કૅરિંગ ફાધર ને કૅરલેસ દીકરા વચ્ચે આજે શરૂ થશે જંગ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પાંચસો એપિસોડ ડિરેક્ટ કરી ચૂકેલા ધર્મેશ મહેતાની અને આ જ સિરિયલમાં ટપુનું લોકપ્રિય પાત્ર ભજવી ચૂકેલા ભવ્ય ગાંધીની પહેલવહેલી ગુજરાતી ફિલ્મ Pappa તમને નહીં સમજાય આજે રિલીઝ થાય છે: મનોજ જોષી, કેતકી દવે અને જૉની લીવર પણ આ ફિલ્મના આધારસ્તંભ છે

pappa

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુની ભૂમિકા ભજવનારા ભવ્ય ગાંધીની પહેલી ફિલ્મ ‘Pappa તમને નહીં સમજાય’ આજે ગુજરાત અને મહારાષ્ટ્રના ૧૩૫ થિયેટરમાં રિલીઝ થશે. ભવ્ય ઉપરાંત આ ફિલ્મ-ડિરેક્ટર ધર્મેશ મહેતાની પણ પહેલી ફિલ્મ છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના પાંચસો એપિસોડ ડિરેક્ટ કરનારા ધર્મેશ મહેતા કહે છે, ‘ફિલ્મ બાપ-દીકરા વચ્ચેના જનરેશન-ગૅપની વાત કહે છે પણ આ વાતમાં ક્યાંય તનાવ નથી, પરેશાની નથી અને રોનાધોના નથી. હસતાં-રમતાં આ આખો જનરેશન-ગૅપ સમજાવવાની કોશિશ થઈ છે અને એ પણ અસરકારક રીતે. જે અપેક્ષા મને મનોજ જોષી પાસેથી હતી એ જ અને એવી જ અપેક્ષા મને ભવ્ય પાસેથી હતી. હું કહીશ કે આ ફિલ્મથી આ બન્ને સ્ટારની કરીઅર એક નવી જ દિશા ખોલી નાખશે.’

‘Pappa તમને નહીં સમજાય’ની વાર્તા અમદાવાદની પોળમાં રહેતા હસમુખલાલ મહેતા અને સરલા મહેતાથી શરૂ થાય છે. હસમુખલાલને ગંજી-જાંગિયાની દુકાન છે. હસમુખલાલ (મનોજ જોષી) અને સરલા (કેતકી દવે)નાં મૅરેજ થયાને બાર વર્ષ વીતી ગયાં છે, પણ તેમને એક પણ સંતાન નથી. સંતાન માટે બન્નેએ પથ્થર એટલા દેવ પૂજી લીધા છે. દીકરો હોય કે દીકરી, પણ બન્નેને એક સંતાન જોઈએ છે જે તેમને પપ્પા અને મમ્મી કહીને બોલાવે. એક દિવસ ભગવાન તેમનું સાંભળે છે અને સરલાને સારા દિવસો શરૂ થાય છે. દીકરાનો જન્મ થાય છે અને હસમુખ અને સરલાની જિંદગી એ દિવસ પછી બદલાઈ જાય છે અને બન્ને મુંજાલને મોટો કરવામાં લાગી પડે છે. દેવનો દીધેલો મુંજાલ પણ મોટો થાય છે. મા અને બાપ માટે મુંજાલ જ તેમની જિંદગી છે અને મુંજાલ જ તેમની દુનિયા છે. મુંજાલ (ભવ્ય ગાંધી) હવે કૉલેજમાં આવી ગયો છે. સવારે ઘરેથી નીકળી જાય છે ને છેક મોડી સાંજે પાછો આવે છે. મા બિચારી એમ માને છે કે દીકરો બહુ હેરાન થાય છે અને મન લગાવીને ભણે છે અને બાપ પણ એવું જ ધારીને બેસી રહે છે, પણ ધીમે-ધીમે દીકરાના રંગ ખૂલવાના શરૂ થાય છે. કૉલેજ, ત્યાંની લાઇફ, ગર્લફ્રેન્ડ, ફ્રેન્ડ્સ અને મોજમસ્તી વચ્ચે મુંજાલમાં પણ નવા શોખ અને આદતો આવવાના શરૂ થઈ જાય છે. પપ્પા ફરિંયાદ કરે તો દીકરો હક અને વટથી કહી પણ દે કે પપ્પા, તમને આ બધું નહીં સમજાય.

કૉૅલેજમાંથી પહેલી વાર ઑફિશ્યલ ફરિયાદ આવે છે અને પ્રિન્સિપાલ (જૉની લીવર) હસમુખલાલને મળવા બોલાવે છે. આ વખતે પપ્પાને દીકરાના કાંડની ખબર પડે છે અને પપ્પા ઘરે આવીને મમ્મીને દીકરાનાં અપલખણ કહે છે. પણ હવે, હવે મમ્મી માનવા રાજી નથી. હસમુખલાલ માથાઝીંક કરે છે, રાડો પાડે છે અને પુરાવાઓ પણ આપે છે કે તારો દીકરો હવે કાબૂમાં નથી; છોકરીઓને ફેરવે છે, બીડી-સિગારેટો ફૂંકે છે. બધું જોયા પછી પણ માનો પ્રેમ વચ્ચે નડે છે. માબાપના આ ઝઘડા વચ્ચે જ દીકરો ઘરે આવે છે અને દીકરો મા સામે ખોટું બોલે છે. બાપની હાલત કફોડી તો ત્યારે થઈ જાય છે જ્યારે મા દીકરાની હાજરીમાં જ તેના સમ ખાઈને કહે છે કે જો મુંજાલ આવી ભૂલ કરશે તો હું મારો જીવ દઈશ. ધર્મસંકટની આ પરિસ્થિતિ વચ્ચે જ દિવસો પસાર થાય છે અને પસાર થઈ રહેલા દિવસો વચ્ચે એક દિવસ એવો આવે છે કે હસમુખલાલના પગ નીચેથી ધરતી સરકી જાય છે. મુંજાલનો બર્થ-ડે છે અને એ બર્થ-ડેની રાતે દીકરા સાથે જમવા મળે એ માટે પપ્પા જાગતા બેસી રહે છે, પણ રાતે દીકરો

દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવીને બેભાન થઈ જાય છે. બાપ માટે એ રાત સૌથી આકરી અને અઘરી છે. એક રાત એ હતી જે રાતે તેનો જન્મ થવાનો હતો અને બાપ આખી રાત જાગતો બેસી રહ્યો હતો અને એક રાત આ હતી જે રાતે દીકરો ભાનમાં આવે એની રાહ જોતો બાપ ભૂખ્યો બેસી રહે છે.

પણ એ રાતે જ હસુમખલાલ નક્કી કરે છે કે હવે સમય આવી ગયો છે. જો હવે દીકરાને રોકવામાં નહીં આવે તો દીકરો કાબૂ બહાર જશે અને એ પછી તેને ફરીથી પાછા વાળવાનો કોઈ રસ્તો નહીં મળે. બસ, પત્યું. બાપ બધું પડતું મૂકીને એક જ કામ હાથ પર ધરે છે કે કોઈ પણ રીતે દીકરાને સાચા રસ્તે લઈ આવવો. મજાની વાત એ છે કે દીકરો એ માનવા પણ તૈયાર નથી કે તે કોઈ ખરાબ રસ્તે છે. તમે એવી વ્યક્તિને સુધારી શકો જે પોતાની જાતને બગડેલી કે આડે રસ્તે ચડી ગયેલી માનતી હોય, પણ જો કોઈ એવું માનવા જ રાજી ન હોય તો કેવી

રીતે તમે તેને સાચા રસ્તે લઈ આવી શકો? અહીંથી જ બાપ-દીકરાનો જનરેશન-ગૅપ શરૂ થાય છે અને આ જનરેશન-ગૅપ વચ્ચે દીકરાની આધુનિકતા અને બાપનું જુનવાણીપણું આમનેસામને આવી જાય છે. ઝેરનું મારણ ઝેર. બસ, આ જ નીતિ પર બાપ હસમુખલાલ દીકરાની સામે પડે છે. ધર્મેશ મહેતા કહે છે, ‘દરેક વખતે જનરેશન-ગૅપને ગાળો આપીને બેસી રહેવાને બદલે એને દૂર કરવા માટે મથવું જોઈએ, પ્રયાસ કરવા જોઈએ. જો પ્રયાસ કરશો તો જ આ જનરેશન-ગૅપ દૂર થશે અને એની માટે જાગૃત થવું જરૂરી છે. જાગૃત રહેવું પડશે કે દીકરો હવે ખોટી દિશામાં આગળ વધવા માંડ્યો છે. જે જાગૃતિની વાત ફિલ્મમાં કહેવામાં આવી છે એ જાગૃતિ એટલે ફૅમિલી સાથે સતત ઓતપ્રોત રહેવું. આજના સમયની આ પણ મોટી તકલીફ છે. પપ્પાની પાસે સમય નથી અને સમય નહીં હોવાના કારણે જ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે સંતાન સાવ જ હાથમાંથી જાય ત્યારે જ સીધી ખબર પડે છે.’

ફિલ્મની સ્ટોરી ધર્મેશ મહેતાની છે, જ્યારે સ્ક્રીનપ્લેમાં અંબર હડપે પણ સાથ આપ્યો છે. મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અંબર હડપનું નામ જબરદસ્ત મોટું અને માન જન્માવી ચૂકેલું છે. ‘બાલક પાલક’ અને ‘યલો’ જેવી અદ્ભુત ફિલ્મોનું રાઇટિંગ અંબર હડપ કરી ચૂક્યા છે. ભવ્યની ગર્લફ્રેન્ડનું કૅરૅક્ટર શ્રદ્ધા ડાંગરે કર્યું છે. શ્રદ્ધાની આ પહેલી ફિલ્મ છે.

શાન, નકાશ અઝીઝે ગાયાં ગીતો


શાનને કોઈ ઓળખાણની જરૂર નથી તો સામા પક્ષે સલમાન ખાનની ‘સુલતાન’નું ટાઇટલ-ટ્રૅક ગાનારા નકાશ અઝીઝને પણ હવે કોઈ ઓળખાણની આવશ્યકતા રહેતી નથી. નકાશ અને શાન જેવા બૉલીવુડના નીવડેલા સિંગરોએ ‘Pappa તમને નહીં સમજાય’નાં ગીતો ગાયાં છે તો ફિલ્મનું મ્યુઝિક પીયૂષ કનોજિયાનું છે. ધર્મેશ મહેતા કહે છે, ‘ગીતો હોવાં જોઈએ એટલે ફિલ્મમાં ગીત નથી, પણ એ આવશ્યકતા હતી એવી જ જગ્યાએ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક તબક્કે તો ફિલ્મમાં કોઈ ગીત ન રાખવું એવું વિચાર્યું હતું, પણ પછી પ્રૉપર જગ્યા દેખાતાં ગીતનું કૉમ્પોઝિશન તૈયાર કરવામાં આવ્યું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK