જુઓ કેવી છે ફિલ્મ 'પૅડમૅન'

અરુણાચલમ મુરુગનાથમની જીવન ઝરમર એન્ટરટેઇનિંગ વેમાં જોવા-જાણવા માગતા મિત્રો આ ફિલ્મ ખાસ વિથ ફૅમિલી જુએ અને બાકી, અક્ષયકુમાર ને આર. બાલ્કીના ફૅન્સ લોગ પણ નિરાશ નહીં થાય

padman

ફિલ્મ-રિવ્યુ - પૅડમૅન

પાર્થ દવે

સમજાય નહીં એવા વિવાદ ને બબાલના કારણે ‘પદ્માવત’ ફિલ્મ ઠેલાતી રહી અને એના કારણે ‘પૅડ મૅન’ ફિલ્મ પોસ્ટપોન થતી રહી. અંતે આપણી આતુરતાને અંત મYયો! ‘પૅડ મૅન’નું કામ શરૂ થયું એટલે કે અક્ષયપત્ની ટ્વિન્કલે ધ લેજન્ડ ઑફ લક્ષ્મી પ્રસાદ પુસ્તકમાં રિયલ પૅડ મૅન વિશે ટૂંકી વાર્તા સ્વરૂપે લખ્યું, બાદમાં તેને ખોજ્યો. પછી આર. બાલ્કીને અપ્રોચ કર્યો. ત્યારથી તેના વિશે ચર્ચા થઈ રહી છે. સૌ જાણે છે એમ ‘પૅડ મૅન’ કોઇમ્બતુર, તામિલનાડુના સોશ્યલ ઑન્ટ્રપ્રનર અરુણાચલમ મુરુગનાથમની લાઇફ-સ્ટોરીનું સિનેમૅટિક ઍડપ્ટેશન છે. વર્ષ ૨૦૦૧માં જ્યારે સ્ત્રીઓના માસિક સ્ત્રાવના દિવસોને લઈને આજથી વધુ સૂગ અને આભડછેટ ગામડાંઓમાં હતી ત્યારે અરુણાચલમે સસ્તાં સૅનિટરી નૅપ્કિન્સ બનાવતું એક મશીન ઇન્વેન્ટ કર્યું, જયાશ્રી નામની ઇન્ડસ્ટ્રી સ્થાપી, સ્ત્રીઓને એમાં જ રોજગારી આપી અને સફળ ઇન્વેન્ટર તરીકે પ્રસ્થાપિત થયા, દુનિયાભરમાં લેક્ચર્સ આપ્યાં, અવૉર્ડો મેળવ્યા. આ આખી રસપ્રદ જીવન-જર્ની આપણને ડિરેક્ટર આર. બાલ્કી ફિલ્મ ‘પૅડ મૅન’માં બતાવે છે. જેટલી રોમાંચક અરુણાચલમની જર્ની છે એટલી જ અસરકારક રીતે પડદા પર રજૂ થઈ શકી છે ખરી?

આઓ દેખતે હૈં!

વાહ રે વાહ રે, પૅડ મૅન!


કૌસર મુનિરે લખેલા, અરિજિત સિંહે ગાયેલા અને અમિત ત્રિવેદીના સંગીતથી મઢેલા કર્ણપ્રિય સૉન્ગ આજ સે તેરી સારી ગલિયાં મેરી હો ગઈ...થી ફિલ્મનો પડદો ખૂલે છે. લક્ષ્મીકાંત ચૌહાણ (અક્ષયકુમાર) અને ગાયત્રી (રાધિકા આપ્ટે)નાં લગ્ન થઈ રહ્યાં છે. લગ્ન થાય છે, રોમૅન્ટિક સીન આવે છે, બેઉ ખિલખિલાટ હસે છે... આ વખતે વારાણસી ને ગંગાને બદલે મધ્ય પ્રદેશના મહેશ્વર અને નર્મદા મૈયાનાં દર્શન થાય છે. મજ્જા પડે છે! (કુડોઝ ટુ સિનમૅટોગ્રાફર પી. સી. શ્રીરામ!)

લક્ષ્મીકાંત સ્કૂલ ડ્રૉપ-આઉટ છે, આઠમું ફેલ છે. તે મહેશ્વરની એક દુકાનમાં મેકૅનિકનું કામ કરે છે, પણ કૅરિંગ હસબન્ડ છે. કાંદા કાઢતી પત્નીનાં આંસુ જોઈને તે પોતાની આવડતથી યંત્ર બનાવીને પત્નીનો પ્રૉબ્લેમ સૉલ્વ કરી આપે છે. તેને બેસવામાં સગવડ રહે એ માટે સાઇકલની પાછળ લાકડાની સીટ બનાવી આપે છે. તેની પત્ની ઉપરાંત મા અને ત્રણ બહેનો છે. લક્ષ્મીકાંત ભણતર ઓછું હોવા છતાં સમજુ છે. સ્ત્રીઓ અને તેને પડતી તકલીફો માટે સેન્સિટિવ છે. ભોળપણ તેના સ્વભાવમાં છે. ગાયત્રી પણ લવિંગ અને નિષ્કપટ સ્ત્રી છે. એક દિવસ લક્ષ્મી જુએ છે કે ગાયત્રી જમતાં-જમતાં ઊભી થઈને ઘરની બહાર બાલ્કનીમાં ચાલી ગઈ છે. તેની બહેન કહે છે કે પાંચ દિવસ તે ત્યાં જ રહેશે. લક્ષ્મીએ પૂછતાં જવાબ મળે છે કે આ સ્ત્રીઓનો વિષય છે, તું દૂર રહે! લક્ષ્મીને ખ્યાલ આવે છે. તે જુએ છે કે તેની પત્ની માસિક દરમ્યાન ઘરની બહાર રહે છે. તે ચીંથરા જેવું ગંદું કાપડ વાપરે છે. તેનું કોઈ સાંભળતું નથી. તે પત્ની માટે બજારમાંથી પૅડ ખરીદી લાવે છે. પત્ની એમ કહીને ના પાડી દે છે કે આ મોંઘું છે. તે પત્ની માટે જાતે હાઇજિનિક સૅનિટરી પૅડ બનાવે છે. ગાયત્રીને આર્ય થાય છે. લક્ષ્મીની મા અને બહેનને આની જાણ થાય છે. તેમને શરમ આવે છે ભાઈ-દીકરા સાથે આ વિશે વાત કરવાની અને તેને આવું કામ કરતો જોવાની. તેઓ તેને વઢે છે, ગમે તે સંભળાવે છે. લક્ષ્મી હાર નથી માનતો. ગાયત્રી ઘર છોડીને જતી રહેવાની વાત કરે છે. અંતે લક્ષ્મીકાંત ચૌહાણ સૅનિટરી પૅડ પોતે પહેરીને ટ્રાય કરી જુએ છે અને...   

વેલ, અરુણાચલમ મુરુગનાથમની અનક્રેડિબલ સ્ટોરી તમને ખ્યાલ હશે જ. અંતે ગામવાળા કંટાળીને બહિષ્કૃત કરવાનું જ બાકી રાખે છે. પત્ની પિયર જતી રહે છે. તે બીજા ગામમાં રહીને પૅડ બનાવે છે, સસ્તાં પૅડ બનાવતું મશીન ઇન્વેન્ટ કરે છે. અને એક દિવસ સફળ થાય છે...

બાલ્કીસાબ, વેલડન!

‘શમિતાભ’, ‘પા’ અને ‘કિ ઍન્ડ કા’ જેવી લીકથી હટીને પણ લાઇટ વેમાં ફિલ્મો બનાવવા માટે જાણીતા આર. બાલ્કીએ તેમની સ્ટાઇલ બરકરાર રાખી છે. સ્કૂલ ડ્રૉપ-આઉટ એક વ્યક્તિએ કઈ રીતે લો-કૉસ્ટ સૅનિટરી નૅપ્કિન્સ બનાવતું મશીન ઇન્વેન્ટ કર્યું અને મેન્સ્ટ્રુઅલ હાઇજિન વિશે જાગૃતિ ફેલાવતું આખું અભિયાન દેશને ભેટ આપ્યું, આ વાત બાલ્કીએ સિફતપૂર્વક શુગર-કોટેડ કરીને પેશ કરી છે. તેમણે રિયલ પૅડ મૅનના સ્ટોરી ટ્રૅકની સાથે આજથી ૧૬-૧૭ વર્ષ પહેલાંની સ્ત્રીઓની ગામડાંઓમાં સ્થિતિ, તેમના આ પાંચ દિવસો દરમ્યાન ઘરની બહાર રહેવાની-સૂવાની વાત, તેમની સાથેનો વ્યવહાર, અપવિત્ર ને અપશુકનિયાળ જેવી માન્યતાઓ, જેન્ડર ઇક્વાલિટી, ધાર્મિક જડતા વગેરે મુદ્દાઓ ટાઇટ નરેશન સાથે રજૂ કર્યા છે. આ દિવસો દરમ્યાન સ્કૂલથી ઘેર ભાગી જતી વિદ્યાર્થિની, પુરુષનો સૅનિટરી નૅપ્કિન્સથી છોછ, દુકાનદાર દ્વારા રૅપરમાં પૅડ  આપવું (ચરસ-ગાંજા દે રહે હો ક્યા?), પુરુષના મોંએ સૅનિટરી નૅપ્કિનનું નામ સાંભળીને જ બહેન-માતાનું ભડકવું વગેરે તમામ સીન્સ ઉપદેશાત્મક થયા વિના ફિલ્માવાયા છે. ઑર્થોડોક્સ અને ઓલ્ડ એજ ટેબુ પર પ્રહાર કરતા ડાયલૉગ્સ બાલ્કીએ અક્ષયના મોંએ સિફતપૂર્વક બેસાડ્યા છે. ૨૦૦૧નો સમયગાળો પૉઇન્ટ આઉટ કરવા એક સીનમાં લક્ષ્મી તેની પત્નીને કહે છે કે રાની મુખરજી કે ઝમાને મેં દેવિકા રાની કી બાત કર રહી હો! પણ અક્ષય અને રાધિકા આપ્ટે સિવાયની બૅકગ્રાઉન્ડ કાસ્ટ સાઠના દાયકામાંથી સીધી ઉપાડી લીધી હોય એવી લાગે છે. ત્રણ સિવાયનાં આવતાં-જતાં રૅન્ડમ કૅરૅક્ટર્સ અમુક સીન્સમાં ઓવર ઍક્ટિંગ કરે છે. નો ડાઉટ, અક્ષય, રાધિકા અને (ઇન્ટરવલ બાદ આવતી) સોનમ કપૂરના પર્ફોર્મન્સ કાબિલે દાદ છે, પરંતુ બાકીના એક પણ ચહેરા તમને યાદ રહેતા નથી.      

ફિલ્મની ટાઇટલ ક્રેડિટમાં જેમના નામની આગળ સુપરહીરો લખેલું આવે છે તેવા આર. બાલ્કીના ફેવરિટ અમિતાભ બચ્ચન સાહેબ અંતમાં સ્પીચ આપતા દેખાય છે. તેમના હાથે ‘પૅડ મૅન’ને અવૉર્ડ અપાય છે. શરૂઆતમાં જ ડિસક્લેમર અપાઈ જાય છે કે ફિલ્મ અરુણાચલમના જીવન પર આધારિત છે, પરંતુ એમાં કલ્પના ઉમેરવામાં આવી છે. અને એ કલ્પનામાંથી નીકળેલું પાત્ર એટલે સોનમ કપૂરે ભજવેલું પરી વાલિયાનું પાત્ર, જે લક્ષ્મીકાંતે મશીનમાંથી બનાવેલા પૅડની પ્રથમ ગ્રાહક બને છે અને આગળ જતાં અન્ય સ્ત્રીઓને એ વેચવામાં પણ મદદ કરે છે. લક્ષ્મીકાંતને તેનું સ્વપ્ન પૂરું કરવામાં પરી મદદ કરે છે. કહ્યું એમ, સોનમે ખૂબ જ સ-રસ રીતે પાત્ર ભજવ્યું છે, પણ એક તકલીફ થઈ ગઈ છે. સામાન્ય દર્શકને ખૂંચે એમ થોડી વધારે કલ્પનાના તુક્કા ઉમેરાઈ ગયા છે! પરી અને લક્ષ્મીનો એક બિનજરૂરી સબપ્લૉટ નખાઈ ગયો છે, જેની રત્તીભર પણ જરૂર નહોતી. એટલે અમુક સીન અનકન્વિન્સિંગ અને ઑક્વર્ડ લાગે છે. સોનમ કપૂરને અહીં સ્કિલ્ડ તબલા પ્લેયર બતાવાઈ છે અને સાવ વિચિત્ર કહી શકાય એવો તેનો ઇન્ટ્રો સીન છે! બે સીનમાં સોનમ આઉટ ઑફ ટ્યુન તબલાં વગાડતી દેખાય છે, બાદમાં એક પણ વાર તેના તબલાવાદનનો ઉલ્લેખ નથી આવતો! અહીં લૉજિક અને રિયલિટી ડિસકનેક્ટ થતાં લાગે છે.

ઇંગ્લિશ વિંગ્લિશ... ઔર લિંગ્લિશ!


ફસ્ર્ટ હાફમાં અમુક સીન ઓવર મેલોડ્રામેટિક અને રિપિટેટિવ લખાયા છે. અક્ષયની જ ૨૦૧૭માં આવેલી સોશ્યલી રેલેવન્ટ ફિલ્મ ‘ટૉઇલેટ એક પ્રેમકથા’ની જેમ અહીં લાઉડ કશું જ નથી, પરંતુ અંતમાં એની જેમ જ અચાનક બધું પૂરું થઈ જાય છે! જેમ એમાં અક્ષયના પિતાનું ચમત્કારિક રીતે હૃદય પરિવર્તન થઈ જાય છે એમ અહીં ગામડાંની તમામ સ્ત્રીઓ સૅનિટરી નૅપ્કિન અપનાવી લે છે. આભડછેટ ભૂલી જાય છે. દકિયાનૂસી ને જડ ધાર્મિક માન્યતાઓ આટલી જલદી બદલાતી જોઈને નવાઈ લાગે! પણ... ફિલમ છે!

લક્ષ્મીની યુનાઇટેડ નેશન્સની દેશી અંગ્રેજીવાળી સ્પીચમાં બાલ્કીસાહેબે તેમનાં અર્ધાંગિની ગૌરી શિંદેની ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ને યાદ કરી છે. સ્ક્રિપ્ટ બાલ્કીની સાથે સ્વાનંદ કિરકિરેએ લખી છે. બેઉએ આખી ફિલ્મમાં કોઈ ટાઇમ-પિરિયડ ઇન્ડિકેટ નથી કર્યો. અરુણાચલમને ૨૦૧૬માં પદ્મશ્રી મYયો હતો. અહીં લક્ષ્મી ન્યુ યૉર્કથી પાછો આવે છે ને તરત મળી જાય છે. બીજું, ગાયત્રી અને લક્ષ્મીનાં પાત્રો આખી ફિલ્મ દરમ્યાન એવાં જ-સરખી ઉંમરનાં જ રહે છે! ઇન શૉર્ટ, સમય આપણે ધારી લેવાનો છે.   

અમિત ત્રિવેદીનું મ્યુઝિક મ-જા-નું છે. ફિલ્મ સ્ટાર્ટ કરતું આજ સે તેરી... સૉન્ગ અને પૂરું કરતું મિકાએ ગાયેલું ‘પૅડ મૅન’ ટાઇટલ બેઉ ગીતો કર્ણપ્રિય છે. વચ્ચે આવતાં ગીતો પણ ફિલ્મ જોવામાં નડતરરૂપ બનતાં નથી. ફસ્ર્ટ હાફમાં એડિટિંગ થઈ શકત, કેમ કે ખરેખર અરુણાચલમ સાથે જે બન્યું છે એ વાંચવામાં સારું લાગે, જોવામાં રિપિટેટિવ લાગે છે.

ઇન્ક્રેડિબલ મૅન!

તમને તમારા માટે, તમારી ફૅમિલી-સમાજ માટે કંઈક નવું કરવું છે, રેવલ્યુશન લાવવું છે ને કોઈ તમારો સાથ નથી આપતું તો નિરાશ ન થાઓ. લક્ષ્યથી હટો નહીં. કામ કરતા રહો. સફળ થશો તો જે ગામ, લોકો, સગાંઓ તમને ધૂત્કારતા હતા તે જ તમારું રથ પર બેસાડીને સ્વાગત કરશે. આ ઇન્સ્પિરેશનલ મેસેજ પણ ‘પૅડ મૅન’ આપે છે. ગયા વર્ષે રિલીઝ થયેલી લો-બજેટ ફિલ્મ ‘ફુલ્લૂ’ અને અનરિલિઝ્ડ ‘આઇ-પૅડ’ આ જ વિષય પર બની છે. પણ અહીં કૅન્વસ મોટું છે. કદાચ રિયલ સ્ટોરી ન હોત અને ફિલ્મ બનત તો લક્ષ્મીકાંતે પૅડ બનાવવા કરેલા પ્રયત્નો માનવા અઘરા થઈ પડત. જય હો અરુણાચલમની! 

જોવી કે નહીં?

ભારતમાં ૫૦ કરોડ સ્ત્રીઓમાંથી માત્ર ૧૨ ટકા સ્ત્રીઓ સૅનિટરી નૅપ્કિનનો ઉપયોગ કરે છે. આ કારણે તેઓ બીમારી ને માંદગીમાં ધકેલાય છે. કંઈક આ પ્રકારનો ડાયલૉગ ફિલ્મમાં છે અને એ બીજું કોઈ નહીં, મેઇન-સ્ટ્રીમ સ્ટાર અક્ષયકુમાર બોલે છે. આ સારી અને મોટી વાત છે. કંઈક ફરક પડી શકે છે...     

સો, અક્ષયકુમાર ને બાલ્કીના ફૅન્સ લોગ, આ સબ્જેક્ટ તથા સોશ્યલ ઇશ્યુ જોવા-સમજવા માગતા મિત્રો, અરુણાચલમની જીવન ઝરમર એન્ટરટેઇનિંગ વેમાં જાણવા માગતા મિત્રો : આ તમામ જઈ શકે છે. છૂટાછવાયા સીન બોર કરી શકશે, આખી ફિલ્મ કદાપિ નહીં! અસ્તુ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK