જાણો કેવી છે ફિલ્મ 'સરકાર 3'

જૂની ગુડવિલ, ગળે ન ઊતરે એવો પ્લૉટ, પૂરતું ન દેખાય એવા કૅમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે એવા બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ

reviewફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

વિવિધ અવાજોને તીવ્રતાના ચડતા ક્રમમાં કંઈક આમ ગોઠવી શકાય : મચ્છરનો ગણગણાટ, પક્ષીઓનો કલબલાટ, માણસનો અવાજ, ટેલિવિઝનનો સાઉન્ડ, પાટા પર દોડતી ટ્રેન, જસ્ટિન બીબરની કૉન્સર્ટનાં સ્પીકર, ટેક ઑફ થતું પ્લેન, સુપરસોનિક વિમાનની સોનિક બૂમનો ધડાકો અને ત્યાર પછી રામ ગોપાલ વર્માની ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. તેમની આ સરકાર ૩નું મ્યુઝિક એટલુંબધું ઘોંઘાટિયું છે કે ફિલ્મની શરૂઆતમાં ઍન્ટિસ્મોકિંગની સાથોસાથ કાનની સલામતીની પણ જાહેરાત મૂકવા જેવી છે. બૅકગ્રાઉન્ડ નૉઇઝ ઉપરાંત પણ ફિલ્મમાં ઘણાબધા પ્રૉબ્લેમ છે.

ઍન્ગ્રી ઓલ્ડ મૅન


બે ફિલ્મોમાં બબ્બે દીકરા-વહુ ગુમાવ્યાનાં વર્ષો પછીયે સુભાષ નાગરે (અમિતાભ બચ્ચન)નો સરકાર તરીકેનો દબદબો બરકરાર છે. કેટલાક વિશ્વાસુ માણસો સાથે તેઓ પોતાના અંધારિયા ઘરમાં બીમાર પત્ની (સુપ્રિયા પાઠક) સાથે રહે છે. પહેલા પાર્ટમાં ટ્રાઇસિકલ ચલાવતો છોકરો ચીકુ હવે યુવાન શિવાજી (અમિત સાધ) બનીને પાછો આવ્યો છે. પરંતુ તેનાં લખ્ખણ સારાં નથી. ઉપરથી ગોકુલ (રૉનિત રૉય) જેવા એકલદોકલ વફાદારોને બાદ કરતાં મુંબઈથી દુબઈ સુધીના લોકો સરકારના દુશ્મન છે. દુબઈનો એક પાણી અને પ્રાણીપ્રેમી ડૉન માઇકલ વાલ્યા (જૅકી શ્રોફ), રાજકારણી મા-બેટા રક્કુબાઈ (રોહિણી હટંગડી) અને ગોવિંદ દેશપાંડે (મનોજ બાજપાઈ), કાજળધારી અન્નુ (યામી ગૌતમ), યુનિયન લીડર ગોરખ (ભરત દાભોલકર) વગેરે સરકાર હેટર્સ નામની IPL ટીમ બનાવી શકાય એટલાબધા લોકો તેમની સામે પડ્યા છે. ૧૩૨ મિનિટની આ કાનલેવા ફિલ્મમાં સરકારનું શું થશે?

લાઉડ, કૅમેરા, ઍક્શન


એક સમય હતો જ્યારે પોસ્ટરમાં ‘અ રામ ગોપાલ વર્મા ફિલ્મ’ જોઈને લોકો થિયેટર ભણી દોટ મૂકતા. જ્યારે હવે આ જ શબ્દપ્રયોગ લોકોને ડરાવવા માટે વપરાય છે, કેમ કે ફિલ્મ ગમે તે હોય; અમુક તત્વો વિના અપવાદે સરખાં જ રહેવાનાં. જેમ કે ફિલ્મના કેન્દ્રમાં કોઈ નકારાત્મક પાત્ર જ હશે અને એના દ્વારા બદલાની ભાવનાથી કરાયેલી હિંસાને જસ્ટિફાય કરાઈ હશે. CCTV કે જાસૂસી કૅમેરાની જાહેરખબર માટે વાપરી શકાય એવા ગાંડાઘેલા કૅમેરા ઍન્ગલ્સ હશે, બહાર આવ્યા પછી ગરમ તેલમાં કકડાવેલા લસણનાં ટીપાં નાખવા પડે એવું ગગનભેદી બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હશે, મચ્છરની જેમ લોકો મરતા હશે ને ફિલ્મ જોયા પછી આ દુનિયા હવે જીવવા જેવી રહી જ નથી એવો વિષાદયોગ છવાઈ જશે. આ તમામનો વધુ એક સરવાળો એટલે સરકાર ૩.

‘ગૉડફાધર’ના ભારતીય વર્ઝન તરીકે દાયકા પહેલાં રજૂ થયેલી સરકારમાં રામ ગોપાલ વર્મા પાસે નવું કહેવા માટે કશું જ નથી. ઇન ફૅક્ટ, ઘણે અંશે આ ફિલ્મ સરકાર ૧ની રીમેક જેવી જ છે. પરંતુ જેમ એક સ્ટારનો ચાર્મ જતો રહે અને તે પોતાના ભવ્ય ભૂતકાળના પડછાયા જેવો બનીને રહી જાય એવું આ ફિલ્મનું થયું છે. સરકાર ૧ની પહેલી દસ-પંદર મિનિટમાં જ સરકાર અને અન્ય પાત્રો એસ્ટૅબ્લિશ થઈ જતાં હતાં. મ્યુઝિક, કૅમેરા ઍન્ગલ્સ અને પાત્રોની નજર બધું જ એને પૂરક હતું, જ્યારે આ ફિલ્મ રામુજીએ પોતાની જ પૅરોડી બનાવી હોય એવી લાગે છે.

અહીં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગોવિંદા ગોવિંદાની સિગ્નેચર ટ્યુન કોઈ જ કારણ વિના એટલી લાઉડ છે કે સરહદ પર વગાડ્યાં હોય તો ત્રાસવાદીઓ એના ડરથી જ ભાગી જાય. અમિતાભ સહિત તમામ પાત્રો દરેક વખતે કંઈક અગત્યનું જ બોલે છે એવું પુરવાર કરવા માટે સૌ શબ્દે શબ્દ છૂટા પાડીને ભાર દઈ-દઈને બોલે છે. શૂટિંગ પહેલાં સૌને કડક કાથા-ચૂના જેવું કંઈક ખવડાવી દીધું હોય એમ બધાના અવાજને ખખરી બાઝી ગઈ છે. અગાઉ સરકાર પોતાના વિશ્વાસુ લોકો સામે સૂચક નજરે જુએ એની પાછળ કોઈ સંદેશ-આદેશ છુપાયેલો રહેતો. અહીં બધા જ લોકો જાણે આંખમાંથી લેઝર કિરણો કાઢવાની પ્રૅક્ટિસ કરતા હોય એ રીતે ડોળા કાઢીને જોયા કરે છે. આ બધું શા માટે? રામુ જાણે.

sarakr 3

સરકાર ૩માં સૌથી વધુ ક્રીએટિવિટી દાખવી છે સિનેમૅટોગ્રાફરે. ઓશીકાની પડખે, પડદા પાછળ, સ્ટ્રેચર નીચે, ચાના કપના નાકાની આરપાર, થેપલાંની ડિશ લંબાવતા હોય એ રીતે ડાઇનિંગ ટેબલ પર, શાર્ક માછલીની નીચે, ટેલિવિઝન-મોબાઇલ ફોનની પાછળ... ટૂંકમાં તમે કલ્પના પણ ન કરી શકો એવાં સ્થળોએ કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. શા માટે? રામુ જાણે. વળી પાત્રો જ્યારે કોઈ ખૂંખાર પ્લાન બનાવતાં હોય કે ગંભીર વાત ચર્ચતાં હોય ત્યારે એમની પાસે કરાવવું શું? રામુ પાસે સિમ્પલ સોલ્યુશન છે, કુછ ભી પીવડાવી દો. સરકાર રકાબી મોઢે માંડીને સ્ટિરિયોફોનિક સબડકા લે ત્યાં સુધી બરાબર છે; પરંતુ આ તો ખુદ સરકાર બબ્બે વખત ચા બનાવે, દૂધ પીવે, બાકીના લોકો વિના અપવાદે ચા-કૉફી પીવે, વાઇન-વ્હિસ્કી પીવે અને આખી ફિલ્મ યુ નો, આપણું બ્લડ પીવે. વિના અપવાદે બધાનાં ઘરોમાં ઘોર અંધારાં. સરકારના ઘરનું અંધારું કદાચ એકલા પડી ગયા બાદ સરકારની લાઇફમાં વ્યાપેલા અંધકારનો મેટાફર હોય, પરંતુ બાકીના લોકો શું કામ અંધારે કુટાય છે? તેમના રૂમમાં પણ દૂર ક્યાંક કોઈ ઝાંખો પીળો બલ્બ ચાલતો હોય એવું ઝાંખું અજવાળું આવ્યા કરે. એટલો પ્રકાશ પણ ખમાતો ન હોય એમ પાછા અંદર પણ કાળા ગૉગલ્સ પહેરી રાખે, ટીવી જોતી વખતે પણ.

આખી ફિલ્મમાં માત્ર એક જ ટ્વિસ્ટ રસપ્રદ છે (જોકે એનુંય પૂરું જસ્ટિફિકેશન તો નથી જ). બાકીની પોણા ભાગની ફિલ્મનું રાઇટિંગ અનહદ કંગાળ છે. અગાઉ સરકાર નિષ્ફળ ગયેલી સિસ્ટમનો સમાંતર વિકલ્પ અને એક વિચારધારા હતો. અહીં એવું કશું જ નથી. કાટૂર્ન  જેવા અડધો ડઝન વિલનો ભેગા મળીને પણ સરકારને કે તેમની સોચને ખતમ કરવાનો એક પર્ફેક્ટ પ્લાન ઘડી શકતા નથી. મળે છે તો માત્ર આવા ડાયલૉગ : મછલી કિતની ભી તેઝ ક્યૂં ન હો, ઉસકી આવાઝ નહીં આતી. પતા હૈ ક્યોં? પાની કી વજહ સે. અગર તૂ ઔર મૈં દોનો સમઝ ગએ તો સમઝ કા ક્યા ફાયદા? બોલો, તમને સમજાયું કંઈ? આ બન્ને મહાન ડાયલૉગ બોલાયેલા છે આ ફિલ્મના સૌથી ખૂંખાર અને સૌથી અનઇન્ટેન્શનલ કૉમિક પાત્ર ટાઇગર પિતા જૅકી શ્રોફના મુખે. આખી ફિલ્મમાં તેઓ વિવિધ જળચર પ્રાણીઓ અને એક અલ્પ વસ્ત્રધારી કન્યા સાથે રહીને ઇન્ટરનૅશનલ કૉલિંગ જ કર્યા કરે છે. ધૅટ્સ ઇટ.

અમિતાભ બચ્ચનની હાલત ડૂબતા જહાજના કૅપ્ટન જેવી થઈ છે. સારા ડાયલૉગ્સ કે સ્ક્રિપ્ટ ન મળે તો સરકારને પણ કયા સરકાર બચાવે? અમિત સાધના ભાગે ફિલ્મમાં ફૂંફાડા મારવા સિવાય ખાસ કંઈ આવ્યું નથી. યામી ગૌતમને તો સીધી જ ફેર ઍન્ડ લવલીની ઍડમાંથી ઊંચકીને નજર સુરક્ષા કવચના પાત્રમાં બેસાડી દીધી હોય એવી બિહામણી લાગે છે. ઍક્ટિંગની તો વાત જ નથી થતી. વધુપડતાં પાત્રો અને ફાલતુ સીનમાં રૉનિત રૉય જેવો ઉમદા ઍક્ટર વેડફાઈ ગયો છે. રોહિણી હટંગડી થોડી વાર માટે દેખાયાં અને એક ગ્લાસ દારૂ પીને ગાયબ થઈ ગયાં. એકમાત્ર મનોજ બાજપાઈ ફૉર્મમાં દેખાય છે. સુપ્રિયા પાઠકનું મરાઠી સમજવા માટે કોઈ દુભાષિયાની જરૂર પડે એવું છે. હા, અભિષેક બચ્ચન પણ તસવીર સ્વરૂપે ફિલ્મમાં છે (છતાંય તેના ચહેરા પર જૉન એબ્રાહમ કરતાં વધુ એક્સપ્રેશન્સ દેખાય છે, બોલો).

સરકાર-૩માં વધુ એક વાંધો ગાંધીજીના દુરુપયોગ સામે પણ લઈ શકાય. એક તો અહીં ગાંધીજીનું પૂતળું ‘લગે રહો મુન્નાભાઈ’ના દિલીપ પ્રભાવળકર જેવું દેખાય છે. ઉપરથી એક માફિયા પાત્રની અટક ગાંધી છે, જેને યામી ગૌતમ ‘ગાંધીજી’ ‘ગાંધીજી’ કહીને બોલાવે છે. આટલું પૂરતું ન હોય એમ ફિલ્મમાં બાપુના લક્ષ્ય અને સાધનશુદ્ધિના વિચારને પણ તોડી-મરોડીને વિકૃત રીતે પેશ કરાયો છે. આ બધું શા માટે, ભઈ?

બસ કરો, રામુ

સરકાર ૩ એક સરસ ફિલ્મશ્રેણીને હાસ્યાસ્પદ કેવી રીતે બનાવી શકાય એનો પર્ફેક્ટ નમૂનો છે. અમિતાભ બચ્ચનનો પ્રામાણિક પ્રયત્ન, મનોજ બાજપાઈના

બે-ત્રણ લાઉડ-કૅરિકેચરિશ છતાં ઇમ્પ્રેસિવ સીન અને એકાદ જગ્યાએ સરસ કટ્સ દ્વારા થયેલું જક્સ્ટાપોઝિશન આવાં જૂજ પૉઝિટિવ્સને બાદ કરતાં આખી ફિલ્મ ટૉર્ચર મટીરિયલ છે. આશા રાખીએ કે આ સરકાર હવે અહીં જ પડી ભાંગે. અને હા, તમારે આ ફિલ્મ જોવી હોય તો ઘરે ટીવી પર જ જોજો, કમ સે કમ એમાં વૉલ્યુમ ધીમું તો કરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK