ફિલ્મ-રિવ્યુ - ઑક્ટોબર

શૂજિત સરકારની ઑક્ટોબર ધીમી પણ સુંદર ફિલ્મ છે. અહીં બહુ ઘટનાઓ નથી ઘટતી, ગીતો ને વળાંકો નથી આવતાં છતાંય સ્ક્રીન પર કશુંક થયા કરે છે. મસાલા અને સ્ટોરિકલ ફિલ્મોના ફૅન્સ લોકો દૂર રહે

october

ફિલ્મ-રિવ્યુ - ઑક્ટોબર

પાર્થ દવે


પત્ની હૉસ્પિટલમાં દાખલ છે. પાગલ અવસ્થામાં છે. પતિ દરરોજ તેને મળવા આવે છે. તેના માટે વસ્તુઓ અને ખાવાનું લઈ આવે છે. પત્ની તેને દરરોજ ધુત્કારે છે, તેનું અપમાન કરે છે. બાકીનાં સગાંવહાલાંઓ તમામે તેનો હાથ છોડી દીધો છે, પણ પતિ નિયમિત આવે છે. તે એક પણ દિવસ ચૂકતો નથી. હાર માનતો નથી. કોઈ તેને કહે છે કે તે તો તમને ઓળખતી પણ નથી કે તમે કોણ છો તો પછી કેમ તમે દરરોજ આવો છો? પતિ કહે છે કે તે મને ભૂલી ગઈ છે, તે મને નથી ઓળખતી; પણ મને તો ખબર છેને કે તે મારી પત્ની છે! જાણીતી વાર્તા છે. થોડી અલગ હશે, પણ વાત કંઈક આવી જ છે. ‘ઑક્ટોબર’ જોતી વખતે આ વાર્તા યાદ આવ્યા કરતી હતી. અને ફિલ્મની વચ્ચે ડૅન નામનું મુખ્ય પાત્ર ભજવતા વરુણ ધવનના મોઢે એ પ્રકારનો ડાયલૉગ પણ મુકાયો છે કે તે આપણને ઓળખે કે નહીં, આપણે તો તેને ઓળખીએ છીએને? યસ, તે આ વાક્ય શિઉલી માટે બોલે છે જે હૉસ્પિટલમાં દાખલ છે. કોમામાં છે.

આ ડાયલૉગ કે પેલી વાર્તાનું મૂળ આશાવાદ સુધી પહોંચે છે. માણસ પૉઝિટિવિટીને કેટલો સમય સાથે રાખી શકે? નકારાત્મક અને પ્રૅક્ટિકાલિટીથી ખદબદતા સમાજમાં માણસ કેટલો કોઈ માટે સારો બની શકે? સારો રહી શકે? કોઈ ક્લોઝ બૉન્ડિંગ વિના કોઈની મદદ કરી શકે? અને એમ કરતાં-કરતાં પોતાને જ કંઈક નવું જડે છે. રિલીફ થાય છે. વાત કંઈક આવી છે.

વેલ, શરૂથી શરૂઆત કરીએ.

શરૂઆત કરતાં પહેલાં કહી દઉં કે આ નાચતો-કૂદતો, ધમાલિયો ઍક્ટર વરુણ ધવન અહીં ‘બદલાપુર’ બાદ ફરી પાછા સિરિયસ, સિન્સિયર અને હટકે રોલમાં છે. જેમને તેની ‘જુડવા ૨’ પ્રકારની ફિલ્મો અને ઍક્ટિંગ ગમે છે તેમને આ ‘ઑક્ટોબર’ નહીં ગમે એની સંભાવના પૂરેપૂરી છે.

વારતા

ફિલ્મની વાર્તા દિલ્હીની ધુમ્મસભરી પરોઢથી ખૂલે છે. ત્યાર બાદ સીધા આપણને દિલ્હીની ‘રેડિસન બ્લુ’ હોટેલનાં દર્શન થાય છે, જેમાં દાનિશ વાલિયા અકા ડૅન (વરુણ ધવન) કામ કરતો હોય છે. તે હોટેલ મૅનેજમેન્ટનો સ્ટુડન્ટ છે જેને અહીં ટ્રેઇની તરીકે કામ મળ્યું છે. ડૅન થોડો ઉછાંછળો, મશ્કરી કરનારો, આખોબોલો છે એના કારણે બૉસની વઢ ખાધા કરે છે. અન્ય કલીગ સાથે તેના મતભેદો થતા રહે છે. પણ તે ઇનોસન્ટ છે, તેના મનમાં કશી ખોટ નથી. તેની સાથે શિઉલી (બનિતા સંધુ) નામની વીસ વર્ષની છોકરી કામ કરે છે જે હોશિયાર છે. બન્ને વચ્ચે બહુ વાતો નથી થતી, માત્ર એકબીજાને ઓળખે છે. ડૅન સાથે કામ કરતા બે કલીગ્સ જોડે જ દિલ્હીમાં એક ફ્લૅટ રાખીને રહે છે. તેને પોતાની રેસ્ટોરાં ચાલુ કરવી છે. તેને પોતાની જૉબ ગમતી નથી. મોટા ભાગે ઇરિટેટ રહ્યા કરે છે.

જેમ લાઇફ ચાલવી જોઈએ તેમ સૌની ચાલી રહી છે ત્યાં વચ્ચે શિઉલી ટ્રેઇની સ્ટાફની થર્ટીફર્સ્ટની પાર્ટી વખતે હોટેલના ત્રીજા માળેથી લપસી જતાં નીચે પડે છે. કોમામાં સરી પડે છે. તેને વેન્કટેશ્વર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પડતાં પહેલાં તેનું છેલ્લું વાક્ય, રાધર સવાલ હતો : ડૅન ક્યાં છે? આ વાતની ડૅનને જાણ થાય છે. તેને થોડો ગિલ્ટ જેવો ભાવ થાય છે. થોડો અફસોસ થાય છે. તે દરરોજ બેડ પર સ્થિર પડેલી શિઉલીને મળવા જાય છે, તેની સાથે એકલો-એકલો વાતો કરે છે, તેની મમ્મીને મળે છે અને પાછો આવી જાય છે. આમ કરતાં જાણે-અજાણે તેની પણ આંતરવ્યક્તિત્વ અને અંત:કરણની એક સફર શરૂ થાય છે જે ડિરેક્ટર શૂજિત સરકાર અને રાઇટર જુહી ચતુર્વેદીએ આપણી સમક્ષ અદ્ભુત રીતે પેશ કરી છે.

ડિરેક્શન, સ્ક્રીનપ્લે, ઍક્ટિંગ

શૂજિત સરકાર એટલે બચ્ચનવાળી ડાઇજેસ્ટિવ સિસ્ટમને કેન્દ્રમાં રાખીને આવેલી ‘પીકૂ’ અને એ પહેલાં સ્પર્મ ડોનેટિંગ જેવા વિષયને લઈને આવેલી વિકી ડોનરના ડિરેક્ટર. આ બેઉ ફિલ્મની લેખિકા જુહી ચતુર્વેદી જ છે. આ વખતે આ જોડીએ ફરી એક અલગ જ વિષયને હાથ લગાડ્યો છે. આ લવ-સ્ટોરી નહીં બલકે લવ વિશેની સ્ટોરી છે, કેમ કે આ ફિલ્મને માત્ર લવ-સ્ટોરી કહીશું તો એનો જે રિઝિલિઅન્ટ ટોન છે એને અન્યાય થશે. ફિલ્મ ધીમી નથી, સ્મૂધ છે! (વેલ, ઘણાને જેમને મસાલા ફિલ્મો જોવી ગમતી હોય તેમને ભયંકર ધીમી લાગવાની છે. એ વિશે છેલ્લા ફકરામાં વાત કરીએ.) ફિલ્મ શાંત છે. તમે દાઝી ન જાઓ, પણ ધીમે ધીમે શેકાતા રહો એવી ઊતરી છે ફિલ્મ! શૂજિત સરકારે સ્ટાર્ટિંગમાં ફાઇવસ્ટાર હોટેલની લૉબી અને શાઇની ફ્ર્લોસ બતાવી છે. તેમણે હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ થાય છે એ પણ બખૂબી દર્શાવ્યું છે જેને આપણે મોટા ભાગે ઇગ્નૉર કરતા હોઈએ છીએ. સાફસફાઈ, લૉન્ડ્રી, શેફ, હોટેલ રેસ્ટોરાં, રૂમ-ક્લીનિંગ, રિસેપ્શનિસ્ટ, ડિમાન્ડિંગ ગેસ્ટ, ડ્યુટી-મૅનેજર, ડબલ શિફ્ટ બગૈરહ-બગૈરહ! ટ્રેઇની હોવાથી મચ્છર મારવા સહિતનાં કામ વરુણ ધવન કરે છે અને એ કરતો જોવો આપણને ગમે છે. હોટેલથી શૂજિત સરકાર સીધા શિફ્ટ થાય છે હૉસ્પિટલમાં. હૉસ્પિટલ કે હોટેલ રિયલ પ્લેસ પર શૂટ થયા હોવાથી ફિલ્મના એક પણ સીન બનાવટી નથી લાગતા. શરૂઆતની સત્તરેક મિનિટ બાદના મોટા ભાગના સીન હૉસ્પિટલમાં શૂટ થયા છે અને મોટા ભાગની ફિલ્મમાં નવોદિત ઍક્ટ્રેસ બનિતા સંધુએ ડઝનેક પાઇપ વચ્ચે બેડ પર સૂઈને આંખોથી હાવભાવ દર્શાવ્યા છે. 

કોઈ નજીકનું પ્રિયજન હૉસ્પિટલમાં સાનભાન ભૂલીને પડ્યું હોય તેના સ્વજનોની કેવી હાલત થાય - આ વાત ફિલ્મમાં ઓવર મેલોડ્રામેટિક થયા વગર નાઇસલી નરેટ થઈ છે. અમુક ક્લોઝઅપ્સ તથા પૅરાડોક્સિઅલ ડિસ્કશન લા-જવાબ છે. વરુણ ધવન અને શિઉલીની મમ્મી બનતાં ગીતાંજલિ રાવ વચ્ચેના ડાયલૉગ્સ સ-રસ છે. ડાયલૉગ્સ તો ઓછા છે, પરંતુ જુહી ચતુર્વેદીએ અમુક સિચુએશન્સ અને સીન્સ સુપર્બલી બિલ્ટ-અપ કર્યાં છે. વરુણના ફાળે બહુ ઓછા ડાયલૉગ્સ છે, પણ તે બૉડીથી વાત કરે છે. અહીં તે ગોવિંદાવેડા અને સલમાનવેડા નથી કરતો બલકે કન્ટ્રોલ્ડ અને મૅચ્ર્યોડ છે. તેનું હ્યુમર સહજ લાગે છે. ઑલમોસ્ટ ગંભીર ફિલ્મમાં પણ લાઇટ ટોન રાખવો અને હ્યુમરસ ડાયલૉગ્સ અને સિચુએશન ઊભાં કરવાં એ ભયંકર અઘરું કામ છે. હૉસ્પિટલની અંદર ત્ઘ્શ્માં ડૅન અને શિઉલીના સીન્સ સુંદર ફિલ્માવાયા છે. તમને એક બાજુ દુ:ખ થાય છે, પણ તમને સાંત્વના પણ અપાઈ રહી છે કે કંઈક સારું થશે! ઘણા સીન્સ જુહીએ વચ્ચેથી અટકાવી દીધા હોય એવું લાગે છે (એક પૉઇન્ટ પર ફિલ્મ પણ). જોકે દરેક લવ-સ્ટોરી પણ ક્યાં સંપૂર્ણ હોય છે! ઘણા ડાયલૉગ્સ અને સીન્સ લેયર્ડ રાઇટિંગના નમૂનારૂપ છે. એવિક મુખોપાધ્યાયનો કૅમેરો આપણને દિલ્હીના ટ્રાફિક અને ભીડભાડવાળી માર્કેટથી દૂર ધુમ્મસી વાતાવરણ અને બગીચાઓમાં લઈ જાય છે જ્યાં પરિજાત તથા અન્ય વૃક્ષો સિવાય કંઈ જ નથી. સંપૂર્ણ એકલતા! ચંદ્રશેખર પ્રજાપતિનું એડિટિંગ હજી ચુસ્ત થઈ શકત. અમુક દૃશ્યો રિપીટિટિવ લાગે છે. ફિલ્મ માટે ચાર સૉન્ગ કમ્પોઝ થયાં છે, પણ એમાંના એક પણ સૉન્ગનો ફિલ્મમાં ઉપયોગ નથી કરવામાં આવ્યો, જે સારું થયું છે. શાંતનુ મોઇત્રાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને અનુરૂપ-કર્ણપ્રિય છે. વરુણ ધવન અને બનિતા સંધુ સિવાય ફિલ્મમાં ગીતાંજલિ રાવે દમદાર ઍક્ટિંગ કરી છે. તે IIT પ્રોફેસર છે, જેની દીકરી જીવન-મરણ વચ્ચે ઝૂલી રહી છે. તેમની ભેજવાળી આંખોમાં આશાવાદ અને આંસુ, ચહેરા પર હિંમત અને ડર બેઉ દેખાય છે.

ધ લાસ્ટ લીફ જેવું

ફિલ્મમાં દિલ્હીની સવાર એકાધિકાર વાર દર્શાવાઈ છે. જ્યાં આખો દિવસ કેઓસ રહેતો હોય એ જગ્યાએ વહેલી સવારે કેવી અક્ષુબ્ધતા ફેલાયેલી હોય છે! શાંતિ પણ નહીં, પ્રશાંતિ! ઓ. હેનરીની ટૂંકી વાર્તા ધ લાસ્ટ લીફ જેવું અહીં પણ જૅસ્મિન એટલે કે પારિજાતનાં ફૂલોનું શિઉલી સાથે જોડાયેલું મેટાફર દર્શાવાયું છે. જે ફૂલો સપ્ટેમ્બર મહિનાથી ત્રણેક મહિના સુધી થાય છે ને પછી ખરી પડે છે. એની સુવાસ બારેમાસ રહે છે! એ ફૂલો શિઉલીને ખૂબ ગમે છે. ફિલ્મમાં ઑક્ટોબર શબ્દ ડાયલૉગરૂપે માત્ર એક જ વખત આવે છે એ ખાસ ર્શીષકને ન્યાય આપવા મુકાયો હોય એવું લાગે છે. બંગાળીમાં પારિજાતને શિઉલી કહે છે એ જસ્ટ નોંધ માટે. 

જોવી કે નહીં?


‘ઑક્ટોબર’ માત્ર ૧૧૫ મિનિટની છે છતાંય સ્લો પેસ અને ચંદ રિપીટિટિવ સીન્સના કારણે ધીમી લાગે છે. ઇન ફૅક્ટ, મસાલા ફિલ્મો જોવા ટેવાયેલા કે થોડી પણ સ્ટોરિકલ વાર્તાના ચાહકોને આ ફિલ્મ દીઠી નહીં ગમે. આવું તે કંઈ હોય, આમ કેમ કરે છે આ, હૉસ્પિટલથી હોટેલ અને હોટેલથી હૉસ્પિટલ, આ પ્રકારના વિચારો આવવાની શક્યતા પૂરેપૂરી છે. આ ફિલ્મમાં વરુણ ધવન તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર છે એટલે નાચગાના અને સીટીમાર કે નખરાળા ડાયલૉગ્સ જોવા હોય એ મિત્રો પણ દૂર રહે. જેમને ધીમી, શાંત, કંઈ ન કહીને પણ કશુંક કહી જતી, અવ્યક્ત લાગણી દર્શાવતી, હટકે ફિલ્મ જોવાની ઇચ્છા હોય તેઓ જઈ શકે છે.

october


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK