ગુજરાતી ફિલ્મ 'નમો સૌને ગમો'માં શું છે?

આવતી કાલે રિલીઝ થતી આ મૂવીમાં સિરિયસ વિષયને પણ મનોરંજક રીતે રજૂ કરવામાં આવ્યો છે



રશ્મિન શાહ

નરેન્દ્ર મોદીને નમોના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે અને આ જ હુલામણા બની ગયેલા નામનો ઉપયોગ કરીને ડિરેક્ટર કે. અમર (ડૅની)એ ‘નમો સૌને ગમો’ નામની ગુજરાતી ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં ચીફ મિનિસ્ટરનું કૅરૅક્ટર પણ આબેહૂબ નરેન્દ્ર મોદી જેવું જ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા આતંકવાદ, ગુજરાત, રાજકારણ અને વિરોધ પક્ષ વચ્ચે ફરે છે; પણ આ પ્રકારના સિરિયસ વિષયને પણ મનોરંજક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં હુમલો કરવાની મેલી મુરાદ સાથે બે આતંકવાદીઓ ગુજરાતમાં આવે છે. જોકે તે પોતાનો ઇરાદો પાર પાડે એ પહેલાં પોલીસના હાથમાં ઝડપાઈ જાય છે. આ બન્ને આતંકવાદીઓ પાસેથી માહિતી ઓકાવવાનું કામ બે જાંબાઝ મુસ્લિમ પોલીસ-ઑફિસરને સોંપવામાં આવે છે, જે આતંકવાદીઓને ટૉર્ચર કરીને તેમની પાસેથી માહિતી કઢાવવાનું શરૂ કરે છે; પણ એ દરમ્યાન વિરોધ પક્ષ આ આખા મુદ્દાને ચીફ મિનિસ્ટર વિરુદ્ધ હથિયાર તરીકે વાપરે છે અને ચીફ મિનિસ્ટર કોમવાદી છે એવો આરોપ લગાવે છે. આખી પરિસ્થિતિ જોઈ, સમજીવિચારીને ચીફ મિનિસ્ટર પેલા બન્ને ઑફિસરની પાસેથી ઇન્ક્વાયરી પાછી ખેંચી લે છે, પણ વાત ત્યારે વણસે છે જ્યારે બદલો લેવાની ભાવનાથી પેલા ઑફિસર આતંકવાદીઓને લઈને ભાગી જાય છે. બસ, ચીફ મિનિસ્ટર પર પસ્તાળ પડે છે અને ચીફ મિનિસ્ટરની હાલત કફોડી થઈ જાય છે. હવે તેમણે પોતાનો જાન બચાવવાનો છે તો સાથોસાથ પદ પણ બચાવવાનું છે, શાખ પણ બચાવવાની છે અને ગુજરાતને પણ સલામત રાખવાનું છે. દેશનો પ્રત્યેક નાગરિક પહેલાં ભારતીય છે અને એ પછી એનો ધર્મ કે જાતિ આવે છે એ વાત ફિલ્મના કેન્દ્રબિન્દુમાં છે.

ગીત, ગાડું અને ગરબો. સામાન્ય રીતે એવું કહેવાતું રહ્યું છે કે ગુજરાતી ફિલ્મો આ ત્રણ વાતમાં અટવાઈ ગઈ છે, પણ કે. અમર (ડૅની)ની ફિલ્મની ખાસિયત એ છે કે આ ફિલ્મ આજના જમાનાની છે અને ફિલ્મના વિષયને ધ્યાનમાં રાખીને એમાં એક પણ ગીત રાખવામાં નથી આવ્યું તો મજાની વાત એ પણ છે કે આ ફિલ્મમાં કોઈ હીરો કે હિરોઇન પણ નથી એટલે એમાં પ્રેમલા-પ્રેમલીની પણ વાતો નથી.

ફિલ્મ અને રાજકારણને કંઈ નિસ્બત નથી : કે. અમર (ડૅની)

ભારતના ભાવિ વડાપ્રધાન બને એવી પૂરી શક્યતા ધરાવતા નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને દેશની પહેલી ફિલ્મ બનાવનારા ડિરેક્ટર કે. અમર (ડૅની) સ્પષ્ટતા કરે છે કે આ ફિલ્મ નરેન્દ્ર મોદીની બાયોપિક કે તેમની લાઇફમાં બનેલા ઇન્સિડન્ટ પર આધારિત નથી.

વાતચીતના અંશ...


ફિલ્મ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો?

૨૬/૧૧ની ઘટના મુંબઈમાં બની એ પછી પહેલી વાર વિચાર આવ્યો કે આ પ્રકારની ઘટના જો ગુજરાતમાં બની હોય તો શું ત્યાં કેવાં ઍક્શન-રીએક્શન આવે. બસ, વિચારને અમલમાં મૂક્યો.

ફિલ્મનો વિષય બોલ્ડ છે...

એકદમ, પણ એન્ટરટેઇનર પણ એટલો જ છે. આ ફિલ્મને સાચા અર્થમાં ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ટ્રેન્ડ-સેટર ફિલ્મ તરીકે યાદ રાખવામાં આવશે એની મને ખાતરી છે.

ફિલ્મ બનાવતી વખતે રાજકીય તકલીફો પડી હશે?

ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૨માં રિલીઝ થવાની હતી, પણ એ સમયે ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન હતું એટલે આચારસંહિતાના કારણે ફિલ્મની રિલીઝ અટકી. એ પછી થોડા ચેન્જિસ સાથે હવે છેક રિલીઝ થઈ રહી છે.

ફિલ્મમાં કાપકૂપ કરવી પડી?

ઘણીબધી... ગુજરાત સેન્સર બોર્ડ માટે આ ફિલ્મ અતિશય બોલ્ડ હતી એટલે કાપકૂપ કરવી પડી.

મોદી મળ્યા ‘મિડ-ડે’માંથી

ગુજરાતી ફિલ્મ ‘નમો સૌને ગમો’માં રિયલ નરેન્દ્ર મોદી જેવો જ લુક ધરાવતી વ્યક્તિનું નામ લાલજી દેવળિયા છે. કચ્છના અંજાર શહેરમાં રહેતા લાલજીભાઈ કૉન્ગ્રેસ સાથે જોડાયેલા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સદ્ભાવના મિશન ગુજરાતમાં શરૂ કર્યું ત્યારે એ મિશનના વિરોધમાં કરવામાં આવેલી કૉન્ગ્રેસની એક રૅલીનો અહેવાલ ‘મિડ-ડે’માં છપાયો હતો. એ જ દિવસોમાં ફિલ્મના ડિરેક્ટર નરેન્દ્ર મોદી જેવો દેખાવ ધરાવતા ઍક્ટરની શોધ કરતા હતા. ‘મિડ-ડે’નો રિપોર્ટ વાંચ્યા પછી તેમણે તરત જ લાલજીભાઈનો કૉન્ટૅક્ટ કર્યો અને કૉન્ગ્રેસના કાર્યકર્તાને પોતાની જિંદગીની પહેલી ફિલ્મ મળી અને એ પણ લીડ સ્ટાર તરીકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK