બેવફા સિમરન

કંગના રનોટના ફૅન્સ સિવાયના લોકો આ ફિલ્મથી દૂર રહે. ફિલ્મમાં કંગનાની ઍક્ટિંગ અને (જોવાં ગમતાં હોય તો) ફૉરેન લોકેશન્સ સિવાય કશું જ વૉચેબલ નથી

review

ફિલ્મ-રિવ્યુ - પાર્થ દવે

સિમરન

ફિલ્મ પૂરી થાય પછી ક્રેડિટ્સ આવે. આખી ફિલ્મ જોયા પછી થોડી હામ (વધી) હોય તો તમે રોકાઓ અને એ વાંચો. સિંગલ રહને દે મને સિંગલ રહને દે આ મસ્તમજાનું થોડી વાર સાંભળવું ગમે એવું ગીત સૌથી છેલ્લે એન્ડ-ક્રેડિટ્સ સાથે આવે છે. એટલે અમે રોકાયા. ત્યાં નજર પડી કે ઍડિશનલ સ્ટોરી ઍન્ડ ડાયલૉગ્સમાં કંગના રનોટનું નામ મેન્શન કરેલું છે. એટલે યાદ આવ્યું કે આ તો ડખાવાળું હતું એ છે! ખરેખર તો નામની ક્રેડિટ માટે બાઝવાની જરૂર જ નહોતી અને પ્લસમાં વિચાર એ આવે છે કે ફિલ્મની વાર્તા જ એટલી વાહિયાત અને ભંગાર છે કે એમાં કંગનાએ શું ઍડિશન કર્યું હશે? કે પછી ઍડિશન કર્યું એનું આ પરિણામ છે? ચાલો, એ તો ક્વીન ને કિંગ જાણે! આપણે તો બાપુજી જા સિમરન જા, જી લે અપની ઝિંદગી કહે એ પહેલાં જ કાર, ફ્લાઇટ, કસીનો, બૅન્ક ઇત્યાદિ ઇન શૉર્ટ ટ્રેન સિવાય ગમે ત્યાં ને ગમે ત્યારે ચડી જતી મૉડર્ન સિમરનને મળી લઈએ.

સંદીપ કૌર ટુ સિમરન વાયા પ્રફુલ પટેલ!

શરૂઆતમાં કહેવાતું હતું કે સિમરન ફિલ્મ અમેરિકા-બેઝ્ડ એક મહિલાના જીવન પર બેઝ્ડ છે અને છે જ. પણ ફિલ્મમાં એવો કશો જ ઉલ્લેખ નથી. ઊલટાનું બધાં પાત્રો કાલ્પનિક છે અને લાગતાવળગતા સાથે એને કંઈ જ સંબંધ નથીનું લખાણ ફિલ્મની શરૂઆતમાં ચોપડી દેવાય છે.

ફિલ્મ અત્યારે જેલમાં ચક્કી પીસી રહેલી એક્સ-નર્સ સંદીપ કૌર નામની સિખ મહિલાના જીવન પર, રાધર, તેનાં અમુક કરતૂતો પર આધારિત છે. પંજાબથી અમેરિકા શિફ્ટ થયેલા મધ્યમવર્ગીય પંજાબી પરિવારની પુત્રી સંદીપ ૧૯ વર્ષે પ્રોફેશનલ નર્સ બની ગઈ હતી. ૨૧ વર્ષે તે એક દિવસ તેની કઝિન અમુનદીપ સાથે લાસ વેગસના કસીનોમાં ગઈ અને જુગાર રમવાની શરૂઆત કરી. જીતતી ગઈ એમ વધુ ને વધુ રમતી ગઈ. લોકો તેને ફૉચ્યુર્નેાટ ગૅમ્બલર તરીકે ઓળખવા લાગ્યા હતા.

કઝિન ને તે છૂટાં તો પડ્યાં, પણ સંદીપને જુગારની લત લાગી ગઈ હતી. હવે તે હારવા માંડી. હારેલો જુગારી બમણું રમેના ન્યાયે તે પોતાનું બધું સેવિંગ્સ એમાં નાખતી ગઈ. અમુકતમુક લોન લીધી એ ભરપાઈ ન કરી શકી. વ્યાજે પૈસા ઉધાર લીધા હતા એ ન ચૂકવી શકી. ઉધારી વધતી ગઈ. બધી બાજુથી લોકો તેની પાસે પૈસા વસૂલવા લાગ્યા. આ ઘોર સંકટમાંથી રસ્તો કાઢવા તેણે ૨૦૧૪માં કૅલિફૉર્નિયાની એક બૅન્કમાં મારી પાસે બૉમ્બ છે, પૈસા આપો નહીંતર ફોડીશ કહીને ચોરી કરી! એ રીતે બીજી ચારેક લૂંટ કરી અને છેવટે પકડાઈ ગઈ. આવી કંઈક છે બ્રીફલી સાચી વાર્તા.

અહીં પંજાબી સંદીપની જગ્યાએ ગુજરાતી પ્રફુલ પટેલ ઉર્ફે પ્રેફ (કંગના રનોટ) છે. કઝિન અમુનદીપની જગ્યાએ અંબર છે. સંદીપ પૈસા હૅન્ડઓવર નહીં કરો તો બૉમ્બ ફોડીશ કહીને બૅન્ક લૂંટતી હતી એટલે તેને બૉમ્બશેલ-બૅન્ડિટ  ઉપનામ અપાયું હતું. સિમરન પીળા કાગળ પર લિપસ્ટિક વડે લખીને ચેતવણી આપતી હતી એટલે તેને લિપસ્ટિક બૅન્ડિટ નામ અપાયું. વૉટ અ ક્રીએટિવ ફેરફાર! સંદીપે સેંકડો છોકરાઓ જોયા બાદ મૅરેજ કર્યાં હતાં, જે થોડા સમયમાં તૂટી ગયાં હતાં. સિમરન શરૂઆતથી જ ૩૧ વર્ષની ડિવૉર્સી છોકરી દર્શાવાઈ છે, જેના માટે મિડલ ક્લાસ NRI મા-બાપે છોકરા જોવાનું નવેસરથી શરૂ કર્યું છે. આ ફેરફાર વિશે જેણે કંગના સાથે માથાકૂટ કરી હતી તે સ્ક્રિપ્ટરાઇટર અપૂર્વ અસરાનીએ કહ્યું હતું કે પહેલાં નક્કી જ હતું કે ૨૪ વર્ષની છોકરી આ બધા ગુના કરશે, પરંતુ કંગનાના પિક્ચરમાં આવ્યા બાદ બધું બદલાતું ગયું!

ફિલ્મની શરૂઆત હાઉસકીપર તરીકે એક કંપનીમાં કામ કરતી પ્રફુલ પટેલ પોતાનું અલાયદું ઘર બુક કરે છે ત્યાંથી થાય છે. એ માટે તેણે એક-એક પાઈ બચાવીને પૈસા ભેગા કર્યા છે, લોનની બધી તૈયારી કરી લીધી છે. વચ્ચે જુગાર બહુ રમાઈ જાય છે એટલે સેવિંગ્સના પૈસા ઊડી જાય છે (અહો આશ્ચર્યમ!). વધારે ને વધારે રમવામાં મની-લેન્ડર પાસે ઉધારી રખાઈ જાય છે (સેકન્ડ આશ્ચર્યમ!) ને અંતે પ્રફુલમાંથી સિમરન બનીને બૅન્ક-રૉબરીની શરૂઆત થાય છે.

કંગના ફૅન્ટૅસ્ટિક, બાકી બધું પ્લાસ્ટિક!


ભારતમાંથી વિદેશ સ્થાયી થનારા લોકો પૈસાવાળા, બ્રૉડ-માઇન્ડેડ અને જૉલી મિજાજવાળા જ હોય એવું મોટા ભાગની બૉલીવુડિયન ફિલ્મોમાં દર્શાવાતું આવ્યું છે. નૅશનલ અવૉર્ડ વિનર ફિલ્મ ‘શાહિદ’ ફેમ ડિરેક્ટર હંસલ મેહતાએ અહીં રિયલિસ્ટિક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રયત્ન એટલે કે પેલું ‘જબ હૅરી મેટ સેજલ’ છાપ કૅરિકેચરિશ ગુજરાતી તો અહીં નથી, પણ અચાનક જ સિમરનનાં મા-બાપ તથા એક સીનમાં દાદી અને કસીનોમાં દેખાતો એક શખ્સ, આ બધા હું ગુજરાતી છું અને વિદેશમાં રહીને પણ ગુજરાતી ભાષા આવડે છે એ સાબિત કરવા માગતા હોય એમ અચાનક જ હિન્દી-અંગ્રેજી વચ્ચે ગુજરાતી વાક્યો ઘુસાડવા માંડે છે. કંગનાની મમ્મી બનેલાં કિશોરી શહાણે તો એકાદ વાક્ય આવી મિક્સ લૅન્ગ્વેજમાં બોલે છે : જમીને આવી છો કે ખાના લગાઉં? આ મામલામાં કંગનાએ અદ્ભુત કામ કર્યું છે. ભારતીય વ્યક્તિ જે રીતે વિદેશમાં કમ્યુનિકેશન કરે, જે રીતે વિવેક દાખવે (ભલે ખાલી બહારથી), અઢળક મુશ્કેલીઓ ને મૂંઝવણમાં હોવા છતાં કૉન્ફિડન્ટ દેખાય, આ બધું કંગનાએ બખૂબી દર્શાવ્યું છે. તેણે જરાય સ્ટિરિયોટાઇપ થયા વિના આર્કિટાઇપ ઇન્ડિયન વુમનનું પાત્ર ભજવ્યું છે જે બારમાં, માર્કેટમાં, રસ્તે આવતા-જતા લોકો સાથે દરરોજ વાત કરે છે. અમુક સીન્સમાં પ્રફુલ પટેલ મતલબ કે સિમરનની ખુશી, તે કસીનોમાં બેકરા ગેમ જીતે છે ત્યારનો આનંદ, ખડખડાટ હાસ્ય, તેની નિરાશા ને જરૂરિયાત, તેની મજબૂરી, તેની લાચારી તમે અનુભવી શકો છો. પણ બહુ જ ઓછી, લાઇક ટાંચણી જેટલી. બાકી બધું ઉપરછલ્લું જાય છે, કારણ કે વાર્તા અને કદાચ સ્ક્રીનપ્લે પણ હંસલ મેહતા અને અપૂર્વ અસરાનીને કાગળ પર દમદાર લાગ્યો હશે, પરંતુ ફિલ્મમાં મુખ્ય પાત્ર જ ડેપ્થ વિનાનું રહી ગયું છે.

કંગનાએ ઍઝ ઑલ્વેઝ કાબિલેદાદ અભિનય કર્યો છે, પણ તેના અને ફિલ્મના લોકેશન સિવાય બાકી બધું વેરવિખેર છે. અનુજ રાકેશ ધવનની સિનેમૅટોગ્રાફી સારી છે એટલે જ જ્યૉર્જિયાની સફર કરવી ગમે છે, પરંતુ એડિટિંગ બહુ નબળું છે. ઘણા સીન્સ તો ક્નેક્ટ જ નથી થતા. ઈવન એકાદ-બે તો કન્ટિન્યુ સીન પણ ડિસ્કનેક્ટેડ હોય એવું લાગે છે.   

સિમરનના પિતાનો રોલ ગુજરાતી અભિનેતા હિતેન કુમારે પ્લે કર્યો છે. સિમરનને જોવા માટે આવે છે તે મુરતિયો તથા ફિલ્મમાં કૅટલિસ્ટનું કામ કરતા સમીર નામના યુવાનનું પાત્ર સોહમ શાહે ભજવ્યું છે. બાકીના અજાણ્યા વિદેશી-દેશી ઍક્ટર્સ ફિલ્મમાં તબક્કાવાર જરાતરા દેખાય છે. અહીં ગુજરાતી નહીં તો અમેરિકન પાત્રોએ કૅરિકેચર દેખાવાની કસર પૂરી કરી છે.

simran

લૂટ લિયા તૂને... સિમરન!

ફિલ્મના પ્રારંભમાં ટેબલ પર પડેલી ફ્રેન્ચ રાઇટર મિલાન કુંદેરાની બુક દેખાય છે અને તમારા મગજમાં કંઈક સારું થવાનાં એંધાણ આવે છે, પરંતુ એની દસેક મિનિટમાં જ સ્લોપી નરેશનના કારણે એ એંધાણ સુકાતાં જાય છે. હંસલ મેહતાએ રિયલ સ્ટોરી ઉપાડીને ફિલ્મ બનાવી, પણ એને કૉમેડી ને ડ્રામામાં ફિટ કરવામાં, એના પર થોડી સોશ્યલ કૉમેન્ટ્રી ભભરાવવામાં, NRIsને રિયલ દર્શાવવામાં, મુખ્ય પાત્રમાં એકીસાથે બધાં જ ઇમોશન્સ ઠાલવવામાં બધું મિક્સ-અપ ને અગડમ-બગડમ થઈ ગયું. ગૂંચવણ એવી સરજાઈ કે વર્ષો પહેલાં અમરીશ પુરીએ ભાગ સિમરન ભાગ કહ્યું હતું. આજે આપણને થાય કે હવે ભાગેલી સિમરન પાછી ન આવે તો સારું!

બૅન્ક-રૉબરી કરવાની છે એ બરાબર, પણ સાલું એક જેવા જ આઉટફિટ્સમાં, એક જ કારમાં જઈને અલગ-અલગ બૅન્કમાં એક જ વ્યક્તિ કેટલી વખત ચોરી કરી શકે? ન્યુઝ-ચૅનલ પર પણ લિપસ્ટિકથી લખેલા અક્ષરો અને સ્કેચ કરેલા ચહેરાના ફુટેજ દેખાયા કરે તો પણ સુપરવુમન સિમરન પકડાય નહીં. પાછા બીજી બધી બૅન્કના કર્મચારી આ પ્રકારની કાર્યપદ્ધતિથી સાવ અજાણ રહે અને દરેક વખતે પીળો કાગળ જોઈને લૂંટારુ બહેનને પૈસા આપતા જાય. પાછા બૅન્કમાં ખજાનચી જ છે. આઇ મીન કૅશિયર જ છે, સિક્યૉરિટી ગાર્ડ તો છે નહીં. ચાલો એ સમજ્યા, પણ અમેરિકાની પોલીસ પણ ભારત જેવી? આઇ મીન, બૉલીવુડની ફિલ્મોમાં પોલીસનો જેવો છેલ્લેથી પહેલા નંબરનો IQ હોય છે એટલો જ IQ અહીં અમેરિકન કૉપ્સનો છે! રૉબરીનું રિપીટેશન થયા કરે પણ એ પકડી જ ન શકે? ગજબ વાત તો એ છે કે બૅન્ક લૂંટવાની અને કૅશિયરને ડરાવવાની ટ્રિક સિમરન યુ-ટ્યુબ પર જુએ છે અને પછી અપરાધને અંજામ આપે છે! એટલે ત્રીજી વખત સિમરન બૅન્ક લૂંટે છે ત્યારે હૃતિકના સમ, સાલું થાય કે આપણે જ લૂંટાઈ ગયા! સૌથી વધારે ગુસ્સો અને હસવું બેઉ ભેગા તો ત્યારે આવે છે જ્યારે સિમરનનાં મમ્મી દિલવાલે દુલ્હનિયા લે જાએંગે જુએ છે અને પ્રફુલ ઉર્ફે પ્રેફને પ્રેરણા મળે છે કે મારું નામ સિમરન કરી નાખું! હંસલભાઈએ એક ઇન્ટરવ્યુમાં એવું કારણ આપેલું કે DDLJની સિમરન અને આજની સિમરનમાં ઘણો બદલાવ આવી ગયો છે એટલે અમે નામ સિમરન રાખ્યું છે! લોલ્ઝ!

સચિન-જિગરનું મ્યુઝિક શરૂઆતમાં કર્ણપ્રિય લાગતું હતું. પણ ફિલ્મ એટલી કંગાળ બની છે કે પછી મ્યુઝિક બાજુ કોઈના કાન જતા જ નથી! એક સિંગલ રહને દે અને બીજું સુનિધિ ચૌહાણે ગાયેલું પીંજરા તોડ કે આ બે ગીત બે-ચાર મહિના સાંભળવાં ગમે એવાં છે, બાકી ઠીકથી પણ ઊતરતા પ્રમાણમાં!

જોવી કે નહીં?

ફિલ્મના અંતે એક લાંબી ક્લાઇમૅટિક ચેઝ-સીક્વન્સ છે, જેમાં સિમરન સિફતપૂર્વક કૉપ્સ કનેથી છટકી જાય છે. હવે ફિલ્મની શરૂઆતમાં જ તેના મોઢે એક ડાયલૉગ બોલાયેલો છે : મારું ડ્રાઇવિંગ પુઅર છે! (ફિલ્મ દરમ્યાન તેણે ડ્રાઇવિંગના ક્લાસ નથી કર્યા.) તો લૉજિકમાં આવા ચિક્કાર ગાબડાં જેઓ સહન કરી શકતા હોય, શનિ-રવિ બીજું કોઈ કામ ન હોય, અન્ય આવેલી બે ફિલ્મોમાં ટ્રેઇલર જોઈને જ ડરના માર્યા ન જવું હોય અને છેલ્લી તથા મહત્વની શરત - તમે કંગનાના ફૅન હો તો આ ફિલ્મ તમે જોઈ શકો છો. બાકી કંગનાએ ભલે કીધું કે ‘સિમરન’ ચાલે કે ન ચાલે, મને કોઈ ફરક નથી પડતો; પણ યાદ રાખજો, આપણને અઢી કલાક અને અઢીસો-ત્રણસો રૂપિયાનો સીધો, વિધાઉટ ડિસ્કાઉન્ટ ફરક પડશે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK