નાટક ચિત્કાર સાથે કરીઅર શરૂ થઈ, ફિલ્મ ચિત્કાર સાથે એ સર્કલ પૂરું થયું

હિતેનકુમાર કહે છે, ચિત્કાર ફિલ્મે મારી લાઇફનું એક આખું સર્કલ પૂરું કર્યું છે અને એટલે જ મારી આંખ સામે અત્યારે છેલ્લાં પાંત્રીસ વર્ષ ફરી રહ્યાં છે. હિતેનકુમારની સાડાત્રણ દાયકાની આ સફર વાંચો તેમના જ શબ્દોમાં...

chitkar

રશ્મિન શાહ

ચાલીમાં રહેતો એક છોકરો હીરો બનવાનું કહે એ નૅચરલી બધાને બહુ વધારે પડતું લાગે અને સાચું કહું તો મને પણ એવું જ લાગતું હતું, પણ સપનાં જોવાનો હક તો બધાને છે અને હીરો બનવાનું સપનું મારી આંખમાં પણ હતું.

નાના હતા ત્યારે વાંચ્યું હતું કે મહેનત કરનારાઓ ક્યારેય પાછા નથી પડતા અને આપણને એક જ કામ આવડે - મહેનત કરો, દોડતા રહો, કર્મ કરતા રહો. અનેક નાટકોમાં સ્ટ્રગલ કરી, ક્યાંક કામ મળે, ક્યાંક બૅકસ્ટેજ કરવા મળે, ક્યાંક ખાલી રિહર્સલમાં હાજર રહીને હેલ્પર બનવાનું કામ મળે તો કોઈકમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર બનવાની તક મળે અને હું એ બધું કરું. કોઈ જાતના સંકોચ વિના, કોઈ જાતના ખચકાટ વિના. શીખવા મળે એ જ હેતુ હતો અને એ જ ઇરાદો પણ હતો. આ પિરિયડમાં ખબર પડી કે લતેશ શાહ નવું નાટક શરૂ કરે છે. ત્યારે ટાઇટલ નક્કી નહોતું થયું અને હું પહોંચી ગયો કામ માટે. મેં રિક્વેસ્ટ કરી એટલે મને બૅકસ્ટેજનું કામ મળ્યું. પેટીઓ ભરવાની અને પ્રૉપર્ટી ગણીને મૂકવાની ને એવું બધું કામ કરવાનું. હું તો તૈયાર થઈ ગયો. નાટક હજી લખાતું હતું એટલે આપણને આશા કે એકાદો રોલ મળી જશે. હું કામ કરતો રહ્યો અને એક દિવસ લતેશભાઈએ સારા સમાચાર આપ્યા.

‘નાટકમાં વૉર્ડબૉયનું કૅરૅક્ટર તારે કરવાનું છે.’

બંદા ખુશખુશાલ અને બૅકસ્ટેજના કામની સાથોસાથ આપણે વૉર્ડબૉયનું કૅરૅક્ટર પણ કરવા માંડ્યા. નાટકનું ટાઇટલ ફાઇનલ થઈ ગયું, ‘ચિત્કાર’ અને નાટક સુપરહિટ પણ થઈ ગયું. પચીસ શો ધમાલ ગયા અને એ પછી રિપ્લેસમેન્ટ શરૂ થયું. અંતે દીપક ઘીવાલાની જગ્યાએ એટલે કે હીરો ડૉક્ટર માર્કન્ડની જગ્યાએ મુકેશ રાવલ આવ્યા. મને આજે પણ એ દિવસ યાદ છે. મિત્રો, નાટકને પ્રયોગ પણ કહેવામાં આવે છે. નાનાંમોટાં બેટરમેન્ટ બધા પોતપોતાની રીતે કરે. મુકેશ રાવલે પણ પોતાના એક સીનમાં બેટરમેન્ટ કર્યાં અને એ સીનમાં હું પણ હતો. મુકેશભાઈ સિદ્ધહસ્ત કલાકાર. તેમણે તો ક્ષણવારમાં એ બેટરમેન્ટ કરવા માંડ્યાં અને મારાથી લાઇનો બોલવામાં સહેજ થોથવાઈ જવાયું અને એમાં એ સીન ઓગણીસ-વીસ થઈ ગયો. મુકેશભાઈની ઇચ્છા હતી એવું રિઝલ્ટ ન આવ્યું. સીન પૂરો કરીને હું બૅકસ્ટેજમાં આવ્યો. બૅકસ્ટેજમાં અંધારું હોય અને આ અંધારામાં અચાનક મારા ગાલ પર લાફો પડ્યો.

સટાક.

હું હેબતાઈ ગયો. લાફો મુકેશભાઈએ માર્યો હતો. મારી ભૂલનું એ રિઝલ્ટ હતું અને એનાથી પણ મોટું રિઝલ્ટ એ હતું કે એ શો પછી મને નાટકમાંથી કાઢી મૂકવામાં આવ્યો. નાટકનો એ સાઠમો શો હતો. હવે આ જ નાટક ફિલ્મના રૂપમાં આવે છે અને એમાં હું ડૉક્ટર માર્કન્ડનું એ જ કૅરૅક્ટર કરું છું જે મુકેશ રાવલ કરતા હતા. પાંત્રીસ વર્ષ, આ પાંત્રીસ વર્ષમાં મારી કરીઅરનું એક આખું સર્કલ પૂÊરું થયું છે. ફિલ્મ ‘ચિત્કાર’ પહેલાં કંગના રનોટ સાથે ‘સિમરન’ કરી. ‘સિમરન’ મારી ૧૦૭મી અને ‘ચિત્કાર’ ૧૦૮મી ફિલ્મ, એ રીતે જોઈએ તો એક આખી માળા મેં પૂરી કરી.

એક થપ્પડ અને પછી અનલકી

‘ચિત્કાર’ પછી ગુજરાતી નાટકોની જર્ની ચાલુ રહી અને ધીમે-ધીમે સારા રોલ, મોટા રોલ અને પછી લીડ રોલ મળવાના શરૂ થયા. નાટકો વખણાય અને લોકો જોવા પણ આવે, પણ એક જ લોચો પડે. મારું નાટક ૯૪-૯૫ અને ૯૭-૯૮ શો પર પહોંચે. શો પર પહોંચીને બંધ થઈ જાય, સેન્ચુરી ન કરે. એ સમયે સારાં નાટકો આરામથી ૨૦૦-૩૦૦ શો કરી જાય, પણ મારાં નાટકો ન ચાલે. ધીમે-ધીમે બધા એવું બોલવા માંડ્યા કે હિતેન અનલકી છે, તેને લેવાથી નાટક સેન્ચુરી નથી કરતું. વિચાર તો કરો, મેં ‘આખેટ’ અને ‘નોંધપોથી’ જેવાં અદ્ભુત નાટકો કર્યાં, પણ એ નાટકોની પણ સેન્ચુરી ન થઈ. શફી ઇનામદાર અને શૈલેશ દવે જેવા ડિરેક્ટર તમને ડિરેક્ટ કરે, નાટક વખણાય, તમારી ઍક્ટિંગ વખણાય અને એ પછી પણ નાટક સેન્ચુરી પૂરી ન કરે. પત્યું. માથા પર લખાઈ ગયું કે આ માણસ અનલકી છે.

અને નાટકો મળતાં બંધ થયાં.

અનલકી અને પછી સુપર અનલકી

નાટકો બંધ થયા પછી મારી ફિલ્મોની સ્ટ્રગલ ચાલુ થઈ. નાટક સમયે પણ એ ચાલુ જ હતી, પણ પેલી અનલકીવાળી છાપ પછી મેં ત્યાં જોર વધાર્યું. સરસ રિસ્પૉન્સ મળવાનો શરૂ થયો, ઑડિશન સારાં જાય અને પ્રોડ્યુસર-ડિરેક્ટરને ગમે પણ ખરાં. સારા રોલની ઑફર પણ આવે અને આપણી તો કોઈ શરતો હતી જ નહીં. સારો રોલ હોય એટલે હું તરત હા પાડું પણ સાલ્લું પેલું બૅડલક પીછો છોડે નહીં. શૂટિંગ ચાલુ થવાનું હોય એના એક દિવસ પહેલાં, અરે અમુક વાર તો હું સેટ પર પહોંચી જાઉં અને શૂટિંગ શરૂ થાય એના એક કલાક પહેલાં ખબર પડે કે મારું રિપ્લેસમેન્ટ થઈ ગયું છે. કેટલી ફિલ્મો, હું કોનાં નામ આપું તમને? ‘મૈંને પ્યાર કિયા’માં મોહનીશ બહલવાળું કૅરૅક્ટર કરવા માટે બધું ફાઇનલ થઈ ગયું અને સડન્લી રિપ્લેસમેન્ટ. શફી ઇનામદારની ‘હમ દોનોં’માં પણ એ જ થયું, લાસ્ટ મોમેન્ટ પર રિપ્લેસમેન્ટ. અરે, હું સેટ પર પહોંચી ગયો અને પહોંચ્યા પછી મેકઅપ કર્યા પછી બે કલાક પછી મને ખબર પડે છે કે મોહનીશ બહલની ડેટ્સ મળી ગઈ છે એટલે મને રિપ્લેસ કરવામાં આવ્યો છે. આવી પાંચ ફિલ્મો, એવી પાંચ ફિલ્મો જે ખરેખર બહુ મોટી હિટ થઈ અને પાંચેપાંચ ફિલ્મો મેં ગુમાવી. હું થાકી ગયો, કહોને હારી ગયો.

મેં કીધું, હિતેન, દોસ્ત તારું કંઈ થવાનું નથી ભાઈ; તું રહેવા દે આ બધી સ્ટ્રગલ.

હવે શરૂ થઈ વીમાની દુકાન

મને ખબર પડી ગઈ કે મારું કંઈ થવાનું નથી એટલે મેં મારી ન્ત્ઘ્ની જૉબ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું અને થોડોઘણો સમય મળે તો નાટક માટે ટ્રાય કરું, પણ બાકીની બધી સ્ટ્રગલ પડતી મૂકી દીધી. જોકે મને ગમતું નહોતું. જે રીતે હું મજાકનું કારણ બનતો હતો અને એની માટે મને કોઈના પર ગુસ્સો પણ નથી. લાસ્ટ મોમેન્ટ પર જે રીતે બધું ફિયાસ્કો થઈ જતું હતું એ મજાકનું જ સાધન તમને બનાવી દે. એક વાત હું તમને બધાને પણ કહીશ, આર્ટ એકમાત્ર એવી ટૅલન્ટ છે જેના વિશે ખાલી અને ખાલી તમને એકને જ ખબર હોય કે એ તમારામાં કેટલી ભરાયેલી છે. ફૅમિલી પણ લાંબા સમયથી હું સેટલ થાઉં એની રાહ જોતી હતી અને મેં પણ લગભગ LICવાળી લાઇફ પસંદ કરી લીધી હતી. જોકે હવે તકદીર કોઈ નવી ગેમ રમવાનું હતું.

એક દિવસ મને ભક્તિ બર્વે-ઇનામદાર મળ્યાં, તેમની સાથે ગુજરાતી ફિલ્મ વિશે વાત થઈ. ભક્તિબહેન ફિલ્મ સાથે જોડાયેલાં નહોતાં, પણ તેમના કોઈ ઓળખીતા જોડાયેલા હતા અને એ રીતે મને પહેલી ગુજરાતી ફિલ્મ મળી, જેમાં હું વિલન બન્યો. ફિલ્મનું નામ ‘ઊંચી મેડીના ઊંચા મોલ’. પહેલી વાર બધું સમુસૂતરું પાર પડ્યું. ફિલ્મ પૂરી થઈ અને સુપરહિટ પણ થઈ. તમને હસવું આવશે, પણ ગુજરાતમાં બધા એવું કહેવા માંડ્યા કે આ છોકરો એટલે કે હું લકી છે.

અને મને તાવ ચડી ગયો

ગુજરાતી ફિલ્મ ક્યાંય મારી પ્રાયોરિટી નહોતી અને એ સમયે ગુજરાતી ફિલ્મોનું માર્કેટ પણ નહોતું. વષ્ોર્ માંડ એકથી બે ફિલ્મો બનતી અને એ પણ ટિપિકલ સ્ટાઇલ સાથે, એ સમયે ચાલતા ટિપિકલ હીરો સાથે. જોકે નસીબ કંઈક જુદી દિશામાં ચાલતું હતું. પહેલી ફિલ્મ પછી મને પ્રોડ્યુસર ગોવિંદ પટેલનો ફોન આવ્યો અને મને હીરોનો રોલ ઑફર કર્યો. આઇ વૉઝ શૉક્ડ. હું અને હીરો? અશક્ય. અરે, મેં મારી લાઇફમાં પરેશ રાવલ કે નાના પાટેકર જેવા રોલ કરવાનું વિચાર્યું હતું અને હું એ જ જોનરમાં મને જોતો હતો. એને બદલે હીરો? સાલું ગુજરાતી ફિલ્મોમાં એ સમયે એવા-એવા હીરો હતા જેને જોઈને પણ તમારો કામ કરવાનો ઉત્સાહ થોડો ઓસરી જાય. મેં ના પાડી દીધી, પણ મને ગોવિંદભાઈએ સમજાવ્યો અને સાચું કહું તો હીરો બનવું ગમે તો ખરુંને? ફાઇનલી મેં હા પાડી અને હું ફરી બરોડા ગયો, પણ આગલી રાતે મને તાવ આવી ગયો. હું ગીતો ગાઉં, રોમૅન્સ કરું એ મારા મનમાં જ નહોતું બેસતું. મેં ગોવિંદભાઈને કહ્યું પણ ખરું કે હજી બે કલાક છે, આપણે તમારા કાયમી હીરોને બોલાવી લઈએ; હું વિલન બની જાઉં, બાકી આ ફિલ્મ તમારી નહીં ચાલે ને મને નવેસરથી બુંદિયાળનું લેબલ લાગશે. પણ ગોવિંદભાઈએ મને કહ્યું કે ચાલીસ લાખનું બજેટ છે, જશે તો મારા જશેને; મને વાંધો નથી.

આ ફિલ્મ એટલે ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’. ગુજરાતી ફિલ્મની આજ સુધીની સૌથી મોટી અને બ્લૉકબસ્ટર ફિલ્મ. ચાલીસ લાખ સામે ફિલ્મે ૨૮ કરોડનો બિઝનેસ કર્યો અને પછીની બધી વાતો દુનિયા આખીને ખબર છે.

સાહેબ, એક તબક્કો હતો કે મને જોવા માટે ગુજરાતના સુરતમાં પચાસ હજાર લોકો તડકામાં રસ્તા પર ઊભા હોય અને નવ વર્ષ પહેલાં મારા ફાધર એક્સપાયર થયા ત્યારે તેમના અંતિમ સંસ્કાર મેં કેવી હાલતમાં કર્યા હતા એ મારું મન જ જાણે છે.

આજે બધું છે, ગુજરાતીમાં કરેલી ૧૦૫ ફિલ્મોમાંથી ૬૯ ફિલ્મો સુપરહિટ થઈ અને ૨૮ હિટ થઈ; પણ એ બધા વચ્ચે એક વાતનો અફસોસ મનમાં સતત રહ્યા કરે છે કે કાશ, પહેલાં હું અનલકી ન હોત અને મારા ફાધરે આ બધું જોયું હોત. સાહેબ, અઢળક સંઘર્ષ કર્યો છે, અનહદ સંઘર્ષ કર્યો છે. હું છેલ્લા થોડા સમયથી એક ફોટોગ્રાફ શોધું છું, જેમાં હું રિક્ષા ચલાવું છું અને મારા કૉલરમાં એનો બૅજ છે. આ ફોટોગ્રાફ જો કોઈની પાસે હોય તો હું તે માગે એટલા રૂપિયા આપવા તૈયાર છું પણ મને એ જોઈએ છે.

તમે નામ બોલો એ કામ કર્યું છે અને એ બધાં કામમાં અનલકીના સ્ટૅમ્પ માથા પર લીધા છે; પણ એમ છતાં ટકી રહેવા, ઝઝૂમી લેવા માટે કંઈ બાકી નથી રાખ્યું. ભગવાન સાથે અઢળક કજિયાઓ કર્યા છે, પણ એ તમામ કજિયાઓ ‘ચિત્કાર’ સાથે પૂરા થાય છે. થપ્પડથી શરૂ થયેલી એ જર્ની આજે એ જ નાટક પરથી બનતી ફિલ્મના હીરો તરીકે પૂરી થાય છે. આ મારો ગોલ નહોતો; પણ અહીં સુધી હું જાતને સાચવી શકીશ, સંભાળી શકીશ એવું લાગતું નહોતું, ધાર્યું નહોતું. વિચાર્યું પણ નહોતું. પણ એ થયું અને ‘ચિત્કાર’ની રત્ના સોલંકીનો હું બારમો ડૉક્ટર માર્કન્ડ બન્યો. અગાઉ અગિયાર હીરો નાટકમાં બદલાયા છે. હું મજાકમાં એવું કહું પણ છું કે નાટકમાં ભલે જેટલા પણ ઍક્ટર હીરો બન્યા; ‘ચિત્કાર’ ફિલ્મનો હીરો તો હું એકલો જ રહીશ, કાયમ માટે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK