એવું ન થાય એ માટે આ નિયમ લઈ આવવો જરૂરી છે. નીતિનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ હતો એ સમયે રાજ કપૂર અને રાજેન્દ્રકુમાર જેવા સ્ટારને પણ ગુજરાતમાં થિયેટર માટે હેરાન થવું પડ્યું હોય એવા દાખલા હતા. એ જ સમય ફરીથી પાછો આવે એ દિશામાં અમે આગળ વધવાના છીએ, પણ એટલી જ જવાબદારીથી મેકર્સે પણ સારી ફિલ્મો બનાવવી પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK