મુન્ના માઇકલ - ડાન્સપંતી

આ મહાકંગાળ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની હેરસ્ટાઇલ સિવાય કશું જ નવું નથી

munna

ફિલ્મ-રિવ્યુ - જયેશ અધ્યારુ

એક નવજાત બેબી કજિયે ચડ્યું છે. થોડી વાર પહેલાં જ તેને કચરાપેટીમાંથી ઉઠાવીને પોતાના ઘેર લાવેલો માણસ તેને શાંત રાખવા માટે તમામ ટ્રિક્સ અજમાવે છે, પરંતુ બાળકનો કજિયો ચાલુ જ રહે છે. તે બેબી છાનું રહે છે માઇકલ જૅક્સનના સૉન્ગથી. જી હા, ટેપરેકૉર્ડર પર માઇકલ જૅક્સનનું સૉન્ગ વાગે અને બેબીના ચહેરા પર સ્માઇલ આવી જાય. એક સળંગ ચાલતી મ્યુઝિકલ સીક્વન્સમાં એ બાળક મોટું થાય. ક્લાસરૂમ, ગલીઓ, સ્થાનિક ઉત્સવો વગેરેમાં નાચતાં-નાચતાં એ બાળકનું રૂપાંતર એક ગઠ્ઠાદાર બૉડી ધરાવતા યુવાનમાં થઈ જાય. લગભગ પાંચેક મિનિટની આ સીક્વન્સ આખી ફિલ્મની મોસ્ટ ક્રીએટિવ પાંચ મિનિટ છે. એ સિવાયની આખી ‘મુન્ના માઇકલ’ ફિલ્મ ક્લિશે, કંટાળો, ઘોંઘાટ, બોરિંગ સૉન્ગ્સ અને ચવાઈ ગયેલા ડાન્સ રિયલિટી શોના ભૂસાથી જ ભરેલી છે.

નાચ મેરી જાન નાચ

દિલ્હીના એક લૅન્ડ માફિયા, હોટેલિયર મહિન્દર ફૌજી (નવાઝુદ્દીન સિદ્દીકી)ને એક ક્લબ-ડાન્સર ડૉલી (નિધિ અગરવાલ)ને ઇમ્પ્રેસ કરવા માટે ડાન્સ શીખવો છે. ડૉલીને પોતાના પિતા સામે જાતને પ્રૂવ કરવા માટે એક ડાન્સ રિયલિટી શો જીતવો છે. મુન્ના (ટાઇગર શ્રોફ)ને પોતાના પિતાનો ઇલાજ કરાવવા માટે પૈસાની જરૂર છે. હીરો છે એટલે પ્રેમનીય જરૂર છે. એટલે સાહેબ બન્નેને મદદ કરે છે. બસ, ઝડપથી મૂવી પૂરું કરીને આપણી જ મદદ નથી કરતો.

હેલિકૉપ્ટર ડાન્સ

દરઅસલ ડિરેક્ટર સબ્બીર ખાને બનાવેલી ટાઇગર શ્રોફની દરેક ફિલ્મ (હીરોપંતી, બાગી અને હવે મુન્ના માઇકલ)ની સ્ટોરી કંઈક આવી હોય છે : ડાન્સ સે ટાઇગર કી એન્ટ્રી હોતી હૈ. ફિર ટાઇગર ફાઇટ કરતા હૈ. ઉસકે બાદ એક સૉન્ગ પે વો ડાન્સ કરતા હૈ. ડાન્સ કે બાદ લડકી કો બચાને કે લિએ ટાઇગર ફાઇટ કરતા હૈ. ફિર લવ સૉન્ગ મેં ટાઇગર કા ડાન્સ. ફિર વિલન કે સાથ ફાઇટ ઔર ટાઇગર કે ડાન્સ કે સાથ ફિલ્મ ખતમ. બાકીની ખાલી જગ્યામાં શું ભભરાવો છો એના પરથી ટાઇગર કઈ ફિલ્મ કરે છે એ નક્કી થાય. અહીં ‘હીરોપંતી’,

‘આર.. રાજકુમાર’ અને ‘ABCD’  ટ્રૅક ભભરાવ્યો એટલે ‘મુન્ના માઇકલ’નું અવતરણ થયું.

review

મતલબ કે ફિલ્મમાં કોઈ સિચુએશન એવી નહીં કે જે આપણને જકડી રાખે, મજા કરાવે કે આગળ શું થશે અતેવી ઇંતેજારી જગાવે. ફિલ્મની એકેક સેકન્ડ પ્રીડિક્ટેબલ અને બોરિંગ. સ્વાભાવિક છે, ટાઇગર શ્રોફ જિમ્નેશ્યમમાં પેદા થયેલો ઍક્ટર છે. એટલે જ ફિલ્મમાં તેની એન્ટ્રી ચહેરા કે પગથી નહીં બલકે તેની સિક્સ કે એઇટ-પૅક ઍબ્સથી પડે છે. હિરોઇન કરતાં વધુ અંગપ્રદર્શન તે કરે છે. એક સર્વે પ્રમાણે ભારતની ૩૭.૯ ટકા જનતા એ નક્કી નથી કરી શકતી કે ટાઇગરનું ડાન્સ સ્ટેપ કયું છે અને ફાઇટ સ્ટેપ કયું છે. તેમના માટે એક સિમ્પલ સોલ્યુશન એ છે કે ટાઇગર હેલિકૉપ્ટરની જેમ પગ ફેલાવીને હવામાં ઊછળે અને જો તે કોઈ માણસ પર લૅન્ડ થાય તો તે ફાઇટ કરી રહ્યો છે અને જમીન પર જ સહીસલામત ઉતરાણ કરે તો તે તેની નૃત્યકળાનો નમૂનો છે. પરંતુ પ્રૉબ્લેમ એ છે કે ડાન્સ અને ફાઇટ સિવાયનાં દૃશ્યોમાં શું કરવું એ વિશે બિચારો સતત કન્ફ્યુઝ્ડ દેખાય છે. એટલે તેને અને દર્શકોને (કૉમિક રિલીફની જેમ) ઍક્ટિંગ રિલીફ આપવા માટે અહીં નવાઝુદ્દીન સિદ્દીકીને ઇન્જેક્ટ કરવામાં આવ્યા છે.

સોબતની અસર આવી હોય કે ગમે તે; પણ અહીં નવાઝુદ્દીને પણ દિલથી હેમ, લાઉડ અને વિચિત્ર ઍક્ટિંગ કરી છે. જો થોડી ગંભીરતાથી આ ફિલ્મ લખાઈ હોત તો નવાઝુદ્દીનનું પાત્ર મસ્ત લેયર્ડ બની શક્યું હોત, કેમ કે તે ગરીબીમાંથી ઊઠેલો હરિયાણવી લૅન્ડ શાર્ક છે. ખાસ ભણેલો નથી, સ્ટાઇલ, ટેસ્ટ, નજાકત સાથે તેને દૂર-દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી. વળી માથાભારે પિતાએ તેને પરાણે પરણાવી દીધો છે. હવે એ માણસ કોઈ દિલધડક બ્યુટીને આકર્ષવા નીકળે ત્યારે તે કઈ રીતે વર્તે? અહીં હાઈ સોસાયટીને અપીલ કરવા માટે તેણે હોટેલમાં વિક્ટોરિયન યુગનાં જાયન્ટ સાઇઝનાં પેઇન્ટિંગ ટાંગ્યાં છે. તેમ છતાં ઘરે તો તે પોતાની માના હાથની થપ્પડો જ ખાય છે ને પલાંઠી વાળીને જમવા બેસે છે. માસમાંથી ક્લાસમાં ઘૂસવા માટેની તેની છટપટાહટ આ ફિલ્મમાં માત્ર ફારસ બનીને રહી ગઈ છે. કદાચ એવું બતાવવાનો ડિરેક્ટરનો ઇરાદો પણ નથી. ડિરેક્ટરે તેની પાસે અઘરાં ડાન્સ સ્ટેપ કરાવ્યાં છે. એવી એક સીક્વન્સમાં ચોખ્ખી ખબર પડી જાય છે કે જ્યાં ચહેરો દેખાતો નથી એ શરીર પણ નવાઝનું નથી. એક સવાલ એ થાય કે નવાઝુદ્દીન સિદ્દીકી જેવા ટૅલન્ટેડ ઍક્ટરને આવી ફિલ્મ કરવાની શી જરૂર પડી હશે? એક વિચાર આવે છે કે તેણે આપણી સૉન્ગ ઍન્ડ ડાન્સ ફૉમ્યુર્લાી ફિલ્મોની ખિલ્લી ઉડાવવા જ આ ફિલ્મ કરી હોય તો?

અફકોર્સ, જ્યાં સ્ટોરીનાં ઠેકાણાં ન હોય ત્યાં લૉજિક તો ક્યાંથી હયાત હોવાનું? એક મસ્ત સૅમ્પલ જુઓ: દિલ્હીના પાદરમાં વિલનલોગની ધમાચકડી વચ્ચે ટાઇગરના જમણા પગમાં ગોળી વાગે છે. હૉસ્પિટલ? નો. હિરોઇનનો ડાન્સ-શો વધુ મહત્વનો છે. મુંબઈમાં ડાન્સ-શોનું ફાઇનલ સ્ટાર્ટ થાય છે. ટાઇગરભાઈ ઝીરો ગ્રેવિટી અવસ્થામાં ડાન્સ કરે છે. ગોળી વાગી છે ત્યાં હિરોઇન પગ મૂકીને તેના ખભા પર પણ ચડે છે. ક્લાઇમૅક્સ સ્ટાર્ટ થાય છે, પૂરો થાય છે. છેક સુધી ટાઇગરના પગમાં ઘૂસેલી બંદૂકની ગોળી કાઢવામાં કોઈને રસ પડતો નથી.

‘જગ્ગા જાસૂસ’ ન હોવા છતાં આ ફિલ્મમાં નવેક ગીતો છે અને એટલા જ સંગીતકારો છે. એક ગીતના શબ્દો છે : મેરીવાલી ડિંગ ડાંગ કરતી હૈ. આ લેવલથી ફિલ્મનું મ્યુઝિક એક સેન્ટિમીટર પણ ઉપર ઊઠી શક્યું નથી.

નવાઝુદ્દીન અને પંકજ ત્રિપાઠી જેવા ઍક્ટિંગની ઇન્સ્ટિટ્યૂટ જેવા અદાકારોને જોકરવેડા કરતા જોઈને દુ:ખ થાય એટલું જ દુ:ખ બ્યુટીફુલ નિધિ અગરવાલને ડેવ્યુ માટે આવી નબળી ફિલ્મ મળી એ માટે થાય (તમે માનશો? ફિલ્મમાં ડાન્સ રિયલિટી શોની સ્પર્ધક તે છે, પરંતુ ફાઇનલ પર્ફોર્મન્સ મુન્નાનો બતાવાય છે અને તે તો લિટરલી સાઇડમાં ધકેલાઈ જાય છે). અરે હા, ફિલ્મમાં રૉનિત રૉય પણ છે. ફિલ્મ કહે છે કે તે ૧૯૯૫માં ગોવિંદાની ફિલ્મમાં બૅકઅપ ડાન્સર હતો. લાંબા વાળ, હાથમાં દારૂની બાટલી, ફિલ્મી ખ્રિસ્તી બોલી અને કોઈ ભેદી બીમારી સાથે રૉનિત રૉયને જુઓ તો વિશ્વાસ જ ન આવે કે આ એ ઍક્ટર છે જેણે ‘ઉડાન’ કે ‘અગ્લી’માં માત્ર ઍક્ટિંગથી ખોફ પેદા કરી દીધેલો.

વાઘ આવ્યો રે વાઘ


‘મુન્ના માઇકલ’ ફિલ્મ જેટલી જ વાહિયાત વાત એ છે કે કૉમેડીના ભાગરૂપે તે કહે છે કે આપણો સ્વાર્થ કાઢવો હોય તો ઍરલાઇનમાં નનામો કૉલ કરીને બૉમ્બની અફવા ફેલાવી શકાય, ટ્રેનની સાંકળ પણ ખેંચી શકાય. આ બધું ઇગ્નૉર કરીએ તોય ‘મુન્ના માઇકલ’ માત્ર ટાઇગર શ્રોફ ડાન્સ, ફાઇટ કે જ્યાં-ત્યાં પડી આખડીને પાર્કર (Parkour) કરી શકે છે એ બતાવવા માટે જ બનાવી હોય એવી લગભગ અઢી કલાક લાંબી બાલિશ ફિલ્મ છે. આ ફિલ્મને ભૂલીને અઢી કલાક મસ્ત ઊંઘ ખેંચી લેવી કે પરિવાર સાથે લૉન્ગ ડ્રાઇવ પર નીકળી પડવું એ બેસ્ટ વિકલ્પ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK